દલિત,પિડીત,શોષિત,પછાત – સ્વામી વિવેકાનંદ


નમસ્કાર,  થોડા દિવસ પહેલા મિત્ર ભુપેન્દ્રસિંહજીના એક લેખ (હિન્દુઇઝમ) પર ચર્ચા વખતે તેમણે સ્વામી વિવેકાનંદજીનાં શૂદ્ર કે દલિત કે શોષિત ગણાતા સમાજ વિશેનાં વિચારો પર એક નાની ટકોર કરેલી. આ પરથી થોડું વાંચન સંશોધન કરતાં મને વિવેકાનંદજીનું શોષિત સમાજો પરનું ચિંતન હાથ લાગ્યું,  આમાનું મોટાભાગનું તો તેમના અમેરિકાથી ભારત પરત આવ્યા પછી જે વિવિધ પ્રવચનો થયેલા, તેમનું શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા સંપાદન કરી અને “જાગો, હે ભારત !” નામનું પુસ્તક પ્રકાશિત કરાયેલું, તેમાંથી આંશિકરૂપે લીધેલ છે. આપ પણ ખુલ્લું મન રાખી વાંચશો તો જણાશે કે ત્યારની અને અત્યારની પરિશ્થિતિઓમાં બહુ અંતર નથી. હા, ત્યારે સ્વામીજીએ અને અન્ય મહાનુભાવોએ જે માર્ગદર્શન કરેલું તેને કારણે થયેલો થોડો સુધારો અત્યારે ચોક્કસ જોઇ શકાશે. આજે છુતાછુત કે વર્ણભેદથી  ઉંચનીચનું પ્રમાણ થોડું ઘટ્યું જરૂર છે, પરંતુ એટલું પણ નહીં કે આપણે સંતોષ લઇને બેસી જઇએ. હજુ પણ આ દિશામાં ચિંતન અને કાર્ય ચાલુ જ રાખવું પડશે. અને વિવેકાનંદના ચિંતનને આધાર બનાવીને કહીએ તો એ માટેનું સૌથી વધુ કામ તો ખુદ શોષિત કે શૂદ્ર કે પછાત ગણાતા સમાજે સ્વયં કરવું પડશે. અન્ય કેટલાયે રસ્તે આ કાર્ય ચાલુ જ છે, અહીં  હિંદુધર્મ કે સંસ્કૃતિને મધ્યમાં રાખી અને આ બાબતે સ્વામીજીનાં વિચારો પર થોડું ચિંતન કરેલ છે.  તો આવો સ્વયં સ્વામી વિવેકાનંદનાં પ્રવચનનાં અંશો જ અહીં વાંચીએ.

“બ્રાહ્મણ વિશે મનુનું ગર્વભર્યું વચન તમે વાંચ્યું નથી કે? એમાં એ કહે છે : બ્રાહ્મણનો જન્મ ” ધર્મનિધિનાં રક્ષણ સારું થાય છે.” હું એમ કહું છું કે એ ’ધર્મનિધિનું રક્ષણ ’ કેવળ બ્રાહ્મણનું જ જીવનકાર્ય નથી, પરંતુ આ ધન્ય દેશમાં જન્મેલા દરેકેદરેક બાળકનું, દરેકેદરેક પુત્ર યા પુત્રીનું જીવનકાર્ય છે. બીજી બધી સમસ્યાઓ એ એક બાબતથી ગૌણ ગણાવી જોઇએ.”

“લોકો મને શૂદ્ર કહે તો પણ મને જરાય માઠું નથી લાગવાનું. એ તો અગાઉ મારા પૂર્વજોએ ગરીબો ઉપર આચરેલ જુલમનું કંઇક અંશે પ્રાયશ્ચિત્ત થશે. જો હું ભંગી હોઉં તો ઊલટો વધુ રાજી થાઉં, કારણકે હું એક એવા માણસનો શિષ્ય છું, કે જે પોતે બ્રાહ્મણોમાંય શ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતાં, ભંગીના ઘરમાં સફાઇનું કામ કરવા તૈયાર થયો હતો…. એ આદર્શ પુરુષના જીવનનું અનુકરણ કરવા હું હંમેશાં મથીશ. હિંદુ બીજા બધાનો સેવક બનીને પોતાને ઊંચે ચડાવવા ઇચ્છે છે. પરદેશીઓની સામે મદદ સારુ તાકી રહીને નહીં, પણ આ રીતે સેવા કરીને હિંદુઓએ સામાન્ય જનતાને ઊંચે લાવવી જોઇએ.”

