કોપીરાઇટ (૧)


© Copyright  

“સ્વામિત્વનો હક્ક”


નોંધ: અહીં ફ્ક્ત બ્લોગ જગતમાં કાર્યરત મીત્રોને થોડી માહિતી મળે તે ઉદ્દેશથી આ કાયદાની ઉપરછલ્લી સમજણ લખવામાં આવી છે. આને ફ્ક્ત સાદી ભાષામાં અપાયેલી સમજુતી ગણવી, વધુ માહિતી માટે મુળ કાયદાનો અભ્યાસ કરવા વિનંતી. અહીં ફક્ત જરૂરી લાગી તેવી બાબાતોને જ તારવીને મુકવામાં આવી છે. આ લેખનાં લેખક (હું !) કોઇ કાયદા નિષ્ણાત નથી તે જાણ માટે. વિદ્વાન મિત્રોને કોઇપણ વિસંગતતા ધ્યાને આવે તો જાણ કરવા કે સુધારવા વિનંતી છે. યોગ્ય જણાય તો માહિતીના પ્રચારાર્થે આ લેખ સૌ કોઇ પોતાના બ્લોગ પર મુકી શકે તે માટેની જાહેર અનુમતિ આપું છું.   આભાર.

 

ભારતનો કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૭ (INDIAN COPYRIGHT ACT, 1957)

૪ જૂન,૧૯૫૭ ના રોજ સંસદમાં પસાર કરાયેલ આ અધિનિયમ સંપૂર્ણ ભારતમાં લાગુ પડે છે.
આ અધિનિયમ તમામ પ્રકારની સાહિત્ય વિષયક કૃતિઓ (જેમાં સાહિત્ય,નાટક,જેવા તમામ પ્રકારોનો સમાવેશ થાય છે) ને લાગુ પડે છે.
તમામ પ્રકારની કલાત્મક કૃતિઓ (જેમાં સંગીત, ગાયન-વાદન, ચિત્રકામ (નકશાઓ વગેરે સહીત), ફોટોગ્રાફી, શિલ્પકલા, કોતરણીકામ જેવા, પછી તે કલાત્મક હોય કે ન હોય તમામ પ્રકારની કૃતિઓને લાગુ પડે છે.
** આ અધિનિયમ હેઠળ લેખક કે કર્તાની વ્યાખ્યામાં,
* લખાણ કે નાટ્યકાર્યના સંદર્ભે લખનાર.
* સંગીતનાં સંદર્ભે કમ્પોઝર (સંગીતકાર).
* ફોટોગ્રાફ સીવાયનાં કલાત્મક કાર્યો સંદર્ભે કલાકાર.
* ફોટોગ્રાફ સંદર્ભે તે ફોટો પાડનાર ફોટોગ્રાફર.
* સીનેમા કે ધ્વનીમુદ્રણ સંદર્ભે પ્રોડ્યુસર(નિર્માતા).
* કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલ કોઇપણ (લેખ,નાટક,સંગીત કે કલાત્મક) કાર્ય કે પ્રોગ્રામ સંદર્ભે કોમ્પ્યુટર પર તે તૈયાર કરનાર.
** પ્રકાશનની વ્યાખ્યા પણ જોઇએ તો:
* પ્રકાશન = કૃતિને કોપીની વહેંચણી દ્વારા અથવા સંચારમાધ્યમો દ્વારા જનતામાટે ઉપલબ્ધ કરાવવી.

** કોપીરાઈટભંગનો અર્થ: કૃતિના મુળ લેખકની પરવાનગી વગર,
(૧) કોમ્પ્યુટર પ્રોગ્રામ સીવાયનું સાહિત્ય,સંગીત કે નાટ્યકૃતિ:
* કોઇ પણ સ્વરૂપે, કોઇ પણ માધ્યમમાં નકલ કરવી.
* કૃતિની નકલ જાહેર જનતામાં પ્રસારીત કરવી (એટલેકે પ્રકાશન કરવું).
* જનતા સમક્ષ કૃતિનું મંચન કરવું (નાટક વગેરેનું).
* કૃતિનું ભાષાંતર કરવું.
* કૃતિમાં ફેરફાર કરવો.
(૨) કોમ્પ્યુટર પ્રોગ્રામ :
* આમાં વેંચાણ કે ભાડે આપવા બાબતના નિયમોની ચોખવટ કરેલ છે, જે અહીં વધુ વિસ્તૃત લખેલ નથી.
(૩) કલાકૃતિ:
* કોઇ પણ ત્રિપરિમાણીક કૃતિનું (શિલ્પ વગેરેનું) દ્વિપરિમાણીક રૂપાંતરણ કે તેથી ઊંધું પણ.
* કલાકૃતિને જનતામાં પ્રસારીત કરવી.
* કલાકૃતિમાં ફેરફાર કરવો. વગેરે

