Tag Archives: તહેવાર

ચિત્રકથા – દિપાવલી ૨૦૬૭

પ્રિય મિત્રો,

દિપાવલીના શુભપર્વની હાર્દિક શુભકામના.

વિક્રમ સંવંત ૨૦૬૮ નું બેસતું વર્ષ સૌને સુઃખદાઇ નિવડો તેવી શુભેચ્છા.

વિક્રમ સંવંત ૨૦૬૭ની કેટલીક યાદગાર ક્ષણો, કેમેરાનીં આંખે.

દશેરાનો ડાયરો

નમસ્કાર મિત્રો,
સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ. ગત દશેરાએ પણ અમે અમારું ટાયડું ઘોડું દોડાવેલું, જરાતરા ચાલેલું પણ ખરું ! (આપ એ લેખ અહીં વાંચી શકો છો) બાકી મોટાભાગે તો દશેરા ટાણે જ ઘોડા દોડતા નથી ! (આ કહેવત છે)  સૌને અનુભવ હશે (જેને ન થયો હોય તે ભાગ્યશાળી !) નોરતાં-દશેરા, દિવાળી આવે એટલે ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ શરૂ થાય જ (અથવા અગાઉથી જ ભંગાઈ આવેલા પાસ પડોશીઓ દ્વારા કરાવાય !). અમારે નોરતાંમાં ગરબાને બદલે વધુ તો ઘરમાં શું શું હવે જુનું થયું, બિલકુલ ચાલે તેમ નથી અને ભંગારમાં કાઢવાની જરૂર છે તેની વાતો સંભળાઈ ! સર્વાનુમતતો મારા વિશે હતો પણ બહુ પ્રયત્ને અને લાં….બા અનુભવે એ નક્કી હતું કે મેન્ટલી હું બદલાઉં તેમ નથી અને ફિઝિકલી મારા કોઈ દાળિયાએ ના આલે ! એ કરતાં એક ફ્રીઝ અને એક ઘરઘંટી બદલવામાં ઝંઝટ ઓછી નડે તેમ હતું (ઈવડા ઈ ઘરનાઓને ! મુજ ગરીબને તો ગજવામાં ગોબો પડ્યો !!). જો કે આવા સમયે મને અમારા એક સંબંધી વડીલ જરૂર યાદ આવે, તેઓશ્રી પાસે એક રાજદૂત હતું (પહેલાં એ નામનું એક બાઈક આવતું, કહે છે હાલનાં બાઈક્સની સરખામણીએ ક્યાંયે વધુ ખડતલ આવતું).  બહુ વર્ષના વપરાશે સાવ ખખડેલ લાગતું અને વખતો વખત કાકી (એવનનાં ઈવડા ઈ !) કહે કે આ બાઈક બહુ જુનું થયું, સાવ ખખડી ગયું છે અને હવે છોકરાઓ પણ તમારી કંજૂસાઈ પર હસે છે તો ભલા થઈ બદલાવો ! ત્યારે વડીલનો પ્રત્યુત્તર સાંભળવા (કે સમજવા !) જેવો રહેતો, વડીલ માત્ર એટલું જ કહેતા, ’આ બાઈક હજુ આપણા લગ્ન પછી ખરીદેલું છે !! બોલ શું વિચાર છે ?!’ (ડાયરો સમજદાર છે ! સમજી ગયો !!)

મોરલ ઑફ ધ સ્ટોરી, મારે ખીસ્સે ૩૨kનું ગાબડું પડ્યું ! (ગભરાશો નહીં, આમાં કશી ફાળો કરવાની દાનત નથી જ :-) છતાં કોઈના દિલમાં દયાની સરવાણી ફૂટે તો અમે કોઈનું દિલ દુભવવામાંએ માનતા નથી !) અહીં ખાસ ધ્યાનાકર્ષક બાબત અન્ય એક પણ છે, પેલો શો રૂમ વાળો મારો મિત્ર (જેને જરાએ દયા ન આવી !) હજુ તો વોશિંગમશીન, ડીશવૉશર, પેલું કચરો વાળવાનું મશીન વગેરે વગેરે ઘણું પધરાવવાના પેંતરામાં હતો. મને કહે હજુ થોડા વધુ ખર્ચી નાંખો તો ભાભીને સાવ આરામ ! (ભાભીનો દીકરો !! આવડા આઓને ભાભીના આરામની ચિંતા ફાટી પડે છે પણ આ ભાઈ ટાંટિયા ઘસડી ઘસડીને ફાટી પડ્યો હોય તેનું કંઈ નહીં ?!) પછી મેં તેને મારું પર્સનલ લોજિક સમજાવ્યું કે, મોટા ! તું કહે છે તેટલામાં તો બીજું ઘર થઈ જાય ! પછી ભાભીને આરામ જ આરામ ;-) ;-)

