Tag Archives: શૃંગારશતક

શૃંગારશતક (૫) – ઋતુવર્ણન (વર્ષા)

હવે ગુજરાતમાં પણ વર્ષારાણીનો રૂમઝુમ રૂમઝુમ પદરવ સંભળાય છે. તો આવો આપણા જાણીતા શૃંગારશતક માંથી વર્ષાના માદક વર્ણનનો આસ્વાદ માણીએ. અહીં કવિશ્રી ભર્તૃહરિએ છ મુક્તકોમાં વર્ષાઋતુનું અદ્‌ભુત રસિક વર્ણન કરેલું છે. વરસાદમાં ભિંજાવાથી સળેખમ થવાનો ભય જેને સતાવતો હોય તેવા સુકાભઠ્ઠ માણસો પણ આ મુક્તકોથી ભિંજાઇ જશે ! તેની મને ખાત્રી છે. 

तरुणीवेषोद्‌दीपितकामा विकसज्जातीपुष्पसुगन्धिः ।
उन्नतपीनपयोधरभारा प्रावृट्‌ तनुते कस्य न हर्षम्‌ ॥९०॥

 તરુણી જેવા (શ્યામ) વેષથી જેણે કામને ઉદ્‌દીપિત કર્યો છે તેવી, ખીલી ઊઠેલી માલતીનાં પુષ્પોથી મહેકતી, ઊંચા અને ઘટ પયોધર (વાદળાં, સ્તનો) ના ભારથી ઝુકેલી આ વર્ષા કોને આનંદ ન આપે ?

 

वियदुपचितमेघं भूमयः कन्दलिन्यो
नवकुटजकदम्बामोदिनो गन्धवाहाः ।
शिखिकुलकेकारावरम्याः वनान्ताः
सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९१॥

 ઘટાટોપ મેઘથી છાવાયેલું આકાશ (લીલા) તૃણાંકુરોથી આચ્છાદિત ભૂમિ, તાજા ખીલેલા કુટજનાં સમૂહોથી સુગંધી વાયુઓ, મયૂરવૃંદનાં ટહુકાથી રમ્ય બનેલા વનનાં સીમાડાઓ; આ બધું સુખીઓને અને દુઃખીઓને સહુને ઉત્કંઠા જગાડે છે.


(कुटज = કુટજ = ’કડું’ નામે ઓળખાતું એક પ્રકારનું ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ, જેના બીજ  ઈન્દ્રજવ નામે પણ ઓળખાય છે. (En: Holarrhena antidysenterica) વર્ષાઋતુમાં તેમાં માદક ગંધ ધરાવતા ફૂલો આવે છે.)

 

उओअरि घनं घनपटलं तिर्यग्गिरयोऽपि  नर्तितमयूराः ।
क्षितिरपि कन्दलधवला दृष्टिं पथिकः क्व पातयति ॥९२॥

 ઉપર ઘનઘોર મેઘઘટા છે, આડી પડેલી ગિરિમાળા ઉપર મયૂરો નૃત્ય કરે છે, ભૂમિ પણ તૃણાંકુરોથી ધવલ બની છે. પથિક, નજર કરે તો પણ ક્યાં કરે ?

 

इतो विदुद्वल्लीविलसितमितः केतकीतरोः
स्फुरन्गन्धः प्रोद्यज्जलदनिनदस्फूर्जितमितः ।
इतः केकीक्रीडाकलकलरवः पक्ष्मलदृशां
कथं यास्यन्त्येते विरहदिवसाः संभृतरसाः ॥९३॥

આ તરફ વીજળી ચમકારા કરે છે. આ બાજુ કેતકી (કેવડો) વૃક્ષની સુવાસ પ્રસરી રહી છે. આ તરફ ચડી આવતા મેઘની ગર્જના થાય છે અને આ બાજુ ક્રીડા કરતા મયૂરના ટહૂકા થાય છે. સુંદર પાંપણવાળી સુંદરીઓના રસથી ભરેલા આ વિરહના દિવસો કેવી રીતે વીતશે ?