સ્વામીજીનો, એ સમયે, તેઓ શૂદ્રકુળનાં છે, તેમને સંન્યાસ લેવાનો અધિકાર નથી, વગેરે ચર્ચાઓ દ્વારા ઘણા લોકો વિરોધ કરતા હતા, આથી આ બાબતે પ્રત્યુત્તરમાં ઉપર મુજબ જણાવેલ.  

લઘુમતીનો જુલમ તો દુનિયાનો ખરાબમાં ખરાબ જુલમ છે. એક મુઠ્ઠીભર માણસો માને કે અમુક બાબતો ખરાબ છે, એથી કાંઇ આખી પ્રજા જાગી જવાની નથી. પ્રજા શા માટે જાગતી નથી ?  પ્રથમ પ્રજાને શિક્ષણ આપો….. મૂળમાં અગ્નિ પ્રગટાવો પછી એ ભલે બળતો બળતો ઊંચે જાય અને  એક   ભારતીય પ્રજાને તૈયાર કરે.”

અહીં સ્વામીજીએ તેમના સમય દરમિયાન જે સુધારાની હવા ચાલેલી તેના પર પોતાના વિચારો રજુ કરેલા. તેમનું માનવું હતું કે ફક્ત સુધારાની વાતોથી કશો ફરક પડતો નથી, કે બહુમતી પ્રજાને તેનો લાભ પણ થતો નથી. સંપૂર્ણ સમાજને જ્યાં સુધી શિક્ષિત નહીં કરાય ત્યાં સુધી થનારા સુધારાઓનો લાભ ફક્ત ગણ્યાગાંઠ્યા લોકોને જ મળશે.

” એટલે ભારતમાં કોઇ પણ સુધારો આવતાં પહેલાં સૌથી પહેલું ધર્મનું ઉત્થાન કરવું જોઇએ. ભારતને સામાજીક કે રાજદ્વારી વિચારોથી ભરી દેતા પહેલાં પ્રથમ આધ્યાત્મિક વિચારોથી દેશને તરબોળ કરી નાખો. જેના પર  આપણે  ધ્યાન આપવાનું છે તે પહેલું કામ આપણાં ઉપનિષદોમાં,  આપણાં શાસ્ત્રોમાં, પુરાણોમાં પુરાઇ રહેલાં અદ્‌ભુતમાં અદ્‌ભુત સત્યોને પુસ્તકોમાંથી, મઠોમાંથી, અરણ્યોમાંથી, લોકોની ચોક્કસ મંડળીઓના હાથમાંથી બહાર લાવવાનું છે, આખા દેશમાં બહોળો પ્રચાર કરવાનું છે. દરેકે દરેક માણસને તેમનાં વિશે જ્ઞાન થઇ જવું જોઇએ; કારણ, કહેવાયું છે કે ” आत्मा अरे वा श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य: ।”  (આ આત્માનું શ્રવણ કરવું, મનન કરવું અને તેનો નિદિધ્યાસ કરવો) “

આ મહાપુરુષોએ કરેલા કાર્યોની જ સમાજ પર આજે એટલી અસર પડેલ હશેને કે જેથી મારા જેવો,  અધિકૃત રીતે પછાત વર્ગનો ગણાતો માણસ પણ, શાસ્ત્રોની વાતો કરે છે, સાંભળે છે, લખે છે, છતાં કોઇ તેમના કાનમાં સીસું ભરવાની કે તેમના હાથ કાપી નાખવાની વાત કરતું નથી !!!  આજે ધીમે ધીમે વિવેકાનંદે સુચવેલા માર્ગે,  કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વગર, શાસ્ત્રોનું જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચતું થયું છે, જેમાં શિક્ષણનો ફાળો સૌથી મોટો છે. અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે, ક્યાંક ક્યાંક હજુ સફળતા નથી પણ મળી, પરંતુ તેના પણ ઘણાં કારણો છે. જે આગળ સ્વામીજીનાં પ્રવચનોમાં પણ જાણવા મળશે.

