મિથાઇલ આઇસોસાઇનેટ – ભોપાલ ગેસ


ભોપાલ ગેસ દુર્ઘટના પર હમણા અદાલતે ન આપ્યા જેવો ન્યાય આપ્યો ! આ બાબતે હમણાતો અખબારો, સામયીકો અને નેટ પર ઘણું લખાય છે. શ્રી જયવંતભાઇએ તેમના બ્લોગ પર આ દુર્ઘટના વિશે રજેરજની માહીતિ આપતી લેખમાળા મુકી છે. (ભોપાલ ગેસકાંડમાં સોલિડ ન્યાય તોળાયો ખરો? અને અન્ય લેખો) વાંચવા જેવી લેખમાળા છે. વર્ષો પહેલા “સફારી” વિજ્ઞાન મેગેઝીનમાં પણ ભોપાલ ગેસ દુર્ઘટના વિશે વૈજ્ઞાનિક ઢબે માહીતિ આપતો લેખ આવેલો. (સફારીના કયા અંકમાં આ લેખ હતો તે કોઇને જાણકારી હોય તો અહીં લખવા વિનંતી.) તે લેખ વાંચીને મનુષ્યના તમામ લક્ષણો ધરાવતા કોઇ પણ પ્રાણીના રૂંવાડા ઊભા ન થઇ જાય તો મને ફટ કહેજો ! 

જો કે આપણે અહીં આ ભયાનક ત્રાસપૂર્ણ ઘટના માટે જવાબદાર એવા, અનેકો માંના એક, વિલનને ઓળખવાનો વૈજ્ઞાનિક ઢબે પ્રયાસ કરીશું. તેનું નામ ’મિથાઇલ આઇસોસાઇનેટ’.

ભોપાલ સ્થિત ’યુનિયન કાર્બાઇડ’ કારખાનું (કે કાળખાનું ?) ’કાર્બરૈલ’ (carbaryl), કે જેનું બજારુ નામ ’સેવિન’ હતું, તે જંતુનાશક કેમિકલનું ઉત્પાદન કરતું હતું. અને આ જંતુનાશક ના ઉત્પાદનમાં વપરાતું મહત્વનું અને મુખ્ય રસાયણ એટલે ’મિથાઇલ આઇસોસાઇનેટ’ (Methyl isocyanate), જે ટુંકમાં (MIC) તરીકે ઓળખાય છે. મિથાઇલ આઇસોસાઇનેટ મુળ તો જૈવિક સંયોજન છે જેનું અણુસુત્ર C2H3NO છે. જંતુનાશકો ઉપરાંત આ સંયોજન રબ્બર અને ચીકટ પદાર્થો (ગુંદર જેવા)ની બનાવટમાં પણ વપરાય છે. આ સંયોજન માનવ આરોગ્ય માટે જોખમી છે. મિથાઇલ આઇસોસાઇનેટ બનાવવા માટે ’મિથાઇલ એમાઇન’ (CH3NH2)  શાથે ’ફોસજીન’ (COCl) ની પ્રતિક્રિયા કરાય છે, ત્યાર બાદ આ મિથાઇલ આઇસોસાઇનેટની ’૧-નેપ્થોલ’ શાથે પ્રતિક્રિયા કરી અને  ’કાર્બરૈલ’  (જંતુનાશક રસાયણ) બનાવાય છે.  અહીં આ ’ફોસજીન’ માટેની એક આડવાત લઇએ તો, આ રસાયણ પ્રથમ વિશ્વયુદ્ધમાં ’રસાયણિક શસ્ત્ર’ રૂપે વપરાયું હતું.

