શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ)


વૈશાખી વાયરા

 આપણે આ પહેલાં પણ શૃંગારશતકમાંથી વિવિધ વિષયો પરની રચનાઓ માણી છે, (પરિચય, સ્ત્રીપ્રશંસા, સંભોગવર્ણન ) 
શૃંગારશતકના ઋતુવર્ણન વિભાગમાં વિવિધ ઋતુઓનું રસિક વર્ણન કરેલ છે. પરંતુ આ વર્ણન સ્વતંત્ર ઋતુવર્ણન નથી. અહીં ૠતુઓ શૃંગારરસને પોષવા માટે તેના ઉદ્દીપનભાવ તરીકે નિરૂપવામાં આવી છે. જેમ કોઇ કુશળ ચિત્રકાર થોડી રેખાઓથી મધુર આકૃતિ દોરી આપે છે તેમ કવિ ભર્તૃહરિ કલમથી ટપકતી શબ્દાવલિથી છ ૠતુઓનું મનહર વર્ણન કરે છે. આમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિરનું અદ્‌ભુત વર્ણન કરેલ છે. સ્વાભાવિક રીતે જ વસંત શૃંગારરસની વાહક હોવાથી તેનું વર્ણન થોડું લાંબુ થયેલ છે. આપણે અત્યારે ગ્રીષ્મઋતુનો અનુભવ કરતા હોવાથી (ભારતીય ઉપખંડમાં) અહીં ફક્ત ગ્રીષ્મઋતુ પર કવિએ લખેલાં શૃંગારરસપ્રચુર મુક્તકોનો આનંદ ઉઠાવીશું. શૃંગારશતકમાં ગ્રીષ્મનું વર્ણન કરતા ત્રણ મુક્તકો મળી આવે છે. આમતો વસંત અને વર્ષા પર ઘણાં રસિક કાવ્યો કે રચનાઓ આપણાં સાહિત્યમાં મળે છે, પરંતુ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું ખપાવ્યું નથી ! અને ગ્રીષ્મ એટલે તો ધોમધખતા તાપની ઋતુ, તેમાં વળી રસિકતા કે શૃંગારરસનાં દર્શન ક્યાંથી થાય ! (હા કેરીના રસના દર્શન વળી બરાબર છે !) પરંતુ અહીં કવિએ આ બળબળતા તાપમાંથી પણ શૃંગારરસ નિતાર્યો છે જે કદાચ સર્વે વાંચકોનાં મનને (અને તનને પણ !) શિતળતાનો આલ્હાદ્‌ક અનુભવ કરાવશે. (યુરોપ, અમેરિકામાં વસતા રસિકજનોએ ગ્રીષ્મનો આ શૃંગારીક લાભ મેળવવા માટે અત્યારે ભારતની મુલાકાત લેવી જોઇશે. જેઓને ભુતકાળમાં અહીંની આ ઉષ્ણતાનો અનુભવ હોય તેઓ ત્યાંની ઠંડકમાં પણ મનની કલ્પનાશીલતાને કામે લગાડી અને પ્રસ્વેદથી સ્નાન કરી શકે છે !)       
   
  

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥
  

સ્વચ્છ અને આછા ચંદનના લેપથી ભીની ભીની મૃગનયનીઓ, ફુવારા વાળા ભવનો, પુષ્પો તેમજ ચાંદની, મંદ મંદ પવન, માલતીની વેલીઓ અને સ્વચ્છ અગાશી; આ બધું ઉનાળામાં મદને અને મદનને (કામને) ઉદ્‌દીપિત કરે છે.  

અહીં અપાયેલાં વર્ણન એ યુગનાં છે જ્યારે આપણા બાપદાદાઓ આવી સગવડો પામવા જેટલા બડભાગી હતા ! જો કે નિરાશ થયા વગર આપણે પણ હાલનાં સંજોગ મુજબ આપણી સૃષ્ટિની રચના કરી શકીએ છીએ. જેમ કે ચંદનનો લેપ ન મળે તો ચંદનની સુગંધવાળો ટેલ્કમ પાવડર કલ્પવો ! ભવનમાં ફુવારાની રચના શક્ય ન હોય તો એક એરકુલરનો ખર્ચ કરી નાખવો ! બાકી આપ પ્રકૃતિપ્રેમી હશો તો પુષ્પો,ચાંદની, મંદ મંદ પવન અને માલતીની વેલીઓ તો લગભગ વિના ખર્ચે ઉપલબ્ધ થશે. અહીં કવિએ (કદાચ સ્વાનુભવે !) ગ્રીષ્મમાં मदं च मदनं च, મદ અને મદનને ઉદ્‌દિપ્ત કરતા કેટલાક સરળ ઉપચારો બતાવ્યા છે.
  

