વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૧)-ખલિલ જિબ્રાન


નમસ્કાર, ખલિલ જિબ્રાનની ઓળખ હવે ગુજરાતી વાંચનરસિયાઓને કરાવવી પડે તે દિવસો વીતી ગયા છે. અહીં આપણે તેમનાં સર્વશ્રેષ્ઠ પુસ્તકોમાંના એક એવા “ધ પ્રોફેટ” નો શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલો પદ્ય અનુવાદ “વિદાય વેળાએ” માંથી થોડા રસછાંટણા માણીશું.  આ અનુવાદ “વિદાય વેળાએ”  ૧૯૩૫ માં લખાયેલ, હાલમાં પણ નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ દ્વારા આની નવી આવૃત્તિઓ ઉપલબ્ધ છે.

આમ તો અહીં આ પુસ્તકમાંથી થોડા અંશો જ રજુ કરવાનું નક્કિ કરેલ હોય,  પુસ્તકને સંપૂર્ણતયા ન્યાય આપી શકાશે નહીં. પરંતુ મુળ અંગ્રજીમાં “ધ પ્રોફેટ”નું વાંચન કરવા માટે નીચે કડીઓ (Links) આપેલ છે.  

જો કે આ પુસ્તકમાંથી મને ગમતું પસંદ કરવાનું હોય તો બહુ બહુ તો વિરામચિહ્નોને હું છોડી શકું !  બીજું કે આ ગુજરાતી અનુવાદ “વિદાય વેળાએ” પણ ઘણી વેબસાઇટ પર છુટક છુટક ઉપલબ્ધ છે, તેથી તેની કડીઓ પણ અહીં આપેલ છે. અહીં લગભગ ક્યાંય ઉપલબ્ધ ન હોય તેવા થોડા, મને ગમતા, અંશો આપવાનો પ્રયાસ કરીશ. ચાલો ત્યારે, કાંઠે બેસી વધુ ચર્ચાઓ કરવાને બદલે સીધું આ અમૃતજળમાં ઝંપલાવીજ દઇએ !

 || ઊપકથન || (અનુવાદકનું)

’પ્રોફેટ’ ની ભાષા બાઇબલની ભાષાને મળતી છે. મેં સાવ એ જ શૈલીને ઉપજાવવા પ્રયત્ન નથી કર્યો, છતાં મુદ્દલ અનૂસર્યો નથી એમ પણ નથી. છતાં શૈલીનું નહીં પણ પુસ્તકનું સાચું માધુર્ય તો એના વિચારોને પી જઇ કોઇ અધિકારી કવિ ગુજરાતીમાં પદ્યબદ્ધ કરે તો જ ચખાય.

આપણાં બ્લોગર મિત્રો માંથી છે કોઇ આ બિડું ઝડપવા તૈયાર ??? વધુ નહીં તો થોડું થોડું, પણ કામ છે કરવા જેવું !

હું પોતે ચિત્રકાર નથી તેથી અને પુસ્તક મોરનું ઇંડું છે તેથીયે પુસ્તકની સમાલોચના કરવી વાજબી સમજતો નથી. વાચક જ પુસ્તકનો રસ લૂંટાય તેટલો લૂંટી લે. માત્ર એક ચેતવણી આપવા ઇચ્છું છું. આપણા દેશમાં પુસ્તકના લખાણ ઉપરથી તેના લેખકની અંગત યોગ્યતા વિશે પણ ખ્યાલ બાંધવાની ટેવ હોય છે. આમાં ઘણી વાર ભૂલ થાય છે. માણસ જેટલું વિચારી શકે છે, તેટલું બધું એના જીવનમાં હંમેશા ઊતરેલું જ હોય છે એમ ન સમજવું જોઇએ. આથી લેખકનું જીવન અને લેખકનાં લખાણો વચ્ચે વિરોધ હોવાનો સંભવ હોય છે. વધારેમાં વધારે એટલી અપેક્ષા રાખી શકાય કે લેખકનો પોતે જેટલું સમજે તે પ્રમાણે પોતાનું જીવન રચવાનો પ્રયત્ન હશે. પ્રયત્ન છતાં એ ન ફાવતો હોય એમ પણ બને.

આ વાત લેખકોની શાથે શાથે લગભગ તમામ વર્ગને લાગુ પડતી જણાય છે. પછી તે રાજકારણ, ધર્મ, કલા કે અન્ય કોઇ પણ ક્ષેત્ર હોય. ટુંકમાં આંધળી ભક્તિમાં રાચનારને આંખ ખુલે ત્યારે વધુ જબરજસ્ત આઘાત લાગે છે. માટે સૌને સાંભળી અને આપણું કરવું.  હજુ વધુ નીચેનો ફકરો વાંચો, વિચારવા લાયક તો છે જ.

