શૃંગારશતક (૨)-સ્ત્રીપ્રશંસા


Yellow flower 03 ભર્તૃહરિએ શૃંગારશતકની શરૂઆત કામદેવને નમસ્કાર કરીને કરી છે. આ શતકમાં શરૂઆતના કેટલાક મુક્તકોમાં સ્ત્રી પ્રશંસા નું રસિક વર્ણન આપેલું છે. પુરુષને પરવશ કરવા સ્ત્રીનું રૂપ અને તેની શૃંગારિક ચેસ્ટાઓ કામદેવનું અમોઘ શસ્ત્ર છે. સ્ત્રીનું સ્મિત, હાવભાવ, લજ્જા, ભીરુતા, કટાક્ષ વગેરે મનુષ્યને સંમોહિત કરીને બાંધી લે છે. આ કારણે જ મહાકવિ કાલિદાસે તેને “સુકુમાર પ્રહરણ”, એટલે કે ’અત્યંત સુકોમલ શસ્ત્ર’ કહ્યું છે !

અહીં આપણે આ વિષય પરનાં અમુક ચુંટેલા મુક્તકોનો આસ્વાદ માણીશું. વિવિધ પુસ્તકોમાં આ મુક્તકોનાં ક્રમમાં ફરક જણાય છે, અમુક પુસ્તકોમાં સંખ્યાનો ફરક પણ જોવાય છે. અહીં આગળનાં લેખમાં (શૃંગારશતક (૧)-પરિચય) ઉલ્લેખેલ પુસ્તકના આધારે મૂળ શ્લોક લેવામાં આવેલ છે.

शंभुस्वयंभुहरयो हरिणेक्षणानां

येनाक्रियन्त सततं गृहकुम्भदासा: ।

वाचामगोचरचरित्रविचित्रताय

तस्मै नमो भगवते मकरध्वजाय ॥१॥

“જેણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને હંમેશ માટે મૃગનયની સુંદરીઓના, ઘરકામ કરનાર દાસ બનાવી દીધા હતા અને વાણી પણ  જેના વિચિત્ર ચરિત્રનો પાર પામી શકતી નથી તેવા, મકરધ્વજ સ્વરૂપ કામદેવને નમસ્કાર.”

અહીં કવિએ કામદેવ માટે ’મકરધ્વજ’ એટલે કે મગરરૂપ શબ્દ વાપર્યો છે. જેમ મગરની પકડમાંથી કોઇ બચી શકતું નથી, તેમ કામદેવની પકડમાંથી દેવ,દાનવ કે માનવ કોઇ બચી શકતું નથી.

वकत्रं चन्द्रविकासि पङ्कजपरिहासक्षमे लोचने

वर्ण: स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णु: कचानां चय: ।

वक्षोजाविभकुम्भविभ्रमहरौ गुवीं नितम्बस्थली

वाचां हारि च मार्दवं युवतिषु स्वाभाविकं मण्डनम् ॥५॥

“ચંદ્રના જેવું પૂર્ણ ખીલેલું મુખ, કમલની શોભાને શરમાવે તેવાં નેત્રો, સુવર્ણના જેવો સુંદર વર્ણ, ભ્રમર જેવા કાળાભમ્મર કેશપાશ, હાથીના ગંડસ્થળ જેવા સ્તનો, ભારે નિતમ્બો અને વાણીની મનોહારી મધુરતા – આ બધું જ યુવતીઓનું સ્વાભાવિક આભુષણ છે.”

 दृष्टव्येषु किमुत्तमं मृगदृश: प्रेमप्रसन्नं मुखं

धातव्येष्वपि किं तदास्यपवन: श्राव्येषुं किं तद्वच: ।

किं स्वाद्येषु तदोष्ठपल्लवरस: स्पृश्येषुं किं तद्वपु:

ध्येयं किं नवयौवनं सह्रदयै: सर्वत्र तदविभ्रम: ॥७॥

“(આ જગતમાં) સહ્રદય મનુષ્યોએ જોવા લાયક વસ્તુઓમાં ઉત્તમ શું ? મૃગનયનીઓનું પ્રેમથી પ્રસન્‍ન મુખ. સુંઘવા યોગ્ય શું ? તેણીના મુખમાંથી નીકળતો શ્વાસ. સાંભળવા જેવું શું ? તેણીનાં (મધુર) વચનો. આસ્વાદ કરવા જેવું શું ? તેણીનાં સુકોમલ અધરોનો રસ. સ્પર્શ કરવા લાયક શું ? તેણીની કાયા. અને સર્વત્ર ધ્યાન કરવા યોગ્ય શું છે ? તે (સુંદરી)નું નવયૌવન અને તેણીનાં વિલાસો.”