असूचीसंचारे तमसि नभसि प्रौढजलद-
ध्वनिप्राज्ञं मन्ये पतति पृष्तानां च निचये ।
इदं सौदामन्याः कनककमनीयं विलसितं-
मुदं च मलानिं च ग्रथयति पथि स्वैरसुदृशाम्‌ ॥९४॥

જ્યારે સોયની અણીથી પણ ન ભેદી શકાય તેવો (ગાઢ) અંધકાર છે, આકાશમાંથી જ્યારે ઘટાટોપ મેઘની ગર્જનાનો ધ્વનિ પોતાનો છે એમ માનીને જલબિંદુઓ વરસે છે, ત્યારે વીજળીનો આ સોનાના જેવો સુંદર ચમકારો, સ્વૈરવિહાર કરતી સુંદરીઓના માર્ગમાં હર્ષ અને ગ્લાનિ (બંન્ને) પ્રગટાવે છે.


(असूचीसंचारे = સોયની અણી પણ જ્યાં પ્રવેશી ન શકે તેવું / मुदं च मलानिं च = હર્ષ અને શોક = અંધકારમાં વીજળીનો ચમકારો થવાથી, સ્વૈરવિહારિણી અભિસારિકાને માર્ગ દેખાય છે તેથી હર્ષ થાય છે અને પ્રકાશમાં કોઇ જોઇ જશે તેવા ડરને કારણે ગ્લાનિ થાય છે.)

 

आसारेण न हमर्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते
शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते ।
जाताः शीकरशीतलाश्‌च मरुतो रत्यन्तखेदच्छिदो
धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥९५॥

વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઇ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે. જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને ખરેખર દુર્દિન (માઠા દિવસો) પણ સારા દિવસ બની જાય છે.  

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

* ઇન્દ્રજવ (કડું) – વધુ માહીતિ અને ઉપયોગ  

कुटज = કુટજ = કડું

શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ)

વૈશાખી વાયરા

 આપણે આ પહેલાં પણ શૃંગારશતકમાંથી વિવિધ વિષયો પરની રચનાઓ માણી છે, (પરિચય, સ્ત્રીપ્રશંસા, સંભોગવર્ણન ) 
શૃંગારશતકના ઋતુવર્ણન વિભાગમાં વિવિધ ઋતુઓનું રસિક વર્ણન કરેલ છે. પરંતુ આ વર્ણન સ્વતંત્ર ઋતુવર્ણન નથી. અહીં ૠતુઓ શૃંગારરસને પોષવા માટે તેના ઉદ્દીપનભાવ તરીકે નિરૂપવામાં આવી છે. જેમ કોઇ કુશળ ચિત્રકાર થોડી રેખાઓથી મધુર આકૃતિ દોરી આપે છે તેમ કવિ ભર્તૃહરિ કલમથી ટપકતી શબ્દાવલિથી છ ૠતુઓનું મનહર વર્ણન કરે છે. આમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિરનું અદ્‌ભુત વર્ણન કરેલ છે. સ્વાભાવિક રીતે જ વસંત શૃંગારરસની વાહક હોવાથી તેનું વર્ણન થોડું લાંબુ થયેલ છે. આપણે અત્યારે ગ્રીષ્મઋતુનો અનુભવ કરતા હોવાથી (ભારતીય ઉપખંડમાં) અહીં ફક્ત ગ્રીષ્મઋતુ પર કવિએ લખેલાં શૃંગારરસપ્રચુર મુક્તકોનો આનંદ ઉઠાવીશું. શૃંગારશતકમાં ગ્રીષ્મનું વર્ણન કરતા ત્રણ મુક્તકો મળી આવે છે. આમતો વસંત અને વર્ષા પર ઘણાં રસિક કાવ્યો કે રચનાઓ આપણાં સાહિત્યમાં મળે છે, પરંતુ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું ખપાવ્યું નથી ! અને ગ્રીષ્મ એટલે તો ધોમધખતા તાપની ઋતુ, તેમાં વળી રસિકતા કે શૃંગારરસનાં દર્શન ક્યાંથી થાય ! (હા કેરીના રસના દર્શન વળી બરાબર છે !) પરંતુ અહીં કવિએ આ બળબળતા તાપમાંથી પણ શૃંગારરસ નિતાર્યો છે જે કદાચ સર્વે વાંચકોનાં મનને (અને તનને પણ !) શિતળતાનો આલ્હાદ્‌ક અનુભવ કરાવશે. (યુરોપ, અમેરિકામાં વસતા રસિકજનોએ ગ્રીષ્મનો આ શૃંગારીક લાભ મેળવવા માટે અત્યારે ભારતની મુલાકાત લેવી જોઇશે. જેઓને ભુતકાળમાં અહીંની આ ઉષ્ણતાનો અનુભવ હોય તેઓ ત્યાંની ઠંડકમાં પણ મનની કલ્પનાશીલતાને કામે લગાડી અને પ્રસ્વેદથી સ્નાન કરી શકે છે !)       
   
