Tag Archives: Humour

બોધકથા-ગરીબી રેખા

મિત્રો, નમસ્કાર.
આજે વળી સાવ નાનકડી બોધકથા.

એક ગામની નજીક એક જર્જરિત જળબંધ હતો. ચોમાસામાં જળબંધમાં પાણીની આવક વધી જાય અને બંધની ક્ષમતા કરતાં પાણીનો જથ્થો વધી જાય તો આ જર્જરિત જળબંધ તૂટી પડે તેવી શક્યતા હોવાને કારણે સત્તાવાળાઓએ બંધમાં કેટલું પાણી ભરાય એટલે દરવાજા ખોલી વધારાનું પાણી વહાવી દેવું એ દર્શાવતી એક દર્શકપટ્ટી લગાવી હતી. આ દરવાજા ખોલ બંધ કરવા અને પાણીની સપાટીનું ધ્યાન રાખવા ગામમાં એક કચેરી અને તેમાં એક ઈજનેરબાબુની નિયુક્તિ કરાયેલી હતી. જો કે સામાન્યપણે જોવા મળે છે તેમ, એ બંધ અને તેમાં ભયજનક સપાટી દર્શાવતી પેલી દર્શકપટ્ટીનું ધ્યાન બાબુસાહેબ કરતાં વધારે તો ગામનાં લોકો રાખતા હતા ! કેમ કે, બંધ તૂટવાથી નુકશાન તો આ ગામના લોકોનું જ થવાનું હતું ! બાબુસાહેબને ક્યાં ઈ ગામમાં ખોરડું કે ખેતર હતું કે તણાય જાય !!

એક ચોમાસામાં ભારે વરસાદ થયો, બંધમાં પાણીની આવક વધવા લાગી, ગામ લોકો ભેળા મળી બાબુસાહેબની કચેરીએ આવ્યા,
’સાહેબ હવે બંધનું પાણી ભયજનક સપાટીથી માત્ર પાંચ ફીટ જ છેટું છે, કંઈક કરો’  બાબુસાહેબ કહે: ’અરે હજુ તો પાંચ ફીટ છે ને ? સમય આવ્યે કાર્યવાહી થશે, તમે લોકો જાવ.’
વળી એકાદ દિવસ ગયો ત્યાં ગામલોકો આવ્યા, કહે: ’સાહેબ, હવે પાણી ભયજનક સપાટીથી માત્ર બે ફીટ જ છેટું છે, કંઈક કરો.’
બાબુસાહેબ કહે:’અરે હજુ તો બે ફીટ છે ને ? મારું માથું ન ખાવ ! જાઓ યોગ્ય સમયે કાર્યવાહી થશે.’
સાંજ પડવા આવી ત્યાં વળી ગામજનો કચેરીએ પહોંચ્યા, કહે: સાહેબ હવે તો માંડ અરધો ફીટ બાકી રહ્યું છે, કંઈક તો કરો !’
બાબુસાહેબનાં આરામમાં વારંવાર વિક્ષેપ થતો હોઈ બહુ ગુસ્સે થઈ ગયા અને યોગ્ય સમયે કાર્યવાહી થશે એમ કહી ગામજનોને બહાર ધકેલી મેલાવ્યા. પણ પછી વિચાર કર્યો કે આ માળા મને આમ જ હેરાન કર્યે રાખશે અને રાતભર નીંદર પણ નહિ કરવા દે. તે પોતાનાં પટાવાળાને બોલાવીને હુકમ કર્યો કે, ’તું બંધ પર જા અને પેલી ભયસૂચક પટ્ટીને પાંચ ફીટ ઊંચી કરી આવ !! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી !!!

તો આ બોધકથામાંથી આપ શું શીખ્યા ?
(૧) બુદ્ધિ કોઈના બાપની નહિ.
(૨) અક્કરમીનાં ટાંટિયા અને કર્મીની જીભ.
(૩) કરે કોઈ અને ભરે કોઈ. (કે, મરે કોઈ !)

