નીતિશતક (૨) – દુર્જનનિંદા


આગળ આપણે નીતિશતક (૧) માં મૂર્ખતા પર થોડો વિચાર કરેલો. આજે અહીં દુર્જનતા પર વાત કરીશું. સમાજમાં વિવિધ પ્રકારનાં લોકો વસે છે. તેમાં કેટલાક લોકો સમાજને ઉપકારક થવાને બદલે અવરોધક અને વિઘાતક બને છે. આવા લોકોને સમાજ દુર્જન તરીકે ઓળખે છે. અહીં થોડા મુક્તકોમાં ભર્તૃહરિએ આવા લોકો તરફ અણગમો દર્શાવી અને તેમને ઉગ્રપણે ઝાડી નાખ્યા છે. 

દુર્જનો એટલે નિર્દયતાનું નિવાસસ્થાન, વગર કારણે લડાઇનું ઉદ્‌ભવસ્થાન, અન્યનું પડાવી લેનાર, પરસ્ત્રીમાં આસક્ત, હમેશાં નકારાત્મક વલણ ધરાવનાર આવા લોકો, શતકકારનાં કહેવા અનુસાર, બાહ્ય રીતે તો અત્યંત તેજસ્વી હોય છે છતાં પણ તેમનાં દોરદમામ કે ચમકદમકથી અંજાયા વિના, મણિથી શણગારાયેલા સાપ સમાન ગણી તેમને તરછોડી નાખવા જોઇએ.

આવા લોકો સમાજમાં તેમની વિનાશલીલા વેરે તે સમાજે ચલાવી લેવું ? જો કે અહીં શતકકારે આનો લગભગ વિધેયાત્મક ઉત્તર આપેલો છે.  અહીં કહેવાયું છે કે મધુર વચનોથી પણ તેમને મનાવી શકાય નહીં. તો પછી તેમનો બીજો કોઇ ઉપાય ખરો ? હા, તો કયો ? તાડન કે તર્જન ?  અન્ય એક શ્ર્લોકમાં પણ જણાવ્યું છે કે:  शाठ्यं सदा दुर्जने. જરા વિચારજો. આ શાથે ચાલો આપણે નીતિશતકમાંથી આ વિષયનાં થોડા મુક્તકો પર વિચાર કરીએ.

अकरुणत्वमकारणविग्रह: परधने परयोषिति च स्पृहा।
स्वजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम्।।५२।।

નિર્દયતા, કારણ વિનાની લડાઇ, પરધન કે પરસ્ત્રીમાં ઇચ્છા, સજ્જનો અને સ્વજનો તરફ અસહિષ્ણુતા; આ બધું દુષ્ટ માણસોને સ્વભાવ સિદ્ધ હોય છે.

અર્થાત, દુષ્ટ માણસ કોઇનો સગો હોતો નથી, એમ પણ માનવું પડે કે દુર્જનતા સ્વભાવસિદ્ધ હોય છે. અને પેલી કહેવત તો સાંભળીજ હશે કે ’બાર ગાઉએ બોલી બદલે, તરૂવર બદલે શાખા, ગમે તેટલું જાવ તોયે લખણ ન બદલે લાખા’ (આ કહેવતના અન્ય રૂપો પણ હોઇ શકે, કોઇ જાણતું હોય તો લખવા વિનંતી). મુળે માણસનો સ્વભાવ કદી ફરતો નથી. અને આ સ્વભાવ કઇ રીતે બંધાતો હશે ? ગત જન્મનાં કર્મોથી ? કે બાળપણના ઉછેરથી ?  આંગળી ઉંચી કરો !!! આમે જવાબ કદાચ ત્યાં જ હોય !!

दुर्जन: परिहर्त्तव्यो विद्ययाऽलङ्कृतोऽपि सन्।

मणिना भूषित: सर्प: किमसौ न भयङ्कर:।।५३।।

વિદ્યાથી શોભતો હોય તો પણ દુર્જનને દૂર જ રાખવો જોઇએ. મણિથી શોભતો સર્પ શું ભયંકર નથી હોતો ?