** હવે કોપીરાઈટ અધિનિયમની થોડી શરતો જોઇએતો:
* સાહિત્યકૃતિઓ,સંગીત,નાટક કે (ફોટોગ્રાફ સીવાયની) કલાકૃતિઓ (ચિત્રો,નકશા,શિલ્પ વગેરે)પર મુળ કર્તા (લેખક,ચિત્રકાર,સંગીતકાર,શિલ્પકાર વગેરે)નાં સંપૂર્ણ જીવન દરમિયાન અને મૃત્યુ પછીનાં ૬૦ વર્ષ સુધી કોપીરાઇટ  રહે છે.
* ઉપર જણાવ્યા મુજબનીજ કૃતિઓ,પરંતુ જેમના કર્તા અજ્ઞાત હોય અથવા ઉપનામથી લખાયેલ કે રચાયેલ હોય તેમના પર પ્રથમ પ્રકાશનથી ૬૦ વર્ષ સુધી કોપીરાઇટ રહે છે. આ વર્ષો દરમિયાન જો કૃતિના કર્તાની ઓળખ સાબીત થાય તો તેમના મૃત્યુ પછીનાં ૬૦ વર્ષ સુધી કોપીરાઇટ રહે છે.
* ઉપર મુજબનીજ કૃતિઓ માટે, જો તે તેના કર્તાનાં મરણોપરાંત પ્રકાશિત થયેલ હોય તો , પ્રથમ પ્રકાશનના ૬૦ વર્ષ સુધી કોપીરાઇટ રહે છે.
* કોઇપણ ફોટોગ્રાફ તેના પ્રથમ પ્રકાશનથી ૬૦ વર્ષ સુધી કોપીરાઈટ ધરાવે છે.
આ ઉપરાંત અન્ય વિવિધ બાબતોને લગતી શરતો પણ જણાવેલ છે, પરંતુ ટુંકમાં જોઇએ તો આ કાયદા હેઠળ લગભગ તમામ પ્રકારનાં કાર્યોને ઓછામાં ઓછા ૬૦ વર્ષ સુધી કોપીરાઇટનો લાભ મળે છે.

** હવે આપણે કાયદા મુજબ કોપીરાઈટ અધિનિયમનો ભંગ કઇ બાબતોને ન ગણી શકાય તે જોઇશું:
* સાહિત્ય,સંગીત,નાટ્ય કે કલાત્મક કૃતિઓ (કોમ્પ્યુટર પ્રોગ્રામ સીવાય)નો ઉપયોગ કરવા માટે —
(૧) સંશોધન સહીતના અંગત વપરાશ અર્થે.
(૨) ગુણદોષવિવેચન,મુલ્યાંકન કે સિંહાવલોકન,સમાલોચન અર્થે.
(૩) વર્તમાન ઘટનાઓના વિવેચન અર્થે,વર્તમાનપત્રો,સામયીકો કે તેવા માધ્યમોમાં ઉપર જણાવેલ કૃતિઓનો વ્યાજબી ઉપયોગ કે ઉલ્લેખ.
(૪) ન્યાયવિષયક કાર્યવાહી કે ન્યાયવિષયક કાર્યવાહીના હેવાલ આપવાના ઉદ્દેશથી કે સંસદ કે ધારાગૃહોમાં ઉપર જણાવેલ પ્રકારની કૃતિઓની પ્રતિકૃતિઓ કે પ્રતિલિપિનો ઉપયોગ.
(૫) પ્રકાશિત કૃતિના વિવેકપૂર્ણરીતે તારવેલા અંશનું જાહેરપ્રજામાં પઠન પાઠન.
(૬) શિક્ષણ હેતુથી કે સંગ્રહહેતુથી પ્રકાશન,જે પોતે કોપીરાઇટમુક્ત હોય.(કોઇ પણ એક લેખકની, એકજ કૃતિના, બે થી વધુ ફકરાઓ બેઠેબેઠા, રજુ કરી શકાશે નહીં.) અહીં જાહેરાત વગેરેના હેતુમાટે વપરાશ બાબતે પણ ઘણી ચોખવટ કરાયેલ છે જે આપણે કામનું ન લાગતા વધુ ઉલ્લેખ કરેલ નથી.
(૭) શિક્ષક કે વિદ્યાર્થિઓ દ્વારા અભ્યાસક્રમના સંદર્ભે.
(૮) પરિક્ષામાં પ્રશ્ન સ્વરૂપે કે કોઇ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે.
(૯) ખરેખરા ધાર્મિક ઉત્સવો, લગ્નપ્રસંગ જેવા સામજીક ઉત્સવો કે સરકાર દ્વારા અધિકૃત રીતે ઉજવાતા ઉત્સવોમાં ઉપયોગ (અહીં ખાસ તો સંગીત કે કથાકિર્તનને લગતી બાબત છે)
(૧૦) કોઇપણ બિનનફાકારક કે કલાપ્રેમના ઉદ્દેશથી રચાયેલ કલબ કે સંગઠનના લાભાર્થે,જેમાં લોકોને વિનામુલ્યે પ્રવેશ હોય અથવા કોઇ ધાર્મિક,સામાજીક સંશ્થાના લાભાર્થે હોય તેમાં પઠન-પાઠન કે મંચન કાર્યક્રમ.        
આ ઉપરાંત ઘણી લાંબી નિયમાવલી અહીં અપાયેલ છે જે ચલચિત્ર,સંગીત વગેરેને માટે છે,જેની અહીં બહુ જરૂર ન જણાત ચોખવટ કરેલ નથી.