મારો છાંયડો (૨૫ વર્ષ પહેલાંની મહેનતનું ફળ - ટાઢક !!)

આ શાથે એક અર્થ એ પણ લઇ શકાય કે પ્રકૃતિના દરેક રૂપનો આનંદ લઇ શકાય છે, બસ લેતા આવડવો જોઇએ ! બહુ ગરમી, બહુ ગરમીની રાડો પાડી અને દુબળા થવાથી પ્રકૃતિ કંઇ પોતાની માયાજાળ સંકેલી નહીં લે ! અને આપણે ફળીમાં એકપણ વૃક્ષ રહેવા નથી દીધું, તો ભોગવવું તો પડશેજ ને ? કહે છે કે કુદરતના શબ્દકોષમાં માફી નામનો કોઇ શબ્દ નથી ! આપણે તેને પર્યાવરણમાં ખલેલરૂપી એક નાની કાંકરી મારીશું તો સામેથી કુદરતી કોપરૂપી મોટો ઢેખાળો આવશે જ ! માટે ચાલો, અન્યનાં ભલા માટે નહીં તો આપણા સ્વાર્થ માટે પણ, ઘરની આસપાસ થોડા વૃક્ષવેલાઓ વાવવાનું શરૂ કરીએ. જેથી ભર્તૃહરિ જેવા આપણા વડવાઓ જે આનંદ ગ્રીષ્મમાં માણતા તેની આપણે ફ્ક્ત કોરી કલ્પના જ કરી અને ન બેસી રહેવું પડે !! કંઇ ખોટું કહ્યું ?  

    

स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥८८॥
  

મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વીંઝણાથી ઢોળાતો પવન, ચંદ્રનાં કિરણો, ફૂલની પરાગ, જલાશયો, નિર્મલ શરાબ, મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો, ઓછાં વસ્ત્રો અને કમલસમાન નેત્રવાળી સુંદરીઓ; ઉનાળાની ઋતુ આવે ત્યારે આ બધું ભાગ્યશાળીઓને મળે છે.  

અહીં ભાગ્યશાળીની કેવી વ્યાખ્યા કરી છે ! અને આવા ભાગ્યશાળી થવું તો કોને નહીં ગમે ? જો કે મારી આદત મુજબ અહીં આપેલ વ્યાખ્યાને સમય પ્રમાણે થોડી ફેરવવાની કોશિશ કરૂં છું;
* મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ = માળીને ત્યાં મળશે, નહીં તો અત્તરથી કામ ચલાવવું !
* વીંઝણાથી ઢોળાતો પવન = એરકુલર કે પોસાણ હોય તો એ.સી., બાકી અમે પણ ’ઠંડો’ પવન વાય તેવા પંખાઓ વેંચીએ છીએ !!
* ચંદ્રના કિરણો = અંધારીયાપક્ષમાં (કૃષ્ણપક્ષ) ટ્યુબલાઇટ કે CFLથી કામ ચલાવવું !
* ફૂલની પરાગ = એ તો ફળીમાં કે કુંડામાં થોડાં ફૂલઝાડ વાવવા પડે, બાકી ફૂલનાં બે-ચાર ભિંતચિત્રો લગાવવા !
* જલાશયો = આપણા ગુજરાતમાં થોડા સમયથી ’ચેકડેમો’ બાબતે જાગૃતિ આવી છે, તળાવો ઉંડા કરવાની પ્રવૃતિ પણ સારી એવી ચાલે છે એથી હજુ પણ ક્યાંક ક્યાંક જળાશયોમાં પાણી જોવા મળે છે. જો કે આપણે તો બાથરૂમનાં બે ચક્કર વધુ મારી અને કામ રોળવવું (’ત્રણ વાર નહાવું, એક વાર ખાવું’ એ કદાચ આ ગ્રીષ્મઋતુ માટે જ હશે ?)
* નિર્મલ શરાબ = અમારા એક મિત્રનાં જણાવ્યા મુજબ અહીં ’રેડવાઇન’ સૌથી સારૂં કામ આપશે !! પરંતુ આપ જો ગુજરાતમાં વસતા હો તો ખસ કે વરિયાળી શરબતને ઉત્તમ સમજવું !!
* મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો = અરે ભાઇ, દુ:ખી ન થવું ! આપણી તુટેલ ફુટેલ ઝુંપડી પણ આપણે માટે મહેલથી ઓછી નથી. હા, સ્વચ્છતા આપણા હાથમાં છે અને એકાંત ઇશ્વરનાં હાથમાં છે 🙂 (અચાનક મહેમાનો ન ત્રાટકે તેવી શુભેચ્છા !)
** અને હવે છેલ્લી એક બાબતે કોઇ બાંધછોડ શક્ય નથી !!! 🙂 ભાગ્યશાળી ગણાવા માટે થોડી મહેનત તો આપે પણ કરવી જોઇએને !!!
  