” મારા બંધુઓ ! સૈકાઓ થયાં, હજારો વર્ષો થયાં ચાલ્યા આવતા જ્ઞાતિઓના, રાજાઓના, પરદેશીઓના અને તમારા પોતાના જ લોકોના કચડી નાખે એવા જુલમે તમારી શક્તિ શોષી લીધી છે; એણે તમારો મેરૂદંડ (કરોડરજ્જુ) ભાંગી નાખ્યો છે; તમે જાણે છુંદાયેલા અળશિયા જેવા થઇ ગયા છો ! તમારામાં શક્તિ કોણ લાવશે ? હું કહું છું કે આપણે જોઇએ છે સામર્થ્ય, બસ સામર્થય ! અને સામર્થ્ય મેળવવાનું પહેલું પગથીયું છે ઉપનિષદોને અપનાવવાનું. તમે માનવા લાગો કે ’હું આત્મા છું’. ’ મને તલવાર કાપી શકે નહીં, કોઇ હથિયાર છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સુકવી શકે નહી; હું સર્વશક્તિમાન છું, હું સર્વજ્ઞ છું’  આ પરમ પવિત્ર, ઉદ્ધારક શબ્દોનું તમે પારાયણ કરો, પુનરાવર્તન કરો. એમ ન બોલો કે અમે નબળા છીએ; કહો કે ’અમે બધું કરી શકીએ છીએ !   આપણે શું ન કરી શકીએ ? આપણાથી બધું જ થઇ શકે. આપણા સહુમાં એક જ મહિમાવાન આત્મા છે; આપણે તેમાં શ્રદ્ધા રાખવી જોઇએ. નચિકેતાની પેઠે શ્રદ્ધા રાખો. … હું તો ઇચ્છું છું કે એવી શ્રદ્ધા તમારા દરેકમાં જાગો; તમારાંમાંનો એકેએક જણ મહાન વ્યક્તિ રૂપે તૈયાર  થાય, આખી દુનિયાને હચમચાવી મૂકે એવો જબરદસ્ત બુદ્ધિવાળો થાય, સર્વ રીતે એક અનંત ઇશ્વર થઇને ઊભો રહે !તમે આવા  થાઓ એમ હું ઇચ્છું છું. ઉપનિષદો તમને આ તાકાત આપે છે, તમને આ શ્રદ્ધા આપે છે. “

 ” સામાજીક જીવનમાં મારાથી અમુક ફરજ બજાવી શકાય, તમારાથી બીજી; તમે દેશનું રાજ ચલાવી શકો અને હું જૂના જોડા સીવી શકું. પણ એથી કાંઇ તમે મારાથી મોટા બની જતા નથી. તમને મારી પેઠે જોડા સીવતાં ક્યાં  આવડે છે ? તેમ હું પણ ક્યાં રાજ ચલાવી શકું છું ? હું જોડા સીવવામાં પારંગત છું, તમે વેદોનું પારાયણ કરવામાં પારંગત છો; પણ એ કાંઇ એવું કારણ નથી કે એને લીધે તમે મારા માથા પર ચડી બેસી શકો.   શા માટે વ્યક્તિ કોઇનું ખૂન કરી નાખે તોય તેની વાહવાહ બોલાય અને ચીભડાના ચોરને ફાંસી ! આવો ભેદ જવો જ જોઇએ. જ્ઞાતિ સારી છે. જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો એ એક જ કુદરતી માર્ગ છે. મનુષ્યોએ સમુહોમાં વહેંચાઇ જ જવું જોઇએ;  તમે તે ટાળી શકવાનાં નથી. તમે ગમે ત્યાં જાઓ પણ જ્ઞાતિ તો હોવાની જ. પણ એનો અર્થ એ માટે વિશેષાધિકાર હોવા જોઇએ એવો નથી. વિશેષાધિકાર તો જવા જ જોઇએ. માછીમારને જો તમે વેદાંત સમજાવશો તો એ બોલી ઊઠવાનો છે કે ’ હું તમારા જેવો જ માણસ છું; હું માછીમાર છું. તમે ફિલસુફ છો; પરંતુ તમારામાં જે ઇશ્વર છે તે જ મારામાં પણ છે.’ અને આપણે એ જ ઇચ્છીએ છીએ. કોઇને માટે વિશેષાધિકાર ન હોય; સૌને સમાન તક હોય. માટે સૌ કોઇને શીખવો કે દિવ્ય આત્મા દરેકની અંદર રહેલો છે, અને દરેકે પોતાની મુક્તિનો માર્ગ મેળવી લેવાનો છે.”    