અહો !! કેટલી ઉમદા વાત અહીં શતકકારે કહી છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે, ’છાણે ચડાવી કરડાવવો’. અર્થાત વિંછીને છાણા પર ચડાવી અને છાણું હાથમાં લો તો વિંછી તો કરડવાનો જ ને ?  સમજુ માણસ તેને કહેવાય જે લાખ ઉપયોગી હોય તો પણ દુર્જનને દુર જ રાખે. નહીં તો ઉંદર ભગાવવા માટે સાપ પાળવા જેવું થાય !!

जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दम्भ: शुचौ कैतवं

शूरे निर्घृणता ऋजौ विमतिता दैन्यं प्रियालापिनि।

तेजस्विन्यवलिप्तता मुखरिता वक्तर्यशक्ति: स्थिरे

तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाड़्कित:।।५४।।

લજ્જાશીલ મનુષ્યમાં જડતા ગણે છે. પવિત્ર વ્રતમાં દંભ માને છે, પવિત્રતાને કપટ સમજે છે. શૂરવીરને નિર્દય લેખે છે. મૌન રાખનારને બુદ્ધિ વિનાનો ગણે છે.  મધુર બોલનારને નિર્બળ માને છે. તેજસ્વીને અભિમાની ગણે છે. સરસ વાક્‌ચાતુર્ય ધરાવનારને બોલકો માને છે. ગુણવાનોનો એવો કયો ગુણ હશે, જેને દુર્જનો ખરાબ નથી ગણતા ? 

આવા લોકોનો અનુભવ ન થયો હોય તેવો ભાગ્યશાળી આ પૃથ્વિના પટ પર ક્યાંય શોધ્યો મળશે નહીં ! ’શિંગડેથી પકડો તો ખાંડો અને પૂંછડેથી પકડો તો બાંડો’ એવા લોકો તમારી દરેક વાતનો ઉલ્ટો અર્થ જ કરશે. અન્યની વાત જવા દઇએ, અહીં આપણે આપણો પોતાનો સ્વભાવ પરખવા માટેની કસોટી શતકકારે આપી હોય તેવું જણાય છે. ક્યાંક આપણને તો અન્યની દરેક બાબતમાં ફક્ત દોષ જ નથી દેખાતાને ? પોતાના વાણી વર્તન પર પણ સતત નિરીક્ષણ રાખી અને સજ્જ રહે તે જ સજ્જન.

लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकै:

सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम्।

सौजन्यं यदि किं निजै: सुमहिमा यद्यस्ति किं मण्डनै:

सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना।।५५।।

જો લોભ હોય તો દુર્ગુણથી શું ? જો ચાડી ચુગલી હોય તો પાપથી શું ? જો સત્ય હોય તો તપથી શું ? જો મન પવિત્ર હોય તો તીર્થથી શું ? જો સજ્જનતા હોય તો બળથી શું ? જો મહિમા હોય તો શણગારથી શું ? જો સારી વિદ્યા હોય તો ધનથી શું ? અને જો અપકીર્તિ હોય તો મૃત્યુથી શું ?

 લોભ=દુર્ગુણ, ચાડી ચુગલી=પાપ, સત્ય=તપ, મનની પવિત્રતા=તીર્થ, સજ્જનતા=બળ, મહિમા=શણગાર, વિદ્યા=ધન અને અપકીર્તિ=મૃત્યુ છે.

शशी दिवसधूसरो गलितयौवना कामिनी

सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृते:।

प्रभुर्धनपरायण: सततदुर्गत: सज्जनो

नृपाङ्गनगत: खलो मनसि सप्त शल्यानि मे।।५६।।

દિવસે ઝાંખો થયેલો ચંદ્રમા, જેનું યૌવન જતું રહ્યું છે તેવી કામિની, જેમાં કમળ નથી રહ્યા તેવું સરોવર, સુંદર રૂપવાળાનું નિરક્ષર મુખ, ધનનો લોભી માલિક અને સતત દુર્ગતિમાં રહેતો સજ્જન. તેમજ રાજાને આંગણે રહેતો દુષ્ટ; આ સાત મારા મનમાં શલ્ય (કાંટા)ની જેમ ભોંકાય છે.