  

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥
  

સ્વચ્છ અને આછા ચંદનના લેપથી ભીની ભીની મૃગનયનીઓ, ફુવારા વાળા ભવનો, પુષ્પો તેમજ ચાંદની, મંદ મંદ પવન, માલતીની વેલીઓ અને સ્વચ્છ અગાશી; આ બધું ઉનાળામાં મદને અને મદનને (કામને) ઉદ્‌દીપિત કરે છે.  

અહીં અપાયેલાં વર્ણન એ યુગનાં છે જ્યારે આપણા બાપદાદાઓ આવી સગવડો પામવા જેટલા બડભાગી હતા ! જો કે નિરાશ થયા વગર આપણે પણ હાલનાં સંજોગ મુજબ આપણી સૃષ્ટિની રચના કરી શકીએ છીએ. જેમ કે ચંદનનો લેપ ન મળે તો ચંદનની સુગંધવાળો ટેલ્કમ પાવડર કલ્પવો ! ભવનમાં ફુવારાની રચના શક્ય ન હોય તો એક એરકુલરનો ખર્ચ કરી નાખવો ! બાકી આપ પ્રકૃતિપ્રેમી હશો તો પુષ્પો,ચાંદની, મંદ મંદ પવન અને માલતીની વેલીઓ તો લગભગ વિના ખર્ચે ઉપલબ્ધ થશે. અહીં કવિએ (કદાચ સ્વાનુભવે !) ગ્રીષ્મમાં मदं च मदनं च, મદ અને મદનને ઉદ્‌દિપ્ત કરતા કેટલાક સરળ ઉપચારો બતાવ્યા છે.
  

મારો છાંયડો (૨૫ વર્ષ પહેલાંની મહેનતનું ફળ - ટાઢક !!)

આ શાથે એક અર્થ એ પણ લઇ શકાય કે પ્રકૃતિના દરેક રૂપનો આનંદ લઇ શકાય છે, બસ લેતા આવડવો જોઇએ ! બહુ ગરમી, બહુ ગરમીની રાડો પાડી અને દુબળા થવાથી પ્રકૃતિ કંઇ પોતાની માયાજાળ સંકેલી નહીં લે ! અને આપણે ફળીમાં એકપણ વૃક્ષ રહેવા નથી દીધું, તો ભોગવવું તો પડશેજ ને ? કહે છે કે કુદરતના શબ્દકોષમાં માફી નામનો કોઇ શબ્દ નથી ! આપણે તેને પર્યાવરણમાં ખલેલરૂપી એક નાની કાંકરી મારીશું તો સામેથી કુદરતી કોપરૂપી મોટો ઢેખાળો આવશે જ ! માટે ચાલો, અન્યનાં ભલા માટે નહીં તો આપણા સ્વાર્થ માટે પણ, ઘરની આસપાસ થોડા વૃક્ષવેલાઓ વાવવાનું શરૂ કરીએ. જેથી ભર્તૃહરિ જેવા આપણા વડવાઓ જે આનંદ ગ્રીષ્મમાં માણતા તેની આપણે ફ્ક્ત કોરી કલ્પના જ કરી અને ન બેસી રહેવું પડે !! કંઇ ખોટું કહ્યું ?  