મિથાઇલ આઇસોસાઇનેટ, પારદર્શક, રંગવિહીન, અશ્રુપેદા કરનાર (આંખોમાં બળતરા ઉત્પન્ન કરનાર) અને તિવ્ર ગંધ ધરાવતો પ્રવાહી પદાર્થ છે. (ટુંકમાં ’મિથાઇલ આઇસોસાઇનેટ’ એ ગેસ નથી.) આ રસાયણ અતિ જવલનશીલ હોય છે, ૩૯.૧ °સે. તાપમાને તે ઉકળવા માંડે છે, અને તેનો ’ફ્લેસ પોંઇંટ’ (ભભુકી ઉઠવું) બહુ નીચો હોય છે. મિથાઇલ આઇસોસાઇનેટ પ્રતી ૧૦૦ ભાગે ૬ થી ૧૦ ભાગ જેટલો પાણીમાં દ્રાવ્ય છે, જો કે તે પાણી શાથે પ્રતિક્રિયા પણ કરે છે. પાણી શાથે પ્રક્રિયા દરમિયાન ૧,૩-ડાયમિથાઇલ યુરીયા અને કાર્બન ડાયોકસાઇડ શાથે પ્રતિ ૧ ગ્રામ પ્રતિક્રિયાત્મક મિથાઇલ આઇસોસાઇનેટ દીઠ ૩૨૫ કેલરી ઉષ્માનું સર્જન થાય છે. (આ ઉપરાંત અન્ય ઘણા પદાર્થો શાથે તે પ્રતિક્રિયા કરે છે, જેની વિગત અહીં લખતો નથી)

આ રસાયણનું આટલું પીષ્ટપીંજણ વાંચીને જ કંટાળ્યા હો તો આપને એ લોકો, કે જેમણે ખુદ આ રસાયણનો કેર ભોગવ્યો છે, તેમના ત્રાસનો સુક્ષમ અનુભવ થશે જ !!! આ વર્ણન એટલે કરાયું છે કે જેથી આપણે આ દુર્ઘટના વિષયક લેખો વાંચીએ ત્યારે આ દુર્ઘટના કેમ બની તે વૈજ્ઞાનિક ઢબે પણ સમજી શકીએ.  ટુંકમાં કહીએ, તો ઉપર જણાવ્યા મુજબના રસાયણો ના વપરાશ દ્વારા બનેલો મિથાઇલ આઇસોસાઇનેટ પાણી શાથે ભળવાથી પ્રક્રિયા કરી અને ગરમી ઉત્પન્ન કરે છે, પાછો આ પદાર્થ પોતે બહુ નીચા તાપમાને જવલનશીલ હોય છે, અને જે ટાંકીમાં આ રસાયણ ભર્યું હતું તે ટાંકી અને આસપાસની પાણીની પાઇપલાઇનો વગેરે કાટ ખાયેલી અને જીર્ણશિર્ણ હતી. ટાંકીમાં રસાયણ પણ ઓછું નહીં પુરું ૪૨ ટન હતું. રાત્રી દરમિયાન તુટેલા પાઇપમાંથી પાણી આ ટાંકીમાં ભળતું રહ્યું અને અંતે ટાંકીનું આંતરીક તાપમાન ૪૦૦ °સે. સુધી પહોંચી ગયું. જેનું નિયમન પછી આઉટ ઓફ કંટ્રોલ હતું. સંરક્ષણ માટેના ઉપકરણો કાં તો બંધ હતા કે પછી યોગ્ય કામગીરી બજાવતા નહોતા. અને આ રસાયણ તેના ગુણધર્મ મુજબ, ઊંચા તાપમાને વાયુમાં ફેરવાવા લાગ્યું. જે દબાણ રોધક વાલ્વ દ્વારા હવામાં ભળવા લાગ્યો. અને આ વાયુમાં કયા તત્વો હતા ? ઉપર મિથાઇલ આઇસોસાઇનેટની બનાવટ ધ્યાનપૂર્વક વાંચીશું તો ખ્યાલ આવી જ જશે.

