Tag Archives: સુખ

મોંઘેરા મહેમાન – જુગલકીશોરભાઈ (NET-ગુર્જરી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા: ૨૫ ડિસેમ્બરના રોજ મને નેટ જગતના આપણ સૌ મિત્રોના વડીલ અને માર્ગદર્શક, જ્યાંથી આપણને ખાસ કરીને ભાષા, લેખન, વ્યાકરણ જેવા વિવિધ વિષયો પર બહુમૂલ્ય માર્ગદર્શન મળે છે એ, NET-ગુર્જરીના શ્રી.જુગલકીશોરભાઈને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.

શનિવારે સવારે મેઇલબોક્ષ ખોલ્યું ત્યાં શ્રી.દીપકભાઈ (મારી બારી)નો સુસમાચાર આપતો મેઇલ મળ્યો કે જુ.ભાઈ જૂનાગઢ પધારે છે, સાથે જુ.ભાઈનો ફોનનંબર મોકલવાની કૃપા પણ તેઓએ કરી. અને અમને તો વળી મહેમાન આવે છે તેટલું સાંભળતા જાણે ગોળનું ગાડું મળ્યું ! તુરંત શ્રી.જુ.ભાઈનો સંપર્ક કર્યો. તેઓશ્રી નજીકના ગામ વાડલા ખાતે તેમના સ્નેહીજનને ત્યાં અંગત મુલાકાત અર્થે આવ્યા હતાં, વ્યસ્તતા છતાં બ્લોગજગતના પ્રેમબંધનને કારણે સહર્ષ ત્યાં જ મળવા આવવા આમંત્રણ પાઠવ્યું. અને અમે રવિવારે સવારે મળવાનું ગોઠવ્યું.

વાડલા એટલે આમ તો જૂનાગઢનું પાદર જ સમજોને. સવારની ફૂલગુલાબી ઠંડીમાં હું અને મારા મિત્ર જેઠાભાઈ હરખભેર ત્યાં પહોંચી ગયા. આ અમારા જેઠાભાઈ પણ વાંચનના શોખીન ખરા, વધારે પડતું તો ધાર્મિક વાંચન જ તેઓને ફાવે ! પરંતુ અમારે ત્યાં ભરાતા રોજીંદા ડાયરામાં આપણ સૌ બ્લોગમિત્રોની ચર્ચા પણ થતી હોય, ઘણી રચનાઓ ત્યાં સૌ સાથે વંચાતી હોય અને તે પર ટિપ્પણીઓ પણ થતી હોય, તેથી લગભગ સૌ મિત્રોને નામથી ઓળખે ખરા. અને તેથી જ રૂબરૂ મળવાનો યોગ સાંપડે તો તેમને પણ મારા જેટલો જ હરખ થાય. તો આમ અમને જુ.ભાઈને મળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું.