” ભારતના નીચલા થરના વર્ગોને ઊંચે લાવવાના મહાન રામાનુજ, ચૈતન્ય અને કબીરનાં પ્રયત્નો બતાવે છે કે એ મહાન આચાર્યોના સમય દરમિયાન અદ્‌ભુત પરિણામો આવેલાં; છતાં પણ એમની પાછળની નિષ્ફળતાનો  ખુલાસો આપવો જ જોઇએ, તથા આ મહાન વિભૂતિઓના ચાલ્યા ગયા પછી લગભગ એક જ સૈકામાં તેમના ઉપદેશોની અસર શા માટે બંધ પડી ગઇ તેનું કારણ બતાવવું જોઇએ.”

અહીં ત્યાર પછીના પ્રવચનનો ટુંકસાર એ છે કે આ મહાપુરૂષોએ લોકોને ભરપુર જ્ઞાન આપ્યું, તેઓ સમજી શકે તેવી સરળ ભાષામાં જ્ઞાન આપ્યું, પરંતુ શાથે શાથે સંસ્કૃત ભાષાના શિક્ષણ પર ધ્યાન અપાયું નહીં. આને કારણે તે જ્ઞાનમાં પ્રતિષ્ઠા ભળી નહીં. તે ઉપરાંત શિક્ષણ પર પણ ધ્યાન અપાયું નહીં, અને ત્યારે અને આજે પણ, સમાજમાં જે ઉચ્ચવર્ગ કહેવાય છે તેમની મુખ્ય શક્તિ શિક્ષણ છે. અને સંસ્કૃતનાં શિક્ષણ દ્વારા લોકો પોતાની જાતે શાસ્ત્રોનો અભ્યાસ કરી અને સંસ્કાર પ્રાપ્ત કરી શકે છે. વાંચો આગળ….

” નીચલી જાતિના લોકો ! હું તમને કહું છું કે એકમાત્ર સલામતી, તમારી સ્થિતિને ઊંચે લાવવાનો એક માત્ર રસ્તો, સંસ્કૃતનો અભ્યાસ છે; આ ઉચ્ચ વર્ણો સામે ઝઘડા કરવા તેમની વિરુધ્ધ લખાણો લખવાં અને બખાળા કાઢવા એ બધું વ્યર્થ છે. એથી કાંઇ વળતું નથી; માત્ર લડાઇ અને ઝઘડા થાય છે. અને કમનસીબે આ અત્યારે જ વિભક્ત બનેલી પ્રજા વધુ ને વધુ વિભક્ત  થવાની છે.  વર્ગો અને જ્ઞાતિઓને સમાન કક્ષાએ લાવવાનો એકમાત્ર રસ્તો સંસ્કારિતાને, ઉચ્ચ વર્ગોની શક્તિરૂપ જે શિક્ષણ છે તેને, અપનાવવાનો છે. એ કરો એટલે તમને જે જોઇએ તે મળશે.”

સમજાયું ? મુળ વસ્તુ છે શિક્ષણ. એક ઉચ્ચ હોદ્દાધારીને, કલેક્ટર કે તેવા કોઇ અધિકારીને, કોઇ કહી શકશે કે અમે તમારાથી અભડાઇએ છીએ ? કે તમને આ કે તે બાબતનો અધિકાર નથી ! અરે ! તેમની શાથે બેસી અને જમવા માટે સમાજનાં ઉચ્ચવર્ણના ગણાતા લોકો પણ પડાપડી કરશે !!  તમે અશિક્ષિત છો, અજ્ઞાની છો, તો તમે પછાત છો !  હજુ આગળ વાંચો..  થોડી હિંમત રાખી અને વાંચો..મનને પૂર્વગ્રહોથી મુક્ત રાખી અને વાંચો…