** કોપીરાઇટના ઉલ્લંઘન બદલ સજાની જોગવાઇ :
જાણીજોઇને કોપીરાઇટ કાયદાના પ્રથમ વખતના ભંગ બદલ ઓછામાં ઓછો ૫૦,૦૦૦ રૂ. થી ૨૦૦,૦૦૦ રૂ. સુધીનો દંડ અને ૬ માસથી ૩ વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.બીજી વખત આજ ગુનામાં ઓછામાં ઓછો રૂ.૧૦૦,૦૦૦ થી રૂ.૨૦૦,૦૦૦ દંડ અને ૧ વર્ષથી ૩ વર્ષની કેદની સજા થઇ શકે છે. જો કે કોપીરાઇટનું ઉલ્લંઘન કોઇ નફાનાં કે વ્યાપારી હેતુસર ન થયાનું જણાયે કોર્ટ આ સજામાં ઘટાડો પણ કરી શકે છે.

** આંતરરાષ્ટ્રિય કોપીરાઇટ ઓર્ડર ૧૯૯૯ :

આ તો ભારતમાં લાગુ પડતા કાયદાઓની વાત થઇ પરંતુ જો આંતરરાષ્ટ્રિય કોપીરાઇટનો મુદ્દો ઉભો થાય તો તે માટે ’બાર્ન કન્વેન્શન દેશો’, જેમાં જગતનાં લગભગ તમામ દેશો સામેલ થયેલા છે, માટે દરેકને લાગુ પડે તે રીતે ’આંતરરાષ્ટ્રિય કોપીરાઇટ ઓર્ડર ૧૯૯૯’ અમલમાં આવે છે. જેમાં બાર્ન કન્વેન્શનમાં સામેલ દેશો કાયદાના પાલનમાં એકમેવને સહકાર આપે છે.

** પોતાની કૃતિને અધિકૃત રીતે કોપીરાઇટ કરાવવા માટે :

અધિનિયમનાં કાર્યક્ષેત્રમાં આવતી એવી કોઇ પણ કૃતિને તેનાં મુળ કર્તા કોપીરાઇટ કરાવી અને આ બાબતનું અધિકૃત પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટે તે ’ભારતનો કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૮’ ની કલમ ૧૬ માં દર્શાવ્યા પ્રમાણેનાં નમુના મુજબ એક અરજી 

To
The Registrar of Copyrights,

Copyright Office,

New Delhi.

નાં સરનામે, રજી.પોસ્ટથી કરવાની રહે છે.  અહીં આપણે વધુ સમજુતી માટે આ કલમ ૧૬ જોઇએ તો :

કલમ ૧૬ – કોપીરાઇટ નોંધણી માટેની અરજી :

(૧) નોંધણી માટેની દરેક અરજી ફોર્મ ૪ (આ દરેક ફોર્મ નીચે જણાવેલ ભારત સરકારની સાઇટ પર ઉપલબ્ધ, CopyrightRules1958 માં આપેલ છે) ના નમુના મુજબ અને નોંધણીમાં ફેરબદલ માટેની અરજી ફોર્મ ૫ ના નમુના મુજબ કરવી.