જો કે મને ખાત્રી છે, આપને આવી શિખામણો યાદ નહિ જ આવી હોય ! આપના મગજમાં આવી હશે “ગરીબી રેખા” !!! (તો આપ ખરે જ બૌદ્ધિક ગરીબ છો, માત્ર લેખનું મથાળું વાંચી એક તરફી વિચાર કરો છો !!) પણ સાચું કહું છું, ગરીબી રેખા અને ગરીબોની ઘટેલી સંખ્યા સાથે આ બોધકથાને કશી લેવાદેવા નથી !!!! હા ગરીબો અને (પોતાની) ગરીબી ઘટાડવામાં આવી બોધકથાઓ ઉપયોગી થઈ શકે ખરી :-)
આભાર.

* ગરીબ (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્ર; રાંક; ઠંડા સ્વભાવનું ભલું; સાલસ; સહનશીલ.
* ગરીબી (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્રતા; અધીનતા; ભલાઈ; સાલસાઈ.

ડાયરો – ખીચડી

એ…રામ..રામ, ડાયરાને.
ઘણાં દિવસે વળી ડાયરો ભેળો થયો ! ડાયરો રોટલા ખાઈને લંબાવી ગ્યો તો કે શું ? જો કે આજે ડાયરાને મોજ આવે કે માથું ચઢે (દુઃખે !) જવાબદારી આપણાં દીપકભાઈની છે ! એ…ય ને રોટલાનું વાળુ કરીને ડાયરો સુખનો વિહામો ખાતો હતો  ત્યાં દીપકભાઈએ ખીચડીનું ઓહાણ દેવરાવ્યું ! તો લ્યો આજે ડાયરો ખીચડીનાં ગુણગાન ગાવા (અને પછી પોતપોતાને ઠેકાણે જઈ ખીચડી ખાવા !) તૈયાર થઈ જાવ !

{ (લંબાવવું=આરામ કરવો), (વાળુ=સાંજનું ભોજન), (વિહામો ખાવો= વિસામો લેવો =જપવું, આરામ કરવો), (ઓહાણ=ઓસાણ=યાદ) }

ખીચડી કંઈ અજાણી વસ્તુ નથી, જો કે દીપકભાઈએ ગતલેખનાં પ્રતિભાવમાં ત્રણ પ્રકારની ખીચડી જણાવી એમાં અમારી ચોટલી ખીતો થઈ ગઈ ! (રેવા દ્‌યો ! શબ્દકોષમાં નહિ મળે !! ચોટલી ખીતો (ખીંટો !) થવી રૂ.પ્ર. સજાગ થવું કે જાગૃત થવું, ઉશ્કેરાવું, ક્રોધે ભરાવું, આવેશમાં આવવું જેવા અર્થમાં વપરાય છે. વિદ્વાનોનો અભિપ્રાય આવકાર્ય છે) મને થયું, માળું દીપકભાઈ દિલ્હી બેઠા ખીચડીનાં ખાં (જાણકાર) છે ને અમે માત્ર ખીચડીખાઉ ?! હવે આ વાતે તો ડાયરો ભરવો જ પડશે ! મિત્રો પાંહેથી ગામોગામની ખીચડી વિશે જાણવા તો મળે ! (ભલે ખાવા ન મળે !!) અને આમ આ ખીચડીપુરાણ સર્જાયું ! વળી અમોએ (હવે ડાયરાને જાણમાં જ હશે કે આ “અમો” એટલે કોણ ?!) બહુ ખાંખાખોળા કરવા છતાં આ ત્રણ પ્રકાર વિષયે કશો પ્રકાશ તો ન જ થયો આથી હવે દીપકભાઈને વિનંતી કે આ વિશે વિગતવાર જણાવે.

