Tag Archives: ડાયરો

બોધકથા-પાપ પુણ્ય

(મિત્રો, નમસ્કાર. નવરાશે ડાયરો મળે એટલે અવનવા વિષય પર ચર્ચા થાય. ક્યારેક એકાદ જણ, કર્ણોપકર્ણ વહેતી, લોકજીભે ચઢેલી, બોધકથા ગણાય તેવી વાર્તા પણ પોતાની વાતનાં પક્ષમાં માંડે. ગત ધૂળેટીને દિવસે મિત્ર જેઠાભાઈનાં મોંએ સાંભળેલી આવી એક બોધકથા, તેમની જ ભાષામાં, આપ સમક્ષ મેલવા પ્રયાસ કર્યો છે. સાંભળેલું લખવાનો ઝાઝો મહાવરો નથી તેથી ઘણી ક્ષતિઓ જણાશે. ન સમજાય તેવા ગામઠી શબ્દો અને અમારી ક્ષતિઓ પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. આભાર.)

*
એક ગામ હતું, ગામમાં એક ફક્કડ માણહ રહે. આમ તો ખાસ કંઈ કામધંધો કરતો નહિ, પણ ફરતલ ખરો ને દુનિયાનો ખાધેલો. બહુ કંઈ ભણેલો તો નઈ હોય પણ ભાટકી ભાટકીને ગણતર આવડી ગયેલું ! થોડોક રાહીએ ખરો તે ગામમાં રાઈડ પણ ફટવે. હવે એક દા કરવું તે આ ગામમાં કોઈ સાધુ પધાર્યા, સાધુએ આમ તો ખડીયા પલટણ ! (માગી ખાવું ને મસીદે સુવું એવા સાધુને આ ગમા ખડીયા પલટણ કહે છે) ગામ હારે ગોઠી ગયું, ખાવા મળી ર્‌યે અને સાંજ પડે ગામના ચોરે સઘળા ભેળા મળીને બેહે અને મા‘રાજ આવડે એવી ધરમધ્યાનની વાતુ હંભળાવે.

આપણો આ ફક્કડ ગીરધારી વળી સાવ નવરો ધુબાક તી ચોરે પડ્યા પાથર્યા રેતા મા‘રાજની હારે સત્સંગ કરે રાખે. આમને આમ ઘણાક દિ નીકળી ગ્યા, મા‘રાજની વાતુ હાંભળી હાંભળીને આવડો આ ફક્કડ મનમાં મુંજાયે રાખે કે માળું આ મા‘રાજ જેને પાપ ગણાવે છે એવાં જ કામા મેં તો જીંદગીભર કીધાં છે. કો‘કનું જટી લેવું, કો‘કને ધોલધપાટા કરવા, ચોરીગારીને બાધણાં તો રોજનાં થ્યા ! માળું આપણને કંઈ ગનાન બનાન નમરે ને અણહમજાઈમાં ઝાઝાં પાપ કરી દીધાં ! હાલ્ય હવે આ ગનાની મા‘રાજનાં જ પગ પકડું, એનો ચેલો થઈ જાંવ, કંઈક ધરમધ્યાન થાહેં ને થોડાંક પાપ ધોવાહે !
તી મા‘રાજને ક્યે કે, મારાજ ગમે ઈ થાય મને તમારો ચેલો કરો તો જ હા !
મા‘રાજનેય વળી ક્યાં વાંહે કંઈ રાજપાટ પડ્યું તું ! ક્યે કે એક કરતાં બે ભલા ! માગીનેં જ ખાવું છે ને !! કર્યો ચેલો ! અને આમે આંહી હવે ઝાઝા દિ થ્યા તી ઉપડ્યા કો‘ક બીજે ગામ !