    

सुधाशुभ्रं धाम स्फुरदमलरश्मि: शशधर:
प्रियावक्त्राम्भोजं मलयरजरजश्चाति सुरभि ।
स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने
करोत्यन्त: क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥
  

અમૃતનાં જેવું ધોળું ભવન, નિર્મલ કિરણો રેલાવતો ચંદ્રમા, પ્રિયતમાના મુખરૂપી કમળ, અત્યંત સુવાસિત ચંદનનો લેપ, મનગમતી અને મહેંકતી પુષ્પમાળાઓ; આ બધું પ્રેમી લોકોના અંતરમાં ક્ષોભ જન્માવે છે. પરંતુ વિષયોના મોહથી મુક્ત હોય તેવા ને તેની અસર નથી થતી.   

 
 
 
 
 

ગ્રીષ્મમાં સાગરકાંઠે (વિરાટ પ્રકૃતિ)

અને આ એક શ્લોકને કારણે ભર્તૃહરિ એ ભર્તૃહરિ છે ! શૃંગારરસ આટલો ઉછાળા મારતો હોય ત્યારે તેનાં મનના એક ખુણામાંથી વૈરાગ્યનો તણખો પણ ઝરે. આ ઉપર વર્ણવેલું બધું જ પ્રેમીજનોનાં અંતરમાં વિષય (અહીં ક્ષોભનો અર્થ વિષય, રાગ તેવો કરેલ છે) ઉત્પન્ન કરે છે. પરંતુ જેઓ વિષયોનાં મોહથી મુક્ત બની ગયા હોય તેમને આ ઋતુઓની કશી અસર થતી નથી. આવા લોકો માટે જ નિર્વિકાર શબ્દ વપરાયો હશે. આ પણ મનની એક દશા છે, જીવનના બધા જ ભોગો ભોગવી લીધા પછી કદાચ આ જ્ઞાન પણ લાધતું હશે. કોને ખબર, ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપને આ રસિકવર્ણન દ્વારા થોડી શીતળતાનો અનુભવ થયો હોય તો ભર્તૃહરિનો આભાર જરૂર માનશોજી.  

   

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

13 responses to “શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ)

 1. અહીં તો બધા છુપા રુસ્તમો છે. અમારી જેવા ઉઘાડે ડીલે ફરનારા તો ક્યાંય દેખાતા નથી. શા માટે બીજા લોકોને તેમના સારા કે નરસા ભુતકાળ માટે પરેશાન કરવા જોઈએ? આટલો બધો માલીકી ભાવ શા માટે? આપણું શરીર પણ આપણું નથી તો બીજાના શરીર ઉપર આટલો બધો મોહ શા માટે? જુઓ ભાઈ હું તો ચોક્ખુ કહેવા વાળો “માણસ” છું. જીવનને જ્યારથી સુધારવું હોય ત્યારથી સુધારી શકાય. આખી જીંદગી ગંદી રાજ-રમત શું કામમાં લાગશે? આપણા મનમાં આનંદ ન હોય તેટલા માટે અન્યોનો માનસીક આનંદ પણ છીનવી લેવાનો પ્રયત્ન કરવાનો? મને એમ હતું કે અહીં ક્યાંક એકાદો માણસ મળશે પણ મારી એ આશા આજે તો ઠગારી નીવડી છે.

  Like

 2. શ્રી અશોકભાઈ, આપ સંસ્કૃતનું ખૂબ જ સારુ જ્ઞાન ધરાવો છો. દરેક લેખમાં સંસ્કૃતના શ્લોકની ખૂજ સુંદર રીતે સમજણ આપી હોય છે.જે તમારા અર્ટિકલમાં જીવ નાખવાનું કાર્ય કરે છે.
  મેં કોઈક સારા વક્તાના મુખેથી સાંભળ્યુ હતુ કે …
  ગુજરાતી બોલવુ તે ‘ધર્મ’ છે
  હિન્દી બોલવુ તે ‘અર્થ’ છે
  અંગ્રેજી બોલવુ તે ‘કામ’ છે
  અને સંસ્કૃત બોલવુ તે મારા અને તમારા માટે ‘મોક્ષ’ છે.