    

स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥८८॥
  

મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વીંઝણાથી ઢોળાતો પવન, ચંદ્રનાં કિરણો, ફૂલની પરાગ, જલાશયો, નિર્મલ શરાબ, મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો, ઓછાં વસ્ત્રો અને કમલસમાન નેત્રવાળી સુંદરીઓ; ઉનાળાની ઋતુ આવે ત્યારે આ બધું ભાગ્યશાળીઓને મળે છે.  

અહીં ભાગ્યશાળીની કેવી વ્યાખ્યા કરી છે ! અને આવા ભાગ્યશાળી થવું તો કોને નહીં ગમે ? જો કે મારી આદત મુજબ અહીં આપેલ વ્યાખ્યાને સમય પ્રમાણે થોડી ફેરવવાની કોશિશ કરૂં છું;
* મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ = માળીને ત્યાં મળશે, નહીં તો અત્તરથી કામ ચલાવવું !
* વીંઝણાથી ઢોળાતો પવન = એરકુલર કે પોસાણ હોય તો એ.સી., બાકી અમે પણ ’ઠંડો’ પવન વાય તેવા પંખાઓ વેંચીએ છીએ !!
* ચંદ્રના કિરણો = અંધારીયાપક્ષમાં (કૃષ્ણપક્ષ) ટ્યુબલાઇટ કે CFLથી કામ ચલાવવું !
* ફૂલની પરાગ = એ તો ફળીમાં કે કુંડામાં થોડાં ફૂલઝાડ વાવવા પડે, બાકી ફૂલનાં બે-ચાર ભિંતચિત્રો લગાવવા !
* જલાશયો = આપણા ગુજરાતમાં થોડા સમયથી ’ચેકડેમો’ બાબતે જાગૃતિ આવી છે, તળાવો ઉંડા કરવાની પ્રવૃતિ પણ સારી એવી ચાલે છે એથી હજુ પણ ક્યાંક ક્યાંક જળાશયોમાં પાણી જોવા મળે છે. જો કે આપણે તો બાથરૂમનાં બે ચક્કર વધુ મારી અને કામ રોળવવું (’ત્રણ વાર નહાવું, એક વાર ખાવું’ એ કદાચ આ ગ્રીષ્મઋતુ માટે જ હશે ?)
* નિર્મલ શરાબ = અમારા એક મિત્રનાં જણાવ્યા મુજબ અહીં ’રેડવાઇન’ સૌથી સારૂં કામ આપશે !! પરંતુ આપ જો ગુજરાતમાં વસતા હો તો ખસ કે વરિયાળી શરબતને ઉત્તમ સમજવું !!
* મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો = અરે ભાઇ, દુ:ખી ન થવું ! આપણી તુટેલ ફુટેલ ઝુંપડી પણ આપણે માટે મહેલથી ઓછી નથી. હા, સ્વચ્છતા આપણા હાથમાં છે અને એકાંત ઇશ્વરનાં હાથમાં છે :-) (અચાનક મહેમાનો ન ત્રાટકે તેવી શુભેચ્છા !)
** અને હવે છેલ્લી એક બાબતે કોઇ બાંધછોડ શક્ય નથી !!! :-) ભાગ્યશાળી ગણાવા માટે થોડી મહેનત તો આપે પણ કરવી જોઇએને !!!
  

    

सुधाशुभ्रं धाम स्फुरदमलरश्मि: शशधर:
प्रियावक्त्राम्भोजं मलयरजरजश्चाति सुरभि ।
स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने
करोत्यन्त: क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥
  

અમૃતનાં જેવું ધોળું ભવન, નિર્મલ કિરણો રેલાવતો ચંદ્રમા, પ્રિયતમાના મુખરૂપી કમળ, અત્યંત સુવાસિત ચંદનનો લેપ, મનગમતી અને મહેંકતી પુષ્પમાળાઓ; આ બધું પ્રેમી લોકોના અંતરમાં ક્ષોભ જન્માવે છે. પરંતુ વિષયોના મોહથી મુક્ત હોય તેવા ને તેની અસર નથી થતી.   