જવા દો, આવા લોજિક નબળા હ્રદયનાં મિત્રોએ લડાવવા નહીં, અને લડાવો તો પોતાની જવાબદારી અને જોખમે લડાવવા ! અમારે એક નાગાભાઈ છે, (નાગા=દિગંબર એમ અર્થ ના કરવો ! કાઠિયાવાડમાં આવા નામ હોય છે) જરા ખૂનખરાબે વાલે ખાનદાન સે હૈ એટલે હિંમત તો વારસાગત મળેલી છે. એક દહાડો છાપામાં ફ્રિજની ઍક્સ્ચેન્જ ઑફરની જાહેરાત જોઈ જેમાં એક ફ્રિજ અને બાજુમાં સુંદર મોડેલ ઊભી દેખાડે છે, તે ઘરખાટલો લઈને ઉપડિયા સીધા શોરૂમ પર. જઈને કહે, ’પેલી ઍક્સ્ચેન્જ ઑફરમાં આપણને રસ છે, બોલો ઉપરીયામણમાં શું આપવાનું !’  શોરૂમ વાળો કહે, ’કાઢી નાખવાનો દાગીનો જોયા પછી વળતર કેટલું મળશે તે ખબર પડે.’ તો આવડો આ કહે, ’ફ્રિજ ઘરે આવી જોઈ જાજો અને આવડી આ તો ભેળી જ છે !!!’

હવે બહેનો બધી મને ઢિકાવવા લે એ પહેલાં ક્ષમા માંગી લઉં, આ તો શું કે નવ નવ દહાડા શક્તિના ગુણગાન કર્યા તો આજે દશેરાને દહાડે અમને પણ થોડી છૂટ મળવી જોઇએ ! અમે નવ નવ દિવસ સહન કર્યું આપ એક દિવસ ખમૈયા કરજો, માં કાળી મટી કલ્યાણી થજો ! કેટલાક તો બચારા સવાર સવારમાં બામની શીશીયુ લઈ દોડાદોડી કરતા નજરે પડતા હતા ! રાતે રાતે ગોરી ગરબે ઘુમતા અને દહાડો આખો આવડા આ પગે બામ ચોળંચોળ કરતા :-) (આ બધા કંઈ સ્વાનુભવો નથી ! પરણ્યા ભલે ન હોઈએ, જાનમાં તો ગયા હોઈએને ?!)

ફરીથી કહું, જવા દો ! જોગમાયાઓને બહુ વતાવવામાં સાર નહીં, આપણે ફરી ખરીદીની વાત જ કરીએ ! આ વેળા તો શોરૂમ વાળો મિત્ર હતો તેથી વાંધો ના આવ્યો બાકી થોડા વરસ અગાઉના દશેરાએ અમને નવા બાઈકની લેણ ઊપડેલી ત્યારે જબ્બર (રાબેતા મુજબ જ !) ફજેતી થયેલ. મને તો રંગેરૂપે આપ સૌ જાણો જ છો, ખરીદી માટે સાથે અમારા માલદેભાઈને લીધેલ, ખાસ્સા પ્રભાવશાળી દેખાય પરંતુ મારી સાથે જોઈને લોકોને લાગે કે આ ખોરડું તો ખાનદાન હશે પણ ભૂખનું ભાંગી ગયું લાગે છે !! ગયા બેઉ બાઈક ખરીદવા, ત્યાં વળી એક સુંદર (ખરેખર જ !) યુવતી અમ જેવાના માર્ગદર્શનાર્થે ઉપસ્થિત હતા. અમારા, ખાસ તો મારા, આસાર જોઈ અને તેને બહુ ભરોસો ના બેઠો છતાં ફરજ એટલે ફરજ એમ સમજી એકાદ બે મોડેલ બતાવ્યા અને કહે આથી નીચેની રેન્જમાં આ કંપનીની કોઈ ગાડી મળશે નહીં (આડવાત: અમારી બાજુ સાઇકલથી માંડી બોઈંગ સુધીના વાહનોને ’ગાડી’ જ કહેવાનો રિવાજ ! બહારનો કોઈ સમજી ના શકે કે આવડા આની ’ગાડી’ એટલે સાઈકલ સમજવી કે બી.એમ.ડબલ્યુ ??)  એ કરતાં તમે કોઈ મોપેડના શોરૂમમાં જાઓ તો બજેટમાં ફીટ બેસે તેવી ગાડી મળી જાય ! ઓઈ તારી !! મેં ભોળા ભાવે કહ્યું કે અમારે ક્યાં ગાડીને બજેટમાં ફીટ બેસાડવી છે ! અમે ગાડી પર ફીટ બેસી શકીએ એ મહત્વનું છે !! પછીની વાત તો અમારી હુંશિયારાઈથી ભરેલી હોય જવા દઉં છું પણ સરવાળે અમે ’ગાડી’ ખરીદીને આવ્યા ખરા.