બીરબલની ખીચડીની જેમ આ ખીચડીપુરાણ પણ કદાચ લાંબુ ચાલશે ! (ભ‘ઈ અમારેય બ્લોગમાં લેખની સંખ્યા વધારવાની હોય કે નહિ ?!) પરંતુ આજે ખવાઈ તેટલું આજે બાકીનું આ પચે પછી ! તો, સૌ પ્રથમ તો ખીચડી વિષયે ભગવદ્‌ગોમંડળ ફંફોળીને જોઈ લો. ખીચડી શબ્દ કોઈપણ પ્રકારનાં મિશ્રણ કે સેળભેળ માટે વપરાય છે. પરંતુ આપણે અહીં રોજીંદા ખોરાક તરીકે વપરાતી ખીચડી નામક એક વાનગીની વાત કરવા બેઠા છીએ તો તેમાં મોટાભાગે તો મગની દાળ (ફોતરાવાળી કે છડી પસંદગી પ્રમાણે), ચોખા (આ ચોખા પણ ખાસ ’ખીચડીયા ચોખા’ તરીકે ઓળખાતા ’હલકી’ જાતનાં હોય તો જ ’ઉત્તમ’ ખીચડી બને) અને સ્વાદ પ્રમાણે મીઠું (નમક). કોઈ વળી ચપટીક હળદર પણ નાંખે. સંધુય ભેળું કરી બાફી નાંખવાનું બસ ! આ થઈ લોકલાડીલી ખીચડી ! જો કે આ કંઈ ખીચડી બનાવવાની એકમાત્ર રીત નથી, જેટલા ઘર એટલી ખીચડી એમ કહી શકાય ! છતાંએ શક્ય તેટલી વિવિધ પ્રકારની ખીચડી બનાવતા શિખવતી કડીઓ અમે અહીં મેલીશું. અને હા, આ અમે દર્શાવી તે રીતનું છેક આઈને અકબરીમાં પણ વર્ણન છે. તેમાં પ્રથમથી જ ઘી ઉમેરવાનું એક વધારાનું છે. (K’hichri= Rice, split dal, and g’hí 5 s. of each; 1/3 s. salt: this gives seven dishes. – આઈને અકબરી) અહીં એક ચોખવટ એ પણ કરી દઉં કે લખાય ભલે ખીચડી પરંતુ તેનો ઉચ્ચાર “ખીચળી” ( ખીચડ઼ી ) એમ કરાય છે.

તો સૌપ્રથમ જુઓ ભાતભાતની ખીચડી :
* ખીચડીની રીત – વિકિબૂક પર.
* મસાલા ખીચડી કઢી
* બાજરીની ખીચડી
* લીલવાની ખીચડી
* રજવાડી ખીચડી
* ફાડા ખીચડી
* મોરૈયાની ખીચડી
* સૂરણની ખીચડી
* સાબુદાણાની ખીચડી. — અને આ ઉપરાંતની પણ કોઈનાં હાથે ચઢે તો ડાયરાને સ્વાદ ચખાડશોજી !

ખીચડી વિશે અમારું માનવું એમ છે કે એક ગોળને બાદ કરતાં લગભગ દરેક ખાદ્યચીજ સાથે ખીચડી ભળે ! (રૂ.પ્ર.: ખીચડીમાં ગોળ નહિ અને નાતરામાં ધોળ નહિ ) અમે ખાધેલી ખીચડી વિશે ડાયરાને જણાવવા રજા લઉં તો, શાક-ખીચડી, કઢી-ખીચડી, દૂધ-ખીચડી, છાસ-ખીચડી (હજુ પણ જ્યારે ભારે ખોરાક ખવાય તે પછીનાં ટાણે માત્ર છાસ-ખીચડી ખાઉં છું !), દહીં-ખીચડી, ઘી-ખીચડી, ખાંડ-ખીચડી, તેલ-ખીચડી (આ સંયોજન ઠંડી ખીચડી સાથે બહુજ જામે !), અને એક આ સંયોજન તો મને વિશ્વાસ છે કે ભાગ્યે જ કોઈએ અજમાવ્યું હશે ! એ છે, ચા અને ખીચડી !! (તેમાં નાખવા એક ચમચી ઘી મળી જાય એટલે પછી સ્વર્ગને અને આપણને બે વેંતનું જ છેટું ! આવું અમને ત્યારે લાગતું !!!)