नूनं हि ते कविवरा विपरीतवाचो

ये नित्यमाहुरबला इति कामिनीस्ता: ।

याभिर्विलोलतरतारकदृष्टिपातै:

शक्रादयोऽपि विजितास्त्वबला: कथं ता: ॥१०॥

“કવિવરો તો ખોટી વાતો કરનારા છે. કારણ કે તેઓ કામિનીઓને હંમેશા ’અબલા’ એવું નામ આપે છે. પરંતુ જેઓએ પોતાનાં ચંચલ નેત્રના કટાક્ષોથી ઇંદ્ર વગેરે (દેવો)ને પણ જીતી લીધા હતા, તેઓ ’અબલા’ કેવી રીતે ગણાય ?”

सति प्रदीपे सत्यग्नौ सत्सु तारामणीन्दुषु ।

विना मे मृगशावाक्ष्या तमोभूतमिदं जगत्‌ ॥१४॥

“દીપક અને અગ્નિ હોવા છતાં, તેમજ તારાઓ, મણિઓ (રત્નો) અને ચંદ્ર હોવા છતાં મૃગબાળનાં જેવાં નયનોવાળી મારી પ્રિયતમા વિના, આ જગત મારા માટે અંધકારમય છે.”

तस्यास्तनौ यदि धनौ जघनं च हारि

वक्त्रं च चारु तव चित्त किमाकुलत्वम्‌ ।

पुण्यं कुरुष्व यदि तेषु त्वास्ति वाञ्छा

पुण्यैर्विना न हि भवन्ति समीहितार्था: ॥१८॥

“તે સુંદરીનાં સ્તનો પુષ્ઠ છે અને મનોહારી નિતંબ છે, તેમજ મુખ સુંદર છે. તો હે મન ! તને વ્યાકુળતા શા માટે થાય છે ? જો તને તેને મેળવવાની ઇચ્છા હોય તો પુણ્ય કર. કારણ કે પુણ્ય કર્યા વિના ઇચ્છિત પદાર્થો મળતા નથી.”

આમ તો શૃંગારશતકમાં આ વિષયનાં લગભગ ૨૦ જેટલા શ્લોકો છે. અહીં આપણે  વિવિધતા સભર એવા થોડા જ લીધા છે. આટલાથી પણ તેનું સંપૂર્ણ માધુર્ય સમજમાં આવી જાય છે.

આ આખું શતક ગુજરાતી વિકિસ્રોત અને સંસ્કૃત વિકિસ્રોત (संस्कृत-विकियोनिः) પર, કે જ્યાં ઘણા મિત્રોની ટીમ, વિવિધ સાહિત્યને યુનિકોડમાં રૂપાંતરિત કરી ઉપલબ્ધ કરાવવા માટે મહેનત કરે છે, મુકવાનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં વાંચવા મળશે. આપને પણ રસ પડે તો તેમાં જરૂર યોગદાન આપશો.   આ શતકનાં હવે પછીનાં કેટલાક શ્લોકને વિદ્વાનોએ “સંભોગવર્ણન” એવું નામાભિધાન કરેલ છે. જો કે આવા શબ્દોથી ભડકવાનું કોઇ કારણ નથી!!! કેમકે આ બધા સંસ્કૃત શબ્દોનો મુળ અર્થ અને તે સમયનાં સાહિત્યમાં તેનો ઉપયોગ બહુ સુરૂચીપૂર્ણ ઢંગથી કરાયેલો છે. હા એ વાત અલગ છે કે આપણાં મગજ જ દુષિત થયેલાં હોય :-). તો આગળ ઉપર વધુ વાંચન કરીશું.  આભાર.

** સ્ત્રી વિચારતી નથી, પણ પુરૂષને જરૂર વિચારતો કરી શકે છે!  (જય વસાવડા, વાંચવા જેવો, ગુજરાત સમાચાર, રવિપૂર્તિનો લેખ)

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)

7 responses to “શૃંગારશતક (૨)-સ્ત્રીપ્રશંસા

 1. આ નારીઓ અતિ ચતુર હોય છે,ને અબળાઓ અતિ બળવાન હોય છે.મર્દોના ખાલી જીતી જવાના દેખાડા હોય છે,અંદર થી સહુ જાણતા હોય છે.

