Tag Archives: નરસિંહ મહેતા

ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)

મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.

તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !

પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

“જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે”

From Wiki

આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે. (યાદ કરો ઉપનિષદોમાંનુ ’અભી’ – અભય !)

જેઠાભાઇએ ચર્ચા દરમિયાન એક બહુ સરસ વિચાર આપ્યો કે, આ નાગણીઓ કેટલી છે તે દર્શાવ્યું નથી પણ તે ખરેખર આઠ હોવી જોઇએ ! આ આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે મુલાધાર ચક્ર’ અને પછી ’સ્વાધિષ્ઠાન ચક્ર’, જે નાભિપ્રદેશ પાછળ સ્થિત છે. યોગમાં એમ કહેવાય છે કે કુંડલિની શક્તિ ત્યાં કુંડલી મારી અને સુષુપ્તાવસ્થામાં પડેલી છે.  આ પ્રથમ ચક્ર પર થતો પ્રહાર મૃત્યુનો ભય ઉત્પન્ન કરે છે, સામાન્ય અનુભવ પણ છે કે અચાનક કોઇ ભારે ભય ઉત્પન્ન થાય છે ત્યારે નાભીની નીચેના ભાગમાં સ્પંદન ઉત્પન્ન થાય છે જેને ’પેટમાં ફૈડકો પડવો’થી ઓળખવામાં આવે છે.  આ શક્તિ જાગૃત થયા પછી તેનો મુળ સ્વભાવ નીચેની તરફ વહેવાનો છે જે કામઉર્જારૂપે વર્ણવાય છે. તેના નિમ્નગમનના સંદર્ભમાં જ પ્રથમ તો નાગણો કહે છે, ’કહે રે બાળક તું મારગ ભૂલ્યો’ એટલે કે નિમ્નગમન એ સ્વાભાવિક છે તેને બદલે તું આ ઊધર્વગમનને મારગે ક્યાં ચઢીયો !! (આમે નીચે પડવામાં કશી મહેનત નથી પડતી, ઊંચે ચઢવા માટે જ મહેનત કરવી પડે છે !)
“કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો”

અને કૃષ્ણ આ “ભય”ને પાર કરતા કહે છે;

“નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો”  

કૃષ્ણ અહીં દેખીતું બ્લફ કરે છે ! એ તો માસ્ટર છે, પછી બ્લફમાસ્ટર કેમ ના હોઇ શકે ?! આખરે ભયને જીતવાનો છે, ભયાનક લડાઇની તૈયારી કરવાની છે, અને શઠં પ્રતિ શાઠ્યંનું જ્ઞાન તે કંઇ કૃષ્ણને થોડું સમજાવવું પડે ! (આ લખનાર તો નરસિંહ છે, અને છતાં લોકો માને છે કે નરસિંહ ભોળો ભગત હતો !) યોગમાર્ગમાં ભયનું અતિક્રમણ કરી જનારો આપો આપ ત્યાર પછીના ચક્રના દ્વારે પહોંચે છે. અને તે છે ’મણીપૂર ચક્ર’ આ પણ કામનો પ્રદેશ છે. ભયના સકંજામાંથી છટકનારો માણસ મોટેભાગે અહીં ભરાઇ પડે છે ! જુઓ નાગણીઓ અહીં લાલચ પણ કેવી આપે છે !

“રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,” આજની ભાષામાં કહીએ તો ’કૃષ્ણ, યુ આર વેરી સેક્સી !’ પણ કૃષ્ણ ત્યાં ફસાતો નથી ! કહો કે સાધક પણ ત્યાં ફસાતો નથી, અને સત્યને માર્ગે ચઢેલો આપણો સામાન્ય માણસ પણ ત્યાં ફસાતો નથી ! (જો કે બહુ અઘરૂં છે, કંઇક કહેવાતા સાધુ-સ્વામીઓ પણ અહીં ફસાયા છે !) તો પછી તે પહોંચે છે ’ અનાહત ચક્ર ’ માં, આ હૃદય પાસે આવેલું ચક્ર તે મોહનો પ્રદેશ છે. અહીંથી આગળ વધતા અટકાવવા માટે નાગણો મોહનો આશરો લે છે. સગાવ્હાલાંની યાદ અપાવે છે. કહે છે;

“તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો”  માતા અને ભાઇભાંડુઓને યાદ કરાવે છે. કહે છે શું તું તેમને અળખામણો છે કે તેમને ભુલી અને આ માર્ગે ચઢ્યો છે ?  જા ને ભ‘ઇ, જીવતો નર ભદ્રા પામે ! સુંદર, દેખાવડો છે, રંગરાગ કર, સગા સ્નેહીઓ સાથે બેસીને મોજ કર ! આ જ્ઞાનના માર્ગે, ભક્તિના માર્ગે, સત્યના માર્ગે, યોગના માર્ગે, વળી ક્યાં ચઢ્યો ?  પણ કૃષ્ણ માનતો નથી ! (એટલે જ તો યોગેશ્વર કહેવાયો) મોહનાં બંધનમાં બંધાતો નથી અને પોતાના અડગ નિશ્ચયની જાહેરાત કરતા કહે છે;

“મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો”

સાધક મોહના બંધનમાંથી મુક્ત બને છે. આગળ વધે છે અને પહોંચે છે કંઠની પાસે આવેલા ’વિશુદ્ધ ચક્ર’ના દ્વારે. આ પ્રદેશ લોભનો, લાલચનો, પ્રદેશ છે. કાવ્યમાં નરસિંહ વિશુદ્ધ ચક્ર દર્શાવવા માટે નાગણો દ્વારા અપાતી લાલચમાં અન્ય કોઇ નહીં માત્ર કંઠનાં આભુષણોનું વર્ણન જ કરે છે. જુઓ:

“લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ”

અહીં કંગન કે વિંટીઓ કે ઝાંઝર કે કાનના કુંડળ એવો કશો ઉલ્લેખ નથી માત્ર હાર અને દોરીઓ (સૌરાષ્ટ્રમાં આજે પણ સ્ત્રી-પુરુષ ગળામાં જે ઘરેણું પહેરે છે તેને “દોરો” કહેવાય છે. સામાન્ય રીતે સૌ ચેઇન કહે છે)  સાધનાપથનું સૌથી મોટું અને ભયાનક વિઘ્ન આ લોભ, લાલચ છે. લગભગ તમામ લોકો જે ભય, કામ અને મોહના આગલા પ્રદેશો પાર કરી ચૂક્યા તે પણ અહીં ફસાઇ ગયા છે ! (આ વાત બહુ સમજાવવી પડે તેમ લાગે છે ? સત્ય સાંઇબાબા કે અન્ય બાબાઓ અને કંઇ કેટલાયે સાધુ સંતોના, મહાનુભાવોના, ભવ્ય ભંડારો હવે કંઇ છાના નથી રહ્યા !!) કુંડલિની યોગની દૃષ્ટિએ પણ આ બહુ કઠીન પડાવ છે. અધ્યાત્મમાં પણ આ સૌથી બાધક એવું ચક્ર છે ત્યાં જનસામાન્ય માટે તો આ લોભ અને લાલચના ચક્કરમાંથી નીકળવું શક્ય જ કેમ બને ? ઘરબાર અને સગાં સ્નેહીઓ છોડનારા, અરે કામને પણ જીતી લેનારાઓ, અહીં માયાના ચક્કરમાં ફસાયા છે.

