Tag Archives: હાસ્યલેખ

બોધકથા-ગરીબી રેખા

મિત્રો, નમસ્કાર.
આજે વળી સાવ નાનકડી બોધકથા.

એક ગામની નજીક એક જર્જરિત જળબંધ હતો. ચોમાસામાં જળબંધમાં પાણીની આવક વધી જાય અને બંધની ક્ષમતા કરતાં પાણીનો જથ્થો વધી જાય તો આ જર્જરિત જળબંધ તૂટી પડે તેવી શક્યતા હોવાને કારણે સત્તાવાળાઓએ બંધમાં કેટલું પાણી ભરાય એટલે દરવાજા ખોલી વધારાનું પાણી વહાવી દેવું એ દર્શાવતી એક દર્શકપટ્ટી લગાવી હતી. આ દરવાજા ખોલ બંધ કરવા અને પાણીની સપાટીનું ધ્યાન રાખવા ગામમાં એક કચેરી અને તેમાં એક ઈજનેરબાબુની નિયુક્તિ કરાયેલી હતી. જો કે સામાન્યપણે જોવા મળે છે તેમ, એ બંધ અને તેમાં ભયજનક સપાટી દર્શાવતી પેલી દર્શકપટ્ટીનું ધ્યાન બાબુસાહેબ કરતાં વધારે તો ગામનાં લોકો રાખતા હતા ! કેમ કે, બંધ તૂટવાથી નુકશાન તો આ ગામના લોકોનું જ થવાનું હતું ! બાબુસાહેબને ક્યાં ઈ ગામમાં ખોરડું કે ખેતર હતું કે તણાય જાય !!

એક ચોમાસામાં ભારે વરસાદ થયો, બંધમાં પાણીની આવક વધવા લાગી, ગામ લોકો ભેળા મળી બાબુસાહેબની કચેરીએ આવ્યા,
’સાહેબ હવે બંધનું પાણી ભયજનક સપાટીથી માત્ર પાંચ ફીટ જ છેટું છે, કંઈક કરો’  બાબુસાહેબ કહે: ’અરે હજુ તો પાંચ ફીટ છે ને ? સમય આવ્યે કાર્યવાહી થશે, તમે લોકો જાવ.’
વળી એકાદ દિવસ ગયો ત્યાં ગામલોકો આવ્યા, કહે: ’સાહેબ, હવે પાણી ભયજનક સપાટીથી માત્ર બે ફીટ જ છેટું છે, કંઈક કરો.’
બાબુસાહેબ કહે:’અરે હજુ તો બે ફીટ છે ને ? મારું માથું ન ખાવ ! જાઓ યોગ્ય સમયે કાર્યવાહી થશે.’
સાંજ પડવા આવી ત્યાં વળી ગામજનો કચેરીએ પહોંચ્યા, કહે: સાહેબ હવે તો માંડ અરધો ફીટ બાકી રહ્યું છે, કંઈક તો કરો !’
બાબુસાહેબનાં આરામમાં વારંવાર વિક્ષેપ થતો હોઈ બહુ ગુસ્સે થઈ ગયા અને યોગ્ય સમયે કાર્યવાહી થશે એમ કહી ગામજનોને બહાર ધકેલી મેલાવ્યા. પણ પછી વિચાર કર્યો કે આ માળા મને આમ જ હેરાન કર્યે રાખશે અને રાતભર નીંદર પણ નહિ કરવા દે. તે પોતાનાં પટાવાળાને બોલાવીને હુકમ કર્યો કે, ’તું બંધ પર જા અને પેલી ભયસૂચક પટ્ટીને પાંચ ફીટ ઊંચી કરી આવ !! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી !!!

તો આ બોધકથામાંથી આપ શું શીખ્યા ?
(૧) બુદ્ધિ કોઈના બાપની નહિ.
(૨) અક્કરમીનાં ટાંટિયા અને કર્મીની જીભ.
(૩) કરે કોઈ અને ભરે કોઈ. (કે, મરે કોઈ !)