(૨) દરેક કૃતિ માટે અલગ અલગ અને ત્રણ નકલમાં અરજી કરવી, શાથે દ્વિતિય પરિશિષ્ટમાં જણાવ્યા મુજબની ફી રજુ કરવી. (આ ફીનું ધોરણ કૃતિઓ પ્રમાણે હોય છે, સામાન્ય રીતે આપણે અહીં ઉલ્લેખેલ લેખ, કલાકૃતિઓ, ચિત્રો, ફોટોગ્રાફ વગેરે ધરાવતા પુસ્તકો કે તેવા કોઇ પ્રકાશન માટે રૂ.૪૦૦ છે) વધુ જાણકારી માટે આના નિષ્ણાત વકીલોનો સંપર્ક કરી શકાય.

(૩)   અરજદારે, જો અન્ય કોઇ પણ આ જ કૃતિ માટે હક્ક દાવો કરનાર હોય તો, તે તમામને નોટીસ આપી જાણ કરવી.

(૪) અરજી કર્યાનાં ૩૦ દિવસમાં જો કોઇ વાંધાવચકા રજુ ન કરાય અને અરજદારે પોતાના દાવાના હક્કમાં રજુ કરેલી વિગતો યોગ્ય જણાય તો અરજદારના કોપીરાઇટ ની નોંધણી કરાય છે. 

(૫)   જો ઉપર જણાવેલ સમયમર્યાદામાં કોઇ વાંધા રજુ કરાય કે અરજદારે આપેલી માહિતી અપુરતી જણાય તો રજીસ્ટ્રાર તપાસ શરૂ કરી શકે છે.

(૬) અન્યથા કોપીરાઇટ રજીસ્ટરમાં નોંધણી કરી અને શક્ય તેટલી ત્વરાએ અરજદારને જાણ કરવામાં આવે છે. 

વધુ માહિતી, ફોર્મના નમુનાઓ અને ફી ની વિગતો માટે http://copyright.gov.in/  પરથી માહિતી મળી શકે છે. 

આપણે અહીં કોપીરાઇટ વિશે ટુંકમાં જરૂરી એવી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, કોઇ પણ કૃતિ અધિકૃત સંશ્થા પાસે કોપીરાઇટ હેઠળ નોંધાવેલી હોય કે ન હોય છતાં પણ તેના મુળ સર્જકનો અધિકાર તેનાં પર માન્ય રહે જ છે. હા જો કોઇ પણ કૃતિ કાયદા દ્વારા નોંધાવેલી હોય તો જરૂરી સમયે અધિકાર પ્રાપ્ત કરવો સહેલો બને ખરો. પરંતુ તે વધુ તો આર્થિક ફાયદો કરાવતી કૃતિઓ માટે જરૂરી ગણાય. આપણે તો નૈતિક રીતે પણ વિચારતા, કોઇ પણ કૃતિના મુળ સર્જકના, ઉપર જણાવેલ મર્યાદામાં રહી અને, હક્કોનું સન્માન કરવું જોઇએ તે સજ્જનતાનું લક્ષણ ગણાય તેવું તો સમજવું જ જોઇએ. કાયદાની મર્યાદામાં રહી અને, ફક્ત બ્લોગનાં સંદર્ભે વિચારતા, કોઇપણ કૃતિના સર્જકની પૂર્વમંજુરી શાથે કે તેમના નામઠામ શાથે તેમની કૃતિનો આપણે ઉલ્લેખ કરીએ તો આપણું પણ બહુમાન થશે.  હું ફક્ત નક્કર સત્યનો શોધક હોવાના ભ્રમમાં હોઇ, અહીં વિવાદરહીત, નક્કર હકિકતો આપવાનો પ્રયાસ કર્યો છે, આશા છે સૌને તે ઊપયોગી જણાશે.