 
 
 
 
 

ગ્રીષ્મમાં સાગરકાંઠે (વિરાટ પ્રકૃતિ)

અને આ એક શ્લોકને કારણે ભર્તૃહરિ એ ભર્તૃહરિ છે ! શૃંગારરસ આટલો ઉછાળા મારતો હોય ત્યારે તેનાં મનના એક ખુણામાંથી વૈરાગ્યનો તણખો પણ ઝરે. આ ઉપર વર્ણવેલું બધું જ પ્રેમીજનોનાં અંતરમાં વિષય (અહીં ક્ષોભનો અર્થ વિષય, રાગ તેવો કરેલ છે) ઉત્પન્ન કરે છે. પરંતુ જેઓ વિષયોનાં મોહથી મુક્ત બની ગયા હોય તેમને આ ઋતુઓની કશી અસર થતી નથી. આવા લોકો માટે જ નિર્વિકાર શબ્દ વપરાયો હશે. આ પણ મનની એક દશા છે, જીવનના બધા જ ભોગો ભોગવી લીધા પછી કદાચ આ જ્ઞાન પણ લાધતું હશે. કોને ખબર, ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપને આ રસિકવર્ણન દ્વારા થોડી શીતળતાનો અનુભવ થયો હોય તો ભર્તૃહરિનો આભાર જરૂર માનશોજી.  

   

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

શૃંગારશતક (૩)- સંભોગવર્ણન

નમસ્કાર, આજે ભર્તૃહરિ કૃત “શૃંગારશતક” માંથી થોડા વધુ મુક્તકો માણીશું. આ પુસ્તકનાં લગભગ ૨૦ (ક્રમાંક ૨૦ થી ૪૦) જેટલા શ્ર્લોકોમાં યુગલની રતિક્રિડાનું રસિક વર્ણન કરાયું છે. જો કે તેમાં લગભગ ક્યાંય, આ પ્રકારના વિષયને વર્ણવતા, અત્યારનાં અમુક સાહિત્ય જેવું છીછરાપણું કે અભદ્ર લાગે તેવું વર્ણન નથી. લેખકશ્રીએ આ મુક્તકોને ભર્તુહરિ દ્વારા દોરાયેલા શબ્દચિત્રો કહ્યા છે. અને વાંચકમાં થોડી પણ કલ્પનાશક્તિ હશે તો તેમને આ શબ્દચિત્રો નજર સમક્ષ જીવંત થતા દેખાશે. હા! યુવાનો માટે આ એક સ__રસ જાતીય શિક્ષણનો પાઠ બની રહે તેમ છે.  કોઇને કદાચ આ થોડું કામુક લાગે ! પરંતુ યાદ એ રાખવાનું છે કે આ લખાણ લગભગ ૬ટ્ઠી સદી આસપાસ લખાયું છે, અને અત્યારે આપણે વધુ સુધરેલા એવા ૨૧મી સદીનાં લોકો છીએ, કે જેઓ હજુ શાળાઓમાં જાતીય શિક્ષણ આપવું કે નહીં, અને આપવું તો કઇ રીતે આપવું, તેની ચર્ચાઓ કરે રાખે છે. અને યુવાનો કુદરતનાં ક્રમ પ્રમાણે જરૂરી સમયે, જરૂર પુરતું શીખી જાય છે, પરંતુ સમજી શકતા નથી !!!

અહીં થોડા વિણેલા મુક્તકો જ આપેલ છે. જેનો ભાવાર્થ મહદઅંશે આગળ ઉલ્લેખેલ પુસ્તકમાંથી જ લીધેલ છે.