ફરતા ફરતા એક ગામના પાદરમાં પહોંચ્યા ત્યાં બરાબર વાળુટાણું થાવા આવ્યું, પાદરમાં પુછાણ કર્યું કે ગામમાં કોઈ ભગતનું ઘર ખરૂં ? અમ બાવાસાધુને રોટલો ખવરાવે એવો કોઈ પુણ્યાત્મા ખરો ? તી બે‘ક જણાએ ગામને છેવાડે પડુંપડું થતાં ભીંતડાવાળું એક ઘર ચીંધ્યું કે ન્યાં પુગો, બે ય ભગત-ભગતાણી જ છે, તમ જેવા બાવાવનો ન્યાં જોગ થાહે !
આવડા આ તો પુગ્યા ભગતની ડેલીએ, જય સીતારામ કર્યા ને ક્યે કે, ભગત રોટલાનો જોગ થાય તો ભગવાન તારૂં ભલું કરે ! ભગત-ભગતાણી તો બીચારાંને જાણે હૈયે હરખ ઉપડ્યો પણ જેમ લગભગ ભગતોનું હોય એમ આહીં પણ તાવડીમાં તારો ને કાથરોટમાં મારો ઈ હાલ તો ખરા જ !! બેય માણહે સનહ કરી લીધી કે આંગણે આવેલાનું પેટ ભરવું ઈ ધરમ. આપણે એક ટક છાંડીયે તો ક્યાં મરી જાવાનાં છીએ ! બેય બાવાવને ઓશરીમાં બેહાડ્યા, આગતા સ્વાગતા કરી. ઘર ધણીયાણીએ  રાંધણીયામાં ચૂલો ચેતાવ્યોને આંહી મા‘રાજ અને ભગતે સત્સંગ માંડ્યો.

હવે આવડા આ ફક્કડને તો કંઈ સત્સંગ બત્સંગમાં ઝાઝું મગજ ખુંતે નહિ તી બેઠો બેઠો રાંધણીયેથી હંભળાતા રોટલાનાં ટપાકા ગણે ! એક રોટલો થ્યો, બે રોટલા થ્યા, ને ઘર ધણીયાણીએ અવાજ દીધો કે, હાલો મા‘રાજ જમવા. ભગત-ભગતાણી ક્યે કે તમે પે‘લાં જમી લ્યો, અમારે તો મે‘માન જમે પછી જમવાનું નિમ છે. બેઉ બેઠા, થાળીમાં એક એક રોટલો આવ્યો, આ ફક્કડ ચેલાને ખબર કે રોટલા બે થયા છે. જો અમે દાબી જાહું તો આ ધણી-ધણીયાણી ભૂખા રેહે. તી અડધો રોટલો કાપીને પાછો મેલી દીધો. હવે પેલા મા‘રાજને તો આવું ગનાન કોઈ દિ આવેલું જ નહિ ! આ ચેલાનો પાછો મેલેલો અડધો રોટલોય ઈ દાબી ગ્યા !! ભગત કહે કે રાતવેળા છે, ફળીયામાં ખાટલા ઢાળીને નિંદર કરો, સવારે મારગ જાલજો. તે મા‘રાજ અને ચેલાએ લંબાવ્યું. મા‘રાજને તો મજાનો દોઢ રોટલો પેટમાં પડી ગયેલો તે ઘારણ વળી ગ્યું પણ આ ફક્કડ ચેલાને કેમે કરી નીંદર ન આવે. વિચારે ચઢ્યો કે ભારે કરી, આજ મારે વાંકે આ ગરીબ બચાડાં ભૂખ્યા રહ્યા. આણે અમ સાટુ આટલું કર્યું તો લાવ આનેય ચાર-છ મહિનાનાં દાણાપાણીનો જોગ કરતો જાંઉ ! મેં તો જીંદગીભર આવા ધંધા જ કર્યા છે, એકસઠ ભેગી બાસઠ, શું ફરક પડે ?!

તે ચેલો અરધ રાતે ઉપડ્યો, જાણતલ તો ખરો જ, ગામનાં શાહુકારની દુકાનનાં ખપેડા ફાડીને હાથ ચઢ્યો એટલો દાણો ઉપાડ્યો ને ભગતની ઓશરીમાં ખડકી દીધો. પછી વિચાર્યું કે સવારે ચોરીની ખબર તો થશે, સિપાઈ સપરાનાં ધાડા છૂટશે, આ ભગત ઉપર તો કોઈને શંકા નહિ જાય પણ અમ બે અજાણ્યાને જોહે તો વે‘માશે. ઉઠાડ્યા મા‘રાજ ને અને કહે કે, ચાલો.
મા‘રાજ કહે, હજી તો અરધરાત થઈ છે, સવાર તો થાવા દે.
ચેલાએ માંડીને વાત કીધી, કહ્યું કે, હવે રોકાવામાં માલ નથી, સિપાયુનાં હાથે જલાહું તો વાંહા કાબરા થાંહે ! અને મા‘રાજે મારગ ઝાલ્યો !