આ કાળમુખા વાયુના વાદળમાં,   ’ફોસજીન’ (જે યુદ્ધમાં રસાયણિક શસ્ત્ર તરીકે વપરાયેલો), હાઇડ્રોજન સાઇનાઇડ, કાર્બન મોનોકસાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, મોનોમિથાઇલ એમાઇન અને કાર્બન ડાયોકસાઇડ. (જાણે અભિમન્યુને હણવા સાત કોઠાની રચના !)  મિથાઇલ આઇસોસાઇનેટ દ્વારા મનુષ્યને થતા નુકશાન પર નજર કરીએ તો; નિષ્ણાતોનાં કહેવા અનુસાર ૦.૦૨  ppm એ આ રસાયણના બિનનૂકશાન કારકતા માટેનું મહત્તમ પ્રમાણ છે. ૦.૪  ppm રસાયણ શ્વાસમાં જવાથી કે સંસર્ગમાં આવવાથી, ખાંસી, છાતીમાં બળતરા, કૃચ્છશ્વસનતા ( ડિસપ્નિઆ), દમ, આંખ નાક ગળામાં ગળતર, અને ચામડીને નૂકશાન થાય છે. ૨૧ ppm જેટલો ડોઝ ઘાતક નિવડે છે, જેમાં ફેફસાનું કાર્ય બંધ થવું, સોજા ચડવા, હેમરેજ, ન્યુમોનીયા અને અંતે મોત.

આપને થશે કે જંતુનાશક બનાવવામાં આ રસાયણ વાપરવું જ પડે તેમાં કાંઇ છુટકો છે ? હા ! યુનિયન કાર્બાઇડે પોતાનો નફો વધારવા માટે આ સસ્તું રસાયણ વાપરેલું, બાકી વિશ્વની ઘણી કંપનીઓ ’કાર્બરૈલ’નું ઉત્પાદન કરવામાં મોંઘા પણ ઓછા ઘાતક અને વધુ સલામત એવા રસાયણો વાપરે છે. અહીં તો ફક્ત અમુક લોકોના લોભ અને લાલચના ખપ્પરમાં હજારો નિર્દોષ જીંદગીઓ હોમાઇ ગઇ.

(આ લેખની અમુક તકનિકી માહીતિઓ તથા ચિત્રો ’વિકિપીડિયા’ના વિવિધ લેખોમાંથી લીધેલ છે)


મિત્રો, અહીં એક પુરવણી આપવા ઇચ્છું છું. શબ્દો સારા નહીં લાગે પરંતુ ’નાગાઇ ની હદ’ કહેવાય તેવું ’યુનિયન કાર્બાઇડ’નું નિવેદન આપ અહીં આપેલ લિંક પર વાંચી શકશો. આપ રસ ધરાવતા હોય તો આ સાઇટ પર મુકેલા તમામ નિવેદનો વાંચવા ભલામણ કરું છું. “ચોરી ઉપર શિનાજોરી” એવી કહેવતનો સાચો અર્થ જાણવા મળશે.
વાંચો અને વિચારો :
* Statement of Union Carbide Corporation Regarding the Bhopal Tragedy :

* Frequently Asked Questions : (And Answers by Union Carbide Corporation)


10 responses to “મિથાઇલ આઇસોસાઇનેટ – ભોપાલ ગેસ

 1. શ્રી અશોકભાઈ,

  આ બધી દુર્ઘટનાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે. તેનાથી નુકશાન પામનારાઓ ઉપર શું વીતે છે તે પણ જાણકારી મેળવેલ છે. હવે જો બધા જ ચારે બાજુ થી આ નરાધમોને ખુલ્લા પાડે તો ઝડપથી ન્યાય મળી શકે. અને ભુતકાળમાં જે કાઈ બની ગયું હોય તેનાથી કોઈએ ડરવું નહીં તેનું અભયવચન જાહેરમાં જ આપીએ છીએ. વળી વધુ આવી દુર્ઘટનાઓ ને બનતી રોકી શકાય.