” જ્ઞાતિઓએ અંદરોઅંદર લડવાનો કાંઇ અર્થ નથી. એથી શું ભલું થવાનું છે ? એથી આપણામાં વધુ ભાગલા પડશે, આપણે વધુ નબળા થઇશું, આપણે વધુ નીચા પડીશું. ખાસ અધિકારો અને ખાસ હક્કોના દિવસો ગયા છે; ભારત પર બ્રિટિશ સત્તાનો એ એક મોટો આશીર્વાદ છે. વિશેષ અધિકારોના વિનાશરૂપી  આશીર્વાદને માટે આપણે મુસલમાની સત્તાના પણ ઋણી છીએ. (આ સ્વામી વિવેકાનંદજીનાં જ શબ્દો છે !!)  એ અમલ બધી રીતે ખરાબ ન હતો; કોઇ પણ બાબત સર્વાંશે ખરાબ હોતી નથી, તેમ સર્વાંશે તે સારી પણ હોતી નથી.  ભારત પરનો મુસલમાની વિજય પદદલિતો માટે, ગરીબોને માટે મુક્તિ રૂપે આવ્યો….. મલબાર પ્રદેશમાં મેં જે જોયું તેના કરતાં વધુ મૂર્ખતાભર્યું બીજું કાંઇ દુનિયામાં હોઇ શકે ખરું ? ત્યાં ગરીબ અસ્પૃશ્યને ઉચ્ચ વર્ણના માણસની જેમ એકજ રસ્તા પરથી ચાલવા દેવાતો નથી; પણ જો તે વટલાઇને પોતાનું નામ બદલીને એકાદું અગડંબગડં અંગ્રજી નામ ધારણ કરી લે તો કાંઇ વાંધો નથી; ……. લ્યાનત હો તેમના ઉપર કે આવા દુષ્ટ અને રાક્ષસી રિવાજો તેઓ ચાલવા દે છે, (આ વિવેકાનંદજીનાં સમયની વાત છે, આશા છે કે હાલમાં  આવું તો ક્યાંય નહીં જ હોય, અને જો ક્યાંય હજુ પણ આવા ભેદભાવ હોય તો આપણે પણ તેને એકી અવાજે લ્યાનત પાઠવીએ !) તેમનાં પોતાનાં ગણાય એવાં બાળકોને ભૂખે મરી જવા દે છે. પરંતુ જેવા તેઓ વટલાઇને પરધર્મી બની જાય એટલે તેમને માટે સારી રીતે ખાવાપીવાને ગોઠવણ થઇ જાય છે.  ખરી વાત એ છે કે જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા થવા જ ન જોઇએ.”       

” આનું નિરાકરણ ઊંચાઓને નીચે લાવવામાં નથી, પરંતુ નીચાઓને ઊંચી ભૂમિકાએ ચડાવવામાં રહેલું છે. જેમનું પોતાનાં શાસ્ત્રોનું જ્ઞાન અને પ્રાચીન લોકોની વિશાળ યોજનાઓ સમજવાની શક્તિ સાવ શૂન્ય જેવી છે ભલે તેવાઓ ગમે તેવું બોલે, પરંતુ આપણા બધા ગ્રંથોમાં મળી આવતી કાર્યપ્રણાલી તો ઉપર કહી એ જ છે.”

” બધી જ્ઞાતિઓએ ધીમે ધીમે ચડવાનું છે. જ્ઞાતિઓ તો હજારો છે, અને કેટલીક તો બ્રાહ્મણત્વમાં પ્રવેશ પણ મેળવતી આવી છે. કોઇ પણ જ્ઞાતિને પોતે બ્રાહ્મણ છે એમ જાહેર કરતા કોણ અટકાવે છે ? આ જ્ઞાતિ, તેનાં તમામ રૂઢ બંધનો સાથે એ પ્રકારે ઉત્પન્ન થતી આવી છે….. પ્રભાવશાળી યુગપ્રવર્તક શંકરાચાર્ય અને બીજાઓ તો મહાન જ્ઞાતિસર્જકો હતા….. હું જે કહું તેથી તમારામાંના કેટલાકને નારાજી પણ થાય. પરંતુ મારા પ્રવાસ દરમિયાન અને મારા અનુભવોમાં મેં એમની શોધ કરી લીધી છે, અને અદ્‌ભુતમાં અદ્‌ભુત પરિણામોએ પહોંચ્યો છું. ક્યારેક તેઓએ બલૂચીઓનાં ટોળાને એકાએક ક્ષત્રિય બનાવી નાખ્યાં છે અને ક્યારેક તો તેમણે માછીમારોનાં ટોળાંનાં ટોળાંને લઇને સીધાસીધા બ્રાહ્મણો બનાવી દીધા છે. એ લોકો બધા ઋષીઓ અને મુનિઓ હતા, અને આપણે તેમની સ્મૃતિઓ આગળ શિર ઝૂકાવવાં પડે છે. એટલે તમે બધા ઋષિમુનિઓ બનો એ જ રહસ્ય છે. પ્રથમ તમે પવિત્ર બનો, શુદ્ધાત્મા બનો, એટલે તમારામાં શક્તિ આવશે. જ્યારે તમે ખરેખરા ઋષિ બનશો ત્યારે તમને જણાશે કે બીજાઓ સ્વાભાવિક પ્રેરણાથી તમને નમતા આવશે.”