મા‘રાજ વિચાર કરે કે આ માળો સુધરવાનો નથી ! આને ભેળો ન રખાય. આ કો‘ક દહાડો મારોય વાંહો ભંગવશે ! તે મા‘રાજ કહે, ચેલાજી, હવે તમે ઉગમણે જાવ અને હું આથમણે, આપણાં મારગ નોખા.
ચેલો કહે, એમ નો હાલે ! હું પાપ ધોવા તો તમ જેવા ગનાનીની હારે થ્યો છું, પાપ ન ધોવાય ત્યાં લગી કેડો ન મેલું !
મા‘રાજે આ લપ છોડાવવા એક ઉપાય કર્યો. હાથમાં વર્ષોથી એક સૂકા લાકડાનો દંડૂકો રાખતા તે ચેલાને આપ્યો અને કહે, આ પવિત્ર દંડૂકો તને આપું છું. જે દિ તારા બધાય પાપ ધોવાઈ જાહે તે દિ આ લાકડાનાં દંડૂકાને કોંટા ફૂટશે ! ઈ પાછો લીલો થાહે ! અને જે દિ એમ થાય તે દિ મારી પાહે પાછો આવજે. મા‘રાજે વિચાર કર્યો કે આ સૂકા ઠૂંઠાને કોઈ દિ કોંટા ફૂટે નહિ ને મારે આ લપનો પનારો ટળે !

ફક્કડ ચેલો તો દંડૂકો લઈને પડ્યો પંથે. અરધાક દિ નો પંથ કર્યો હશે ત્યાં મારગમાં એક નદીનો સૂકો પટ આવ્યો, ગામ સામે કાંઠે ને સિમાડો નદીને આ કાંઠે હશે તે ખેડુ બધાં પાકેલો દાણોપાણીને નિરણપૂળાનાં ગાડા ભરી નદીનાં પટ સોંસરવા ગાડુ હાંકી ગામમાં ગરે. હવે બરાબર નદીનો પટ ચઢતાં, ચડાશ ઉપર જ, ગામધણીએ કર નાકું કરેલું ને દાણી બેસાડ્યો. એય પુરા દિ નો હશે તે ગાડા ઢાળ માથે રોકાવીને દાણ ભરાવડાવે. નદીનાં પટમાંથી ઢાળ ચઢવાનાં મારગે ગાડાની હાર થયેલી ને બળદુ બચાડા ઊભાઊભા ટૂંપાય.
આ ફક્કડ ચેલાએ તાલ જોયો પણ રે‘વાણું નહિ તી જઈને દાણીને કહે કે, ભાઈ આ બળદુ બચાડા ઢાળ માથે ટૂંપાય છે તે ગાડા થોડા આગળ વધારીને, સમતળ ભોમ માથે ઊભાડી પછી દાણ ઉઘરાવો તો વાંધો શું છે ?
દાણી વળી રાજનો માણહ, સત્તાનાં મદમાં મસ્ત થયેલો તે આવા ફક્કડની સાચી સલાહેય શેવાનો કાને ધરે ! બહુ સમજાવ્યો, ખેડુઓએ પણ કીધું કે, મા‘રાજ અમેય વરહો વરહ કાકલુદીઓ કરીને થાક્યા છીએ પણ આ દાણી એક નો બે નથી થાતો.

અંતે ભાઈ આ ફક્કડ જાત માથે જઈને ઊભો ! વિચાર્યું કે હવે બાંસઠ ભેગી ત્રેસઠ. હાથમાં બાવાજીનો આપેલો ધોકો હતો ઈ સોઈઝાટકીને ઠોક્યો દાણીનાં માથામાં. પણ દાણીને ચઉદ બ્રહ્માંડનાં દર્શન કરાવી દીધાં હોં !

પણ પછી તો બે વાતુ બની; ખેડુ ને બળદુને કાયમની શાંતિ થઈ ગઈ અને ઓલા સૂકા લાકડાનાં દંડૂકામાં લીલાછમ કોંટા ફૂટ્યા !!

ડાયરો – દેવતા, ટ્રાફિક અને જોક્સ !