આ ગાડીની વાત નીકળી તો વળી એક દશેરાની ખરીદી યાદ આવી. અમારા જેઠાભાઈને વળી ફોરવિલ (આ અમારે બહુ પ્રચલિત અને ખાસ્સો મોભાદાર ગણાતો એક નવો શબ્દ !) લેવાની ચાનક ચઢેલી પણ ઈમાનદાર નોકરિયાત માણહ તે એટલાં બધા રોકડા નીકળે નહીં. છાપાઓમાં વાહનલોનની જથ્થાબંધ જાહેરાતો વાંચી વાંચી કહે ચાલ એકાદા ફાયનાન્સમાંથી લોનનો મેળ કરી ગાડી લઈએ. બન્ને જણા ગામમાં હતી તેટલી ફાઇનાન્સ કંપનીઓમાં ફરી વળ્યા, પ્રથમ તો નોકરિયાત છે તે જાણી લોન આપવા ઉત્સાહ બતાવે પણ જેવા કયા ખાતામાં નોકરી કરો છો એ પ્રશ્નનો જવાબ આવે એટલે સવિનય ગલ્લાંતલ્લાં કરી, હાલમાં અમારો ક્વૉટા ખલાસ છે, થોડો સમય પછી જાણ કરીશું, વગેરે વગેરે કહી રસ્તો દેખાડી દે ! મેં કું આવડા આ બધાને સાલું પેટમાં શું દુખે છે ? અંતે એક જગ્યાએ તો અમે પણ બરાબર તંત પકડીને બેઠાં કે એકબાજુ જાહેરાતો આપો અને પાછાં કહો કે હમણાં લોન નથી આપતા તો આમાં રહસ્ય શું છે ? તો મેજ પાછળ બેઠેલો માણસ મને ચીંધી અને કહે, આ ભાઈ શું કરે છે ? હું એ રખડીને ખાસ્સો થાકેલો તે કહ્યું, ભંગારની રેંકડી કાઢું છું ! (અને પેલો તુરંત માની પણ ગયો બોલો !) એ કહે, ‘જેઠાભાઈ, આ ભાઈને (એટલે કે મને !) જોઇતી હોય તો લોનપેપર્સ તૈયાર કરાવી આપું પણ તમને લોન નહીં મળે ! તમારી નોકરી જ એવા ખાતામાં છે કે કોઈ લોન નહીં આપે !!’ એ દહાડે મને ખરે જ મારી જાત પર ગર્વ થયો અને જેઠાભાઈને મારી ઈર્ષા !!! (હવે કોઈ એ ન પૂછશો કે એ નોકરી કયા ખાતામાં કરે છે :-) )

લ્યો ત્યારે આજે આટલું જ, સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ અને હા, મીઠાઈઓ ધરાઈને ખાજો. જેનાં જમવામાં મીઠાઈ તેના જીવનમાંએ મીઠાશ. જય હો.

તા.ક. – આગળ વાત થઈને કે ’ઘરમાં નવું શું લેવું તે વિચારવિમર્શ’ પડોશીઓ દ્વારા પણ શરુ કરાવાય છે, આ માલદેભાઈ અમારા પડોશી, આ લેખ અટકાવી તેની સાથે જવું પડ્યું, મોટું બધું LCD TV લાવવા માટે ! માર્કેટિંગનાં અધકચરાં નિષ્ણાતો ખોટા ભ્રમમાં છે કે ટી.વી. કે છાપાઓમાં જાહેરાતના મારા દ્વારા બજાર તેજીમાં રહે છે. આ દેશમાં જ્યાં સુધી બે પડોશણો વચ્ચે વાતચીત કરવાનો પ્રેમભાવ (જેવા અમે ખર્ચાયા તેવા તમે પણ ખર્ચાવ, કે આની સાડી મારા કરતાં વધુ સફેદ કેમ ?) હશે ત્યાં સુધી વેપારીઓને મંદી આવશે જ નહીં !!

