પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા: ૨૫ ડિસેમ્બરના રોજ મને નેટ જગતના આપણ સૌ મિત્રોના વડીલ અને માર્ગદર્શક, જ્યાંથી આપણને ખાસ કરીને ભાષા, લેખન, વ્યાકરણ જેવા વિવિધ વિષયો પર બહુમૂલ્ય માર્ગદર્શન મળે છે એ, NET-ગુર્જરીના શ્રી.જુગલકીશોરભાઈને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.
શનિવારે સવારે મેઇલબોક્ષ ખોલ્યું ત્યાં શ્રી.દીપકભાઈ (મારી બારી)નો સુસમાચાર આપતો મેઇલ મળ્યો કે જુ.ભાઈ જૂનાગઢ પધારે છે, સાથે જુ.ભાઈનો ફોનનંબર મોકલવાની કૃપા પણ તેઓએ કરી. અને અમને તો વળી મહેમાન આવે છે તેટલું સાંભળતા જાણે ગોળનું ગાડું મળ્યું ! તુરંત શ્રી.જુ.ભાઈનો સંપર્ક કર્યો. તેઓશ્રી નજીકના ગામ વાડલા ખાતે તેમના સ્નેહીજનને ત્યાં અંગત મુલાકાત અર્થે આવ્યા હતાં, વ્યસ્તતા છતાં બ્લોગજગતના પ્રેમબંધનને કારણે સહર્ષ ત્યાં જ મળવા આવવા આમંત્રણ પાઠવ્યું. અને અમે રવિવારે સવારે મળવાનું ગોઠવ્યું.
વાડલા એટલે આમ તો જૂનાગઢનું પાદર જ સમજોને. સવારની ફૂલગુલાબી ઠંડીમાં હું અને મારા મિત્ર જેઠાભાઈ હરખભેર ત્યાં પહોંચી ગયા. આ અમારા જેઠાભાઈ પણ વાંચનના શોખીન ખરા, વધારે પડતું તો ધાર્મિક વાંચન જ તેઓને ફાવે ! પરંતુ અમારે ત્યાં ભરાતા રોજીંદા ડાયરામાં આપણ સૌ બ્લોગમિત્રોની ચર્ચા પણ થતી હોય, ઘણી રચનાઓ ત્યાં સૌ સાથે વંચાતી હોય અને તે પર ટિપ્પણીઓ પણ થતી હોય, તેથી લગભગ સૌ મિત્રોને નામથી ઓળખે ખરા. અને તેથી જ રૂબરૂ મળવાનો યોગ સાંપડે તો તેમને પણ મારા જેટલો જ હરખ થાય. તો આમ અમને જુ.ભાઈને મળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.
ત્યાં સરસ મજાનું ગ્રામ્ય વાતાવરણ, કાઠિયાવાડીમાં કહીએ તો વીઘાએકનું ફળિયું અને પોતાના મહેમાનનાં મહેમાનનું પણ ઉષ્માભેર સ્વાગત કરતાં અમારા યજમાન. એય…ને એ ફૂલગુલાબી ઠંડી, ફળિયામાં આવતા કુણાકુણા તડકાની અને એથીએ વધુ જુ.ભાઈની પ્રેમાળ હૂંફ. હવે હું કંઈ માનસશાસ્ત્રનો મોટો અનુભવી તો નથી જ પરંતુ હ્રદયના ભાવોને આધારે કહું તો શ્રી.જુ.ભાઈનું જેવું માનસચિત્ર મેં દોરેલું તેવા જ મને તો દેખાયા ! (ઠંડીની અસરમાં હું ખોટો ઠર્યો ! મેં તો સ્વેટર, ટોપી ચઢાવેલા !) એક પ્રેમાળ અને હૂંફાળા વડીલ, જેમની સાથે તમને દિલ ખોલીને વાત કરવાનું મન થાય. વિદ્વતા અને સરળતાનો સુમેળ સ્પષ્ટ જણાઈ આવે જે આપોઆપ પોતીકાપણું જગાવે. તેઓએ તેમના કુટુંબનો, સ્વજનોનો પરિચય કરાવ્યો, તેમના સ્વજનોએ પણ ઉષ્માભેર મારું સ્વાગત કર્યું. અભ્યાસ વિષયે થોડી વાત કરી. સાહિત્ય પ્રત્યેના પ્રેમ અને તે કારણે કૃષિ વિષયક અભ્યાસ બાદ, કંઈક ઠરીઠામ થયા પછી, સાહિત્ય વિષયક અભ્યાસમાં ફરીથી જોડાયાની યાદ તાજી કરી. હું તો તેઓનાં શિક્ષકગણ અને કેટલાક વિદ્યાર્થીઓ સાથેના તેમના સંસ્મરણોની વાત સાંભળીને રહી ન શક્યો તેથી કહી જ નાંખ્યું કે, ’સાહેબ, આપ ખરે જ સદ્ભાગી છો કે આજે જેમના નામમાત્ર સાંભળી અમ જેવાંઓ ધન્યતા અનુભવે તેવા વિદ્વાન સજ્જનો સાથે રહેવાનો આપને અવસર પ્રાપ્ત થયો છે.’ તેઓએ પણ રસપૂર્વક અમારા અભ્યાસ (જેમાં ખરેખર કંઈ કહેવા જેવું નથી !) તથા રસના વિષયો વગેરે વિષયે પૃચ્છા કરી અને અમારો ઉત્સાહ પણ વધાર્યો. સહિયારા સ્નેહીજન જેવા બ્લોગમિત્રોને પણ યાદ કર્યા.
ખાસ તો તેઓને અમારાંમાં આ વાંચનશોખ કેમ પ્રગટ્યો તે જાણવામાં રસ પડ્યો ! જો કે તેઓએ અમને એક સારા વાચક હોવાનું પ્રમાણપત્ર તો આપ્યું જ એમ કહી શકાય ! તો સ્વયં મને પણ જાણ નથી કે હું વાંચનનો શોખીન કેમ છું પરંતુ મેં તેઓને મારા મોટાબાપુ (બાપુજીના મોટાભાઈ) વિશે વાત કરી કે, તેઓ (અત્યારે તો એંશી વર્ષ આસપાસની આયુના છે) એમના જમાનાની ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા છે. ગામડે અને તેમાંએ વાડીએ રહે પરંતુ હું સમજણો થયો ત્યારથી જોતો આવું છું કે અનહદ વાંચનશોખ રાખીને બેઠાં છે. એ જમાનામાં તો ગામમાં એક-બે મહાજનના ઘેર અખબાર માંડ આવતું (એ પણ મોટાભાગે તો આગલાં દિવસનું વાસી હોય !) ત્યાં અમારે તો અખબાર પણ ક્યાંથી હોય ? છતાં કરિયાણાની દૂકાનેથી, કે કોઈ પોરબંદરથી હટાણું કરીને આવે તેમાં, જે કંઈ પડીકા બંધાઈને આવે તેના કાગળોને, કરચલી ભાંગી, સમાનમાં કરી અને વ્યવસ્થિત રીતે ઢાળિયાની છતની વળીઓમાં ભરાવી રાખે. ખેતીના કામમાંથી જેવા નવરાં થાય એટલે તુરંત તે બધા કાગળ કાઢી અને વાંચવા બેસી પડે ! ગુજરાતી વાંચતા આવડે, જો કે સમજાય બહુ જ ઓછું ! પણ પોતે વાંચે છે તેવો આત્મસંતોષ અનુભવાતો અમે નજરે જોયો છે. કંઈક મોટો થયા પછી તો હું જાઉં ત્યારે નાની નાની પુસ્તિકાઓ, એકાદ બે મેગેઝિન્સ, અખબાર વગેરે લઈને જ જાઉં. પાદરની દુકાનોમાં પણ હવે તો રોજેરોજના અખબાર આવે, તે દરરોજ સાંજે ત્યાં પહોંચે અને વાંચી કાઢે ! સાંપ્રત ઘટનાઓથી પણ માહિતગાર રહેવાય, બે નવી વાતો જાણવા મળે, હજુ વધુ જાણવા-સમજવાની ઇચ્છા બળવત્તર રહે અને ગામની પંચાતથી દૂર રહેવાય તેને આ વાંચનશોખનો સૌથી મોટો લાભ ગણે !! હું તો જ્યારે વાડીએ જાઉં ત્યારે અમારો બાપા-દીકરાનો એક દિવસ તો સાંપ્રત ઘટનાઓ પરની ચર્ચામાં જ પસાર થાય, (બાકીના સગાંઓએ એક દિવસ રાહ જોવાની !!) તેમને ગદાફીના પતન કે લોકપાલ ખરડો અને અણ્ણા હજારેથી લઈ ઐશ્વર્યાને ત્યાં દીકરી જન્મી સુધીના બધાંજ સમાચારમાં અને અમારે દરીયાકાંઠે સ્થપાતી પવનચક્કી કઈ રીતે પાવર ઉત્પન્ન કરે છે એ બધું જાણવામાં ગજબનો રસ પડતો હોય છે.