ત્યાં સરસ મજાનું ગ્રામ્ય વાતાવરણ, કાઠિયાવાડીમાં કહીએ તો વીઘાએકનું ફળિયું અને પોતાના મહેમાનનાં મહેમાનનું પણ ઉષ્માભેર સ્વાગત કરતાં અમારા યજમાન. એય…ને એ ફૂલગુલાબી ઠંડી, ફળિયામાં આવતા કુણાકુણા તડકાની અને એથીએ વધુ જુ.ભાઈની પ્રેમાળ હૂંફ. હવે હું કંઈ માનસશાસ્ત્રનો મોટો અનુભવી તો નથી જ પરંતુ હ્રદયના ભાવોને આધારે કહું તો શ્રી.જુ.ભાઈનું જેવું માનસચિત્ર મેં દોરેલું તેવા જ મને તો દેખાયા ! (ઠંડીની અસરમાં હું ખોટો ઠર્યો ! મેં તો સ્વેટર, ટોપી ચઢાવેલા !) એક પ્રેમાળ અને હૂંફાળા વડીલ, જેમની સાથે તમને દિલ ખોલીને વાત કરવાનું મન થાય. વિદ્વતા અને સરળતાનો સુમેળ સ્પષ્ટ જણાઈ આવે જે આપોઆપ પોતીકાપણું જગાવે. તેઓએ તેમના કુટુંબનો, સ્વજનોનો પરિચય કરાવ્યો, તેમના સ્વજનોએ પણ  ઉષ્માભેર મારું સ્વાગત કર્યું. અભ્યાસ વિષયે થોડી વાત કરી. સાહિત્ય પ્રત્યેના પ્રેમ અને તે કારણે કૃષિ વિષયક અભ્યાસ બાદ, કંઈક ઠરીઠામ થયા પછી, સાહિત્ય વિષયક અભ્યાસમાં ફરીથી જોડાયાની યાદ તાજી કરી. હું તો તેઓનાં શિક્ષકગણ અને કેટલાક વિદ્યાર્થીઓ સાથેના તેમના સંસ્મરણોની વાત સાંભળીને રહી ન શક્યો તેથી કહી જ નાંખ્યું કે, ’સાહેબ, આપ ખરે જ સદ્‌ભાગી છો કે આજે જેમના નામમાત્ર સાંભળી અમ જેવાંઓ ધન્યતા અનુભવે તેવા વિદ્વાન સજ્જનો સાથે રહેવાનો આપને અવસર પ્રાપ્ત થયો છે.’  તેઓએ પણ રસપૂર્વક અમારા અભ્યાસ (જેમાં ખરેખર કંઈ કહેવા જેવું નથી !) તથા રસના વિષયો વગેરે વિષયે પૃચ્છા કરી અને અમારો ઉત્સાહ પણ વધાર્યો. સહિયારા સ્નેહીજન જેવા બ્લોગમિત્રોને પણ યાદ કર્યા.

ખાસ તો તેઓને અમારાંમાં આ વાંચનશોખ કેમ પ્રગટ્યો તે જાણવામાં રસ પડ્યો ! જો કે તેઓએ અમને એક સારા  વાચક હોવાનું પ્રમાણપત્ર તો આપ્યું જ એમ કહી શકાય ! તો સ્વયં મને પણ જાણ નથી કે હું વાંચનનો શોખીન કેમ છું પરંતુ મેં તેઓને મારા મોટાબાપુ (બાપુજીના મોટાભાઈ) વિશે વાત કરી કે, તેઓ (અત્યારે તો એંશી વર્ષ આસપાસની આયુના છે) એમના જમાનાની ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા છે. ગામડે અને તેમાંએ વાડીએ રહે પરંતુ હું સમજણો થયો ત્યારથી જોતો આવું છું કે અનહદ વાંચનશોખ રાખીને બેઠાં છે. એ જમાનામાં તો ગામમાં એક-બે મહાજનના ઘેર અખબાર માંડ આવતું (એ પણ મોટાભાગે તો આગલાં દિવસનું વાસી હોય !) ત્યાં અમારે તો અખબાર પણ ક્યાંથી હોય ? છતાં કરિયાણાની દૂકાનેથી, કે કોઈ પોરબંદરથી હટાણું કરીને આવે તેમાં, જે કંઈ પડીકા બંધાઈને આવે તેના કાગળોને, કરચલી ભાંગી, સમાનમાં કરી અને વ્યવસ્થિત રીતે ઢાળિયાની છતની વળીઓમાં ભરાવી રાખે. ખેતીના કામમાંથી જેવા નવરાં થાય એટલે તુરંત તે બધા કાગળ કાઢી અને વાંચવા બેસી પડે ! ગુજરાતી વાંચતા આવડે, જો કે સમજાય બહુ જ ઓછું ! પણ પોતે વાંચે છે તેવો આત્મસંતોષ અનુભવાતો અમે નજરે જોયો છે. કંઈક મોટો થયા પછી તો હું જાઉં ત્યારે નાની નાની પુસ્તિકાઓ, એકાદ બે  મેગેઝિન્સ, અખબાર વગેરે લઈને જ જાઉં. પાદરની દુકાનોમાં પણ હવે તો રોજેરોજના અખબાર આવે, તે દરરોજ સાંજે ત્યાં પહોંચે અને વાંચી કાઢે ! સાંપ્રત ઘટનાઓથી પણ માહિતગાર રહેવાય, બે નવી વાતો જાણવા મળે, હજુ વધુ જાણવા-સમજવાની ઇચ્છા બળવત્તર રહે અને ગામની પંચાતથી દૂર રહેવાય તેને આ વાંચનશોખનો સૌથી મોટો લાભ ગણે !! હું તો જ્યારે વાડીએ જાઉં ત્યારે અમારો બાપા-દીકરાનો એક દિવસ તો સાંપ્રત ઘટનાઓ પરની ચર્ચામાં જ પસાર થાય, (બાકીના સગાંઓએ એક દિવસ રાહ જોવાની !!) તેમને ગદાફીના પતન કે લોકપાલ ખરડો અને અણ્ણા હજારેથી લઈ ઐશ્વર્યાને ત્યાં દીકરી જન્મી સુધીના બધાંજ સમાચારમાં અને અમારે દરીયાકાંઠે સ્થપાતી પવનચક્કી કઈ રીતે પાવર ઉત્પન્ન કરે છે એ બધું જાણવામાં ગજબનો રસ પડતો હોય છે.