ચિત્રકથા – સાતમ આઠમ

મિત્રો, નમસ્કાર.
હમણાં જન્માષ્ટમીનાં તહેવારો ગયા, સૌરાષ્ટ્રમાં આ બહુ મહત્વના તહેવારોમાંનો એક ગણાય. લોકબોલીમાં તેને ’સાતમ-આઠમ’નો તહેવાર કહેવાય. ઘરે ઘરે મીઠાઈ-ફરસાણ બને, ગામે ગામ લોકમેળાઓ ભરાય, એકંદરે નાના-મોટા, સ્ત્રી-પુરુષ-બાળકો, અમીર-ગરીબ, શહેરીજનો-ગ્રામ્યજનો સૌનો માનીતો આ તહેવાર. એક કહેવત છે કે ’ઊંટનું મોં મારવાડ ભણી’ તેમ અમને સાતમ-આઠમ આવે એટલે વતનનું ગામડું યાદ આવે. તો આજે લાંબી કથા નથી કરવી ! આપને ચિત્રોના માધ્યમે અમારી સાતમ-આઠમની સફરના સંભારણાઓમાં સહભાગી બનવા આમંત્રણ જ આપી દઉં.

આ છે પોરબંદરના મેળાની નાનેરી ઝલક. અને હવે ઊપડીએ ગામડે.

રક્ષાબંધન તો ભાઈ-બહેન મળે ત્યારે પણ થાય ! અમે સાતમનાં દિવસે કરી ! મારો વીરો ઘરે આવ્યો લાવ ’બરેવળું’ બાંધી આપું. ખમ્મા મારા વીરા. (અમારા પ.પૂ.પિતાશ્રી અને તેમનાં બહેન એટલે કે અમારા ફઈબા કમ સાસુમાં ! ચોંકશો નહીં, અમારે મામા-ફુઈના મળે તો બહાર ક્યાંય લગ્ન કરે જ નહીં ! વધુ ક્યારેક ડાયરામાં ચર્ચા કરીશું.)

અને આ છે ગામ બહાર નાનકડી ટેકરીની ઓથે આવેલું શીતલામાતાનું મંદિર, જેને લોકો શીતળાઆઈનું ડેરું કહે છે અને સાતમના દિવસે ચોખાના લોટની કુલેરનો પ્રસાદ ધરાવે છે જે અમે બાળક હતા ત્યારે ધરવ કરીને ખાતા ! હવે ’મોટા’ કહેવાઇએને એટલે જરા અમથો ખાઈને મોટપની ’મઝા’ માણીએ છીએ !! લોકો માને કે શીતલામાતાને કુલેર ધરાવીએ તો શીતળાનો રોગ (chickenpox કે smallpox ?) ના થાય, જો કે પછી રસીકરણ શોધાયું અને માતાજી આ જવાબદારીમાંથી નિવૃત થયા ! હવે એમના થકી વર્ષે એકવાર આ આરોગ્યપ્રદ કુલેર ખાવા મળે છે એટલો એમનો અનુગ્રહ રહ્યો.

અહીં બાજુમાં નાનકડી ટેકરી આવેલી છે જે ’હિણાજીયા કોઠા’નાં નામે ઓળખાય છે. તે પર પણ તેન્ઝિંગની અદાથી આરોહણ કર્યું ! (આ તેન્ઝિંગ નોર્ગે સાથે અમારે એક અંગત સંબંધ છે, અમે ’ટીન’ (nineteen) વટાવ્યું તે જ દહાડે આ વીરપુરુષે આ જગત વટાવ્યું) આ ટેકરી પર ગ્રામ્યલોકો દેશી ઊપચારોમાં વાપરે તેવી કેટલીએ વનસ્પતિ છે, બધીને તો અમે પણ નથી ઓળખતા પણ જોડેનાં સાથીદારે કેટલીકની ઓળખ કરાવી, થોડા ચિત્રો એ હર્બલ મેડીસિન્સનાં. (ઓળખ અને ઉપયોગ જાણકાર મિત્રો અહીં જણાવશે તેવી વિનંતી.)