આપણો નીતિશતક (૩) – સજ્જનતા (૨) પછીનો અંતિમ ભાગ પાછળ ઠેલાતો જાય છે !!  અને વચ્ચે આવું બધું લખાતું જાય છે !!  જો કે સજ્જનતા દાખવવાનો પ્રયત્ન ન કરીએ તો ખાલી સજ્જનતા વિશે વાંચવાંચ કરવાનો કશો અર્થ નથી. આથી વ્યવહારમાં સજ્જનતા દાખવવાનો સૌ પ્રયત્ન કરીએ અને આપણાં આ બ્લોગવિશ્વને મીઠાશથી ભરીએ તેવી સૌને પ્રાર્થનાસહ: આભાર.     

વધુ અભ્યાસ માટે જુઓ:

http://copyright.gov.in/         (ભારત સરકારની વેબસાઇટ) 
  

28 responses to “કોપીરાઇટ (૧)

  1. From the whole article one important point is missing I.e. How to copyright once creation? You can prefer adding this info to make it complete.

    Like

    • સરસ સુચન કૃણાલભાઇ, અધિનિયમ પ્રમાણે કોઇ કાર્ય પર, કોપીરાઇટ કરાવેલું હોય કે ન હોય, તેમના કર્તાનો હક્ક માન્ય રખાયેલ જ છે. છતાં પણ જો કોઇ ઇચ્છે તો પોતાની કૃતિને અધિકૃત રીતે કોપીરાઇટથી સંરક્ષિત કરી શકે છે. આ માટેના નિયમો ટુંકમાંજ, આ જ લેખમાં ઉમેરો કરીશ. સુચન બદલ આભાર.

      Like

  2. પિંગબેક: આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો. « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી ક

  3. અશોક્ભાઇ
    આ પ્રકારની માહીતિ ખુબ જરુરી છે.
    વધુ લોકો વાંચી શકે તેથી આપના લેખની લિન્ક નેટજગત ( https://netjagat.wordpress.com/wp-admin/post.php?action=edit&post=349&message=1)ઉપર મુકી છે
    આભાર

    Like

  4. ખૂબ જ સરસ જરૂરી માહિતીલેખ. ખૂબ ખૂબ આભાર સ્વામિત્વના હક્ક વિશે જણાવવા બદલ.

    Like

  5. અશોકભાઈ, ધન્યવાદ, ખુબ જ સરસ સેવા કરી છે આપે, ફરીથી ધન્યવાદ.

    આ સાથે હુ સર્વ બ્લોગર ભાઈઓને વિનવુ છુ કે મારાથી જાણતા અજાણાતા કોઈનુ લઈ લેવાયુ હોય તો માફ કરવા વિનંતિ કરુ છુ, કેમ કે મારો સ્વભાવ જ ખાખાંખોળા કરવાનઓ છે (ઈંટનેટ પર જ હો વળી!!) અને જે ભાઈનો વિચાર મને ગમે એટલે હુ ત્યા બે લાઈન લખીને કોપી તો કરી જ લઉ છુ છતાંય ક્યાક કચાશ રહિ ગઈ હોય તો મને ત્વરીત જણાવવા નમ્ર વિનંતિ કરુ છુ જેથી હુ આપનો અન્યાયી ના બનુ કેમ કે હુ હજુ ત્રણ જ મહિનાનો જ છુ (નેટ પર હો !!).

    ફરીથી અશોક ભાઈ, ખુબ ખુબ ધન્યવાદ……

    Like

  6. વિગતપ્રચૂર માહિતિ બદલ આભાર
    મળો મને
    @http://himanshupatel555.wordpress.com
    અભાર હિમાન્શુ

    Like

  7. અશોકભાઈ,માહિતીસભર આર્ટિકલ
    નિયમ-કાયદા સમજવા માટે મહત્વપૂર્ણ લેખ…

    Like

  8. અશોકભાઈ, આવું લખાણ મૂકીને સારું કામ કર્યું છે. ને કહ્યું છે ને કે: કર્યું એળે જતું નથી!!!

    Like

  9. પિંગબેક: હવે મારો વારો,હું કહુ કોપીપેસ્ટ વિશે બે શબ્દો ? « અલ્યા ભૈ,આ ગુજરાત છે !

  10. પિંગબેક: વિકિસ્ત્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

  11. પિંગબેક: વિકિસ્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

  12. નમસ્તે સર, તમારો આ લેખ વાંચી મને ઘણું જાણવા મળ્યું તે બદલ અપનો અભાર માનું છું.
    હવે નારે એ કેહવું હતું કે કોઈ સરકારી, કે અન્ય પ્રાઇવેટ WEBSITE ની લીનક અપના બ્લોગ માં મુકીએ તો શું આપને તેમની પરવાનગી લેવી પડે?
    તેમજ આપને કોઈ WEBSITE માં પ્રકાશિત કરેલી માહિતી ને અપને નવે સારથી ટાઇપ કરીને મૂકી શકીએ કે નહિ તે મને અવશ્ય જણાવશો.