આ વાત સાંભળીને જુ.ભાઈએ આનંદ પ્રગટ કર્યો અને મને પ્રમાણપત્ર આપ્યું કે વાંચન તારામાં વારસાગત આવ્યું તેમ ગણાય ! (અને મને પણ લાગે છે કે મોટાબાપુએ આમ વાળીચોળીને ભેગું કરેલું કે હાથ ચઢ્યું તે વાંચવામાં જ જીંદગી કાઢી હોય, તેમાં પસંદ-નાપસંદ જેવું તો કંઈ હોય નહીં ! તો પછી મારામાંએ મેકલિનથી લઈ મહાભારત સુધીનું અને જેમ્સ હેડલીથી લઈ ઝવેરચંદ સુધીનું, હાથ ચઢ્યું તે બધું જ, વાંચી કાઢવાના જનૂનો ન ઊપડે તો જ નવાઈ !!)

લો આ તો હું માન.જુગલકીશોરભાઈની વાત કરતાં કરતાં મારી કથા કરવા બેસી ગયો !! (હમણાંથી મિત્રોએ મને ’કથાકાર’નો નવો ખિતાબ પકડાવ્યો છે !) મિત્ર મુન્શીજીનો આગ્રહ હતો કે જુ.ભાઈ સાથે વાત કરવાનો તેને પણ અવસર મળવો જોઈએ, આથી તેમને પણ ફોન દ્વારા લાભ આપ્યો. તો આમ જુ.ભાઈ જેવા વિદ્વાનમિત્રને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારો તો નાતાલનો સપરમો દિવસ સુધરી ગયો. જો કે સમયના બંધનને કારણે તેઓ મારા ઘેરે ના પધારી શક્યા પરંતુ ફરીના સમયે મારા મહેમાન બનશે તેવું મિત્રતાપૂર્ણ વચન તો મેં લીધું જ.

અને અંતે એ વાત જે કદાચ બીજી વખત આપ સાંભળો છો !!! મિત્રતાના દાખલા દેવાય ત્યારે ભાગ્યે જ કોઈ સમોવડીયાની મિત્રતા યાદ કરાય છે. સૌરાષ્ટ્રમાં તો કૃષ્ણ-સુદામા જ સૌથી પહેલાં હૈયે ચઢે. વાત ધનની ન ગણો ચાલો, પરંતુ આયુ, અભ્યાસ, જ્ઞાન અને અનુભવની ગણો તો પણ અમે જુગલકીશોરભાઈ સમક્ષ સુદામા જ થયા ! અને જેવા ચોક વચ્ચે ઉભા રહી, કયા ઘેરે આપણે જવાનું હશે તે ન જાણતા હોવાથી, તેઓના ફોનમાં અમે આવ્યાનાં સમાચાર આપ્યા, ત્યાં સામેથી ડેલી ખોલી અને ઉઘાડા પગે તેઓ દોડતા આવ્યા અને પ્રેમપૂર્વક હાથ પકડી અમને ઘરમાં લઈ ગયા ! હું આવી ઝીણીઝીણી વાતોને માનવ સંસ્કૃત્તિ કહું છું ! આભાર.