લેખક કે ઉપદેશક, મોટો હોય કે નાનો હોય, જ્ઞાની અને પંડિત હોય કે મુઢ અને અભણ હોય, અવતાર કોટીનો હોય કે પામર હોય, તેના વિચારો નીરક્ષીરવિવેકથી જ લેવાના હોય એમ કહેવાની જરૂર ન હોય. તેમાં કવિઓનાં વિચારો વિશે ખાસ કાળજી રાખવી ઘટે. એમનું વાણીચાતુર્ય વિવેક કરવામાં ભૂલ ખવરાવી દે તેવો સંભવ વધારે હોય છે. કવિની વાણી તોલેલી ભાગ્યે જ હોય. એ તોલીને બોલે તો કાવ્ય ન રહે. એ તો જે પક્ષ લે તેને ખૂબ ચીતરી નાખવામાં જ પોતાની શક્તિ ખર્ચે. આવું આ કવિની વાણીમાંયે છે અને હોવું સ્વાભાવિક છે. એટલે એ વિચારોને વાચકે જાતેયે વિચારવા જ. પણ કવિનું ઘણું કહેવું સત્ય, અને સુંદર રીતે રજૂ થયેલું સત્ય છે,  એમ મને લાગ્યું ન હોત તો કેવળ કાવ્યાનંદ માટે મને આ અનુવાદ કરવાનું મન ન થયું હોત, એટલું એમના પક્ષમાં કહેવું બસ થશે.   —– ૧૯૩૫ – અનુવાદક.

 || મૂળ પુસ્તક વિશે અભિપ્રાયો || 

આયરિશ તત્વવેત્તા અને કવિ-જ્યોર્જ રસલ : “મને નથી લાગતું કે રવીન્દ્રનાથ ઠાકુરની “ગીતાંજલિ” પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો ખલિલ જીબ્રાન-જે ચિત્રકાર તેમ જ કવિ છે-તેમના ’ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી, અને એ વાંચતા સોક્રેટીસે ’ધ બેંકવેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઇ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે…

 || પ્રસ્તાવના – ખલિલ જીબ્રાન દ્વારા ||

* પછી તેમણે પોતાની આંખો મીંચી, અને પોતાના આત્માના મૌનમાં ઇશ્વરનું સ્તવન કર્યું.

* પોતાના દુ:ખ અને પોતાના એકંતને ખેદ પામ્યા વિના કોણ છોડી શકે વારુ ?   (અર્થાત : આપણે જે દુ:ખ અને એકાંત ભોગવ્યા હોય છે તે પણ આપણને પ્રિય બને છે. એને યાદ કરવાની હોંશ થાય છે. – અનુવાદક)

* ભૂતમાત્રને પોતા પ્રત્યે બોલાવી લેનારો સાગર (કાળ) મનેય બોલાવી રહ્યો છે, એટલે મારે ઊપડવું જ જોઇએ.

* કેમકે, રહેવું એટલે – રાતની ઘડીઓમાં તાપણું બળતું હોય તોયે – થિજાવું, બંધાવું અને ઢેફું બનવું. (અર્થાત : પ્રાણી જો યથાકાળે મરે નહીં, તો એનું જીવન ઘોર રાત્રિએ ચારે બાજુ બરફના ઢગલા વચ્ચે તાપણું કરી જીવવાનો પ્રયત્ન કરનાર જેવું થાય. – અનુવાદક)

* શબ્દ પોતાને પાંખો આપનાર જીભ અને હોઠને સાથે લઇ જઇ શકતો નથી. એકલાં જ તેને આકાશને માપવું પડે છે.

* પછી તે વિચારવા લાગ્યા:

શું વિદાયનો દિવસ મેળાવડાનો દિવસ બનશે ?

* શું મારું હૃદય ફળોના ભારથી લચેલું એક વૃક્ષ બનશે ખરું, કે જેથી એ ફળોને ઉતારીને હું તેમને વહેંચી શકું ?

* હું તો કેવળ એક મૌન શોધનારો રહ્યો છુ; એ મૌનેમાંથી એવાં ક્યાં રત્નો મને મળ્યા છે કે જે હું હિંમત કરી વહેંચી આપું ?

* ખાલી અને અણચેતાવેલો જ હું મારા દીવાને ઉંચો ધરીશ.