  Like

 2. રસાયણો સાથે જેમને પનારો (અગાઉ અથવા અત્યારે) પડી ચૂક્યો હોય/પડ્યો હોય તેમને સાઇનાઇડ કેટલું ઝેરી છે તે કહેવાની જરૂર નથી. પોટેશિયમ સાઇનાઇડ વિશે તો, જો હું ભૂલતો ન હોઉં તો, કહેવાય છે કે તેનો સ્વાદ કેવો છે તે કોઈ કહી શક્યું નથી (ભૂલચૂક માફ) કેમ કે જીભ પર મૂકીને સ્વાદ વિશે લખવા જાય તે પહેલાં તો મોત થઈ ગયું હોય!

  Like

  • આભાર, જયવંતભાઇ.
   આપની લેખમાળા વાંચી અને આ માહીતિ લેખ બનાવવાનો વિચાર આવ્યો. આપ જેવા કટાર લેખકશ્રીઓ અને પત્રકારશ્રીઓના પ્રયાસથી આવેલ જનજાગૃતીને કારણે વર્ષો પછી આ ગેસપિડીતોને થોડો ન્યાય મળે (અને દુર્જનોને દંડ મળે) તેમ લાગે છે.
   આપે ઉલ્લેખેલ પોટેશિયમ સાઇનાઇડની કેપસ્યુલ્સ તમિલ ટાઇગર્સને કારણે બહુ પ્રસિદ્ધ થયેલી. આભાર.

   Like

 3. શ્રી અશોકભાઈ,
  મેં આની એક ડોક્યુમેન્ટ્રી જોએલી છે.આમાં આ રસાયણ ની ટાંકીઓ સાચવવામાં સુરક્ષા ના કોઈ ધારા ધોરણ સચવાયા ના હતા.એમાં પાણી નું એક ટીપું પડે એટલે ચેઈન રીએક્શન શરુ થાય,ને ગેસ બનવા માંડે.બસ એવુજ થયેલું.એને જે ઓછા ટેમ્પરેચર માં રાખવું પડે તેનું ધોરણ પણ સચવાયું નહોતું.બીજું મને નામ યાદ નથી પણ ત્યાં જોબ કરતા એક ઉંચી પોસ્ટ ધરાવતા બહેન શ્રીએ આ બાબતો નો ખુબ વિરોધ કરેલો,પણ કોઈ અધિકારીઓએ એમનું સાંભળ્યું નહિ.છેવટે એમને ત્યાંથી જોબ છોડેલી કે પછી રવાના કરાયા હશે.ખાસ યાદ નથી,પણ આમાં ભારતીય ઉચ્ચ અધિકારીઓ ની પણ બેજવાબદારી હતી.ધોળિયા તો લુંટવા આવેજ છે.પણ આપણે લુંટાઈએ એ છીએ એમાં આપણો પણ વાંક છે.બીજું ભારતીય ન્યાયતંત્ર માં મને વિશ્વાસ છે એવું કાયમ દંભી લોકો કહે છે.શું ખાક વિશ્વાસ રાખવાનો?૨૫ વર્ષે ચુકાદો?આળસુ ન્યાયાધીશો ને પહેલા ફાંસીએ ચડાવી દેવા જોઈએ.સાલા હરામીઓ ચેમ્બરોમાં બેસી રહે છે.કોઈ જવાબદારી લેવી જ નથી.અમેરિકા માં તમાકુ લોબી આખી દુનિયા માં સૌથી વધારે પાવરફુલ હતી.અહી કોઈએ કેસ કરેલો સામાન્ય માણસે. કરેલો.અહીના જ્યુરી ના સભ્યો ને ફોડવા તમાકુ લોબી એ ખુબ ધમ પછાડા કરેલા. પૈસા થી માંડી ને ધાક ધમકી ને મારવા સુધી ના પ્રયત્નો કરેલા.જ્યુરી ના સભ્યો કોઈ મોટા ઘરના હોતા નથી.બધા સામાન્ય ઘર ને આર્થીક પરિસ્થિતિ ના હોય છે.પણ નાં ચાલ્યું.૪૦૦ મીલીઓન ડોલર નો દંડ ઠોકી ને એની હવા કાઢી નાખી.