  ઋતુનું આટલુ સુંદર વર્ણન મેં આજ સુધી નથી વાંચ્યુ..હા , શાળામાં ‘ઉનાળાની બપોર’ અને ‘શિયાળાની સવાર’ નિબંધો ઘણા લખ્યા છે.

  Like

  • આભાર, રજનીભાઇ. પ્રથમ એક ચોખવટ, આપે પ્રોત્સાહન આપી મારો ઉત્સાહ વધાર્યો એ આપનું વડપણ છે, પરંતુ હું સંસ્કૃતનું એટલું બધું સારૂં જ્ઞાન પણ નથી ધરાવતો ! હા, મને સંસ્કૃત પ્રત્યે અભ્યાસકાળથી જ ખાસ લાગણી છે, અને હાલ પણ સંસ્કૃતના વિદ્વાનોનું વાંચન અને મારા સંતાનોના માર્ગદર્શન (જેઓ મારા કરતા ઘણું વધુ, સારી રીતે, સંસ્કૃત સમજી શકે છે, આભાર! ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અને ધો-૧ થી સંસ્કૃત શીખવતી શાળાનો !) ને કારણે થોડું થોડું શિખતો જઉં છું.
   જેમ વિશ્વકક્ષાની જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન જરૂરી છે, તેમ આપણી સંસ્કૃતિ વિશે જાણકાર થવા માટે સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન જરૂરી છે. આપની ચારે ભાષાઓ વિષયક ઉપમાઓ ગમી. આભાર.

   Like

 3. બહુ સરસ રજૂઆત. જમાનાને અનુરૂપ અર્થઘટન પણ મજાનું છે. ગ્રીષ્મ વિષે કદાચ રામાયણમાં પણ વર્ણન છે.

  Like

 4. અશોકભાઈ, તમે સંસ્કૃત સાહિત્યમાં રસ ધરાવો છો અને અમને અવનવી સામગ્રી પીરસી રહ્યા છો જાણીને ખુબ આનન્દ થયો. જ્યારે આપણે ત્યા શૃંગારશતક જેવું સર્વોત્તમ સાહિત્ય રચાયું ત્યારે યુરોપ સ્ત્રી ઉપર હોય એવી સ્થીતીના મૈથુનને પણ મૃત્યુદંડ આપવા સુધોનો ગુનો ગણતું હતુ. અને હવે?

  Like

  • સ્વાગત, ચિરાગભાઇ. સાચી વાત છે, આપણે આપણા એ સુવર્ણકાળ માટે ગૌરવવંત તો થવું જ રહ્યું. યુરોપ જ્યારે અંધકારયુગમાં હતું ત્યારે ભારતીય ઉપખંડમાં જ્ઞાન, કલા અને સમૃદ્ધિનો સુરજ ઝળહળતો હતો. અમસ્તા તો કંઇ વિશ્વભરના પ્રવાસીઓ અને શાસનકર્તાઓનો ડોળો આ ઉપખંડ પર સ્થિર નહીં થયો હોય. આપણે જ ક્યાંક થાપ ખાધી અને સ્વયંની દુર્દશાના કારણરૂપ બન્યા. મારી દૃષ્ટિએ થાપ એ જ ખાધી કે આપણે સ્વકેન્દ્રી બન્યા, સર્વોદયનો સિદ્ધાંત તો જ્ઞાન, કલા અને સમૃદ્ધિમાં પણ લાગુ પડે તો જ વિશ્વબંધુત્વ ખીલે. હવે એ જ સુવર્ણયુગ ફરી આવતો હોય તેવી આશા તો જાગી જ છે. બસ આપણે (માનવજાત) સ્વકેન્દ્રીને બદલે સર્વકેન્દ્રી બનીએ એટલે સર્વોદય અને સુવર્ણકાળ હાથવેંતમાં જ છે. આભાર.

   Like

 5. શ્રી અશોકભાઈ,
  બહુ સરસ.મજા આવી ને મૃદુ હાસ્યરસ નો ટચ આપી લેખ ને ઉત્તમ બનાવી દીધો છે. ચિરાગ ભાઈ ની વાત સાચી છે.એક અંગ્રજી ડોક્યુંમેંટ્રી જોએલી ધોળિયો બોલતો હતો કે જયારે સમગ્ર યુરોપ સ્ટોન એજ(યુગ) માં જીવતું હતું ત્યારે ભારત એકદમ સુસંસ્કૃત હતું.ભાઈ કામકલા આ લોકોને આપણે જ શીખવાડી છે.