જો કે મને ખાત્રી છે, આપને આવી શિખામણો યાદ નહિ જ આવી હોય ! આપના મગજમાં આવી હશે “ગરીબી રેખા” !!! (તો આપ ખરે જ બૌદ્ધિક ગરીબ છો, માત્ર લેખનું મથાળું વાંચી એક તરફી વિચાર કરો છો !!) પણ સાચું કહું છું, ગરીબી રેખા અને ગરીબોની ઘટેલી સંખ્યા સાથે આ બોધકથાને કશી લેવાદેવા નથી !!!! હા ગરીબો અને (પોતાની) ગરીબી ઘટાડવામાં આવી બોધકથાઓ ઉપયોગી થઈ શકે ખરી :-)
આભાર.

* ગરીબ (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્ર; રાંક; ઠંડા સ્વભાવનું ભલું; સાલસ; સહનશીલ.
* ગરીબી (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્રતા; અધીનતા; ભલાઈ; સાલસાઈ.

ચિત્રકથા – બાજરાનો રોટલો (૧)

પ્રિય મિત્રો, નમસ્કાર.

ફૂલગુલાબી ઠંડીએ કેડો મેલ્યો નથી ! ખાણીપીણીની મજા છે ! (અહીં ’પીણી’ કહેતાં ગાજર, પાલક, સંતરાનો રસ, વિવિધ સૂપ, કાવા, ઉકાળા વગેરે સમજવું :-) ) તો આજે કશી લાંબી કથા ન કરતાં, બહુ વખણાતો કાઠિયાવાડી રોટલો, ચિત્રકથાનાં માધ્યમથી માણીએ !

સામગ્રી :

* બાજરાનો લોટ (આ લોટ જો ઘરે, હવે જે પથ્થર રહિત ઘંટીઓ આવે છે તે, ઘરઘંટીમાં દળો તો જાડો ન રહી જાય તે ધ્યાન રાખવું. એક રસ્તો એ છે કે એકાદ કીલો બાજરો દળતાં તેમાં એક મુઠી જુવાર કે ઘઉં ભેળવવા. આથી ઘરઘંટીમાં લોટ જરૂર પ્રમાણે જીણો આવશે. જો કે પથ્થરવાળી ઘંટીમાં દળાયેલા બાજરાનો લોટ સૌથી ઉત્તમ !),

* મીઠું (નમક, લવણ),

* પાણી. 

જો કે બાજરાને બદલે મકાઈ, જુવાર, કોદરા, બંટી જેવા ધાન્યનો રોટલો પણ બહુ પ્રચલિત છે પરંતુ કાઠિયાવાડનો રોટલો એટલે બાજરાનો જ, એમ સમજાય છે.

રીત :

રોટલો બનાવવાનીં પહેલી ખૂબી લોટ મસળવામાં છે ! એટલે કે બહુ કંઈ મગજ વાપરવાની વાત નથી ! કાંડું બળૂકું જોઇએ !! હાથમાં ’ત્રાજવાં’ (છૂંદણાં, ટેટૂસ યાર !) હોય તો તો બળૂકું હોવામાં સંદેહ જ નહિ ! અને ત્રાજવાં ત્રોફાવેલા ન હોય તોયે રોટલો ઘડનારીનાં હાથનો એકાદ ઢીંકો (ધબ્બો; ગડદો; ઠોંસો યાર !) ખાઈને ખાત્રી કરી શકાય છે :-) મને જોગમાયાઓ પર ભરોસો છે (અનુભવ છે એમ કોણ બોલ્યું ?!) બે દહાડો વાંસો ન ચચરે તો ફટ કે‘જો યાર ! તો, પ્રથમ થોડા પાણીમાં મીઠું ઓગાળી લઈ તેમાં લોટ ભેળવી જરૂર પ્રમાણે વધારાનું પાણી ઉમેરતાં જવાનું અને કાંડાને કસરત આપતા રહેવાનું ! અને હા રોટલીની જેમ આમાં બધો લોટ એકસાથે બાંધી લેવાનો નહિ ! એક એક રોટલા માટે જ આ પિંડો તૈયાર કરતું જવાનું !