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ઋષિત્વ ધારણ કરવાને સક્ષમ બનીશું તો  આપોઆપ  આપણું કહેવું સૌને સાંભળવું જ પડશે. દાખલા ઘણા છે, કબીર થી લઇને મહાત્મા ફૂલે અને ડો. આંબેડકરજી સુધીના સૌએ એક પ્રકારે તો ઋષિત્વ પ્રાપ્ત કર્યું અને સમાજે તેમનું કહ્યું સ્વિકારવું પડ્યું. આગળ પણ આ જ માર્ગ દેખાય છે. વિવેકાનંદજી પણ એ જ માર્ગ ચીંધે છે.

” વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સુચન છે. …. ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેને ભારતમાં બાકીના કુળ લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો, અને જ્યાં સુધી એમ કરે ત્યાં સુધી, એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ વર્ગને મારી આગ્રહભરી વિનંતી છે કે તેમણે પોતે જે જાણે છે તે ભારતના લોકોને શીખવીને, સદીઓથી સંગ્રહી રાખેલી પોતાની સંસ્કારિતા એ લોકોને આપી દઇને તેમને ઊંચે લાવવાનો સખત પરિશ્રમ કરવો. સાચું બ્રાહ્મણત્વ શું છે એ યાદ રાખવાની ભારતના બ્રાહ્મણોની પૂરેપૂરી ફરજ છે. મનુ કહે છે તેમ બધા અધિકારો અને માન સન્માન બ્રાહ્મણને એટલા માટે આપવામાં આવેલ છે કે ’તેની પાસે સદ્‌ગુણોનો ભંડાર રહે છે’.  તેણે  એ ભંડાર ખોલીને તેમાંના રત્નો વિશ્વમાં સહુને વહેંચી દેવાનાં છે. એ વાત સાચી છે કે ભારતીય પ્રજાઓને પ્રાચીન કાળમાં ઉપદેશ આપનારો બ્રાહ્મણ હતો; અન્ય વર્ણો પહેલાં જીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા અર્થે સર્વસ્વનો ત્યાગ કરનારો એ ભારતીય બ્રાહ્મણ હતો. બીજા વર્ણો કરતાં એ આગળ વધી ગયો એ કાંઇ એનો દોષ ન હતો. જેમ તે સમજ્યો અને વર્ત્યો તેમ બીજા વર્ણોએ કેમ ન કર્યું ?   શા માટે તેઓ આળસુ થઇને બેસી રહ્યા ? શા માટે તેમણે બ્રાહ્મણોને જીતી જવા દીધા ? સદીઓ થયાં સંગ્રહાયેલી આ સંસ્કારિતા, જેનો બ્રાહ્મણ ટ્રસ્ટી છે, તે તેણે હવે સામાન્ય જનસમુદાયને આપી દેવી જોઇએ. તેણે એ લોકોને આપી નહીં એ કારણે જ મુસલમાનોની સવારી સંભવિત બની. તેણે શરૂઆતથી આ ભંડાર લોકોને માટે ખુલ્લા કરી દીધા નહીં એટલા માટે જ આપણે હજારો વર્ષથી ભારત પર જે લોકોહઝારો વર્ષથી ચડી આવ્યા તે દરેક પરદેશીની એડી તળે કચડાતા આવ્યા છીએ. એને લીધે જ આપણે અધોગતીએ પહોંચ્યા છીએ. આથી સૌથી પહેલું કર્તવ્ય આપણા પૂર્વજોએ સંઘરી રાખેલા અલૌકિક ભંડારોને છુપાવી રાખનારા ભંડકીયાઓને ખુલ્લા મૂકી દેવાનું હોવું જોઇએ. એ ભંડારો ખોલી નાખો અને સૌ કોઇને એમાંથી આપવા માંડો; બ્રાહ્મણે એ કામ સૌથી પહેલાં કરવાનું છે. બ્રાહ્મણેત્તર વર્ણોને મારે કહેવાનું કે થોભો,ઉતાવળા ન થાઓ; બ્રાહ્મણો શાથે ઝઘડો કરવાની એકે એક તક વળગી ન પડો, કારણકે મેં તમને બતાવ્યું તેમ તમે પોતાના જ વાંકે દુ:ખી થાઓ છો. આધ્યાત્મિક અને સંસ્કૃતનાં અભ્યાસ વિષે બેદરકાર રહેવાનું તમને કોણે કહ્યું હતું ? આ બધો સમય તમે શું કરતા આવ્યા છો ? શા માટે તમે બેદરકાર રહ્યા ? બીજા કોઇકમાં વધુ બુદ્ધિ, વધુ સામર્થ્ય, વધુ આવડત અને વધુ સાહસ હોય એથી તમે હવે ધૂંઆંફૂવાં શા માટે થાઓ છો ? નિરર્થક વાદવિવાદો અને ઝઘડાઓમાં તમારી શક્તિઓ વેડફી નાખવાને બદલે, કજીયા કંકાસ કરવાને બદલે, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરોને ? એ કરો એટલે કામ પતી જશે ! શા માટે તમે સંસ્કૃતનાં વિદ્વાન નથી બનતા ? ભારતની અંદર તમામ વર્ણોને સંસ્કૃતનું શિક્ષણ આપવા માટે તમે શા માટે લાખોનો ખર્ચ નથી કરતા ? પ્રશ્ન મુખ્ય એ જ છે. જે ઘડીએ તમે આ કરવા લાગશો, તે જ ઘડીએ તમે બ્રાહ્મણની સમકક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે”.