मालती शिरसि जृम्भणं मुखे

चन्दनं वपुषि कुडकुमाविलम् ।

वक्षसि प्रियतमा मदालसा

स्वर्ग एष: परिशिष्ट आगम: ॥२३॥ 

“શિર ઉપર માલતીનાં પુષ્પોની માળા, મુખમાં બગાસાં, શરીર ઉપર કેસર મિશ્રિત ચંદનનો લેપ અને ઉર ઉપર પડેલી મદભર પ્રિયતમા – આને જ સ્વર્ગ કહેવાય, બાકી શાસ્ત્રો તો પરિશિષ્ટ (એટલે કે બિનજરૂરી કે વધારાના) છે.”

લો બોલો !!! આ વાત નો વિરોધ કોણ કરી શકશે ??  કાં તો અચેતન હોય તે અથવા તો દંભી હશે તે. (આવું કંઇક સિગ્મંડ ફ્રોઇડે કહેલું છે)

प्राङमामेति मनागनागतरसं जाताभिलाषं तत:

सव्रीडं तदनु श्लथोद्यममथ प्रध्वस्तधैर्य पुन: ।

प्रेमार्द्र स्पृहणीयनिर्भररह:क्रिडाप्रगल्भं ततो

नि:सङगाङगविकर्षणाधिकसुखं रम्यं कुलस्त्रीरतम् ॥२४॥

“પહેલાં તો ’ના ના નહી’ એમ કહીને રસ દર્શાવતી નથી. પછી અભિલાષા જાગે છે. ત્યારબાદ લજ્જાશીલ બને છે અને પછી તો ધીરજ છોડી દઇને, એકાંતમાં મનગમતી પ્રેમભીની ક્રિડામાં તલ્લીન બની જાય છે. અને અંતે અંગનાં આલિંગન અને મર્દનથી અધિક આનંદ આપે છે. કુલીન સ્રીની રતિક્રીડા આવી રમણીય હોય છે !”

उरसि निपतितानां स्त्रस्तधम्मिल्लकानां

मुकुलितनयनानां किंचिदुन्मीलितानाम् ।

उपरिसुरतखेदस्विन्नगण्डस्थलाना-

मधरमधु वधूनां भाग्यवन्त: पिबन्ति ॥२५॥

“ઉર ઉપર પડેલી હોય, વાળની વેણી વિખેરાઇ ગઇ હોય, નેત્રો મીંચાઇ ગયાં હોય અને વળી સહેજ અધખુલાં હોય, વિપરીત રતિક્રીડાના થાકથી ગાલ ઉપર પરસેવાનાં બિંદુઓ બાઝી ગયાં હોય, એવી કુલવધુઓનાં અધરોષ્ઠનું મધુપાન ભાગ્યવંતો જ કરી શકે છે !”

संसार तव पर्यन्तपदवी न दवीयसि ।

अन्तरा दुस्तरा न स्युर्यदि ते मदिरेक्षणा ॥३३॥

“હે સંસાર !, જો તારી વચ્ચે શરાબી આંખોવાળી સુંદરી ન હોત તો તને પાર પામવાનું સ્થાન દૂર નથી.”

વાહ ! નકામો આ સંસાર અઘરો બનાવી નાખ્યો છે ! તેનો પાર પામવાનાં હજારો અઘરા અઘરા ઉપાયો મહાનુભાવો સુચવે રાખે છે ! ભર્તૃહરિ મુજબ તો સંસારનો પાર પામવો સાવ હાથવેંતમાં હોય છે, વચ્ચે નડે છે ફક્ત……???

मात्सर्यमुत्सार्य विचार्य कार्य-

मार्या समर्यादमिदं वदन्तु ।

सेव्या नितम्बा किमु भूधराणा-

मुत स्मरस्मेरविलासिनीनाम् ॥३६॥

“હે આર્યો ! મત્સર (આળસ) તજીને, કાર્યનો વિચાર કરી, મર્યાદાપૂર્વક જરા અમને કહો કે (આ જગતમાં) શું પર્વતનાં નિતમ્બો (ઢોળાવો) સેવવા લાયક છે કે વિલાસથી સ્મિત વેરતી સુંદરીઓનાં નિતમ્બો સેવવા લાયક છે ?”