એ..રામ રામ ડાયરાને.
આમ તો અમે મહેમાન કંટાળી જાય એટલું ’લખલખ’ કરીએ છીએ ! (અહીં બોલબોલ હોવું જોઈએ નહીં ? પરંતુ આપે શ્રી.જુગલકીશોરભાઈનો ’લખો લખો’ અને ’લખવા..’ લેખ વાંચ્યા હોય તો આપ પણ બોલબોલને બદલે ’લખલખ’ શબ્દ જ વાપરશો !!) જ્યાં પણ ફરવા જઈએ ત્યાંના ઈતિહાસ,ભૂગોળ (સાચા-ખોટા !) સંભળાવી સંભળાવી મહેમાનના જ્ઞાનમાં વધારો કરવા અમે તત્પર બની જઈએ છીએ. પરંતુ આ મહેમાનો એ હતા જેઓ વિકિ જેવા વિશ્વકોષ પર કામ કરે છે, આથી અમારે તોળીતોળીને બોલવાનો વખત આવ્યો ! કોને ખબર ક્યાં ક્રોસ ઇન્ક્વાયરી થઈ જાય અને અમારા અજ્ઞાનનું ભોપાળું છતું થઈ જાય :-) જો કે છતાંય સજ્જનતા દાખવી મહેમાનોએ અમારી સાચી-ખોટી માહિતીઓને સાંભળી તો લીધી જ. બાકી મિત્ર ધવલભાઈ પાસેથી જ, વિકિ પર લખતી વેળાએ, મેં સસંદર્ભ વાત રજૂ કરવાનું શિક્ષણ લીધું છે. મિત્ર તરીકે મરી પડે તેવા માણસ પણ પ્રબંધક તરીકે કોઈપણ અસંદર્ભ વાત ચલાવી ના લે ! મને અત્યારે જ યાદ આવે છે કે કોઈ વાત કરતાં મેં, અમે જૂનાગઢવાસીઓ વાતવાતમાં કહીએ તેમ, કહી દીધું કે અમારે ગરવો ગઢ ગિરનાર અને તે પર તેત્રીસકોટી દેવતાઓનાં બેસણા ! જો કે તેઓશ્રીએ તેમનાં પ્રેમાળ હાસ્યસહ ’હંઅ’ કહી સન્માનપૂર્વક મારી વાત માની લીધી પરંતુ આ વાત મેં વિકિ પર લખી હોય તો તુરંત કહેશે કે સંદર્ભ આપો ! કયા તેત્રીસકોટી દેવતા ?! તો ભલે મિત્રદાવે તેમણે મને આટલી ઢીલ આપી પરંતુ એ બહાને આપણે તો જાણી જ લઈએ કે આ તેત્રીસકોટી દેવતા કયા કયા ? સૌ પ્રથમ તો કેટલાક લોકો અજ્ઞાનતાને લઈ એમ સમજી બેસે છે કે તેત્રીસકોટી એટલે તેત્રીસ કરોડ ! અને પછી ધોકો લઈ દોડે છે કે હિંદુઓમાં તો આટલાં બધા ભગવાનો છે ! ખરેખર તો તેત્રીસ પ્રકારનાં કે તેત્રીસ કક્ષાનાં એવો અર્થ થાય છે. તેત્રીસ કરોડ તો પછીથી પૌરાણિક કાળમાં થયા ! દેવતાની વ્યાખ્યા મહર્ષિ દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશમાં આ પ્રમાણે કરી છે, ’જે દિવ્ય ગુણયુક્ત છે તે’. શાસ્ત્રપ્રમાણથી (ઋગ્વેદ) નીચે મુજબનાં તેત્રીસ પદાર્થનું તેમનાં ગુણને કારણે દેવતાઓ તરીકે વર્ણન આપ્યું છે. ચાલો જોઈએ :
* આઠ વસુ = પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય અને નક્ષત્ર.
* અગિયાર રુદ્ર = પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય અને જીવાત્મા.
* બાર આદિત્ય = સંવત્સરનાં બાર મહિના.
* ઇંદ્ર (વીજળી).
* પ્રજાપતિ (યજ્ઞ). —- સં: સત્યાર્થ પ્રકાશ (સમુલ્લાસ-૭). આમ ૮+૧૧+૧૨+૧+૧ = ૩૩ થયા.