તો મસળી મસળી અને કૂણો માખણ જેવો થયેલો એ લોટનો પિંડો હવે થોડો અભ્યાસ અને કલાદૃષ્ટિ માંગી લેશે ! તેને બે હાથ વડે જરા ચપટો કરી અને પછી બતાવ્યા પ્રમાણે બરાબર આંગળી-અંગુષ્ઠ (અંગુઠો યાર ! ખાઈએ ભલે રોટલા પણ પાંડિત્ય ડહોળવાનો હરખ તો અમનેય હોય ને ?) વડે દબાવતા જવાનું અને આમ વાટકા જેવો આકાર આપવાનો. આ કામ કરતી વખતે વારેવારે હાથ ભીંજવતા રહેવાનું, નહીં તો લોટમાં તીરાડો પડશે.

જુઓ, થયોને મસ્ત મજાનો અશોકચક્ર જેવો (કે ગાડાના પૈડા જેવો !) દેખાવ ?! આવું કળાકૌશલ્ય દર્શાવવાનું હોય તેથી તો ’રોટલો ઘડવો’ એમ કહેવાય ! (’રોટલી વણવી’ કહેવાય પરંતુ ’રોટલો વણવો’ એમ ન કહેવાય ) અને ત્યાર પછી તેને બે હાથ વચ્ચે ’ટપાક’, ’ટપાક’ જે ઘડવામાં આવે તે ખરે જ તાલ અને લયનું સુંદર સંયોજન હોય છે. માટે તો અમે તેને કળાનાં વર્ગમાં સામેલ કર્યો છે ! આ માતૃશક્તિને સંતાન, સમાજ, ભવિષ્યનાં ઘડતરની આવડત હાથવગી જ હોય તેમાં શી નવાઈ ?! (કોઈ શક ?) જો કે આમ હાથથી ઘડેલા રોટલાને  ’ઘડેલો રોટલો’ (ભ.ગો.મં. તેને ’ટીપેલ રોટલો’ પણ કહે છે) કહેવાય અને પાટલા પર લોટનો પિંડો મેલી અને પછી થાબડી થાબડી તેને આકાર અપાય તેને ’થાબડેલ રોટલો’ કહેવાય. જાત અનુભવ એમ કહે છે કે આ ઘડવાનું (કે ટીપવાનું !!) કામ બહેનોએ શીખી લેવું ! તેથી ગૃહજીવનમાં મીઠાશ વધારે રહેશે ;-) કારણ થાબડભાણાં કરવાંથી તો સસલું પણ સિંહ બની જાય છે !!! :-)

આ લેખના ભાગ-૨ માં આપણે રોટલો શેકવાની કળા વિશે વધારે જાણશું, (આ ’રોટલા શેકવા’ શબ્દ આવતા સમયમાં વારંવાર સાંભળવા મળશે ! ચૂંટણીની મોસમ છે ને !!!)  રોટલાની સાથે સંકળાયેલા થોડા રૂઢિપ્રયોગો પણ જાણીશું અને હા, આ ઘડ્યો છે તે રોટલો હજુ ચૂલે ચઢાવવાનું કામ તો છે જ ! પરંતુ એ માટે બે‘ક દિવસ ખમવા વિનંતી. આમે ધીમે તાપે શેકાય તે રોટલો મીઠો થાય, ઉતાવળે તો બળી જાય !! આભાર.

જમાવટ !! સાંધાઓની !

પ્રિય મિત્રો, નમસ્કાર.

આમ તો જો કે સુઃખ વહેંચવું અને દુઃખ એકલા ભોગવવું એવું સજ્જનો કહી ગયા છે ! (કોણ ? ક્યાં ? સંદર્ભ ??) પરંતુ દશેક દિવસથી ખોવાઈ જઈએ એટલે મિત્રોને ચિંતા થાય તે સ્વાભાવિક છે, અને પછી અફવાઓનું બજાર ગરમ થાય, ભળતી-સળતી બાતમીઓ બજારમાં હડિયુ કાઢવા માંડે એ કરતાં હું જ ભાંગીતૂટી ચોખવટ કરી નાખું એમ લાગવાથી આપની સન્મૂખ થયો છું !