આ ટેકરી પરનો એક પથ્થર જોતાં, વળી એ ’નાના’ હતા ત્યારનાં સંસ્મરણો તાજાં થયા. આ પથ્થર પર કોતરેલું ચિત્ર (હવે ઝાંખું પડી ગયેલું !) ’નવકૂકરી’ નામક એક ટાઈમપાસ દેશી રમતનું છે. બસ ગમે ત્યાં આ ચિત્ર બનાવો, થોડી કાંકરીઓ એકઠ્ઠી કરો અને મંડી પડો. આમ તો શૂન્યચોકડીની રમત જેવા નિયમો હોય છે, હવે પાકેપાયે યાદ નથી રહ્યા, કોઈ વડીલ જાણતા હોય તો થોડું માર્ગદર્શન કરે તેવી વિનંતી. એક દેશી રમત ફરી સજીવન થાય.

અને આ છે લીલુડી ઓઢણી ઓઢેલી ધરતીનું વિહંગાવલોકન.

અને આ થોર (ક્રેક્ટસ)નો એક પ્રકાર છે, અહીં તેને ’કટારો’ કહે છે. ખેતર ફરતે આની વાડ કરાય છે, કાંટેદાર વાડ બાહ્ય, ઘૂસણખોર પશુઓને ખેતરમાં આવતા રોકે છે, કહો કે ઈકોફ્રેન્ડલી વાડ ! આપણે ત્યાં ભાઈ બહેન પર હાથ ઉગામે (મારામારી કરે) તો વડિલો બીક બતાવે કે બહેનને હેરાન કરીશ તો તારા હાથમાં કટારો ઉગશે ! (હવે જોઈ લ્યો, આવા હાથનું પોસાણ થાય ?) 

 અને સાથે આ સફેદ અને જાંબલી રંગનાં પુષ્પને તો ઓળખી જ ગયા હશો ! બસ એ જ, બજરંગબલીને ચઢાવાતો ’આકડો’. (આપણે ગુજરાતીમાં નબળી, બહુ મજબૂત નહીં એવી રીતે ગોઠવાયેલી કોઈ ચીજ માટે કહેવાય છે ’આકડાનો માંડવો’, આ કહેવત આ બટકણા આકડાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હશે !)

અને આ છે આપણા “જગતના તાત”નું જીવન ! જો કે તેને કશી ફરિયાદ નથી, કેમ કે તેને માટે તો કર્મ છે, ધર્મ છે. પણ લોક બધું મેળામાં મહાલે, અમે દુકાનને થોડા દહાડા તાળા મારી દઈએ, નોકરિયાત બે રજાને બે-ચાર હક્ક રજાનો મેળ પાડી નીકળી પડે પરંતુ માંડવી (મગફળી) સુકાતી હોય તેમાં કંઈ હક્ક રજાની જોગવાઈ ન હોય ! એ તો સાતમ હોય આઠમ હોય કે પછી દિવાળી, કામ પહેલાં. જગતનાં તાતનું બિરુદ કંઈ એમ અમથું જ નથી મળતું ! (અગાઉ અમે એક ’કર્મણ્યે વાધિકારસ્તે’ નામક ચિત્રકથા કરેલી તે પણ સમયાનૂકુલતાએ જોઈ જવા વિનંતી). પણ પછી એય ને ફુવારાઓ ચાલુ થયા અને તેની ઠંડકની શું વાત કરૂં !! પણ મોજ પડી ગઈ (પડે જ ને ! મારે ક્યાં ફુવારાના પાઈપ ફેરવવા પડ્યા હતા ! મારે તો આરામથી ફોટા પાડવાની મહેનત જ હતી !! આમે અમારે ગામડામાં બે દહાડા તો મહેમાન પાસે કામકાજ ન કરાવે ! એટલાં ભલા માણસો ખરા :-) )

અને આ ખેતરને શેઢે ખીજડો. લોકો તેને પવિત્ર વૃક્ષ ગણે, તેમાં ’મામા’ (એક પ્રકારનાં લોકદેવતા)નો વાસ મનાય. ચાલો એ બહાને વૃક્ષોનું રક્ષણ તો થાય !

આ છે મગફળીનો ફાલ, લગભગ પંદરેક દિવસમાં ઓળા ખાવા મળશે. અત્યારે તો આ દૂધે ભરાતી, નરમ નરમ અને મીઠી મીઠી માંડવીનો ધરવ કીધો. અને હા આ નવું મકાન દિવાળીએ તૈયાર થઈ જશે, હવે પછી રજાઓમાં આ બનશે અમારું નવું ઠેકાણું ! (છોકરાંઓનાં મામાનું ઘર છે એટલે આપણને પણ બે દહાડા ઓશરીમાં પડ્યા રહેવા તો દેશે જ ને ?! એમ તો માણસો ભલા છે :-) ) લોક સાહિત્યમાં વિવિધ પ્રકારનાં દુઃખ વર્ણવ્યા છે, એમાનું એક દુઃખ અમે પણ પાળ્યું છે !
’અંધારી રાત ને બળદીયા કાળા,
વઢકણી વહુ ને ગામમાં સાળા.’ :-) આખું કવિત ક્યારેક ડાયરામાં માંડીશું.