જાતજાતનાં અને ભાતભાતનાં સંયોજન સાથે ખીચડી ખાવાનો મોકો મળ્યો છે (દૂધપાકનો જોગ તો કંઈ રોજ રોજ થાય નહીં !!). કિંતુ એક વાત પાક્કી છે કે એકની એક વસ્તુ વપરાયા છતાં, હાથ ફરે એટલે ખીચડીનો સ્વાદ ફરે ! ભાગ્યે જ કોઈ બે ઘરની ખીચડી એકસરખી થતી હશે ! અને ખીચડીમાંએ કેવું કે, ઉપર ઉપરની ખાવ અને અંતે તપેલાંને તળીએ જરાતરા ચોંટી ગયેલી (અણઘડ કલાકાર હોય તો ઝાઝીબધી ચોંટી ગયેલી !!), જેને અમે ખીચડીનાં પુડીયા (અહીં પણ ’ળ’ ઉચ્ચારવાનો, પુળીયા !) કહીએ, તે ખાવ એટલે સ્વાદમાં અનેરો ફરક પડે. અને વળી સૌથી સ્વાદિષ્ટ ખીચડી તો સગડી પર રંધાયેલી જ ગણાય, તેમાં તો કોઈથી વિરોધ નહિ થાય ! (અમે મંગાળાથી લઈ માઈક્રોવેવ સુધીની ખાધેલી છે એટલે આને એક અનુભવસિદ્ધ કથન ગણવું !)

આપણે ત્યાં રોટલાની જેમ ખીચડી પણ માત્ર એક ખાવાની વાનગી ન રહેતાં એક સામાજિક ઓળખ બની ગયેલી છે. આપ ભગવદ્‌ગોમંડળ જેવા જ્ઞાનકોષને ફંફોળશો એટલે ખીચડી સંબંધી ઢગલોએક રૂઢિપ્રયોગો મળશે. કેટલાક રીતરિવાજ પણ ખીચડી સાથે સંકળાયેલા છે. આ બાજુ દિકરા-દિકરીનો સંબંધ બંધાય (સગાઈ થાય) એટલે કહેવાય કે ’મગ-ચોખા ભળી ગયા, હવે તો ખીચડી જ થાય’. જાન પરણીને આવે એટલે વરનીં માં ખીચડી રાંધે અને તે ખીચડી વર-કન્યાને ખવડાવાય પછી વર-કન્યા ગૃહપ્રવેશ કરે તેવો ઢારો (રિવાજ) પણ જોવા મળે છે. ખીહર (ખીસર; ઉત્તરાયણ) પર બહેન-દિકરીઓને ધાન્ય-કઠોળ વગેરે અપાય છે તેને ખીચડો આપવો કહેવાય છે (હવે રોકડમાં વ્યવહાર પણ માન્ય છે !). આપણે ’લખલખ’ કરનારાઓને પણ ખીચડી સાથે એક સંબંધ છે ! ગરબડિયા અને ઠાંસોઠાંસ અક્ષરોથી થયેલાં લખાણને પણ ’ખીચડીખાતું’ કર્યું કહેવાય ! (જેનો અન્ય એક અર્થ ભિખારી જેવી સ્થિતિ; ઘણી જ ગરીબ સ્થિતિ; એવો પણ છે ! લખલખ કરનારાઓની (માં શારદાનાં પૂજારીઓની) હાલતનું આ સચોટ વર્ણન નથી લાગતું ?) બાકી બે રૂ.પ્ર. તો ભ્રષ્ટાચાર અને નેતાગીરીનાં સંદર્ભમાં રાષ્ટ્રીય સૂત્ર તરીકે માન્ય કરવા જેવા છે ! ’ઘી ઢોળાણું તો ખીચડીમાં’ અને ’વખાણી ખીચડી દાંતે વળગે’ !!