  Like

 2. અશોકભાઈ…જય માતાજી…
  તમે જે લેખ અત્યારે લાવ્યા છો તે ખુબજ અગત્યનાં છે. લેખનો નિચોડ, જે દરેકનાં જીવનમાં આવતા પ્રંસંગોનાં નિરાકરણ માટે ઉપયોગી થાય તેમ છે. ખરેખર તો ભર્તૃહરિએ લખેલ શતક માટે આપણે તેને ધન્યવાદ આપવા ઘટે! કોઈપણ સાહિત્યકાર ઘણુખરૂ ગુમાવીને જ આવી કૃતિઓ આપણને આપતો જતો હોય છે. આવા મહાન આત્માઓને અહિંથી જ પ્રણામ કરીને તેનો આભાર માનુ છુ. જીવનમાં ક્રાંતિ લાવી શકે તેવા લેખ આગળ પણ લખવાનું ચાલુ રાખશો તેવી વિનંતી કરૂ છુ.

  Like

 3. આ રાજાઓ કેટલા બધા વિદ્વાન હતા?ગોંડલ ના મહારાજા ભગવતસિંહજી પાસે કેટલી બધી પદવીઓ હતી?પહેલા રાજવી સર્જન ડોક્ટર હતા.ટીવી અને ફિલ્મોએ રાજા એટલે બસ ખરાબ એવું લોકોના મનમાં ઘુસાડી દીધું છે.ઈમાય સૌરાષ્ટ્ર ને લગતી ગુજરાતી ફિલ્મો માં તો ખાસ.ખેર બહુ સરસ કામ કરી રહ્યા છો.કોઈ વાર ચાણક્ય ના રચેલા શાસ્ત્રો વિષે લખશો,તો આભારી થઈશું.

  Like

  • ખરી વાત છે. જનસામાન્યના મનમાં હવે એવું જ ઘુસાડવામાં આવેલું છે કે બધાજ રાજાઓ એટલે બસ મોજશોખ અને જલ્સા!! કદાચ ક્યાંક ક્યાંક કોઇ બે-ચાર દાખલાઓ મળતા પણ હશે. બાકી તેઓ એ હાલનાં ’મહારાજાઓ’ કરતા તો પ્રજાની, સાહિત્યની, સંસ્કૃતિની, સમાજની વધુ (હજારો ગણી વધુ !!) સેવા કરેલી છે. અહીં આપણે ભતૃહરિનું શૃંગારશતકનાં અંશો જ જોઇએ છીએ, આગળ તેમનું ’નિતિશતક’ જોઇશું ત્યારે ખરેખરજ તેમનાં વિચારો પર માન ઉપજશે. આ એ લોકો હતા જે પોતાની જવાબદારી અને જોખમે સર્વે કાર્યો કરતા. આજે પણ આવા લોકો મળશે તો ખરા પણ તેઓ હવે મુર્ખ ગણાય છે!!! બે-ચાર દિવસ પહેલાં એક કટારલેખકશ્રીએ આ શતકોનો અને તેનાં રચેતાનો જે રીતે હીનપ્રકારે ઉલ્લેખ કર્યો તે વાંચીને ખુબ દુ:ખ થયું. (પિંગલાની બેવફાઈથી ભર્તુહરિ બાવા બન્યા તેવું થાય તો આજે દુનિયા આખી બાવાથી ભરાઈ જાય!). સૌને સૌના વિચારો મુબારક! બીજું તો શું કહેવું?
   ગુજરાતી વિકિપીડિયા પરનો “ક્ષત્રિય” લેખ જોઇ જવા વિનંતી કરીશ. (આ લેખ અમે વિકિમિત્રોએ બનાવેલો)
   વધુ ક્યારેક ચર્ચા કરીશું.
   આપનો આભાર.

   Like

 4. વિકિ પરનાં “ક્ષત્રિય” લેખની કડી : (http://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF)

  Like

 5. પિંગબેક: શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ) « વાંચનયાત્રા

 6. પ્રિય અશોક
  આ ભતૃહારી ની અમોઘ બુદ્ધિ વિષે તે લખેલા લેખથી ઘણું જાણવા મળ્યું આ લેખ મને આજે વાંચવા મળ્યો કેમકે તે મેં ની ૨૧ તારીખે લખેલો . અને આવખતે હું
  મારા હૃદય ની સારવાર માટે દાખલ થયેલો.આ બધા શ્લોકો હું લખી લેવાનો છું મારો એક મિત્ર છે તેની પાસે જુના સાહિત્યનો અને ફિલ્મોનો ખજાનો છે હમણાં તે એક મહિના માટે ન્યુ જર્સી વગેરે સ્થળોએ ફરવા જવાનો છે . એ આવશે એટલે એને હું ભર્તૃહરિ શૃંગાર શતક વિષે પૂછીશ .
  ઉર્દુ સાહિત્યમાં શૃંગાર રસની વાતો ભર્તૃહરિ ના સાહિત્યમાંથી લીધેલી હોય એવું લાગે .
  તારા અનુભવોનો ઘણા જણ લાભ લ્યે છે તેમનો એક હું પણ છું . આતાના ભરપુર રામરામ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s