પણ કૃષ્ણ ત્યાં પણ પકડાતો નથી ! કહે છે;

“શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ”

હે નાગણો, નકામી માથાકુટ મેલો ! તમે મને ઓળખતી નથી !! અને આમે મારે માટે તમારે આટલું કષ્ટ લેવાની શી જરૂર છે ? જરા વિચારો, એકના ડબલની લાલચ, રાતોરાત તમને ધનાઢય બનાવી દેતા મેઇલના સંદર્ભે, આજથી છસો વર્ષ પહેલાં, નરસિંહે કૃષ્ણના મોંએ મુકેલો આ પ્રત્યુત્તર યાદ રાખવા જેવો નથી લાગતો ? અરે કહે છે કે માગ્યા વગર તો મા પણ નથી પીરસતી ત્યાં વગર માગ્યે આપની પર સંપત્તિનો વરસાદ કરવા ઉત્સુક એવા આ મહાનુભાવો કઇ માસીના દીકરા થાય છે કે આટલા બધા વરસી પડે છે ? વિચારો અને હવે આગળ વધીએ.

“ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો”

હવે નાગણોને લાગે છે કે કશો જ ઉપાય બચ્યો નથી, અહીં નાગને જગાડવાની ક્રિયામાં નરસિંહ કુંડલિનીનું ઉધર્વગમન પણ રૂપકમાં દર્શાવી આપે છે ! ચરણથી લઇ અને મૂછ (નાક) સુધી પહોંચ્યાનું સ્મરણ ફરીને કરાવે છે. અને યોગવિદ્યામાં કઠીન એવું ’વિશુદ્ધ ચક્ર’ પાર કર્યા પછી, લોભ અને લાલચના આ પાશમાંથી છૂટ્યા પછી શરૂ થાય છે ખરૂં દ્વંદ્વ ! કુંડલિનીના સંદર્ભે તે કહેવાય છે ’આજ્ઞાચક્ર’ જે બે આંખની વચ્ચે આવેલું છે. આને ત્રીકુટી પણ કહે છે, સાધકો તેને શંકરનું ત્રીજું નેત્ર પણ કહે છે. આ આજ્ઞાચક્રમાં થાય છે આરપારની લડાઇ ! આ કેન્દ્ર છે અહંકારનું. (નાક કપાયું અને નાક બચ્યું જેવા શબ્દો યાદ કરો !)   

“બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો”

નરસિંહે રચેલા આ કાવ્યના કદાચ કેટલાયે અર્થ નીકળતા લાગે પરંતુ અહીં મારા મનમાં એક અર્થ એ પણ નીકળે છે કે આ આખી લડાઇ ક્યાંય બહાર નથી થયેલી ! આ વર્ણન જ આખું માણસના મનોદ્વંદ્વનું છે ! તેના ડર, કામ, મોહ, લોભ, લાલચ, ક્રોધ અને અહંકાર સામેના દ્વંદ્વનું. અહીં માણસના મનમાં પડેલી સત-અસત વૃતિઓનો સંઘર્ષ છે. એક પછી એક વૃતિ પર વિજય પામી અને આજ્ઞાચક્રમાં પહોંચેલો માણસ તેની અંતિમ લડાઇ ’અહંકાર’ સામે લડે છે. ’મેં ડરને જીત્યો, કામને જીત્યો, ક્રોધને જીત્યો, મોહને જીત્યો, લોભ અને લાલચને જીત્યા !!’ આ અહંકાર હવે અહીં માણસને રોકી પાડે છે. સાધનાપથની વાત કરીએ તો સાધકને રોકી પાડે છે. અને ભક્તિમાર્ગમાં પણ આ જ કહેવાય છે. ગંગાસતીના ભજનને જુઓ તો કહે છે; ’માન રે મુકીને તમે, આવો ને મેદાનમાં ને’, આ માન મુકવું બહુ કઠીન કામ છે. આ કામ બુદ્ધિથી થવું સંભવ નથી ! કારણ, બુદ્ધિને પોતાનો અહંકાર હોય છે ! અહીં નરસૈંયાનો ભક્તિમાર્ગ જીતે છે ! અહીં બુદ્ધિ નહીં બુદ્ધની જરૂર પડે છે !! અહીં બળ કે કળ નહીં ચાલે કૃષ્ણ ચાલશે !! આવું પ્રબુદ્ધજનોનું મંતવ્ય છે. અને અંતે આ છેલ્લી લડાઇ જીતાય છે.  (સત્યમેવ જયતે)

હવે એ વાત આવે છે જે વર્ષોથી ઘણાને હેરાન કરે છે ! અમે પણ આ પ્રશ્નનો સામનો કર્યો છે ! જેનો ઉત્તર પણ જ્ઞાનીજનોને સથવારે કંઇક કંઇક સાંપડ્યાનું જણાય છે.

“સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો”  — અહીં અંતિમ સવાલ એ થાય છે કે નાગ નથાયો. કાબૂમાં થયો, પછી તો તે ઢીલોઢફ પડી જવો જોઇએ ! અહીં તો નરસિંહ લખે છે, ’સહસ્ત્ર ફેણાં ફુંફવે..’. આ વર્ણન છે કુંડલિની જાગૃતિનું, આ વર્ણન છે કુંડલિની યોગના અંતિમ ચક્ર, ’સહસ્ત્રાધાર ચક્ર’નું. મસ્તકના સર્વોચ્ચ બિંદુએ આવેલું આ ચક્ર, કહે છે જ્યારે આજ્ઞાચક્ર પર વિજય પ્રાપ્ત થાય છે, જ્યારે અહંકાર પર વિજય પ્રાપ્ત થાય છે, ત્યારે સહસ્ત્રાધાર ચક્ર જાગી ઊઠે છે. જૈન અને બુદ્ધિઝમમાં તેને ’ડાન્સિંગ ઓફ ધ થાઉઝેન્ડ પેટલ લોટસ’ કહે છે. આ જે ગગન ગાજે હાથીયોનો ગડગડાટ થાય છે તે જ છે કુંડલિની શક્તિ. અહીં સાધક જીવમાંથી શિવ સ્વરૂપ બને છે. શંકરાચાર્યનો ’અહમ બ્રહ્માસ્મિ’નો નાદ પણ અહીં જ થતો હશે ! આ યાત્રા કોઇ બાહ્યયાત્રા નથી, આ અંતરયાત્રા છે, સહસ્ત્રદલ કમળ સમાન અમુલ્ય સત્યને પામવાની યાત્રા છે. નરસિંહ આ યાત્રા આપણને કરાવે છે. યાત્રાના માર્ગમાં આવનારા વિઘ્નનો પરિચય પણ આપે છે.  જો કે હજુ થોડું કહેવાનું બાકી રહી જાય છે. નરસિંહના આ અદ્‌ભૂત જ્ઞાનને હજુ પણ ઓળખવાનું બાકી રહ્યું છે. તો ચાલો આગળ વધીએ.

“બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો”

અહીં પહેલું તો એ જણાવાય છે કે, કૃષ્ણ નાગને નાથે છે, તેના પર કબ્જો કરે છે, પણ તેને મારતો નથી ! કાળીનાગને સ્વયં મનોવૃતિઓનું પ્રતિક ગણો તો, વૃતિઓ મારી મરતી નથી. તેના પર માત્ર કાબૂ કરવાનો છે ! નરસિંહ ન તો આ ઇંદ્રિયોની વૃતિઓથી ડરીને ભાગવાના મતનો છે ન તેને કબ્જે થવાના મતનો છે કે ન તો તેને મારવાના મતનો છે ! તે તો આ વૃતિઓ રૂપી કાળીનાગને વશમાં કરી, તેનું ઝેર ચૂસી લઇ, જીવનરૂપી જમનાના જળમાં રમવાના મતનો છે. ઉપર ત્રુટક ત્રુટક આપણે મારી અલ્પ સમજ મુજબનો યોગમાર્ગ પણ જોયો જ આધ્યાત્મનો બહુ જ ગુઢ સંકેત પણ આ કાવ્યમાં સંતાયેલો મળે છે જે લગભગ ભાગ્યે જ કોઇ જ્ઞાનીના ધ્યાને ચઢ્યો હશે ! આ આખા કાવ્યની મુળ મજા તેના બદલાતા સંદર્ભમાં છે. આ કાવ્યની શરૂઆત થી અંત સુધીમાં ’સ્વામી’ બદલાય જાય છે !

“જળકમળ છાંડી જાને બાળા, ’સ્વામી’ અમારો જાગશે”  અને અંતે,
“બેઉ કર જોડી વીનવે, ’સ્વામી’ ! મૂકો અમારા કંથને”

પ્રથમ સ્વામી કાળીનાગ છે અને અંતે સ્વામી કૃષ્ણ છે. આપણી જીવનરૂપી જમનામાં સ્વામી નાગ છે ત્યારે ઝેર છે અને સ્વામી કૃષ્ણ બની જાય છે ત્યારે એ જ જમના અમૃત છે. એમ કહેવાનો નરસિંહનો આશય હોય તેવું અહીં જણાય છે.  (આ રહસ્ય શ્રી જવાહર બક્ષીજીના કહેવા મુજબ તેમને જુનાગઢમાં એક મુસ્લિમ સુફી સંતે સમજાવ્યું હતું !! બોલો ફરી એમ જ કહી શકાય ને કે ’તું રહેતા કહાં કહાં પર હૈ ઔર પતા કહાં કા દેતા હૈ !’)

આ એક કાવ્યને આધારે હજુ પણ ઘણું ઘણું ચિંતન મનમાં ઉદ્‌ભવે છે, બધું જ કંઇ સાચી દીશાનું હશે તેવું નથી માનતો પરંતુ આપણી સંસ્કૃતિમાં અદ્‌ભુત ચિંતન પરંપરા રહેલી છે (અને ઉપરની સુફી સંતની વાત વાંચ્યા પછી આ ’આપણી સંસ્કૃતિ’નો વિશાળ અર્થ પણ ધ્યાને રાખવો !) જેના નિર્વહનનો ગુણ કદાચ આપણને વારસામાં મળે છે, ઊંડા અંધારેથી પણ પરમ ઉજાસ શોધનારા આપણે, પથ્થરમાં પણ પરમેશ્વર શોધનારા આપણે, શબ્દોમાં કશો જ મર્મ ન હોય તેમ તો શી રીતે ધારી લઇએ ? આથી મારી જાતને રોકી નથી શકતો ! (અને એ કારણે આપણે સૌ નિરાંતવા ખાઈ-પી અને નિંદર નથી કરી શકતા !!)  આ રસાસ્વાદના પ્રયત્નને માટે વિવિધ ચિંતન ક્રિયાઓ દ્વારા માર્ગદર્શન કરનારા બધાજ સ્નેહીમિત્રોનો આભાર માનું છું.  નરસિંહની અને આપણા અમુલ્ય વારસા સમાન અન્ય કૃતિઓનો પણ આગળ ઉપર વિવિધ દૃષ્ટિબિંદુએથી રસાસ્વાદ કરવાનો પ્રયત્ન હું તો કરીશ જ, આપ પણ કરશો તો આનંદ થશે. આ પછીના લેખમાં આપણે ’ગીતગોવિંદમ્‌’ને આગળ વધારીશું. આભાર.

* જળકમળ છાંડી જાને.. (વિકિસોર્સ ગુજરાતી પર)

* જળકમળ …સાંભળો  (મીતિક્ષા.કોમ પર)

(આ લેખમાં અને અન્યત્ર પણ જ્યાં જોડણીદોષ ધ્યાને આવે ત્યાં જરૂર ટકોરવો તેવી મૈત્રીભાવે વિનંતી છે.)

ભણે નરસૈંયો – મારા સ્થળકાળને જાણો !

મિત્રો, નમસ્કાર.
આ પહેલાનાં લેખમાં આપણે નરસિંહ મહેતાની રચનાઓ વિશે કેટલીક માહિતીઓ મેળવેલી. તેમાં મિત્રોએ રસભરી ચર્ચાઓ પણ કરી અને ચર્ચાઓ થકી ફરી નવા લેખનો વિચાર આવ્યો. આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે જે સમયગાળામાં નરસિંહ થયા તે સમય કેવો હતો. કારણ ઐતિહાસિક પાત્રોને વખાણવા-વખોડવા બહુ સહેલાં પડે પણ સાચું મુલ્યાંકન અને તેઓના સંઘર્ષ અને મનોવૃતિનું સાચું ચિત્ર તો ત્યારે મળે જ્યારે આપણે આપણી જાતને એ સ્થળકાળમાં મુકી અને જોઇએ !

તો આપણે વાત કરીએ છીએ નરસિંહ મહેતાના સમયકાળની, નરસિંહ ૧૪૧૪ (કોઇ ૧૪૦૪ કહે છે)થી ૧૪૮૧ ના સમયગાળામાં થયા પાંચ-સાત વર્ષ આમતેમ ગણો તોય આ ઈતિહાસસિદ્ધ સમયગાળો નિશ્ચિત છે. પ્રથમ એ સમયગાળાને સમજવા માટે આપણે આસપાસના સમયની થોડી મહત્વની તવારિખ અને તદ્‌પશ્ચાત ઈતિહાસના અધિકૃત દૃષ્ટિકોણથી એ આસપાસના સમયની વિવિધ સ્થિતિઓનું પણ ટુંક અવલોકન કરીશું.

* ૧૪૦૭ : ઝફરખાન નામનો ગુજરાતનો સુબો, દિલ્હીના તખ્ત પરની આંધાધૂંધીનો લાભ લઇ, સુલ્તાન મુઝફ્ફરખાન નામ ધારણ કરી, પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલ્તાન જાહેર કરે છે.
* ૧૪૧૪-૧૪૮૧ : નરસિંહ મહેતા
* ૧૪૫૧-૧૪૭૨ : રા માંડલિક (જુનાગઢનો છેલ્લો રાજપૂત રાજા)
* ૧૪૫૮-૧૫૧૧ : મહમુદ બેગડો (ગુજરાતનો સુલ્તાન)
* ૧૪૬૭ : મહમુદની જુનાગઢ પર ચઢાઇ
* ૧૪૬૯ : ગુરુ નાનકનો જન્મ
* ૧૪૯૭-૧૪૯૯ : વાસ્કો-દ-ગામાની ભારતની પ્રથમ સફર
* ૧૬૩૦ : શિવાજી (જન્મ)
* ૧૬૯૯ : ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાપંથની રચના