અને અંતે આ ચિત્રો છે જન્માષ્ટમીની રાત્રે, ગામમાં આવેલાં સુંદર મંદિરોનાં સંકુલમાં ભજવાતા ભવાઈવેશનું. અહીં સાતમથી શરૂ કરી નોમની બપોર સુધી ભવાઈ રમાય છે. (લોકભાષામાં ’ભવાયા રમ્યા’ તેમ કહેવાય) આ ભવાઈમાં સ્ત્રીનો વેશ પરિધાન કરી અને ગીત, ગરબા, લોકગીત (અને હવે તો ફિલ્મીગીત પણ)ના તાલે ખાસ પ્રકારનું નૃત્ય કરવામાં આવે. નાના નાના નાટક જેવું પણ કરાય. રંગલા રંગલીનાં ફારસ પણ હોય. જોનારા ખુશ થઈ અને કંઈ કંઈ આપે તેમાંથી તેની આજીવિકા ચાલે. એક પ્રાચીન કલા છે જે હવે બહુ ઓછી જોવા મળે છે. (આપણા યશવંતભાઈએ નેટ પર, લખાણોમાં, આ કલાને જીવંત રાખવાનું સત્કાર્ય કર્યું છે, અહીં યશવંતભાઈને વાંચનારા મિત્રો તો આ ભવાઈ, રંગલો, રંગલી જેવા પાત્રોથી પરિચિત હોય જ.) અને પછી બરાબર મધ્યરાત્રીએ એ પૂર્ણપુરુષ, પુરુષોત્તમ, લોકનાયક, કૃષ્ણ કનૈયાનો જન્મોત્સવ ઊજવાયો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કિ. અમે તો માખણ-મિસરી અને પંજરીનો ધરવ કર્યો. આપણા એકે ભગવાને ભુખ્યા રહેવાનું કે અકારણ દુઃખી થવાનું શીખવ્યું નથી ! નરસિંહનાં શબ્દોમાં કહીએ તો; ’આ જીવન એક અનંત ઉત્સવ છે’.

તો આ હતી અમારી ’સાતમ-આઠમ’. આ ઉપરાંત પણ ઘણું જોવા-જાણવા-માણવા જેવું રસપ્રદ હોય છે. જેમ કે ખાસ સાતમ માટે બનતા ’થેપલાં’ (આ થેપલાં એટલે આપ ગળી પુરી કહી શકો જે ખાસપણે ત્રિકોણ આકારની અને ચાર પડ વાળી હોય છે), ’વાનવા’ (જે ફરસાણ હોય છે, આપે ખાખરા તો ખાધા હશે, આ તેનું દેશી સ્વરૂપ !), અને મોહનથાળ કે ઠોર કે સાટા (ગળી ખાજલી) જેવી મીઠાઈ તો ખરી જ. અમુક શોખીન રજનીભાઈને યાદ કરીને મંડી પડેલા પણ દેખાય !! અને અમુક વળી વિવિધ રંગનાં આલ્હાદક ?? પીણાઓ પર પણ મંડાયા હોય ! (પહેલાં માત્ર પાણીકલરનું પીણું જ દેખાતું, જેને ’દેશી’ એવું નામાભિધાન કરાયું છે, પણ કોઈ કોઈ લોકો ભુપેન્દ્રસિંહજીને વાંચી ગયા હશે તે હવે રંગોની ભાન પણ આવી છે !) જેવો જેનો શોખ અને જેવી જેની સગવડ. અમે તો એક રાત્રે વાડીએ ભજિયા અને એક દા પકોડાની પાર્ટી કરેલી ! પીણાઓ અને પાનાઓ (બાવન જ સ્તો !)બાબતે તો જે શી ક્રિષ્ના !! પચે પણ નહીં અને પરવડે પણ નહીં ! (અહીં ’પરવડે’ શબ્દ મહત્વનો ગણવો ! અર્થાત્ કોઈ સ્વખર્ચે સલાહ કરશે તો પાચનશક્તિ તો અમે કેળવી લેશું :-) ) તો લ્યો સર્વે મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આભાર.