પ્રથમ પાંચ તો સ્વયં સમજાય તેવા જ છે. છઠું, સજ્જન પણ જો સતત દુર્ગતિમાં રહેતો હોય તો અને છેલ્લે ફક્ત દુર્જન નહીં, પરંતુ ’રાજાને આંગણે રહેતો દુર્જન’,  કંટક સમાન ભોંકાય છે. અર્થાત, અન્ય સ્થાને પડેલો દુર્જન તો સમાજને હજુએ કંઇક ઓછું નુકશાન પહોંચાડી શકે, પરંતુ સત્તાસ્થાને પડેલો દુર્જન ભયંકરાતિભયંકર નુકશાન પહોંચાડી શકે છે.  નીતિ પ્રમાણે તો સત્તાસ્થાને રહેલાઓએ આવા દુર્જનોને દુર જ રાખવા જોઇએ, જો કે દુર્જનો જ સત્તાસ્થાને ચડી બેઠેલા હોય તો શું કરવું ? એ જમાનામાં કદાચ આવા પ્રશ્નો નહોતા !!! (જો કે લોકશાહીમાં એક ઉત્તર છે !! પાંચ વરસ તપશ્ચ્રર્યા કરવી 🙂 )

न कश्चिच्चण्डकोपानामात्मीयो नाम भूभुजाम्।

होतारमपि जुह्वानं स्पृष्टो दहति पावक:।।५७।।

અત્યંત ઉગ્ર ગુસ્સાવાળા રાજાઓને પોતાનું કોઇ આત્મીય હોતું નથી. અગ્નિને જો સ્પર્શ કરે તો હોમ કરનારા હોતાને પણ તે બાળે છે.

 

उद्भासिताऽखिलखलस्य विश्रृङ्खलस्य

प्राग्जातविस्तृतनिजाधमकर्मवृत्ते:।

दैवादवाप्तविभवस्य गुणद्विषोऽस्य

नीचस्य गोचरगतै: सुखमाप्यते कै:।।५९।।

સંપૂર્ણ દુષ્ટતાને (આચરણમાં) પ્રગટ કરનાર, બેકાબૂ. પોતે કરેલા દુષ્કર્મોને ભૂલી જાય છે તેવા, દૈવયોગે વૈભવ મેળવનાર અને ગુણોનો દ્વેષ કરનાર એવા નીચની નજરમાં કોઇ ચડે તો તે કેવી રીતે સુખેથી રહી શકે ? 

 

आरम्भगुर्वी क्षयिणी क्रमेण लघ्वी पुरा वृद्धिमती च पश्चात्।

दिनस्य पूर्वार्धपरार्धभिन्ना छायेव मैत्री खलसज्जनानाम्।।६०।।

દુર્જનની મિત્રતા સવારની છાયા જેવી, આરંભમાં મોટી અને પછી ક્રમે ક્રમે ઘટતી જાય છે. જ્યારે સજ્જનની મિત્રતા બપોર પછીના છાયા જેવી, આરંભમાં નાની પણ પછી ક્રમે ક્રમે મોટી થતી જાય છે.

“મિત્ર એસા કીજીયે, ઢાલ સરીખા હોય. સુઃખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગે હોય.”

ખબર નહીં આજે કહેવતો બહુ યાદ આવે છે !! લો એક બીજી પણ સહન કરો !!

“સોબત કરતા શ્વાનની, બે બાજુનું દુઃખ. ખીજ્યું કરડે પીંડીએ, રીજ્યું ચાટે મુખ.” કહેવાનો ભાવાર્થ એટલોજ છે કે નીતિ એ સામાન્ય જનજીવનમાં ભારોભાર વણાઇ ગયેલું તત્વ છે. એવું જ્ઞાન છે જે મેળવવા માટે બહુ બધું તપ કરવાની પણ જરૂર નથી. બસ આંખ, કાન અને મન ખુલ્લા રાખી અને થોડું ચિંતન જરૂરી છે. (હા નીતિ સાચી રાખવી જરૂરી ખરી !!)

मृगमीनसज्जनानां तृणजलसंतोषविहितवृत्तीनाम्।

लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जगति।।६१।।

ઘાસ, જળ અને સંતોષથી આજીવિકા ચલાવનાર હરણાં, માછલાં અને સજ્જનોના, શિકારી, માછીમાર અને દુર્જનો વગર કારણે દુશ્મનો છે.