હવે આપણે સોમનાથની કેટલીક મહત્વની, તવારિખ જોઇશું;
* સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે.
* ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે.
* ૧૦૨૪ : મહમદ ગઝનીએ તોડ્યું.
* ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું.
* ૧૧૪૩-૧૧૭૨ : કુમારપાળે તેને ફરીથી સમરાવ્યું, લાકડાનું અમુક બાંધકામ કાઢી પથ્થરો વડે ચણતર કર્યુ.
* ૧૨૯૬ : અલ્લાઉદ્દિન ખીલજીએ તોડ્યું.
* ૧૩૦૮ : ચુડાસમા રાજા મહિપાલદેવે ફરી બાંધ્યું અને તેના પુત્ર ખેંગારે ૧૩૨૬-૧૩૫૧ વચ્ચે તેમાં શિવલિંગની સ્થાપના કરી.
* ૧૩૭૫ : મુઝફ્ફરશાહ પહેલાએ તોડ્યું.
* ૧૪૫૧ : મહમુદ બેગડાએ તોડ્યું.
* ૧૭૦૧ : ઔરંગઝેબે તોડ્યું.
* ૧૭૮૩ : અહલ્યાબાઇ હોલકરે ફરી નવું મંદિર (અલગ સ્થાને) બાંધ્યું, અને હાલનું મંદિર સ્વતંત્રતા બાદ બંધાયું તે જાણીતો ઈતિહાસ છે.
અહીં ૧૩૭૫ થી ૧૭૮૩ વચ્ચેના સમયગાળા પર ધ્યાન આપો તો એક વસ્તુ એ દેખાશે કે મુઝફ્ફરે આ મંદિર તોડ્યા પછી ફરી સમરાવાયેલું ન હોવા છતાં, એ સમયનાં મુસ્લિમ શાસકોમાં એક પ્રકારની પ્રસિદ્ધ થવાની (બૂતભંજક તરીકે નામ કાઢવાની) હોડ હતી તે કારણે ખંડેરોને વારંવાર તોડવાની ચેસ્ટા કરી ’અમે આ પરાક્રમ કર્યું’ તેવું દર્શાવવા માત્ર જ સોમનાથના ખંડેરોના બે-પાંચ પથ્થરો આમતેમ કરી મહમદ ગઝનીની હરોળમાં બેઠાનો સંતોષ માનતા હતા !!

હવે “સૌરાષ્ટ્રનો ઈતિહાસ” નામક પ્રસિદ્ધ ઈતિહાસગ્રંથ, જે જાણીતા ઈતિહાસવિદ શ્રી શંભુપ્રસાદભાઇ દેસાઇ (નિવૃત IAS) દ્વારા સંશોધન કરી લખાયેલો છે તેની ૧૯૬૮ની બીજી આવૃતિ મારી પાસે છે, તેના આધારે ત્યારના સમયની વિવિધ સ્થિતિઓનો ટુંક પરિચય કરીએ.

** અંત = ઇ.સ. ૮૭૫ થી ઇ.સ.૧૪૭૨નો સમય સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ’રાજપૂત સમય’ તરીકે વર્ગીકૃત થયેલો છે. ત્યાર પછીનો સમયગાળો મુસ્લિમ શાસનકાળ તરીકે નોંધાયો છે. આપણા આ નરસિંહ મહેતા આ રજપૂત સમયના અંત અને મુસ્લિમ શાસન કાળની શરૂઆતના સંધિકાળમાં થયેલા ગણાય. આપણે રાજપૂત સમયના અંતકાળની માન. ઈતિહાસકારે નોંધેલા તારણોથી ટુંકમાં વાકેફ થઇએ.

“રાહ માંડલિકના પતન સાથે સૌરાશઃટ્રમાં રાજપૂત યુગનો અંત આવ્યો. વિક્રમની પંદરમી સદીમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ એક જ એવું રાજ્ય હતું કે જેનું અસ્તિત્વ નષ્ટ કરવા ગુજરાતના બળવાન સૂબાઓ અને સુલતાનોને એકસો અને બોંતેર વર્ષો લાગ્યા.

રાજપૂતોમાં અપાર વિરતા હતી…આ સમયમાં સૌરાષ્ટ્રમાં એકલા રાજપૂતો જ નહીં પણ કાઠીઓ, આહિરો, રબારીઓ વગેરે “કાંટીયા” કોમો અને નાગરો, બ્રાહ્મણો, વણિકો, લુહાણા અને અન્ય જ્ઞાતિના મર્દો પણ યુદ્ધે ચડતા. પ્રજાનો શ્રમજીવી વર્ગ તેમના રાજાઓ માટે, દેશ માટે, અને સ્વાતંત્ર્ય માટે તેમના ધનકોષનો વ્યય કરતા કે તન તોડીને સેવા આપવા છતાં તેમનો પરાજય શા માટે થયો ?…આ સમયના રાજપૂતો અને અન્ય પ્રજા ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધાળુ ભક્તિમાં આતિશય પ્રવૃત હતી. તેઓ વહેમ, જ્યોતિષ, શુકન-અપશુકન, ખાદ્ય-અખાદ્ય, એવા અનેક દુષ્ટ વર્તુલોમાં ફસાઈ ગયા હતા. તેઓના પુરૂષાર્થ અને પ્રાબલ્ય ઉપર તેના પરિણામે અંકુશ મુકાઇ ગયો હતો.

વિશેષમાં આંતરિક કલહો, કલેશ અને કુસંપના કીડાએ સમાજ અને દેશને કોરી ખાધો હતો. અંદરો અંદરના યુદ્ધો અને અનુમાનિક કે અંગત કારણોને લઇ રાજાઓએ તેમની શક્તિ વેડફી નાખી હતી…તેમની નીતિ અને યુદ્ધના આચાર તેમને અંતરાયરૂપ અને અવરોધક થયાં…મુસ્લીમોનું યુદ્ધ કૌશલ્ય, શિસ્ત, આયોજન, જાસુસી અને એવી અનેક વિશિષ્ટતાઓનો તેઓએ અભ્યાસ કર્યો નહીં. તેમાંથી કાંઇ બોધપાઠ લીધો નહિ અને તેમની જૂની અને પુરાણી ઘરેડમાંથી બહાર નીકળી કોઇ પણ નૂતન પદ્ધતિ વિચારી નહીં.”

** ધર્મ = “શંકરાચાર્યના પ્રબળ પરિશ્રમના પરિણામે આ યુગના પ્રારંભમાંજ બૌદ્ધ ધર્મનો ઉચ્છેદ થઇ ગયો. વૈદિકધર્મનું સંસ્થાપન થયું. પ્રજાએ પૌરાણિક ધર્મનો વિશેષ આદર કર્યો અને શૈવ, વૈશ્નવ, શાક્ત આદિ સંપ્રદાયોનું પરિબળ વધ્યું. રાજાઓએ વૈદિકધર્મને આશ્રય આપ્યો અને સાથોસાથ બ્રાહ્મણ સિવાયના વર્ણો માટે વૈદિક ધર્મના સિદ્ધાંતો ઉપર રચાયેલાં પુરાણોનો પ્રચાર પણ બ્રાહ્મણોએ કરી પોતાની ઉદરપૂર્ણા માટે પ્રબંધ કર્યો.

દેવદેવીઓની માનતા, બલિદાનો, ભોગ અને તેમના ક્રોધ કે કૃપાથી થતા લાભા હાનિની વાર્તાઓ પ્રચલિત થઇ. તીર્થસ્થાનોનું મહાત્મ્ય વધ્યું અને અંધશ્રદ્ધાના ગાઢ તિમિરમાં પ્રજા ગ્રસ્ત થઇ.