આ એક જ મુક્તકે અમને ઘણી વખત ગીરનારની તળેટીએથી પાછા વાળ્યા છે !!! અહીં “મર્યાદાપૂર્વક અમને કહો” (समर्यादमिदं वदन्तु) શબ્દ પણ નોંધવા જેવો છે.  આપ સૌને કેમનું છે ? …

संसारे स्वपनसारे परिणतितरले द्वे गती पण्डितानां

तत्त्वज्ञानामृताम्भ: प्लवललितधियां यातु काल: कथंचित् ।

नो चेत्मुग्धाङ्ग्नानां स्तनभरजघनाभोगसंभोगिनीनाम्‌

स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलीलोद्यमानाम् ॥३७॥

“અંતમાં અસ્થિર આ સ્વપ્નના જેવા સંસારમાં પંડિતોની બે જ અવસ્થા હોય છે. કાં તો તત્વજ્ઞાનરૂપી અમૃતજળમાં મજ્જ્ન કરવાના સુંદર વિચારોમાં તેઓનો સમય પસાર થાય છે અથવા તો સ્તન અને વિશાળ જઘનોના ભોગ ભોગવવાની ઇચ્છાવાળી મુગ્ધ સુંદરીઓના સ્થૂલ ગુહ્યસ્થાનોમાં પોતાની હથેળીઓથી સ્પર્શ કરવાની લીલાના ઉદ્ધમમાં તેનો કાળ વીતે છે.”

आवास: क्रियातां गांगे पापहारिणि वारिणि ।

स्तनद्वये तरुण्या वा मनोहारिणि हारिणि ॥३८॥

“કાં તો પાપ હરનારા જળવાળી ગંગાના કિનારે નિવાસ કરવો જોઇએ, અથવા તો તરુણીનાં સુંદર હારવાળાં મનોહર બે સ્તનોમાં વાસ કરવો જોઇએ.”

અહીં સુભાષિતમાં “पापहारिणि वारिणि” અને “मनोहारिणि हारिणि” નું સુંદર સંયોજન કેવું લાગ્યું ?

किमिह बहुभिरुक्तैर्युक्तिशून्यै: प्रलापै-

र्दूयमिह पुरुषाणां सर्वदा सेवनीयम् ।

अभिनवमदलीलालालसं सुन्दरीणां

स्तनभरपरिखिन्नं यौवनं वा वनं वा ॥३९॥

“અહીં યુક્તિ વિનાના અનેક પ્રલાપો કરવાથી શું ? આ લોકમાં પુરુષોને બે જ વસ્તુઓ સેવન કરવા યોગ્ય છે. કાં તો સુંદરીઓનું, નવીન મદભરી લીલાઓથી મલપતું અને સ્તનોના ભારથી ખિન્ન થયેલું યૌવન અથવા તો વન.”

અહીં પણ “યૌવન” અને “વન” નો સુંદર સુમેળ જુઓ. અને મારા વિચાર પ્રમાણે આ શ્ર્લોકથી જ  ”વૈરાગ્યશતક”ની રચનાનું બીજ વવાઇ ગયું હોય તેવું લાગે છે.

તો “यौवनं वा वनं वा” તે તો સૌએ પોતપોતાની અનુકુળતા પ્રમાણે નક્કિ કરવાનું રહે છે. અને ભર્તૃહરિ પ્રમાણે આ બે સિવાયનું અન્ય કશું પણ (સત્તા,લાલસા,ઇર્ષા,અહંકાર વગેરે વગેરે !!) સેવનાર ’મહાપુરુષ’ કે અન્ય કશું પણ કહેવાય, ’પુરુષ’ તો ન જ કહેવાય !!!

હવે થોડો સમય શૃંગારશતકને અહીં વિરામ આપીશું, વધુ રચનાઓ માટે આગળ ઉપર ચર્ચા કરીશું.  આપનાં મંતવ્યો (समर्याद) રજુ કરતા અચકાશો નહીં.  હવે પછીનું પુસ્તક ’ખલિલ જિબ્રાન’ કૃત “ધ પ્રોફેટ” હશે. અસ્તુ.

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)