શૃંગારશતક (૫) – ઋતુવર્ણન (વર્ષા)


હવે ગુજરાતમાં પણ વર્ષારાણીનો રૂમઝુમ રૂમઝુમ પદરવ સંભળાય છે. તો આવો આપણા જાણીતા શૃંગારશતક માંથી વર્ષાના માદક વર્ણનનો આસ્વાદ માણીએ. અહીં કવિશ્રી ભર્તૃહરિએ છ મુક્તકોમાં વર્ષાઋતુનું અદ્‌ભુત રસિક વર્ણન કરેલું છે. વરસાદમાં ભિંજાવાથી સળેખમ થવાનો ભય જેને સતાવતો હોય તેવા સુકાભઠ્ઠ માણસો પણ આ મુક્તકોથી ભિંજાઇ જશે ! તેની મને ખાત્રી છે. 

तरुणीवेषोद्‌दीपितकामा विकसज्जातीपुष्पसुगन्धिः ।
उन्नतपीनपयोधरभारा प्रावृट्‌ तनुते कस्य न हर्षम्‌ ॥९०॥

 તરુણી જેવા (શ્યામ) વેષથી જેણે કામને ઉદ્‌દીપિત કર્યો છે તેવી, ખીલી ઊઠેલી માલતીનાં પુષ્પોથી મહેકતી, ઊંચા અને ઘટ પયોધર (વાદળાં, સ્તનો) ના ભારથી ઝુકેલી આ વર્ષા કોને આનંદ ન આપે ?

 

वियदुपचितमेघं भूमयः कन्दलिन्यो
नवकुटजकदम्बामोदिनो गन्धवाहाः ।
शिखिकुलकेकारावरम्याः वनान्ताः
सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९१॥

 ઘટાટોપ મેઘથી છાવાયેલું આકાશ (લીલા) તૃણાંકુરોથી આચ્છાદિત ભૂમિ, તાજા ખીલેલા કુટજનાં સમૂહોથી સુગંધી વાયુઓ, મયૂરવૃંદનાં ટહુકાથી રમ્ય બનેલા વનનાં સીમાડાઓ; આ બધું સુખીઓને અને દુઃખીઓને સહુને ઉત્કંઠા જગાડે છે.


(कुटज = કુટજ = ’કડું’ નામે ઓળખાતું એક પ્રકારનું ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ, જેના બીજ  ઈન્દ્રજવ નામે પણ ઓળખાય છે. (En: Holarrhena antidysenterica) વર્ષાઋતુમાં તેમાં માદક ગંધ ધરાવતા ફૂલો આવે છે.)

 

उओअरि घनं घनपटलं तिर्यग्गिरयोऽपि  नर्तितमयूराः ।
क्षितिरपि कन्दलधवला दृष्टिं पथिकः क्व पातयति ॥९२॥

 ઉપર ઘનઘોર મેઘઘટા છે, આડી પડેલી ગિરિમાળા ઉપર મયૂરો નૃત્ય કરે છે, ભૂમિ પણ તૃણાંકુરોથી ધવલ બની છે. પથિક, નજર કરે તો પણ ક્યાં કરે ?

 

इतो विदुद्वल्लीविलसितमितः केतकीतरोः
स्फुरन्गन्धः प्रोद्यज्जलदनिनदस्फूर्जितमितः ।
इतः केकीक्रीडाकलकलरवः पक्ष्मलदृशां
कथं यास्यन्त्येते विरहदिवसाः संभृतरसाः ॥९३॥

આ તરફ વીજળી ચમકારા કરે છે. આ બાજુ કેતકી (કેવડો) વૃક્ષની સુવાસ પ્રસરી રહી છે. આ તરફ ચડી આવતા મેઘની ગર્જના થાય છે અને આ બાજુ ક્રીડા કરતા મયૂરના ટહૂકા થાય છે. સુંદર પાંપણવાળી સુંદરીઓના રસથી ભરેલા આ વિરહના દિવસો કેવી રીતે વીતશે ?

असूचीसंचारे तमसि नभसि प्रौढजलद-
ध्वनिप्राज्ञं मन्ये पतति पृष्तानां च निचये ।
इदं सौदामन्याः कनककमनीयं विलसितं-
मुदं च मलानिं च ग्रथयति पथि स्वैरसुदृशाम्‌ ॥९४॥

જ્યારે સોયની અણીથી પણ ન ભેદી શકાય તેવો (ગાઢ) અંધકાર છે, આકાશમાંથી જ્યારે ઘટાટોપ મેઘની ગર્જનાનો ધ્વનિ પોતાનો છે એમ માનીને જલબિંદુઓ વરસે છે, ત્યારે વીજળીનો આ સોનાના જેવો સુંદર ચમકારો, સ્વૈરવિહાર કરતી સુંદરીઓના માર્ગમાં હર્ષ અને ગ્લાનિ (બંન્ને) પ્રગટાવે છે.