તેમ છતાં “દ્વૈતાદ્વૈત અને અદ્વૈતાદ્વૈત”, “બ્રહ્મ સત્ય જગત મિથ્યા”, “અહં બ્રહ્માસ્મિ”, વગેરે સિદ્ધાંતો પર ચર્ચા થતી રહી. પરંતુ પ્રજાનો મોટો વર્ગ પૌરાણિક સંપ્રદાય પ્રતિ વિશેષ આકર્ષાયો. શૈવ સંપ્રદાયનો આ યુગમાં સવિશેષ પ્રચાર થયો. વૈશ્નવ સંપ્રદાય પણ આ સમયમાં વિશેષ પ્રસર્યો. શૈવ સંપ્રદાય બ્રાહ્મણો અને રાજપૂતોમાં પ્રચલિત થયો ત્યારે વૈશ્નવ સંપ્રદાય વૈશ્યોને આકર્ષી રહ્યો હતો. ક્ષત્રિયો બહુધા શાક્ત હતા છતાં શિવપૂજાને પણ સરખું અગત્ય આપતા. જો કે રાજપૂતોએ પણ વિષ્ણુભક્તિ સ્વીકારેલી. વિ.સં.૧૨૦૨માં લખાયેલા રાજા જયસિંહના શિલાલેખમાં આરંભે ’ઓં નમો ભગવતે વાસુદેવાય’ લખ્યું છે. તે ઉપરથી જાણી શકાય કે આ સુત્ર તેરમી સદીમાં સર્વસ્વિકૃત થઇ ગયું હતું.

નરસિંહ મહેતાના સમયમાં વિષ્ણુ ભક્તિના પ્રવાહમાં મોટો સમુહ તણાયો હતો. નરસિંહ જેવા વેદાંતી અને જ્ઞાની ભક્તકવિએ કૃષ્ણાવતારની ભક્તિને સવિશેષ પ્રચલિત કરી. પરંતુ એમ પણ જણાય છે કે નરસિંહ મહેતા પહેલાં પણ કૃષ્ણનાં મંદિરો આ દેશમાં હતાં. વિ.સં.૧૩૪૮ના શિલાલેખમાં સારંગદેવ વાઘેલાએ કૃષ્ણની પૂજા માટે દાન આપ્યાનો ઉલ્લેખ છે. (અહીં દેશ કહેતાં સૌરાષ્ટ્ર ગણવું)

વલભી સમયમાં વરાહપૂજાનો પ્રચાર હતો તે અસ્ત થયો અને આ સમયમાં તેનું સ્થાન કૃષ્ણપૂજાએ લીધું. રામચંદ્રજીની પૂજાનો પણ પ્રચાર ક્યાંય હોવાનું જણાતું નથી પરંતુ રામાવતારની પૂજા ન થતી તેમ પણ માની શકાય તેમ નથી. (વિ.સં.૧૩૨૦નો કાંટેલાનો શિલાલેખમાં ’રઘુપ્રભો’ ’મૈથિલિ’ એવા ઉલ્લેખ છે, વિ.સં.૮૩૪ના રતનપુરના શિલાલેખમાં નૃસિંહ અવતારની પૂજાનો પણ ઉલ્લેખ છે)

હનુમાન અને ગણેશની પૂજાના ઉલ્લેખ પણ મળે છે. ઘણા લેખોના પ્રારંભમાં “શ્રી ગજાનનો જયતિ”, “ઓમ નમો ગણપતયે”, “કંપર્દી સંપદેષુ” એવા શબ્દો લખાયેલા મળ્યા છે. પરંતુ આજે જેમ પ્રત્યેક શુભ કાર્યના આરંભે ગણપતિનું નામ લખાય છે તેમ લખાતું નહીં હોય. ઘણા લેખોમાં માત્ર “ઓં” કે “ઓમ નમઃશિવાય” લખાયું છે.

જૈન ધર્મ જેવો ને તેવો ફાલતો અને ફૂલતો રહ્યો હતો. આ સમયમાં શેત્રુંજય, ગિરનાર અને આબુના વિખ્યાત જૈન મંદિરો બંધાયા… સૌરાષ્ટ્રની દાન પરંપરાને જૈનોએ ઉજ્જવળ કરી…તેમાં પણ શ્વેતાંબર દિગંબરના ઝઘડાઓ થતા જ રહ્યા પરંતુ જણાય છે કે મૂર્તિપૂજક શ્વેતાંબરોનું પરિબળ વધુ રહ્યું…જૈનોની સહિષ્ણુતાના અનેક દૃષ્ટાંતો મળે છે, હિંદુઓ સાથે હળીમળીને રહ્યા, સોમનાથના જીર્ણોદ્ધાર માટે પણ હેમચંદ્રાચાર્યે કુમારપાળને આદેશ કર્યાની નોંધ છે…આ સમયમાં જૈન સાધુઓએ પણ સાહિત્ય, કાવ્ય અને ઇતિહાસના ગૌરવપૂર્ણ ગ્રંથો રચ્યા.”

સમાજ = “સમાજ અનેક પ્રકારે પતિત થયો હતો…અમુક રાજાઓના ચારિત્ર્ય અને અનીતિમાન જીવન પરથી સમગ્ર પ્રજાની રહેણીકરણીનો ખ્યાલ કરવાનો રહે છે…પરસ્પર કલેશ, કુસંપ અને કલહમાં પ્રજા ગ્રસ્ત થઇ હતી. રાજાઓ રાજ્ય અને પ્રજા પોતાની અંગત સંપતિ છે તેમ માનતા…અંગત કારણોસર સૈન્યોને જ્યાં ત્યાં લઇ જઇ વિનાશ વેરવામાં તેઓ આનંદ અનુભવતા. વિદેશી પ્રજાઓ તેમની સાથે જે જે અનિષ્ટો લાવી હતી તેનું વિષ પ્રજાની રગેરગમાં પ્રસરી ગયું હતું તેમાં વળી પુરાણોએ દેવી દેવતાનાં ચારિત્ર્યની વિચિત્ર વાતો લખી અગ્નિમાં ઘૃત હોમ્યું હતું.

તેમ છતાં, આર્ય સંસ્કાર અને વૈદિક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, આવા ભયંકર વાવાઝોડામાં અડગ પહાડ જેવા ટકી રહ્યા હતા. જેમ પતિત દશાના દૃષ્ટાંતો છે તેમ ધર્મ તથા દેશ માટે બલિદાન દેવાનાં, વટ અને ટેક માટે સર્વસ્વનો ભોગ દેવાનાં અને ત્યાગીને ભોગવવાના સિદ્ધાંત ઉપર પરાર્થે જીવન સમર્પણ કરવાના ઉજ્જવળ દૃષ્ટાંતો પણ છે…આ યુગમાં શીવલરીની પ્રણાલિકાઓ પડી. ક્ષાત્રધર્મ, સ્વધર્મરક્ષણ અને સ્વદેશરક્ષા માટે મરી ફીટવાની, અનાથ, નિરાધાર, નિઃસહાય અને નિર્ધનને દાન કરવાની, ગૌબ્રાહ્મણ, દેવસ્થાન અને તીર્થસ્થાનોના રક્ષણમાં પ્રાણાર્પણ કરવાની અને નારી સન્માનની આર્ય ભાવના વિકસી અને પૂર્ણતાએ પહોંચી.”