    Liked by 1 person

    • શ્રી.હરેશભાઇ, સ્વાગત અને આભાર.
      આપના પ્રશ્ન બાબતે; પ્રાઇવેટ કે સરકારી કોઇપણ વેબસાઈટની લિંક આપણા બ્લોગમાં મુકવા માટે પરવાનગી લેવાની જરૂર નહીં. રહી વાત કોઇપણ બ્લોગ પર પ્રકાશિત માહિતીને આપણા બ્લોગ પર પૂનઃપ્રકાશિત કરવાની તો એ માટે, સરકારી કે જાહેર વેબસાઈટ હોય તો માત્ર માહિતી જ્યાંથી લીધી તે વેબસાઈટની લિંક સંદર્ભરૂપે દર્શાવી શકાય અને ખાનગી વેબ કે બ્લોગ પરથી માહિતી લઇએ તો તે પહેલાં જે તે બ્લોગધારક/રચનાકારને જાણ કરી (મેઈલ વ.દ્વારા) મંજૂરી લેવી જોઇએ.

      જો કે અહીં એક મુદ્દો એ રહે કે વેબ પર અન્ય જગ્યાએ કોઇ માહિતી છે જ તો તેની બેઠેબેઠી કોપી કરી અને બીજી જગ્યાએ મુકવામાં શો લાભ ? એથી તો ઉત્તમ કે ’આ માહિતી અહીં વાંચો’ તેમ જણાવી અને જે તે વેબસાઈટની લિંક આપી દેવી ! આમાં કશી પૂર્વમંજૂરી લેવાની પણ જરૂર નહીં. હા, તે પર આપણું કશું વિશ્લેષણ કે ટિપ્પણીઓ વગેરે આપવી હોય તો તેટલા ખપ પૂરતી માહિતી, સંદર્ભ દર્શાવી અને, ત્યાંથી લઇ શકાય. આ સંદર્ભે અન્ય કશો વિચાર વિનિમય હોય તો પણ આગળ નિસંકોચ જણાવશોજી. આભાર.

      Like

  13. લેખ ખુબ સારો છે.

    Like

  14. શુ તમે અહી લખેલો લેખ એ તમારુ પોતાનુ સર્જન છે? શુ એના પર તમારો કોપીરાઇટ છે? શુ ભારત સરકારનો આ કાયદો ફક્ત તમે જ લખી શકો? અન્ય કોઇ વ્યક્તિ આ નિયમો ના લખી શકે?

    જ્ઞાન પર પોતાનો અધિકાર જમાવવો એ નકામો પ્રયાસ છે. ઠીક છે કે કોઇ અન્ય વ્યક્તિનુ સાહિત્ય કોઇ ત્રાહિત વ્યક્તિ ન લઇ જવો જોઇએ પરંતુ તમારા આ લેખમાં મારી દૃષ્ટિએ ઘણી નબળાઇઓ રહેલી છે.

    કોપીરાઇટનો કાયદો એવુ કહેતો જ નથી કે કોપીરાઇટમાં નોંધણી કરાવ્યા વિના જ જે-તે કૃતિ પર કોઇ વ્યક્તિનો અધિકાર બની જાય. એ કદાચ તમારી પોતાની માનસિકતા હશે.

    અહી સારી સારી કમેન્ટ આપનારા વિદ્ધવાનોના બ્લોગ તપાસો અને તેમાંથી કોઇ વાક્યો લઇ ગુગલમાં સર્ચ કરો તો ખ્યાલ આવશે કે સિનિયર સિટીઝન જેવા દેખાતા લોકો ઇન્ટરનેટ પરથી સાહિત્ય ચોરી અને પોતાના નામ સાથે પબ્લિશ કરે છે. આપણને તેનો કોઇ વાંધો નથી પરંતુ કહેવાનો મતલબ એ છે કે દિખાવે પે મત જાઓ.