एते सत्पुरुषा: परार्थघटका: स्वार्थं परित्यज्य ये

सामान्यास्तु परार्थमुद्यमभृत: स्वार्थाऽविरोधेन ये।

तेऽमी मानुषराक्षसा: परहितं स्वार्थाय निघ्नन्ति ये

ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे।।७५।।

જેઓ સ્વાર્થ ત્યજીને પરોપકાર કરનારા છે તેઓ સજ્જનો છે. પોતાનો સ્વાર્થ સાધીને જે બીજા માટે ઉદ્યમ કરે છે તેઓ મધ્યમ પ્રકારના (સામાન્ય જન) પુરૂષો છે. જે સ્વાર્થ માટે પારકાના હિતનો નાશ કરે છે તેઓ મનુષ્યરૂપી રાક્ષસો છે. પરંતુ જેઓ વિના કારણે બીજાનું અહિત કરે છે તેને કેવા ગણવા તે અમે જાણતા નથી. 

લાગે છે કે અહીં કવિએ દુર્જનોને સ્પષ્ટપણે ચોથા વર્ગમાં સમાવિષ્ટ કર્યા છે. પ્રથમ તો એ સજ્જનો છે જે “પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે….. વૈષ્ણવ જન તો..”  

બીજા વર્ગમાં એ જે રોજ સવારે પ્રાથના કરે છે: ’હે ઇશ્વર ! સકળ સંસારનું ભલું કરજે, અને શરૂઆત મારાથી કરજે !!’ આ પણ સારૂં જ છે. પોતાના હિતમાં પણ અન્યનું કે અન્યનાં હિતમાં પોતાનું હિત સમાયેલું જોવું તેને સામાન્યભાષામાં ’રખતરખા’ કહે છે. સરકારી કચેરીઓ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 😀  જો કે આ સામાજીક વર્ગ તો છે જ.  

ત્રીજો રાક્ષસ વર્ગ છે, જે પોતાનું ભલું કરવા માટે અન્યનું અહિત થાય તો પણ ગભરાતો !! નથી. એટલે જ આ વર્ગને અસામાજીક તત્વો કહેવાય છે. જેમ કે દારૂ, જુગાર, ચોરી વગેરે દ્વારા તેનો ફાયદો લેનાર એ નથી જ જોવાનો કે આને કારણે કેટલાના જીવન બરબાદ થાય છે. આ વર્ગનો મહામંત્ર એકજ છે, “ખુદ જીવો, બીજા જાય જહન્નમમાં” – “live and let die” 

છેલ્લે ચોથો વર્ગ, જેનું નામકરણ શું કરવું તે બાબતે ખુદ શતકકાર મુંજવણમાં મુકાઇ ગયા !! આ એ વર્ગ છે જે લીધાદીધા વગરનો અન્યનું બુરું જ ઇચ્છે છે. અમે નાના હતા ત્યારે શાળાએ આવતા જતાં રસ્તે બેઠેલા શ્વાનોને અમથા અમથા પાદપ્રહારથી નવાજતા હતા !! આજે તો હવે અમારી લાતો ખાધેલા એ શ્વાનો હયાત નહીં હોય, પણ છતાં અમો તેમની ક્ષમા પ્રાથીએ છીએ ! હવે ખબર પડી કે આ આટલી અમથી ક્રિયાએ પણ અમને આ ચોથા વર્ગમાં સમાવિષ્ટ કરાવી નાખ્યા.

તો મિત્રો આપ સૌ પ્રથમ અને નછુટકે કદાચ દ્વિતિય વર્ગમાં જ સમાવિષ્ટ રહો તેવી સદ્‌બુદ્ધિ આપનાં સ્વમાંથી જ વિકસે તેવી પ્રાથનાસહ:

હવે પછીના લેખમાં કર્મયોગ પર એક ચિત્રકથા કરવાનો વિચાર છે, આશા છે તે પણ આપને જરૂર વિચારવંત લાગશે.  

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

3 responses to “નીતિશતક (૨) – દુર્જનનિંદા

  1. પિંગબેક: નીતિશતક (૪) – વિદ્યા « વાંચનયાત્રા

  2. બાર ગાઉએ બોલી બદલે
    તરૂવર બદલે શાખા
    બુઢાપા ના કેસ બદલે
    પણ લખણ બદલે લાખા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s