મારા પ્રતિભાવો – ફોટો સ્ટોરી-ભજીયાપાર્ટી (via શકિલ મુન્શીનો બ્લૉગ)

મિત્રો,

અમારા અશોકભાઈ (વાંચનયાત્રા)એ ઘણી વખત ભજીયાપાર્ટીની વાર્તાઓ તો આપને સંભળાવી છે (જો કે એ મારવાડીએ કદી આમંત્રણ નહીં જ આપ્યું હોય :-) ) હમણાં ચાની કથા પણ કરીને બેઠા હતા ! તો મને થયું ચાલો નાસ્તાનો પ્રબંધ હું કરી નાંખું ! તો ગત તા: ૧૫/૧૦/૨૦૧૧નાં શોર્ટનોટીસે જુનાગઢ પહોંચ્યો અને રાત્રે અશોકભાઈ અને મિત્રો સાથે ભજીયાપાર્ટીનો આનંદ માણ્યો. બહુ બધા સંસ્મરણો તાજા થયા, આગળ વાત કરીશું પણ ચિત્રોના સથવારે. તો પધારો અમારી આ ભજીયાપાર્ટીમાં, આપનું સ્વાગત છે.

અશોક”જી”, હું, જેતાકાકા, શાસ્ત્રીજી. ભજીયાનીં રાહમાં !!       Read More……

મારો પ્રતિભાવ:

ક્યા બાત હૈ ! ’મૂર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ’
લાગે છે આપણાં દિલ બહુ મોટા છે, હાર્ટઍટેક આવવાની સંભાવનાઓ વધારે ! બ્રેઈન હેમરેજની સંભાવનાં નહિવત !! (બ્રેઈન ? એ વળી ક્યાં આવેલું હોય ?!)
ભાભીશ્રીને આ વાસણ સફાઈનો ફોટો ખાસ બતાવજે ! (પાસપડોશમાં પણ બતાવજે !!) ભલું હશે તો તને ઘરઘાટીની કાયમી નોકરી મળી રહેશે :-)
બાકી હું તો વધારે શું લખું, મામો હિંમત ટકાવી રાખે તેવી દિલથી પ્રાર્થના. આભાર.

ભાઈ શકિલ મુન્શીના બ્લોગે પાર્ટી ટાઈમ. સૌને પધારવા આગ્રહભરી વિનંતી છે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