અહીં આપણને થોડી ઉગ્રભાષામાં સ્વામીજીએ બોધ આપેલો છે, કોઇને કદાચ કડવો પણ લાગે, પરંતુ રોગ મટાડવા માટે કડવી દવા આવશ્યક હોય છે.  અહીં મુખ્ય વાત એ કહેવાઇ છે કે કોઇની લીટી નાની કરીને નહીં પરંતુ પોતાની લીટી મોટી કરીને આગળ આવવાનું છે. જરૂરી નથી કે અહીં દર્શાવેલા વિચારો શાથે સૌ કોઇએ સંમત થવું. પરંતુ જ્યારે વિવેકાનંદ જેવા જ્ઞાનીપુરૂષ કશુંક કહેતા હોય ત્યારે તેના પર પણ ચિંતન અવશ્ય થવું જોઇએ.

” સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક શાથે રહે છે. જેવી તમે એ પ્રાપ્ત કરી કે તમારી સામે કંઇ બોલવાની કોઇની તાકાત નહીં રહે. એ એકજ રહસ્ય છે; તમે એને અપનાવી લો.”

” એક બીજી ખામી આપણામાં છે… જો કોઇ આપણો દેશવાસી ઊભો થઇને મોટો થવાનો પ્રયત્ન કરશે તો આપણે બધા તેને પાછો પાડવાનો પ્રયત્ન કરવાના; પરંતુ એકાદ પરદેશી આવીને આપણને લાત મારશે તો પણ એ ચાલી શકશે. આપણે એનાથી ટેવાઇ ગયા છીએ ! ગુલામોએ હવે શેઠ બનવું જ જોઇશે ! ગુલામ થવાનું છોડી દો. આપણો એક જ મુખ્ય સૂર બનવો જોઇએ: આપણી મહાન માતૃભૂમિ ભારત ! અમુક સમયને માટે બીજા બધા ફાલતુ દેવોને આપણાં મનમાંથી રજા આપી દઇએ. આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા, અત્યારે જાગ્રત છે. સર્વત્ર તેના હાથ છે, સર્વત્ર તેના પગ છે, સર્વત્ર તેના કાન છે; સર્વત્ર એ વ્યાપી રહેલ છે. બીજા બધા દેવો તો સૂઇ ગયા છે. આપણી ચારે બાજુએ રહેલ આ વિરાટ ભગવાનને આપણે ભજીશું નહી તો વળી બીજા કયા ફાલતુ દેવોની પાછળ દોડ્યા કરીશું ? જ્યારે આપણે આ દેવની આરાધના કરીશું ત્યારે બીજા બધા દેવોની આરાધના કરવાને શક્તિમાન થઇશું. “ 

આ બોધ બધાજ ભારતવાસીઓ માટે, આજે પણ એટલો જ મહત્વનો છે. હવે વધુ કશું લખવાની જરૂર નથી, લેખ ધારણા કરતા લાંબો થયો, પરંતુ આ વિષયને આખેઆખો એકજ લેખમાં મુકવો જરૂરી હતો, અધુરૂં પધુરૂં વાંચન કદાચ ગેરસમજ ઉત્પન્ન કરે તેવો ભય પણ હતો.  આપના વિચારો અને માર્ગદર્શન આવકાર્ય રહેશે. આભાર.