તા.ક. : ભવેસરનાં મેળામાં કેટલાક ખદખદતી ખીચડી જેવા અધિકારી-પદાધિકારીઓ ખીચડી ખવડાવવાને બદલે ખીચડી પકાવવાની અને ખીચડું ખાવાની પ્રવૃત્તિમાં રમમાણ રહ્યા તેમાં મેળાનો ખીચડો થઈ ગયો ! અને ઘરનો મોભ ભાંગી જવાથી કે રાંધીને ખવરાવનારી મા ની વસમી વિદાયથી કેટલાયે નિર્દોષ બાળકોની અકાળે જ ખીચડી ખૂટી પડી , વાંક કોનો ?! (કે પછી વાંક જેની ખીચડી ખૂટી પડી તેવા ખીચડીખાઉ લોકોનો જ ?!)

{* ખીચડીખાઉ  = ખીચડી ખાનારૂં, ગરીબ એ અર્થમાં * ખીચડી ખદખદવી = મિજાજ કરવો * ખીચડી ખવડાવવી = ભરણપોષણ કરવું * ખીચડી પકાવવી = ગોટાળો કરવો * ખીચડું ખાવું = મફતનું ખાવું; હરામનું ખાવું * ખીચડી ખૂટવી = ખાવાનું ખૂટવું * ઘરનો મોભ = કુટુંબનું આધારભૂત માણસ}

* ખીચડી – ગુજ. વિકિ. પર

* ખીચડી – અંગ્રેજી વિકિ પર

ચિત્રકથા – બાજરાનો રોટલો (૧)

પ્રિય મિત્રો, નમસ્કાર.

ફૂલગુલાબી ઠંડીએ કેડો મેલ્યો નથી ! ખાણીપીણીની મજા છે ! (અહીં ’પીણી’ કહેતાં ગાજર, પાલક, સંતરાનો રસ, વિવિધ સૂપ, કાવા, ઉકાળા વગેરે સમજવું :-) ) તો આજે કશી લાંબી કથા ન કરતાં, બહુ વખણાતો કાઠિયાવાડી રોટલો, ચિત્રકથાનાં માધ્યમથી માણીએ !

સામગ્રી :

* બાજરાનો લોટ (આ લોટ જો ઘરે, હવે જે પથ્થર રહિત ઘંટીઓ આવે છે તે, ઘરઘંટીમાં દળો તો જાડો ન રહી જાય તે ધ્યાન રાખવું. એક રસ્તો એ છે કે એકાદ કીલો બાજરો દળતાં તેમાં એક મુઠી જુવાર કે ઘઉં ભેળવવા. આથી ઘરઘંટીમાં લોટ જરૂર પ્રમાણે જીણો આવશે. જો કે પથ્થરવાળી ઘંટીમાં દળાયેલા બાજરાનો લોટ સૌથી ઉત્તમ !),

* મીઠું (નમક, લવણ),

* પાણી. 

જો કે બાજરાને બદલે મકાઈ, જુવાર, કોદરા, બંટી જેવા ધાન્યનો રોટલો પણ બહુ પ્રચલિત છે પરંતુ કાઠિયાવાડનો રોટલો એટલે બાજરાનો જ, એમ સમજાય છે.

રીત :

રોટલો બનાવવાનીં પહેલી ખૂબી લોટ મસળવામાં છે ! એટલે કે બહુ કંઈ મગજ વાપરવાની વાત નથી ! કાંડું બળૂકું જોઇએ !! હાથમાં ’ત્રાજવાં’ (છૂંદણાં, ટેટૂસ યાર !) હોય તો તો બળૂકું હોવામાં સંદેહ જ નહિ ! અને ત્રાજવાં ત્રોફાવેલા ન હોય તોયે રોટલો ઘડનારીનાં હાથનો એકાદ ઢીંકો (ધબ્બો; ગડદો; ઠોંસો યાર !) ખાઈને ખાત્રી કરી શકાય છે :-) મને જોગમાયાઓ પર ભરોસો છે (અનુભવ છે એમ કોણ બોલ્યું ?!) બે દહાડો વાંસો ન ચચરે તો ફટ કે‘જો યાર ! તો, પ્રથમ થોડા પાણીમાં મીઠું ઓગાળી લઈ તેમાં લોટ ભેળવી જરૂર પ્રમાણે વધારાનું પાણી ઉમેરતાં જવાનું અને કાંડાને કસરત આપતા રહેવાનું ! અને હા રોટલીની જેમ આમાં બધો લોટ એકસાથે બાંધી લેવાનો નહિ ! એક એક રોટલા માટે જ આ પિંડો તૈયાર કરતું જવાનું !