(असूचीसंचारे = સોયની અણી પણ જ્યાં પ્રવેશી ન શકે તેવું / मुदं च मलानिं च = હર્ષ અને શોક = અંધકારમાં વીજળીનો ચમકારો થવાથી, સ્વૈરવિહારિણી અભિસારિકાને માર્ગ દેખાય છે તેથી હર્ષ થાય છે અને પ્રકાશમાં કોઇ જોઇ જશે તેવા ડરને કારણે ગ્લાનિ થાય છે.)

 

आसारेण न हमर्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते
शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते ।
जाताः शीकरशीतलाश्‌च मरुतो रत्यन्तखेदच्छिदो
धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥९५॥

વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઇ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે. જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને ખરેખર દુર્દિન (માઠા દિવસો) પણ સારા દિવસ બની જાય છે.  

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

* ઇન્દ્રજવ (કડું) – વધુ માહીતિ અને ઉપયોગ  

कुटज = કુટજ = કડું

6 responses to “શૃંગારશતક (૫) – ઋતુવર્ણન (વર્ષા)

 1. શ્રીમાન અશોક મુની,
  “વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઇ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે.”ભાઈ વડોદરા હતા ત્યાં સુધી દરેક પ્રથમ વરસાદે અને જયારે ચાન્સ મળે ત્યારે અમે બાઈક ઉપર અમારા અર્ધાંગીની ને બેસાડી વરસાદ માં પલળતા નીકળી પડતા.અહી એવો ચાન્સ નથી.

  Like

 2. અશોકભાઈ,

  સુંદર અનુવાદ અને રસાસ્વાદ કરાવવા બદલ ધન્યવાદ!

  Like

 3. વાહ ! સુંદર વર્ણન. છ મુક્તકોએ ખરેખર ભિંજવી દિધા.. શૃંગારશતક – ઋતુવર્ણન (ગ્રીષ્મ)નું વર્ણન આટલુ જ સુંદર હતુ.ફોટોગ્રાફી પણ લાજવાબ..

  Like

 4. સાચે જ આટલું કલાત્મક વર્ણન સંસ્કૃતસાહિત્ય જ કરી શકે! તમારો અનુવાદ પણ એવો જ લાજવાબ છે.

  Like

 5. અશોક્મુની કી જ્ય હો.. . વંરસાદ વગર ભિંજવી દિધા, આટ્લા સખત ઉક્ળાટ એક જાપટુ પલાળી ગયુ એવુ લાગ્યુ સુંદર અનુવાદ

  Like

 6. શ્રી ભુપેન્દ્રસિંહજી, શ્રી હેમંતભાઇ, શ્રી રજનીભાઇ, શ્રી ચિરાગભાઇ તથા શ્રી શકિલભાઇ. સૌ મિત્રોનો આભાર.
  આપ સૌ અને અન્ય વાંચકમિત્રોના પ્રેમનાં ઝાપટાંમાં હું પણ ભીંજાઇ ગયો ! શાથે એક ખુલાસો કરવાની મારી ફરજ સમજું છું. આ શતકો આપના સુધી પહોંચાડવા બદલનાં આપના પ્રેમભર્યા પ્રતિભાવો હું સ્વિકારૂં છું, પરંતુ આ શતકોનું ભાષાંતર, મેં શતકોની શરૂઆતના પ્રથમ લેખમાં જ લખેલું તેમ, પૂ.સ્વ.રવજીબાપા અને માન.સાવલિયા સાહેબના અનુવાદને આધારે છે. હું તો તેમાં ક્યાંક ક્યાંક સમયોચિત્ત ઉમેરણ કરૂં છું. આથી આ સન્માન હું નમ્રભાવે તેઓના ચરણે ધરીશ. પૂ.રવજીબાપાએ આ શતકોનું સમશ્લોકી ગુજરાતી પદ્યરૂપાંતરણ કરેલ છે, જે આપણે અહીં પ્રસિધ્ધ ન કરી શકીએ પરંતુ પ્રવિણ પ્રકાશન – રાજકોટ દ્વારા તેના સુંદર પુસ્તકો પ્રકાશિત થયેલા છે. વાંચવા આગ્રહ છે. આપ સૌ મિત્રોનું પ્રોત્સાહન મારે માટે પ્રેરકબળ બને છે. આપનો પ્રેમ અને માર્ગદર્શન મળતા જ રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s