પોશાક = “રાજાઓનો પોશાક અતિકિંમતી હતો. દરબારીઓ તથા અધિકારીઓ પણ કિંમતી પોશાક પહેરતા. લોકો બારીક મસલનના ટૂંકા કડિયાં તથા ધોતિયાં પહેરતા. વેપારીઓ લાંબા ખમીશ તથા લાંબા અંગરખાં પહેરતા (ઈબ્ન હૌકલને આધારે). આ વસ્ત્રોનું કાપડ સૌરાષ્ટ્રમાં જ બનતું. સ્ત્રીઓનો પોશાક આજે પણ ગામડાઓમાં સ્ત્રીઓ પહેરે છે તેવો જ હશે. શહેરોમાં સ્ત્રીઓ બેફાળા સાડલા પહેરતી. નાક, કાન, હાથ, આંગળીઓ તથા ગળામાં સોનાના ઘરેણાઓ પહેરતી. રાજરાણીઓ પગમાં સોનાના સાંકળા અને અન્ય સ્ત્રીઓ ચાંદીના ગંઠોડા કે બેડીઓ પહેરતી.

પુરુષો બાજુબંધ કે કડાં પહેરતા. આંગળીઓમાં વીંટી કે મુદ્રાઓ અને ગળામાં રૂદ્રાક્ષની, સોને મઢેલી કે તુલસીની માળા પહેરતા. પ્રત્યેક જ્ઞાતિ, પ્રાંત, પ્રદેશની પાઘડી જુદા પ્રકારની હતી. રાજપૂતો અને કાંટીયાવરણના લોકો દાઢી પણ રાખતા અન્યથા મૂછો વધારવાનો ચાલ સામાન્ય હતો. શોકનો પોશાક પુરુષો માટે શ્વેત અને સ્ત્રીઓ માટે શ્યામ હતો.

આંખમાં કાજળ સુરમો આંજવાની પ્રથા હતી. સ્ત્રીઓમાં પણ અંજન અને કપાળે કંકુનો મોટો ચાંદલો કરવાની તથા સેથામાં સિંદુર પુરવાનો ચાલ હતો. દાંતે મજીઠ દઇ દાંત રંગવામાં આવતા. ત્રાજવા (છૂંદણાં) ત્રોફાવવાનું પણ પ્રચલિત હતું.”

ભાષા અને લિપિ = “લોકોની ભાષા ગુજરાતી જ હતી. આ ગુજરાતી સ્થાનિક, મારવાડી, સિંધી અને સંસ્કૃતના મિશ્રણમાંથી બનેલી હતી. નરસિંહ મહેતાના મૂળ પદોની ભાષા અને જૈન લેખકોની ભાષા, આજની ગુજરાતી ભાષાથી ભિન્ન છે. તેમાં વપરાયેલા કેટલાક શબ્દો આજે લુપ્ત થયા છે. તેમ છતાં આ જૂની ગુજરાતીનાં ઘણા શબ્દો આજે પણ ગ્રામ્ય જનતા તથા જુની જાતિઓમાં વપરાય છે.
(અહીં એક પ્રશ્ન !! આ “ભણે નરસૈંયો”માંના “ભણે” કહેતાં “ભણવું” ક્રિયાપદનો સાચો અર્થ, ઈમાનદારીપૂર્વક, કેટલાને સમજાયો હશે ?)

વલભીકાળ પછી દક્ષિણ બ્રાહ્મી લિપિનો ઉપયોગ બંધ પડ્યો હતો. સામાન્ય રીતે નાગરી લિપિ સર્વસ્વિકૃત થયેલ હતી. છતાં નવમી સદીના અંત સુધી નાગરી લિપિના અક્ષરોના મરોડમાં એકવાક્યતા ન હતી. દશમી સદી પછી તો દેવનાગરી લિપિના અક્ષરો એક જ મરોડના જોવામાં આવે છે.”

તો મિત્રો, અહીં મેં નરસિંહ મહેતાના સ્થળકાળનો ઇતિહાસના માધ્યમે પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. આ સંપૂર્ણ પરિચય તો નથી પરંતુ આપણને તે કાળ સમજવામાં થોડી અનુકુળતા જરૂર રહેશે. અહીં જે લખ્યું છે તે સંદર્ભગ્રંથના માધ્યમે જ લખ્યું છે આમાં એક અક્ષર પણ ઘરનો ભેળવ્યો નથી. હજુ તો ઘણું ઘણું જાણવા જેવું ઉપલબ્ધ છે, આગળ વધુ જાણીશું, માણીશું. આભાર.

(માહિતીસ્રોત: ’સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ અને નેટ પરનાં સંદર્ભો)

ભણે નરસૈંયો…મને ઓળખો છો ?

મિત્રો, નમસ્કાર.
શ્રી યશવંતભાઇ ઠક્કરે નરસિંહ મહેતાની જન્મજયંતિ પ્રસંગે, કટાક્ષથી ભરપૂર, પણ મનને ઓતરડી જનાર, ’જાગને જાદવા’  એવો પોકાર પાડતા હોય તેવા !!  બે‘ક લેખ આપ્યા  (નરસિંહ મહેતા ઇડિઅટ હતા! )  જેણે અમને પણ પ્રેરણા આપી આ લખવાની.  લોકોએ નરસિંહને અને નરસિંહની કૃતિઓને જેટલા જાણ્યા-માણ્યા છે જેટલા વખાણ્યા અને વખોડ્યા પણ છે! એટલું ભાગ્યે જ અન્ય કોઇ વિશે થયું હશે. અને છતાં આજે છસો વર્ષ પછી પણ એમ જ લાગે છે કે આ માણસ હજુ તો જરા પણ સમજાયો નથી !  કોઇક કોઇકે, માત્ર લોકવાતોને ધ્યાને લઇને નરસિંહ વિશે ઘણી ઘણી ટીકાઓ પણ કરી છે. જો કે નરસિંહ તો વિધ્યમાન હતો ત્યારે પણ બેપરવા હતો તો હવે તો તેને પરવા કરવાનું કોઇ કારણ જ નથી !  નરસિંહ માત્ર ભગત હતા કે કવિ હતા કે સમાજ સુધારક હતા કે મૂર્ખ હતા કે પાગલ હતા એવું વિવિધ દૃષ્ટિકોણથી જોનારને જરૂર લાગશે ! કારણ એ આ બધું હતા !! સાથે એ પોતાના સમયથી પણ ઘણા આગળ એવા મહાન તત્વચિંતક પણ હતા. માનવામાં ન આવે તો નરસિંહની કૃતિઓનો પ્રથમ પેટભરીને અભ્યાસ કરવો. પણ આપણે ક્યાં વાંચીએ કે સાંભળીએ કે વિચારીએ છીએ ? બસ એક ગાડરીયા પ્રવાહમાં તણાયે માત્ર છીએ !