આ વાત સાંભળીને જુ.ભાઈએ આનંદ પ્રગટ કર્યો અને મને પ્રમાણપત્ર આપ્યું કે વાંચન તારામાં વારસાગત આવ્યું તેમ ગણાય ! (અને મને પણ લાગે છે કે મોટાબાપુએ આમ વાળીચોળીને ભેગું કરેલું કે હાથ ચઢ્યું તે વાંચવામાં જ જીંદગી કાઢી હોય, તેમાં પસંદ-નાપસંદ જેવું તો કંઈ હોય નહીં ! તો પછી મારામાંએ મેકલિનથી લઈ મહાભારત સુધીનું અને જેમ્સ હેડલીથી લઈ ઝવેરચંદ સુધીનું, હાથ ચઢ્યું તે બધું જ, વાંચી કાઢવાના જનૂનો ન ઊપડે તો જ નવાઈ !!)
લો આ તો હું માન.જુગલકીશોરભાઈની વાત કરતાં કરતાં મારી કથા કરવા બેસી ગયો !! (હમણાંથી મિત્રોએ મને ’કથાકાર’નો નવો ખિતાબ પકડાવ્યો છે !) મિત્ર મુન્શીજીનો આગ્રહ હતો કે જુ.ભાઈ સાથે વાત કરવાનો તેને પણ અવસર મળવો જોઈએ, આથી તેમને પણ ફોન દ્વારા લાભ આપ્યો. તો આમ જુ.ભાઈ જેવા વિદ્વાનમિત્રને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારો તો નાતાલનો સપરમો દિવસ સુધરી ગયો. જો કે સમયના બંધનને કારણે તેઓ મારા ઘેરે ના પધારી શક્યા પરંતુ ફરીના સમયે મારા મહેમાન બનશે તેવું મિત્રતાપૂર્ણ વચન તો મેં લીધું જ.
અને અંતે એ વાત જે કદાચ બીજી વખત આપ સાંભળો છો !!! મિત્રતાના દાખલા દેવાય ત્યારે ભાગ્યે જ કોઈ સમોવડીયાની મિત્રતા યાદ કરાય છે. સૌરાષ્ટ્રમાં તો કૃષ્ણ-સુદામા જ સૌથી પહેલાં હૈયે ચઢે. વાત ધનની ન ગણો ચાલો, પરંતુ આયુ, અભ્યાસ, જ્ઞાન અને અનુભવની ગણો તો પણ અમે જુગલકીશોરભાઈ સમક્ષ સુદામા જ થયા ! અને જેવા ચોક વચ્ચે ઉભા રહી, કયા ઘેરે આપણે જવાનું હશે તે ન જાણતા હોવાથી, તેઓના ફોનમાં અમે આવ્યાનાં સમાચાર આપ્યા, ત્યાં સામેથી ડેલી ખોલી અને ઉઘાડા પગે તેઓ દોડતા આવ્યા અને પ્રેમપૂર્વક હાથ પકડી અમને ઘરમાં લઈ ગયા ! હું આવી ઝીણીઝીણી વાતોને માનવ સંસ્કૃત્તિ કહું છું ! આભાર.
21.526850
70.453587