દેવતા શબ્દના ભ.ગો.મં.ના આધારે અન્ય કેટલાક રસપ્રદ અર્થ પણ જાણવા જેવા છે. અગ્નિ, આત્મા, ઈશ્વર, મૂર્ખ; ભોળો માણસ, લુચ્ચો માણસ, સર્પ, સારો માણસ; ગૃહસ્થ વ. વ. આમ કુદરતમાં જે જે વસ્તુ તેજસ્વી, ધ્યાન દેવા લાયક અને લાભકારી દેખાય તેની સ્તુતિ ઋષિઓએ મંત્ર વડે કરી.  આ પ્રમાણે ગુણવાન એવા કોઈ સજ્જનને પણ દેવતા ઉપાધિ આપવામાં આવે તો ખોટું નથી, અને વ્યવહારમાં આપણે કોઈ સજ્જનનું વર્ણન કરતાં કહીએ જ છીએ ને કે ’દેવતા જેવો માણસ છે’. જો કે આમાં મને બધું જ નથી સમજાયું અને આપ પણ સમજ્યા હો તેટલું સાચું ! પણ વાત અસંદર્ભ નથી !!
 

મિત્રોનો સંગાથ હોય, તેમાં પણ આ તો બધા જ્ઞાનિમિત્રોનો સંગાથ, એટલે વાતો તો ઘણીબધી થાય. અને અમારે તો ઓછા સમયના સાથમાં શક્ય તેટલો કસ કાઢી લેવો હતો ! ધવલભાઈ પાસેથી કેટકેટલી જાણવા જેવી, સમજવા જેવી, વાતો અમે જાણી, સમજી. બધી જ તો અહીં નહીં લખાય પરંતુ એકાદ-બે રસપ્રદ વાતો જરૂર કહીશ. અમારા અખડદખડ રસ્તાઓ અને મંકોડાના ધણ જેવો ટ્રાફિક (ડાયરાને મંકોડાની ખાસિયત તો જાણમાં હશે જ, તે કદી સીધોસટ ના ચાલે ! આડોઅવળો દોડ્યા કરે !!) એમાં પાછી ચારેબાજુથી પોં પોં અને ભોં ભોંની ચીસો ! (અમારી ગાડીનું હોર્ન પણ સત્તત વાગ્યા જ કરતું હતું !) અંતે તેઓએ હળવેકથી જણાવ્યું કે આપણે પણ વિનાકારણ હોર્ન શા માટે ફૂંક્યાફૂક થયા છીએ ?! પશ્ચિમી દેશોમાં આટલો તફાવત છે, ત્યાં ભાગ્યે જ હોર્ન સંભળાય છે, અકારણ હોર્ન વગાડવું એ દુર્જનતા ગણાય. આગળનો વાહનચાલક કશો નિયમભંગ કરે તો જ હોર્ન વગાડાય જે તેને માટે ડારારૂપ કે ચેતવણીસમાન લેખાય. બાકી અકારણ કોઈ વાહન પાછળ રહી હોર્ન વગાડવું એ તેને ગાલીપ્રદાન કર્યા સમાન લેખાય ! લો બોલો !! અહીં તો કેટલાક વાહનોની પાછળ (ખાસ કરીને ટ્રક) લખ્યું હોય છે કે Horn Please ! ના વગાડો તો ઉલ્ટાની લોકો ગાળો ભાંડે કે ’મરી ગ્યાવ માથે ચઢાવી દો છો તે હોર્ન વગાડતા શું ઝાટકા લાગે છે !!!’

અને વાત અમારા આ ટરિફિક્ ટ્રાફિકની નીકળી છે તો જણાવું કે અન્ય શહેરો વિશે તો ખબર નહીં પરંતુ અમારે ત્યાં એક આદિમ રિવાજ છે કે રેલ્વે ફાટક બંધ થાય એટલે ડાબી-જમણી બન્ને બાજુ (રૉંગ સાઈડે પણ) વાહનનો થપ્પો લગાવી દેવાનો ! રખે ને ટ્રેન પાટેથી ઉતરી જાય ને રસ્તા પર આવી જાય તો !! આડા વાહનોનો થપ્પો હોય તો સારું ! અને ફાટક ખુલ્યા પછી બંન્ને સાઈડે જે વાહનો સામસામે ભીડાય, અ..ર..ર.ર ! તમને બી.આર.ચોપરાના ’મહાભારત’નાં કુરુક્ષેત્રના મેદાને સામસામે ભીડાતી અઢાર અક્ષૌહિણી સેનાની યાદ આવી જાય ! અને આવા તો અમારા ગામ મધ્યે એક બે નહીં પુરા આઠેક જેટલા ફાટક છે. અમારી તો ચેલેન્જ છે કે F1ના વિશ્વ પ્રસિદ્ધ માધાંતાઓ પણ અમારા ગામ સોંસરવી ગાડી કાઢી લે ત્યાં તો F1માં વિશ્વવિજેતા પદ મળ્યા કરતાં વધારે આનંદ અનુભવે :-)