9 responses to “દલિત,પિડીત,શોષિત,પછાત – સ્વામી વિવેકાનંદ

 1. બ્રેવો!!અશોક ભાઈ,
  સ્વામીજી મારું પ્રિય પાત્ર હમેશા થી છે.મારા એકજ વાક્ય પરથી આવું ટનાટન સંશોધન કરી ને અહી મુકવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.પણ ભાઈ સ્વામીજી સેલીબ્રીટી હતા માટે એ કહે તો ચાલે,પણ હું લખું તો પરમ મિત્રો ને સંસ્કૃતિ પર ઘા લાગે છે,ને ગાળ દેતો હોઉં તેવું લાગે છે.પરમ મિત્રો રિસાઈ ને અવનવા રીવોર્ડ આપે છે.ભારત નું કમનસીબ સ્વામીજી વહેલા ગયા.હજુ આજે પણ અમેરિકા માં લોકો બે વ્યક્તિઓ ને ખુબ જાણે છે અને ખુબ માન પણ આપે છે,એહ છે આ સ્વામીજી ને બીજા છે ગાંધીજી.અહી ફિલોસોફી નો વિષય રાખ્યો હોય તો ભારતીય ફિલોસોફી માં સ્વામીજીની વાતો જ ભણાવવામાં આવે છે.આપણે પૂર્વગ્રહો થી ભરેલી પ્રજા છીએ.ભગવાન મહાવીર કહેતા હતા નિર્ગ્રંથ બનીએ.જાત જાત ની ગ્રંથી એટલે ગાંઠો એટલે કોમ્પ્લેક્સ થી છૂટીએ.આપે બહુ સરસ કામ કર્યું છે.ધન્યવાદ.

  Like

  • આભાર, ભુપેન્દ્રસિંહજી. આપે એક વિચાર આપ્યો, તેનાં પર આટલું લખવા માટે મારે વિવેકાનંદજીનાં ઘણા પુસ્તકો વાંચવા પડ્યા ! મારા જ્ઞાનમાં થોડો વધારો થયો, આપનો આ ઊપકાર થયો. આ લોકો મહાન એટલે જ કહેવાયા કે તેઓએ દરેક સમસ્યાનો ઉકેલ, ઊંડાણપૂર્વક અને પૂર્વગ્રહોથી પર જઇને, સમષ્ટિનાં ભલામાં વિચાર્યો. સમયાનુસાર અમુક બાબતો ફેરવિચારણીય જરૂર હશે, પરંતુ ભુલવા જેવી તો નથીજ. આભાર.

   Like

 2. અશોકભાઇ,
  નમસ્કાર. સ્વામીજીનો વધુ પરિચય કરાવવા બદલ આપનો આભાર. આપનું વાંચન તેમ જ એની પાછળનું મંથન, એમાંથી જ આવો લેખ તૈયાર કરી શકાય. ખરેખર આજના બદલાતા સમયમાં પણ શિક્ષણનું મહત્વ વધતું જ રહ્યું છે. સૌને આંગળી ચિંધવાનું તમારું કાર્ય ધન્યવાદને પાત્ર છે.
  વધુમાં થોડો સમય વિકિ પર પણ ફાળવશો, એવી મારી વિનંતી છે. હવે તો જીતેન્દ્રસિંહજી પણ પ્રગતિના પંથે ચાલવા ગયા છે, જેથી વિકિ પર દેખાતા નથી.

  Like

  • આભાર સતિષભાઇ, આ આપ સૌ વિકિ પરના મિત્રોએ તો વિચારતા શીખવ્યું છે, જીતુબાપુને તેમના નવા સાહસ માટે શુભેચ્છા પાઠવેલ. ધંધામાં પ્રગતિ પણ જરૂરી છે ને. વિકિ પર પણ આગળ વધવા માટેનો આપનો આદેશ શિરોધાર્ય !

   Like

 3. અશોકભાઇ સ્વામી વિવેકાનંદના વિચારોનું વાંચન અને સંશોધન કરીને સરસ માહિતી આપવા બદલ આપનો આભાર. આપની વાત સાચી અધૂરા વાંચનથી ગેરસમજ ઊભી થાય. એટલે અમે પણ લેખ બે વખત વાંચ્યો.

  Like

 4. વિવેકાનંદ વિશે…

  શબ્દો ખુટી પડે એવું છે..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s