અમારે વેપારીઓને શું હોય કે જાહેર રજા ઉપરાંતનાં બે‘ક દિવસ, કશી આગોતરી સૂચના વગર, દુકાન બંધ રહે તો બે દહાડામાં તો બજારમાં પડિકાંઓ છૂટવા માંડે ! સૌ પ્રથમ ઉઘરાણીવાળાઓનાં ધબકારા વધી જાય ! પાર્ટી ઊઠી ગઈ કે શું ની ચર્ચાઓ થવા માંડે ! બે-ચાર દહાડા વધુ વિતે ત્યાં તો વાત લાખો-કરોડોના ફૂલેકા સુધીએ પહોંચી જાય. જેનાં આપવાનાં બાકી હોય તે તો ઠીક પણ જેનું ફદિયુંએ સલવાણું ના હોય એવા પણ, પાર્ટી ઊઠી ગઈ, પથારી ફેરવી નાંખીનાં ખરખરા કરવા માંડે !! અમુક વળી હુંશિયારીનું પ્રદર્શન પણ કરે, કહે: હમણાં હમણાં શેઠ વાતુ સાવ ઢીલીઢીલી કરતા ! અમે તો માલ મોકલવો સ્ટોપ કરી દીધેલો, તમારામાં અક્કલ ના આવી તે હલવાણાં :-) હવે ભોગવો !!

એક મચ્છર...!!! (From Wiki)

જો કે આપણે અહીં એવી કશી મગજમારી નથી, અહીં ક્યાં કોઈ ઉઘરાણીની ચિંતા છે ? છતાં અહીં મિત્રોને એકબીજાની સુખાકારીની નિઃસ્વાર્થ ચિંતા હોવી તો સ્વાભાવિક છે. તો આ નાનકડી જાહેરાત એ માટે છે.  મુળે હમણાં અમે જમાવટ કરીને બેઠા છીએ !! સાંધાઓની જમાવટ !!! ડૉક્ટર લોકો તેને ’ચિકુનગુનિયા’ એવા બિહામણા નામે ઓળખાવે છે ! મારી સામાન્ય સમજ એવી હતી કે ’ચિકન’ ખાનારાને જ આ ચિકુનગુનિયા થતો હશે ! અને હું તો સંપૂર્ણ શાકાહારી છું !! જો કે પછી (એટલે કે થયા પછી !) ખબર પડી કે આફ્રિકાની કોઈક ભાષામાં આ ’ચિકુનગુનિયા’નો અર્થ થાય ’બેવડ વળી જવું’ !! ખરેખર સાંધાઓ બધા બેવડા જ વળી જાય છે. જો કે હવે થોડી રાહત છે પરંતુ હજુ સપનામાં ’ચિકન’ ઊડાઊડ કરતાં દેખાયે રાખે છે !! વચ્ચે એકાદ બે પ્રયાસ બ્લોગજગત સાથે જોડાવાનાં કર્યા પરંતુ આંખ, આંગળા અને મગજ જોઈએ તેવો સાથ નથી આપતાં તે જાણી, ખોટો ઘોંચપરોણાનો પ્રયાસ પડતો મેલ્યો :-) (આપણું કામ વિચારવાનું, અને આમાં તો વિચારો પણ બેવડા વળી ગયા હોય તેવું લાગે છે !)  તો આ સાંધાઓની જમાવટ પતે પછી આપણે પાછી જમાવટ કરીશું ! સવાલ તો પાંચ-પંદર દહાડાનો જ છે ને ? વચ્ચે ક્યાંય બેવડ વળેલા આંગળા અને બહેરાં થયેલા મગજને કારણે કશું આડુંઅવળું વેતરાય જાય તો માઠું ના લગાડશો :-)

આ મેં કરી એવી “જમાવટ” આપને કદી ના થાય :-) એવી મૈત્રીપૂર્ણ અભ્યર્થનાસહઃ  આભાર.