દશેરાનો ડાયરો

નમસ્કાર મિત્રો,
સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ. ગત દશેરાએ પણ અમે અમારું ટાયડું ઘોડું દોડાવેલું, જરાતરા ચાલેલું પણ ખરું ! (આપ એ લેખ અહીં વાંચી શકો છો) બાકી મોટાભાગે તો દશેરા ટાણે જ ઘોડા દોડતા નથી ! (આ કહેવત છે)  સૌને અનુભવ હશે (જેને ન થયો હોય તે ભાગ્યશાળી !) નોરતાં-દશેરા, દિવાળી આવે એટલે ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ શરૂ થાય જ (અથવા અગાઉથી જ ભંગાઈ આવેલા પાસ પડોશીઓ દ્વારા કરાવાય !). અમારે નોરતાંમાં ગરબાને બદલે વધુ તો ઘરમાં શું શું હવે જુનું થયું, બિલકુલ ચાલે તેમ નથી અને ભંગારમાં કાઢવાની જરૂર છે તેની વાતો સંભળાઈ ! સર્વાનુમતતો મારા વિશે હતો પણ બહુ પ્રયત્ને અને લાં….બા અનુભવે એ નક્કી હતું કે મેન્ટલી હું બદલાઉં તેમ નથી અને ફિઝિકલી મારા કોઈ દાળિયાએ ના આલે ! એ કરતાં એક ફ્રીઝ અને એક ઘરઘંટી બદલવામાં ઝંઝટ ઓછી નડે તેમ હતું (ઈવડા ઈ ઘરનાઓને ! મુજ ગરીબને તો ગજવામાં ગોબો પડ્યો !!). જો કે આવા સમયે મને અમારા એક સંબંધી વડીલ જરૂર યાદ આવે, તેઓશ્રી પાસે એક રાજદૂત હતું (પહેલાં એ નામનું એક બાઈક આવતું, કહે છે હાલનાં બાઈક્સની સરખામણીએ ક્યાંયે વધુ ખડતલ આવતું).  બહુ વર્ષના વપરાશે સાવ ખખડેલ લાગતું અને વખતો વખત કાકી (એવનનાં ઈવડા ઈ !) કહે કે આ બાઈક બહુ જુનું થયું, સાવ ખખડી ગયું છે અને હવે છોકરાઓ પણ તમારી કંજૂસાઈ પર હસે છે તો ભલા થઈ બદલાવો ! ત્યારે વડીલનો પ્રત્યુત્તર સાંભળવા (કે સમજવા !) જેવો રહેતો, વડીલ માત્ર એટલું જ કહેતા, ’આ બાઈક હજુ આપણા લગ્ન પછી ખરીદેલું છે !! બોલ શું વિચાર છે ?!’ (ડાયરો સમજદાર છે ! સમજી ગયો !!)

મોરલ ઑફ ધ સ્ટોરી, મારે ખીસ્સે ૩૨kનું ગાબડું પડ્યું ! (ગભરાશો નહીં, આમાં કશી ફાળો કરવાની દાનત નથી જ :-) છતાં કોઈના દિલમાં દયાની સરવાણી ફૂટે તો અમે કોઈનું દિલ દુભવવામાંએ માનતા નથી !) અહીં ખાસ ધ્યાનાકર્ષક બાબત અન્ય એક પણ છે, પેલો શો રૂમ વાળો મારો મિત્ર (જેને જરાએ દયા ન આવી !) હજુ તો વોશિંગમશીન, ડીશવૉશર, પેલું કચરો વાળવાનું મશીન વગેરે વગેરે ઘણું પધરાવવાના પેંતરામાં હતો. મને કહે હજુ થોડા વધુ ખર્ચી નાંખો તો ભાભીને સાવ આરામ ! (ભાભીનો દીકરો !! આવડા આઓને ભાભીના આરામની ચિંતા ફાટી પડે છે પણ આ ભાઈ ટાંટિયા ઘસડી ઘસડીને ફાટી પડ્યો હોય તેનું કંઈ નહીં ?!) પછી મેં તેને મારું પર્સનલ લોજિક સમજાવ્યું કે, મોટા ! તું કહે છે તેટલામાં તો બીજું ઘર થઈ જાય ! પછી ભાભીને આરામ જ આરામ ;-) ;-)

જવા દો, આવા લોજિક નબળા હ્રદયનાં મિત્રોએ લડાવવા નહીં, અને લડાવો તો પોતાની જવાબદારી અને જોખમે લડાવવા ! અમારે એક નાગાભાઈ છે, (નાગા=દિગંબર એમ અર્થ ના કરવો ! કાઠિયાવાડમાં આવા નામ હોય છે) જરા ખૂનખરાબે વાલે ખાનદાન સે હૈ એટલે હિંમત તો વારસાગત મળેલી છે. એક દહાડો છાપામાં ફ્રિજની ઍક્સ્ચેન્જ ઑફરની જાહેરાત જોઈ જેમાં એક ફ્રિજ અને બાજુમાં સુંદર મોડેલ ઊભી દેખાડે છે, તે ઘરખાટલો લઈને ઉપડિયા સીધા શોરૂમ પર. જઈને કહે, ’પેલી ઍક્સ્ચેન્જ ઑફરમાં આપણને રસ છે, બોલો ઉપરીયામણમાં શું આપવાનું !’  શોરૂમ વાળો કહે, ’કાઢી નાખવાનો દાગીનો જોયા પછી વળતર કેટલું મળશે તે ખબર પડે.’ તો આવડો આ કહે, ’ફ્રિજ ઘરે આવી જોઈ જાજો અને આવડી આ તો ભેળી જ છે !!!’