લગભગ છ વર્ષ પહેલાં (૨૦૦૫ માં) જુનાગઢ ખાતે યોજાયેલ એક સુંદર કાર્યક્રમમાં, શ્રી જવાહર બક્ષીજીએ નરસિંહ વિશે થોડી વાતો માંડેલી. ખાંખાખોળા કરી તે વાતોની નોંધ શોધી (આમાં મદદરૂપ થવા બદલ ભાઇ ભાવેશ જાદવનો આભાર) તથા તેને આધારે વક્તાશ્રીની નજરે નરસિંહનું અને તેના કાર્યોનું થોડું મુલ્યાંકન અહીં સૌ મિત્રોને વિચારવાની દિશા મળે તે હેતુએ રજુ કરૂં છું. અહીં જે લખું છું તે શ્રી જવાહર બક્ષીજી (જેઓ સ્વયં ગદાધર પંડ્યાનાં ૨૦મી પેઢીએ વારસદાર છે)ના શબ્દો જ છે, અવલોકનો છે, જ્ઞાન છે, હું તો માત્ર આપસુધી પહોંચાડનાર આંગડીયો જ છું. આ લેખમાં આપણે માત્ર નરસિંહ મહેતા વિશે થોડી માહિતીઓ જોઇશું. પછીના લેખમાં વક્તાશ્રીએ નરસિંહની એકાદ બે કૃતિઓનો જે આસ્વાદ કરાવ્યો છે તે પણ જોઇશું. અને ત્યારે નરસિંહને જોવાનો કોઇ અન્ય દૃષ્ટિકોણ પણ હોઇ શકે તે થોડું સમજમાં આવશે. બસ આ મહેનત આટલા માટે જ છે.

શરૂઆતમાં આપણે નરસિંહના સમયગાળા વાતાવરણથી થોડા પરિચિત થઇએ તો, સંવંત ૧૩૬૦ એટલે ઈ.સ. ૧૩૦૪માં અલ્લાઉદ્દિન ખીલજી દ્વારા પાટણનું પતન થાય છે, મલિક કાફૂર પાટણનો સુબો નીમાય છે, તેનું પણ ખુન થાય છે, આવી ભયાનક રાજકિય આંધાધૂંધીનો આ સમય છે. આ સમયમાં પાટણમાં વસવાટ કરતા નાગરો પોતાની અસ્મિતા બચાવવા અર્થે, નાગરશ્રેષ્ઠી ભાણજી પંડ્યાની આગેવાની હેઠળ પોતાના મુળવતન એવા સુરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. ભાવનગર, જામનગર, જુનાગઢ, ઊના જેવા વિસ્તારોમાં સ્થાઇ થાય છે. આમાંના ગદાધર પંડ્યા ભાવનગર પાસેના તળાજામાં પહોંચે છે. જ્યાં તેનો ત્યારનો રાજા નાગાર્જૂન આ શાણા અને શિક્ષિત લોકોના પોતાના રાજ્યમાં વસવાટથી ઘણો ખુશ થાય છે, સ્વાગત કરે છે અને ગદાધર પંડ્યાને ત્યારની રાજ્યના વહિવટદાર (એક્ઝિક્યુટિવ) જેવી “મહતર”ની પદવી પર નિમણૂક કરે છે. આ મહતરનું કાળક્રમે “મહેતા” થાય છે. આ ગદાધરનાં પૂત્ર પુરૂષોત્તમદાસ, તેના કૃષ્ણદાસ અને તેના પુત્ર તે આપણા આ નરસિંહ મહેતા. આ અધિકૃત વંશાવળી વિદ્વાન ઈતિહાસવિદ્દ શ્રી શંભૂપ્રસાદભાઇ દેસાઈએ નોંધેલ છે. (શ્રી શંભૂપ્રસાદભાઇ દેસાઈનું સંશોધન પૂસ્તક “સૌરાષ્ટ્રનો ઈતિહાસ” સૌરાષ્ટ્ર વિશે સંદર્ભગ્રંથની ગરજ સારે છે, આ ગ્રંથ મારી પાસે છે, આગળ ક્યારેક તેમાંથી પણ થોડું વાંચન-મનન કરીશું) નરસિંહ મહેતાનો જન્મસમય ઈ.સ. ૧૪૦૪ થી ૧૪૧૪ વચ્ચેનો ગણાય છે, જન્મનો ચોક્કસ સમય મળતો નથી. પરંતુ જીવનઘટનાઓને ઉંમર સાથે સાંકળતો સમયગાળો નિશ્ચિત છે. જેમ કે તેમના લગ્ન ૧૬માં વર્ષે માણેકબાઇ સાથે થયા છે. ૧૮માં વર્ષે પૂત્ર શામળશાનો અને ૨૦માં વર્ષે પૂત્રી કુંવરબાઇનો જન્મ થાય છે. નરસિંહ તળાજાથી જુનાગઢ આવે છે અને જુનાગઢ આવ્યા પછી જ તેની સાહિત્યયાત્રા શરૂ થાય છે.

નરસિંહ મહેતાનાં કુલ ૧૦૨ આત્મચરિત્રનાં પદો મળે છે, જેમાં મુખ્યત્વે ચાર પ્રસંગોની વાત છે.
(૧) શામળશાનો વિવાહ
(૨) કુંવરબાઇનું મામેરૂં
(૩) હારનો પ્રસંગ અને
(૪) હુંડીનો પ્રસંગ.
અન્ય ઘણા પ્રસંગોનો પણ લોકસાહિત્યમાં ઉલ્લેખ મળે છે જે બધા કલ્પનાઘટીત હોવાનું જણાય છે. નરસિંહના સાહિત્યનો વિચાર કરીએ તો હાલમાં નરસિંહના સાહિત્યની ગણાતી ૧૬૧૨ હસ્તપ્રતો મળેલી છે. જેમાંથી અધિકૃત રીતે નરસિંહના સ્થાપિત થયેલા ૮૦૭ પદો મળે છે. આ કુલ ૮૦૭ પદોમાં;
* ૬૫ જ્ઞાનનાં પદો, (જેવા કે; અખીલ બ્રહ્માંડમાં…નિરખને ગગનમાં…જ્યાં લગી આત્મતત્વ…ભૂતળ ભક્તિ પદારથ..વગેરે)
* ૪ ઝારીનાં પદો, (આ જોને કોઇ ઉભી આળસ મરડે…) * ૯ સુદામાચરિત્રના પદો (જે ગુજરાતીનું સૌ પ્રથમ આટલું મોટું આખ્યાનકાવ્ય છે),
* ૧૦૨ આત્મચરિત્રનાં પદો (જેના ચાર વિભાગ ઉપર વર્ણવ્યા છે) તથા બાકીનાં ૬૨૭ પદો કૃષ્ણલીલાનાં પદો છે. આ ૬૨૭ પદોમાં રાસનાં, રતિસુખનાં, ઉપાલંભના, વિરહનાં, વાંસળીનાં, હિંડોળાનાં, ચાંદલાનાં, શૃંગારનાં વગેરે અદ્‌ભુત પદો છે.