લ્યો આ ટ્રાફિકની વાતે વળી એક વાત યાદ આવી તે કહી દઉં. એક દહાડો અમારા એક ભારે ગીરદીવાળા ચોકમાં બુલેટ લઈ (એનફિલ્ડ કંપનીનું આ એક ભારેખમ બાઈક છે) એવા જ ભારેખમ દેહવાળા ત્રણ ગામડીયા જવાંમર્દો, ત્રણ સવારીમાં, પસાર થયા. તે ત્યાં સજ્જ ટ્રાફિક જવાને રોક્યા, અને પાવતી ફાડવાની તૈયારી કરી ત્યાં પેલાઓ કહે કે, સાહેબ અમારો વાંકગુનો શું ? જમાદાર કહે, આ ત્રણ સવારીમાં છો તે ! પેલા કહે, સાહેબ અમ ગામડીયાઓની શું મશ્કરી કરો છો !! આ બુલેટમાં તો ત્રણ સવારીની છૂટ હોય છે, અમસ્તું કંઈ આવું ભારેખમ ફટફટીયું બનાવ્યું હશે !! તે જમાદાર ગોટે ચઢી ગયા :-) આમે આપણાં જેઠાભાઈની જેમ લૉ (કાયદાશાસ્ત્ર)નાં તાસમાં છેલ્લી પાટલીએ બેસી નિંદર જ ઢસડીયુ હોય ! વિચાર્યું કે માળું એમ હોય પણ ખરું, કોણ આબરૂ કાઢે ! તે કહે, ઠીક છે, ઠીક છે, જવા દો ચાલો. પેલા તો પલાયન કરી ગયા પણ મેં કહ્યું કે: જમાદાર, આવડા આ ગામડીયા તમારા કાન કાપી ગયા :-)

લ્યો આ તો ટુચકો થઈ ગયો ! તો આવો મિત્ર જીતેન્દ્રસિંહ જોડે થયેલી ટુચકા (જૉક્સ) વિષયની ચર્ચાના કેટલાક અંશ પણ પ્રસ્તુત કરું. તેમાં અગાઉની કોઈક ઘટના, જેમાં કોઈએ બાપુડાયરાને ધ્યાને રાખી કોઈ જૉક્સ જાહેરમાં (લગભગ તો ફેસબૂક પર) મૂકેલી. અમારો મત એવો હતો કે જ્યાં સુધી સમાજ કે વ્યક્તિનું માનભંગ થાય તેવી જૉક્સ ન હોય, નિર્દોષ જૉક્સ હોય, ત્યાં સુધી તેને સહજતાથી જ લેવી. બીજું પણ જાડું જાડું તારણ એ કાઢ્યું કે દરેક સમાજમાં સમાજના શક્તિશાળી વર્ગ, સંપન્ન વર્ગ, પર વધુ પ્રમાણમાં જૉક્સ મળી આવશે. જેમકે સરદારજીઓ પર, બાપુઓ પર, વ્યવસાઈક વર્ગમાં નેતા, પોલીસ અને શિક્ષક પર, વેપારીવર્ગ મારવાડીઓ અને શેઠીયાઓ પર, પડોશના દેશોમાં જુઓ તો પઠાણો પર, ખાનસાહેબો પર, અન્ય દેશોમાં પણ સંશોધન કરશો તો આ વાત ચોક્કસ ધ્યાને આવશે. મારી અલ્પમતિ પ્રમાણે મને લાગે છે કે સમાજ જેને શક્તિશાળી માને છે કે વધુ ચાહે છે, જેના પ્રત્યે વધુ પોતિકાપણું અનુભવે છે, તેને સાંકળીને હળવી વાતો કે વાર્તાઓ (ટુચકા, જૉક્સ !) પણ વધુ કરે છે. કહો કે એ ચોક્કસ સમાજ પ્રત્યે તેઓ હળવાશ અનુભવે છે, આત્મીયતા અનુભવે છે. તેને પોતાના સંરક્ષક માને છે. જો કે તેમાં સૂરૂચીભંગ કે જાણીકરીને કોઈને હલકા ચીતરવાની વૃત્તિ ન હોય તે ઇચ્છનીય છે. ક્યારેક એવું પણ બને કે ’તેઓ લઈ ગયા અને અમે રહી ગયા’ જેવો મીઠો ખાર પણ આ પ્રમાણે હલ્કાફૂલ્કા જૉક્સ દ્વારા વ્યક્ત થતો હોય, અને ’રહી જનારાઓ’ મન હળવું કરી લેતા હોય ! જે હોય તે, પણ સરદારોની વાત જ કરૂં તો ભાગ્યે જ કોઈ સરદારે વાંધો ઉઠાવ્યો હશે કે ભ‘ઈ અમારી પર જ આટલીબધી જૉક્સ શા માટે ઠપકારો છો ?! ઉલ્ટું તેઓ પણ આ જૉક્સનો આનંદ માણતા હશે.