  Like

 6. આ મહેમાનો ની વાત નું અહી સુખ છે.કોઈ કારણ વગર ને અગાઉથી કહ્યા વગર આવેજ નહિ.ત્યાં તકલીફ બહુ થતી.ઓચિંતા આવે અને જમવાનું પતી ગયા પછી આવે.બધું ફરીથી બનાવવું પડે.થોડા વહેલા નાં આવી શકાય?અથવા જણાવીને આવ્યા હોય તો?પાછું અતિથી દેવો ભવ:કહીને મોઢે ચડાવી દીધેલા.એટલે બોલાય જ નહિ ને.ત્યાં ઓચિંતા ત્રાટકતા એની તકલીફ હતી,ને અહી કોઈ નાં આવે એની તકલીફ છે.હવે એ ત્રાટકતા એની મજા અહી માણવા નથી મળતી.ભાઈ એનું પણ દુખ છે.

  Like

  • આભાર, ભુપેન્દ્રસિંહજી. ટાણાં, ટક કે તિથિ વગર ત્રાટકે તેને જ તો અતિથિ કહેવાય ને ! જો કે હમણા એક પિક્ચર જોએલું, ’અતિથિ તુમ કબ જાઓગે’. તેમાં આપે વર્ણવેલા મનોભાવનું સુંદર ચિત્રણ કરેલું છે. પ્રથમ તો અતિથિ આવતા નથી તેનું દુ:ખ, આવે પછી જતા નથી તેનું દુ:ખ અને જતા રહે પછી તેની મીઠી યાદ સતાવે રાખે તેનું દુ:ખ !! (આ સ્વાનુભવ છે !) (નોંધ: યોગાનુયોગ અત્યારે જ અતિથિનું આગમન થયું તેથી અહીં વિરામ લઇશ) આભાર.

   Like

 7. અશોક ભાઈ,
  આ નિર્મળ શરાબ?પહેલી વાર શબ્દ વાચ્યો.મજા આવી.પણ ભાઈ આપ જાણો છો છતાં કહેતા નથી.કે ગુજરાત માં તો કદી કોઈ પણ શરાબ ની ખોટ પડતી નથી.દારૂબંધી ના હિમાયતી એવા મંત્રીઓ ને ધારાસભ્યોના રહેઠાણો માં શરાબ ની રેલમ છેલ ઉડતી હોય છે.ભાઈ અમને તો કદી ખોટ પડી નથી.ભાઈ અમે તો કાળવા ચોક માં પણ એની મજા માણેલી છે.હા કદાચ નિરમળ શરાબ એટલે વૈન ની કદાચ જલ્દી નહિ મળતો હોય,મોંઘો મળતો હશે.શેમ્પેઇન એમાં જ આવી જાય.એતો છૂટ થી મળે છે.ભાઈ શરાબ ને સુંદરી ભેગા હોય તો જ શૃંગાર શતક ની મજા આવે.બક્ષી બાબુ ના વાતાયન માં વર્ષો પહેલા વાચેલું કે રામજી ને સીતાજી પણ મદિરા પાન કરતા હતા.બહુ સીરીયસ નાં લેતા.આ શૃંગાર શતક બહેકાવી દે છે,વગર પીધે.
  બીજું આ પીન્ગ્બેક શું છે?મારા બ્લોગ માં પ્રતિભાવો માં આવે છે,અને ક્લિક કરવાથી કશું ખુલતું નથી.જરા આંટો મારી જોઈ જશો.

  Like

 8. કેટલા સમય થી હું આ શૃંગાર શતકની શોધમાં હતો. આજે અચાનક, અન્યમનસ્ક પણે આવી પહોંચ્યો. આપે પર્યાવરણ ની સમજ પણ સાથે સાથે આપી છે. અતિ ઉત્તમ. આ પહેલાના લેખો પણ સમય મળે જોઈશ. આપને સફળતા પૂર્વક, સંક્ષેપમાં, પાછી કોઈ પણ સ્થાને અતિ કર્યા વગર વિષય વસ્તુને સમજાવવાની કળા હસ્તગત છે. સરસ. સરસ. સરસ. ધન્યવાદ સહિત અભિનંદન. સંસ્કૃત પ્રત્યે મારી પણ આપની જેમજ માન્યતા છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s