તો મસળી મસળી અને કૂણો માખણ જેવો થયેલો એ લોટનો પિંડો હવે થોડો અભ્યાસ અને કલાદૃષ્ટિ માંગી લેશે ! તેને બે હાથ વડે જરા ચપટો કરી અને પછી બતાવ્યા પ્રમાણે બરાબર આંગળી-અંગુષ્ઠ (અંગુઠો યાર ! ખાઈએ ભલે રોટલા પણ પાંડિત્ય ડહોળવાનો હરખ તો અમનેય હોય ને ?) વડે દબાવતા જવાનું અને આમ વાટકા જેવો આકાર આપવાનો. આ કામ કરતી વખતે વારેવારે હાથ ભીંજવતા રહેવાનું, નહીં તો લોટમાં તીરાડો પડશે.

જુઓ, થયોને મસ્ત મજાનો અશોકચક્ર જેવો (કે ગાડાના પૈડા જેવો !) દેખાવ ?! આવું કળાકૌશલ્ય દર્શાવવાનું હોય તેથી તો ’રોટલો ઘડવો’ એમ કહેવાય ! (’રોટલી વણવી’ કહેવાય પરંતુ ’રોટલો વણવો’ એમ ન કહેવાય ) અને ત્યાર પછી તેને બે હાથ વચ્ચે ’ટપાક’, ’ટપાક’ જે ઘડવામાં આવે તે ખરે જ તાલ અને લયનું સુંદર સંયોજન હોય છે. માટે તો અમે તેને કળાનાં વર્ગમાં સામેલ કર્યો છે ! આ માતૃશક્તિને સંતાન, સમાજ, ભવિષ્યનાં ઘડતરની આવડત હાથવગી જ હોય તેમાં શી નવાઈ ?! (કોઈ શક ?) જો કે આમ હાથથી ઘડેલા રોટલાને  ’ઘડેલો રોટલો’ (ભ.ગો.મં. તેને ’ટીપેલ રોટલો’ પણ કહે છે) કહેવાય અને પાટલા પર લોટનો પિંડો મેલી અને પછી થાબડી થાબડી તેને આકાર અપાય તેને ’થાબડેલ રોટલો’ કહેવાય. જાત અનુભવ એમ કહે છે કે આ ઘડવાનું (કે ટીપવાનું !!) કામ બહેનોએ શીખી લેવું ! તેથી ગૃહજીવનમાં મીઠાશ વધારે રહેશે ;-) કારણ થાબડભાણાં કરવાંથી તો સસલું પણ સિંહ બની જાય છે !!! :-)

આ લેખના ભાગ-૨ માં આપણે રોટલો શેકવાની કળા વિશે વધારે જાણશું, (આ ’રોટલા શેકવા’ શબ્દ આવતા સમયમાં વારંવાર સાંભળવા મળશે ! ચૂંટણીની મોસમ છે ને !!!)  રોટલાની સાથે સંકળાયેલા થોડા રૂઢિપ્રયોગો પણ જાણીશું અને હા, આ ઘડ્યો છે તે રોટલો હજુ ચૂલે ચઢાવવાનું કામ તો છે જ ! પરંતુ એ માટે બે‘ક દિવસ ખમવા વિનંતી. આમે ધીમે તાપે શેકાય તે રોટલો મીઠો થાય, ઉતાવળે તો બળી જાય !! આભાર.