  Like

  • એકદમ સાચી વાત ! જો કે આપ ઉપર લેખમાં આપેલ લિંક પર જઇ ’કંપની’એ કરેલા ખુલાસાઓ વાંચશો તો કદાચ ગુસ્સામાં એ ખુલાસાઓ કરનારાઓને ભડાકે જ દેશો !! તેઓનું કહેવું છે કે અમારી સલામતી વ્યવસ્થા એકદમ સચોટ હતી !! આ તો એક કામદારે ભાંગફોડીયા પ્રવૃતી કરી અને ટાંકીમાં પાણી નાખી દીધેલ !!!! (લો કરલો બાત !) જો કે આ ગોબેલ્સના વારસદારોએ આવા તો કંઇક જુઠાણાઓ રજુ કર્યા છે. આભાર.

   Like

   • સાચેજ ભડાકે દઈ દઉં.એ કામદાર તો મરી જ ગયેલો,એના નામે કંઈ પણ કહી દો.એને તો ખબર જ ના હતી કે આ રસાયણ કેટલું ઝેરી હોય.ઉલટો એ તો દોડા દોડી કરતો હતો,પણ એને એનો ઉપાય ખબર ક્યા થી હોય?કોઈએ ભાંગફોડ કરી નથી.સુરક્ષામાં પહેલેથીજ ખામીઓ હતી.ભારત સરકારે જ એ મૃત્યુ પામેલા કામદાર વિરુદ્ધ ના નિવેદનો વખોડી કાઢવા જોઈએ.કદાચ વકીલોએ એવો ઉપાય સુજાવ્યો હશે કે એના માથે ધોળી દો.હવે તો ગુનેગારો એંસી વરસ ના થઇ ગયા છે.શું સજા કરવાના?ભારત ના નમાલા રાજકારણીઓ ને નમાલા આલસ્ય શિરોમણી ન્યાયાધીશો.એક વાત વિચારો કે કામદારે પાણી નાખ્યું તો એ ભાગી કેમ ના ગયો?મરી શું કામ ગયો?પાણી નાખી ત્યાં મરવા માટે ઉભો રહે ખરો?ભારત ની જનતાએ આવા નિવેદનો નો વિરોધ કરવો જોઈએ.

    Like

 4. શ્રી અશોકભાઈ,
  ભોપાલની બનેલી દુર્ઘના તમે તાજી કરી..જેવી રીતે જાપાનમાં અણું-બોમ્બની અસર વર્ષો સુધી રહી..એવું જ કાંઈ બન્યું..!એમાં ગરીબો ને જે રાહ્ત મળી તે આખા રોટલામાંથી માત્ર એક બટકું મળ્યું..ખેદની વાત છે..તમો સરસ વાત લઈ તમો બ્લોગ પર લાવો છો..બદલ મારા હાર્દિક અભિનંદન..તમારો બ્લોગ્માં એક જુદી જાતના વિષય લઈ આવો છો..એ ઘણું સારૂ કહેવાય..બસ લખતા રહો અને આવી રીતે સાહિતક્ષેત્ર..નવી નવી વાનગી પિરસતા રહો..

  Like

 5. હકીકતમાં આ કંપનીનો પ્લાન્ટ છ મહિનાથી બંધ હતો. મિથિલ આઈસોસાઈનેટ ના તાપમાનને નીચું રાખવા માટેના કુલીંગ પ્લાન્ટ વીજળી બચાવવા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. તાપમાન અને દબાણ દર્શાવતા ગેઝ પણ બંધ હાલતમાં હતા.સિક્યોરીટી અલાર્મ્સ પણ બંધ હાલતમાં હતા……..કેટલી બેદરકારી…….અને અંતમાં અશોકભાઈ આપની વાંચનયાત્રાથી બહુ જ સરસ જ્ઞાન મળે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s