    Like

    • પ્રથમ ’?’ ચિહ્નો :
      ? : અહીં જે લખ્યું છે તે મેં જાતે જ લખ્યું છે. (મેં આ લખાણ, કે આ બ્લોગનું કોઈપણ લખાણ, જ્યાં જરૂરી હોય ત્યાં યોગ્ય સ્રોત-સંદર્ભ આપ્યા વગર, અન્યત્રથી કોપી-પેસ્ટ કર્યાનું કોઈને ધ્યાને ચઢે તો નિઃસંકોચ જણાવવું.)
      ? : મેં તે પર કોપીરાઈટ હોવાનો દાવો કર્યાનું ક્યાંય ધ્યાને ચઢતું નથી ! (ઉલટું આ લખાણ પર મારો હક્ક ન હોવાનો દાવો છે.)
      ? : ભારત સરકારનો કાયદો એ ભારત સરકારની હકૂમતની વાત છે, મારા જેવા અલ્પજ્ઞની નહિ ! અને એવો દાવો કર્યાનું પણ ઉપર ક્યાંય ધ્યાને ચઢતું નથી !
      ? : અન્ય કોઈ વ્યક્તી આ નિયમો ના લખી શકે તેવું પણ ક્યાં જણાવાયું છે ? આ નિયમો અને તે વિષયક સમજણ આપતા ઘણા લેખ કે પુસ્તકો મળી આવશે. મેં પણ બ્લોગ જગતના મિત્રોને ઉપયોગી થાય એ ઉદ્દેશથી, ગુજરાતીમાં, આ નિયમોની જાણકારી આપવા ’નબળો’ પ્રયત્ન કર્યો.

      માન. બહેનશ્રી. આપ કદાચ આ લેખનો મુખ્ય ઉદ્દેશ, જે શરૂઆતમાં, નોંધમાં જ લખેલ છે તે, વાંચવાનું ચૂકી ગયા અથવા તો હું એટલો નબળો લખનારો તો છું જ કે આપ સમા વાચનારને ધ્યાને તે લાવી નથી શક્યો.

      લેખ નબળો હોવાની આપની ટકોર શરઆંખો પર. અને ’કોઇ અન્ય વ્યક્તિનુ સાહિત્ય કોઇ ત્રાહિત વ્યક્તિ ન લઇ જવો જોઇએ’ એટલું તો આપ પણ માન્ય રાખો છો એ બદલ આભાર.

      ’કોપીરાઇટનો કાયદો એવુ કહેતો જ નથી કે કોપીરાઇટમાં નોંધણી કરાવ્યા વિના જ જે-તે કૃતિ પર કોઇ વ્યક્તિનો અધિકાર બની જાય.’ – એ વિધાનની યોગ્યતા જો કે કાયદાના નિષ્ણાંતો જ મૂલવી શકે. મારી જાણકારી પ્રમાણે એ અંશતઃ સાચું વિધાન ખરૂં. અને ઉપર લેખમાં નોંધણી પ્રક્રિયા વિશે પ્રાથમિક જાણકારી પણ આપી જ છે. છતાં, મારી સમજ પ્રમાણે, સાવ એવું નથી કે ન નોંધાયેલી કૃતિ પર રચનાકારનો કોઈ હક્ક રહેતો જ નથી. હા, વિવાદના સમયે તેમણે પોતાનો હક્ક સાબીત કરવો પડે. અને કૃતિ નોંધાયેલી હોય તો હક્ક સાબીત કરવો સહેલો પડે.

      અન્ય વિદ્વાનો પોતાના લખાણો ક્યાંથી મેળવે છે એ મુદ્દા સાથે આ તકે મારે અંગત પણે કશી લેવાદેવા નથી, સીવાય કે એ મારા બ્લોગેથી લેતા હોય !! અને મને હજુ સુધી તો એવો કોઈ અનુભવ થયો નથી. પરંતુ ઘણાખરાં મિત્રો, સ્વબળે, ઘણું સારૂં અને ઉપયોગી વાંચન પીરસે છે એ આપણા માટે આનંદની વાત છે.

      અને અંતે, આપના સહીત, મોટાભાગના બ્લોગ પર;
      ’© Copyright © ’*****’. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to “*****”with appropriate and specific direction to the original content.’ એ પ્રકારનો ચેતવણી સંદેશ મુકાયો હોય છે એ જ દર્શાવે છે કે દરેક બ્લોગર પોતાના બ્લોગના લખાણ પ્રત્યે સ્વામિત્વભાવ ધરાવે છે. જાગરૂકતા ધરાવે છે. અને એ જ તો આ લેખનો મુખ્ય ઉદ્દેશ છે.