મુળે તો નરસિંહ એ આનંદનો, ઉલ્લાસનો કવિ છે, સામાન્ય ધારણા કરાય છે તેવો તે કોઇ ગમાર, અભણ કે દંતકથાઓમાં આવે છે તેમ મૂંગો કે ગરીબ ભગતડો વગેરે ન હતો. પાઠશાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો અને સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો. તેનાં શૃંગારપદોમાં તેનાથી ૨૦૦ વર્ષ પહેલાં થયેલા જયદેવના ઝૂલણાઓને ક્વૉટ કરેલા જોવા મળે છે. તેના તત્વજ્ઞાનના પદો જોતા સમજાશે કે વેદ અને ઊપનિષદના ગહન અભ્યાસ વિના કે ભણ્યા વિના આ લખવું શક્ય જ નથી. નરસિંહના સમયગાળામાં જ કેટલાયે અન્ય ભક્તકવિઓ થયા છે, જેની રચનાઓની ભાષા અને રજૂઆત તથા નરસિંહની રચનાઓને સરખાવતા આ ભેદ સ્પષ્ટપણે નજરે ચઢશે. થોડી નરસિંહના સમયગાળાની માહિતી જોઇએ તો; શૂકદેવે ભાગવત લખ્યું તે પછી જયદેવ થયો (ગીતગોવિંદનો રચેતા અને જેણે પ્રથમ વખત રાધાનું પાત્ર રચ્યાનું કહેવાય છે. ઘણાં આ રાધા-કૃષ્ણ બાબતે બહુ વિવાદમાં પડે રાખે છે ! પણ એક વાત એ સમજી લેવાય કે રાધાએ જયદેવની રચના છે, એક કવિની સુંદર કલ્પના છે, જે કરવાનો કોઇપણ કવિનો અબાધિત હક્ક છે !! પછી ગમે તો તેનો માત્ર રસાસ્વાદ કરવાનો કે સાહિત્યની દૃષ્ટિએ તેને મુલવવાનું જ યોગ્ય રહે પણ તેને ઈતિહાસ સાથે જોડવાની ચેષ્ટા અયોગ્ય અને માત્ર કોરીકથા જ બની રહે) આ જયદેવ પછી વિદ્યાપતિ ચંડીદાસ અને નરસિંહ થયા. નરસિંહ પછી તુરંત જ વલ્લભાચાર્ય આવે છે. અહીં એ વાત સમજવાની છે કે નરસિંહના અવસાન સમયે વલ્લભાચાર્યજી માંડ છએક માસની ઉંમરના હશે. આમ ઘણી વખત કહેવાય છે કે નરસિંહ પર વલ્લભાચાર્યની ઘણી અસર હતી તો તે અસ્થાને છે, હા વલ્લભાચાર્ય પર નરસિંહ અને તેના પદોની અસર પડી હોઇ શકે. આ સમયગાળામાં જ કબિર, સૂરદાસ, મીરાં, તૂલસીદાસ જેવા કવિઓ અને સાહિત્યકારો થયા છે. કબિર અને નરસિંહ સમકાલિન હતા. નરસિંહ કબિરથી બારેક વર્ષ નાના હોવાનું જણાય છે. જો કે નરસિંહ અને કબિર કદી એકબીજાને રૂબરૂ મળ્યા હોય તેવો કોઇ પ્રમાણીત દાખલો નથી. હા, હારમાળાના કેટલાક પદોમાં એક રામાનંદ સાધુનો ઉલ્લેખ આવે છે પરંતુ તે કબિર હતા તેવું અધિકૃત રીતે સાબિત થતું નથી.

નરસિંહની છાપ માત્ર ભક્તકવિ તરીકે એટલી રૂઢ થયેલી છે કે આપણે તેના દૃષ્ટિકોણને સ્પષ્ટરીતે સમજી જ શકતા નથી. તે ભક્તકવિ હતા જ તેમાં શંકા નથી પરંતુ તે સાથે તેઓ ઘણું ઘણું હતા ! હું એમ કહું કે તેઓ એક બળવાખોર સમાજસુધારક પણ હતા, નિડર અને બહાદુર યોદ્ધા પણ હતા. એ સીવાય કંઇ આજથી ૬૦૦ વર્ષ પહેલાનાં એ સમયમાં સમાજની, નાત-જાતની, અરે રાજ્યસત્તાની પણ પરવા કર્યા વિના પોતાને યોગ્ય જણાતી વાત કે વર્તન તેઓ કરી શક્યા હશે ? સાંપ્રત સમયે તો તેઓ ધર્માંધોને ધર્મની વિરૂદ્ધ પણ લાગ્યા હતા. (અમસ્તા કંઇ કેદમાં પુરાવ્યા હશે !) આજે ૬૦૦ વર્ષ પછી ધર્મ કે ઈશ્વરની વિરૂદ્ધ બે શબ્દો બોલી આપણે આપણી જાતને બહુ સુધરેલ માનીએ છીએ ! (એ પણ પોલિસ દ્વારા પકડાવાના, નાત બહાર મુકાવાના કે દંડીત થવાના કોઇ ભય વગર જ !!) તો એ જમાનામાં ઈશ્વરની સામે પણ શિંગડા ભરાવનાર નરસિંહ શું આપણે સમજીએ છીએ તેવો વેદિયો હશે ? નહીં, આપણે નરસિંહને પુરો વાંચ્યો નથી કે પુરો સમજ્યો પણ નથી ! જુઓ માત્ર ઉદાહરણાર્થે આ એક જ પદની કડીઓ :
” હું ખરે, તું ખરો, હું વિના તું નહીં,
        હું હઇશ ત્‍હાં લગી તું રે હઇશે. |
  હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો,
        અરે હું વિના તું તને કોણ કહેશે? ||”

અને આ એક ઉદાહરણ મારા તરફથી પણ જુઓ:
” ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી,
   જેહને જે ગમે તેને તે પૂજે,
   મન-વચન-કર્મથી આપ માની લહે,
   સત્ય છે એ જ મન એમ સૂઝે. “ અને  “જ્યાં લગી આત્મા તત્વ..” તો આખું વાંચી જજો ! આ છે વિવેકબુદ્ધિ !! 

તો આગળ કહ્યું તેમ, નરસિંહ મુળે આનંદનો કવિ છે. જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ ભાગવાનો નહીં ભોગવવાનો છે. નરસિંહને વાંચતા સમજાશે કે નરસિંહ કહે છે જીવનને જીવવું જ હોય તો ભરપૂર જીવો, ૨૦૦ % જીવો ! ૧૦૦ % ભૌતિક જીવન અને ૧૦૦% આધ્યાત્મિક જીવન જીવો !! આ જીવન એક અનંત ઉત્સવ છે તેમ નરસિંહ સમજાવે છે. નિરખને ગગન…ની એક પંક્તિ જુઓ જેમાં નરસિંહ આ વાત કરે છે;
“શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી. અનંતોચ્છવમાં પંથ ભૂલી…”
અધ્યાત્મ તો અહીં પણ છે, પરંતુ એ અધ્યાત્મ કેવું છે ? અંતે શ્રી જવાહર બક્ષીજીનો જ એક શેર આપી પૂર્ણાહૂતિ કરીશ.
” મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો. “ …નરસિંહ આ ગુલાબી મસ્તીનો કવિ છે. 

નરસિંહ મહેતાની એકાદ રચનાનો શ્રી જવાહર બક્ષીજીએ કરાવેલો રસાસ્વાદ પણ માણવા જેવો હોય છે,  જોઇશું આગળ ક્યાંક. આ મારી નોંધ અને સમજના આધારે થોડું લખ્યું છે, આશય માત્ર આપણા પ્રાચિન સાહિત્ય અને સાહિત્યકારથી સ્વના પરિચયનો છે, કશી ત્રુટિ હોય તો તે મારી સમજની હશે. માન. બક્ષીજી સાથે કોઇ અંગત પરિચય નથી તેથી આટલું જ્ઞાન પીરસવા બદલ અહીં જાહેર આભાર માનું છું. આભાર.

**  નરસિંહ મહેતાની કેટલીક કૃતિઓ - (ગુજ. વિકિસ્ત્રોત પર)