હવે બહેનો બધી મને ઢિકાવવા લે એ પહેલાં ક્ષમા માંગી લઉં, આ તો શું કે નવ નવ દહાડા શક્તિના ગુણગાન કર્યા તો આજે દશેરાને દહાડે અમને પણ થોડી છૂટ મળવી જોઇએ ! અમે નવ નવ દિવસ સહન કર્યું આપ એક દિવસ ખમૈયા કરજો, માં કાળી મટી કલ્યાણી થજો ! કેટલાક તો બચારા સવાર સવારમાં બામની શીશીયુ લઈ દોડાદોડી કરતા નજરે પડતા હતા ! રાતે રાતે ગોરી ગરબે ઘુમતા અને દહાડો આખો આવડા આ પગે બામ ચોળંચોળ કરતા :-) (આ બધા કંઈ સ્વાનુભવો નથી ! પરણ્યા ભલે ન હોઈએ, જાનમાં તો ગયા હોઈએને ?!)

ફરીથી કહું, જવા દો ! જોગમાયાઓને બહુ વતાવવામાં સાર નહીં, આપણે ફરી ખરીદીની વાત જ કરીએ ! આ વેળા તો શોરૂમ વાળો મિત્ર હતો તેથી વાંધો ના આવ્યો બાકી થોડા વરસ અગાઉના દશેરાએ અમને નવા બાઈકની લેણ ઊપડેલી ત્યારે જબ્બર (રાબેતા મુજબ જ !) ફજેતી થયેલ. મને તો રંગેરૂપે આપ સૌ જાણો જ છો, ખરીદી માટે સાથે અમારા માલદેભાઈને લીધેલ, ખાસ્સા પ્રભાવશાળી દેખાય પરંતુ મારી સાથે જોઈને લોકોને લાગે કે આ ખોરડું તો ખાનદાન હશે પણ ભૂખનું ભાંગી ગયું લાગે છે !! ગયા બેઉ બાઈક ખરીદવા, ત્યાં વળી એક સુંદર (ખરેખર જ !) યુવતી અમ જેવાના માર્ગદર્શનાર્થે ઉપસ્થિત હતા. અમારા, ખાસ તો મારા, આસાર જોઈ અને તેને બહુ ભરોસો ના બેઠો છતાં ફરજ એટલે ફરજ એમ સમજી એકાદ બે મોડેલ બતાવ્યા અને કહે આથી નીચેની રેન્જમાં આ કંપનીની કોઈ ગાડી મળશે નહીં (આડવાત: અમારી બાજુ સાઇકલથી માંડી બોઈંગ સુધીના વાહનોને ’ગાડી’ જ કહેવાનો રિવાજ ! બહારનો કોઈ સમજી ના શકે કે આવડા આની ’ગાડી’ એટલે સાઈકલ સમજવી કે બી.એમ.ડબલ્યુ ??)  એ કરતાં તમે કોઈ મોપેડના શોરૂમમાં જાઓ તો બજેટમાં ફીટ બેસે તેવી ગાડી મળી જાય ! ઓઈ તારી !! મેં ભોળા ભાવે કહ્યું કે અમારે ક્યાં ગાડીને બજેટમાં ફીટ બેસાડવી છે ! અમે ગાડી પર ફીટ બેસી શકીએ એ મહત્વનું છે !! પછીની વાત તો અમારી હુંશિયારાઈથી ભરેલી હોય જવા દઉં છું પણ સરવાળે અમે ’ગાડી’ ખરીદીને આવ્યા ખરા.