રાત્રિનો નાથ જ તેમાં તેલને પૂરશે, અને તેને ચેતાવશેયે તે જ.  (એટલે કે શું બોલવું તેનો હું કંઇ પણ વિચાર કરી રાખતો નથી. ઇશ્વર જેમ બોલાવશે તેમ બોલીશ. – અનુવાદક)

* સનાતન નિયમ છે કે વિયોગની ઘડી આવતાં લગી પ્રેમને પોતાની તીવ્રતા સમજાતી નથી. (આજના વેલેન્ટાઇન્સ ડે ને અર્પણ)

* છતાં, તમે અમને છોડી જાઓ તે પહેલાં, અમારી તમારી પાસે એટલી માગણી છે કે તમે અમને કાંઇક કહેતા જાઓ અને તમારા સત્યના ભંડારમાંથી અમને કાંઇક આપતા જાઓ;

જે અમે અમારાં બાળકોને આપીશું, અને તેઓ તેમનાં બાળકોને આપશે, અને તે નાશ પામશે નહીં.

* તો હવે તમે અમારો જ અમને પરિચય કરાવો, અને જન્મ તથા મરણની વચ્ચે જે કંઇ છે, તેમાંથી તમને શું દર્શન થયું છે તે સઘળું અમને કહો.

મિત્રો, આ પુસ્તકની શરૂઆત વિશે થોડું કહેવા માંગુ છું, જેથી જેઓએ આ પુસ્તક નથી વાંચ્યું તેમને તેમને થોડો સંદર્ભ સમજાય. ઓરફાલીઝ નામનાં એક નગરમાં વસતા એક ઓલિયા (સંત) ને તેમનાં જીવનનાં અંતિમ સમયે (વિદાય વેળાએ) જે મનોમંથન થાય છે, તેનું વર્ણન અહીં કરેલું છે. ઉપરાંત નગરનાં વાસીઓ, સંતને વિદાય આપવા માટે એકઠ્ઠા થાય છે અને તેમની પાસેથી અંતિમ જ્ઞાન મેળવવા માટે વિનંતી કરે છે. ત્યારે તે સંતપુરુષે, પોતાના જીવનનાં નિચોડરૂપ, જે જ્ઞાન લોકોને આપ્યું તે આ કાવ્ય (ધ પ્રોફેટ – વિદાય વેળાએ). જેમાં પ્રેમ, લગ્ન, બાળકો, દાન, ખાનપાન, શ્રમ, ગુનો અને સજા, સ્વાતંત્ર્ય, બુદ્ધિ અને લાગણી, શિક્ષણ, મિત્રતા, ભલાઇ અને બુરાઇ, ધર્મ, મૃત્યુ જેવા કેટલાયે વિષયો પર સુંદર તત્વચિંતન રજુ કરેલ છે. જેનાં  અંશો આપણે આગળ ઉપર જોઇશું.

આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે આપ સૌનાં હૃદયમાં સમગ્ર સૃષ્ટિ માટે પ્રેમ અને માત્ર પ્રેમ જ પ્રગટે તેવી અભ્યર્થના સહ: 

* ખલિલ જીબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  

* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)

* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)

* રીડ ગુજરાતી (’વિદાય વેળાએ’ નાં કેટલાક અંશો, ગુજરાતીમાં) 

 

4 responses to “વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૧)-ખલિલ જિબ્રાન

  1. બાપલા મને માફ કરજો, અહિયા સુધી આવતા મોડુ કર્યુ…..એમાં પણ મારો વાંક ન હતો, ત્રીજે પાને થે આ પહેલા પાને આવતા આવતા હુ તો આવા હિરા મોતીની ઝગમગાટ જેવા શબ્દોની ભવ્યતાથી અંતરના અચંબામાં બે ઘડી શાંત થઈ ગયો હતો….અતિ સુંદર અકલરવ ભરી શાંતિ મળી…….ધન્યવાદ….!!

    Like

  2. પિંગબેક: વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૪)-ખલિલ જિબ્રાન « વાંચનયાત્રા

  3. પિંગબેક: વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૪)-ખલિલ જિબ્રાન « વાંચનયાત્રા

  4. ખલીલ જીબ્રાનની વાણી જીવનમાં ઉતારવા જેવી છે .એમાંથી ઘણું શીખવા જેવું છે . મારા મોટા દીકરાનો સસરો ખલિલ જિબ્રાનની જેમ લેબનોનનો ખ્રિસ્તી અરબ હતો .તેની પાસેથી પણ મેં ખલિલ જિબ્રાન વિષે ઘણું સાંભળેલું

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s