      આપે નિખાલસતાથી અને સરળપણે વિચારો રજુ કર્યા અને મને આટલી ચોખવટ કરવાની તક આપી એ બદલ આભાર. આપનું હરહંમેશ સ્વાગત છે. ધન્યવાદ.

      Like

  15. નમસ્કાર સાહેબ,
    તમારો આ કોપીરાઈટ વિશેનો લેખ વાંચી મને ઘણું જાણવા મળ્યું તે બદલ આપનો અભાર માનું છું.
    હવે મારે એ કેહવું હતું કે …. તમારા આ લેખમાં તમે જણાવેલ,
    (૯) ખરેખરા ધાર્મિક ઉત્સવો, લગ્નપ્રસંગ જેવા સામજીક ઉત્સવો કે સરકાર દ્વારા અધિકૃત રીતે ઉજવાતા ઉત્સવોમાં ઉપયોગ (અહીં ખાસ તો સંગીત કે કથાકિર્તનને લગતી બાબત છે)
    અહિયાં આ બાબતમાં તમારી વાત ખોટી છે, તમારા આ બાબતના મુદ્દાને તાત્કાલિક હઠાવી લેશો.
    ખુલાસો :- ધાર્મિક ઉત્સવો – લગ્ન પ્રસંગો કે સામાજીક ઉત્સવોમાં મનભાવિક સંગીત અને નિર્માતાઓના ગીતોનો ઉપયોગ મ્યુઝીક પાર્ટીઓ/ ડી.જે.સાઉન્ડ સીસ્ટમ મારફત નાણાની ચુકવણી કરી મનોરંજન મેળવતા હોય છે. અહી નાણાંકીય લેવડદેવડ થતાં કોપીરાઈટ કાયદાનો ભંગ જોવા મળે છે. જેનો ઉલ્લેખ તમોએ ** હવે આપણે કાયદા મુજબ કોપીરાઈટ અધિનિયમનો ભંગ કઇ બાબતોને ન ગણી શકાય તે જોઇશું: એવું લખી તમારા લખાણને ખોટું સાબિત કરેલ છે.

    Like

    • શ્રી.મહેબૂબભાઈ, સ્વાગત અને આભાર.
      આપે દર્શાવેલા મુદ્દા વિશે કોઇ જાણકાર મિત્રનું વધુ માર્ગદર્શન મળશે કે મારા દ્વારા થનાર વધુ અભ્યાસમાં એ મુદ્દો અયોગ્ય જણાશે તો ચોક્કસ સુધારાશે કે હટાવાશે. આપે રસપૂર્વક વાંચી અને માર્ગદર્શન કર્યું એ બદલ ધન્યવાદ. હવે એ મુદ્દો હાલ અહીં કેમ છે એનો સંદર્ભ :

      ભારતનો કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૭ (INDIAN COPYRIGHT ACT, 1957) નાં ચેપ્ટર 11 નાં સેક્શન 52 ના પેટાસેક્શન 1 માં ક્રમ za નું લખાણ અને તેની સાથેની ચોખવટ સાથે વાંચતા આ અર્થ નિકળે છે. આ લખાણ કાયદામાં લખાયેલું છે અને આપે જણાવ્યું તેમ આવા કિસ્સામાં રજૂઆતકર્તાઓને પારિશ્રમિક ચૂકવાતું હોય છે એ વાસ્તવિકતા છે છતાં આ કાયદાએ આ છૂટ આપેલી હોય તેમ દેખાય છે. બને કે મારા ભાષાંતરમાં કોઇ ક્ષતિ હોય પણ મારી સમજ પ્રમાણે અર્થ તો આવો જ છે. છતાં આપ ઉપરોક્ત કલમ વિગતે વાંચી, અભ્યાસ કરી જણાવશો તો આપણે કોઇ ક્ષતિ હોય તે સુધારી શકીએ. ધન્યવાદ.

      Like

  16. Best lekha
    Bov sarsh mahiti se mne bhu upyogi se

    Like

  17. મારા ‘ડાંગ દર્શન ન્યૂઝ ‘ નાં RNI દિલ્હી મારા નામે નોંધાયેલ ટાઈલ નો કોઈ અન્ય વ્યકિત ઉપયોગ કરે તો તેની સામેશું? પગલા લઈ શકાય?

    Like

Leave a comment