આ ગાડીની વાત નીકળી તો વળી એક દશેરાની ખરીદી યાદ આવી. અમારા જેઠાભાઈને વળી ફોરવિલ (આ અમારે બહુ પ્રચલિત અને ખાસ્સો મોભાદાર ગણાતો એક નવો શબ્દ !) લેવાની ચાનક ચઢેલી પણ ઈમાનદાર નોકરિયાત માણહ તે એટલાં બધા રોકડા નીકળે નહીં. છાપાઓમાં વાહનલોનની જથ્થાબંધ જાહેરાતો વાંચી વાંચી કહે ચાલ એકાદા ફાયનાન્સમાંથી લોનનો મેળ કરી ગાડી લઈએ. બન્ને જણા ગામમાં હતી તેટલી ફાઇનાન્સ કંપનીઓમાં ફરી વળ્યા, પ્રથમ તો નોકરિયાત છે તે જાણી લોન આપવા ઉત્સાહ બતાવે પણ જેવા કયા ખાતામાં નોકરી કરો છો એ પ્રશ્નનો જવાબ આવે એટલે સવિનય ગલ્લાંતલ્લાં કરી, હાલમાં અમારો ક્વૉટા ખલાસ છે, થોડો સમય પછી જાણ કરીશું, વગેરે વગેરે કહી રસ્તો દેખાડી દે ! મેં કું આવડા આ બધાને સાલું પેટમાં શું દુખે છે ? અંતે એક જગ્યાએ તો અમે પણ બરાબર તંત પકડીને બેઠાં કે એકબાજુ જાહેરાતો આપો અને પાછાં કહો કે હમણાં લોન નથી આપતા તો આમાં રહસ્ય શું છે ? તો મેજ પાછળ બેઠેલો માણસ મને ચીંધી અને કહે, આ ભાઈ શું કરે છે ? હું એ રખડીને ખાસ્સો થાકેલો તે કહ્યું, ભંગારની રેંકડી કાઢું છું ! (અને પેલો તુરંત માની પણ ગયો બોલો !) એ કહે, ‘જેઠાભાઈ, આ ભાઈને (એટલે કે મને !) જોઇતી હોય તો લોનપેપર્સ તૈયાર કરાવી આપું પણ તમને લોન નહીં મળે ! તમારી નોકરી જ એવા ખાતામાં છે કે કોઈ લોન નહીં આપે !!’ એ દહાડે મને ખરે જ મારી જાત પર ગર્વ થયો અને જેઠાભાઈને મારી ઈર્ષા !!! (હવે કોઈ એ ન પૂછશો કે એ નોકરી કયા ખાતામાં કરે છે :-) )

લ્યો ત્યારે આજે આટલું જ, સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને હા, મીઠાઈઓ ધરાઈને ખાજો. જેનાં જમવામાં મીઠાઈ તેના જીવનમાંએ મીઠાશ. જય હો.

તા.ક. – આગળ વાત થઈને કે ’ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ’ પડોશીઓ દ્વારા પણ શરુ કરાવાય છે, આ માલદેભાઈ અમારા પડોશી, આ લેખ અટકાવી તેની સાથે જવું પડ્યું, મોટું બધું LCD TV લાવવા માટે ! માર્કેટિંગનાં અધકચરાં નિષ્ણાતો ખોટા ભ્રમમાં છે કે ટી.વી. કે છાપાઓમાં જાહેરાતના મારા દ્વારા બજાર તેજીમાં રહે છે. આ દેશમાં જ્યાં સુધી બે પડોશણો વચ્ચે વાતચીત કરવાનો પ્રેમભાવ (જેવા અમે ખર્ચાયા તેવા તમે પણ ખર્ચાવ, કે આની સાડી મારા કરતાં વધુ સફેદ કેમ ?) હશે ત્યાં સુધી વેપારીઓને મંદી આવશે જ નહીં !!