મને યાદ છે કે મારા એક સરદારજી મિત્રની કચેરીમાં બેઠાં મેં તેને એક જૉક્સ સંભળાવી હતી (જોઈને આપણી હિંમત ??) મેં તેને કહ્યું કે, ’રસ્તા પર એક માણસ અને એક સરદારજી ચાલ્યા જતા હતા !’, થોડો સમય મારા મોં સામે તાકી રહ્યા પછી તેઓ કહે કે, ’અચ્છા હૈ, આગે તો બોલ’, મેં કહ્યું, ’સરદારજી જૉક્સ તો ખતમ હો ગઈ !’, તો બોલ્યા, ’લો કર લો ગલ ! ઈસમેં જૉક્સ ક્યા થી ?!’, અને છેક સાંજે તેમનો ફોન આવ્યો કે, ’સા….લ્લે, તું ઈથે આ !!! હમ ક્યા ઇન્સાન નહીં હૈ ?!’ આપણને આ સરદારો પર કેટલો ભરોસો છે કે વચ્ચે એમાંના કેટલાક ભ્રમિત થયેલા વર્ગ દ્વારા ત્રાસવાદને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ થયેલી, ઘણી મોટી કપાણ થયેલી, છતાં આજે આપણને કોઈ સરદારજીને જોઈને ત્રાસવાદ યાદ નથી આવતો, તેની કોઈ જૉક્સ જ યાદ આવે છે ! (હાલ ઓછામાં ઓછા એક સરદારજીને જોઈને તો સૌને ’જૉક્સ’ જ યાદ આવે છે !! દેશની સૌથી મોટી જૉક્સ :-) )

તો અમે પણ જીતેન્દ્રસિંહજી સાથે આ બધી ચર્ચાઓ કરી, હિંમત કરી બાપુની એકાદ જૉક્સ પણ ફટકારી (અને જીતેન્દ્રસિંહજીની એ સજ્જનતા કે તેમણે ત્યાંને ત્યાં તલવાર ના ખેંચી કાઢી :-) ) કોઈ મિત્રએ આગળ મેં કહેલી વાત, ’સબળા વર્ગ પર જૉક્સ કેમ વધારે હોય છે’, પર સંશોધન કરવા જેવું છે. તો, આ તો એકાદ-બે વિષયો જણાવ્યા બાકી એવા તો કેટકેટલાં વિષયો પર વૈચારીક આદાન-પ્રદાન ચાલ્યું. ધવલભાઈ પાસેથી વિકિ પર લખવા બાબતે વધુ માર્ગદર્શન પણ મળ્યું. હજુ ગુજરાતીઓ જ્ઞાન મેળવવા વિષયે એટલાં ઉત્સુક નથી થતા જેટલા ટોળટપ્પાં કરવા હોય છે તે વિકિ જેવા કોઈ જ્ઞાનકોષ પર તેમના પ્રદાનને જોતાં સમજમાં આવશે. (આ ટોળટપ્પાકર્તાઓમાં અમે પણ આગેવાન જ, હોં કે !) જો કે નેટ પર ભ.ગો.મં. કે લેક્ષિકોન જેવા ભગીરથ પ્રોજેક્ટ પાર પાડનારા ગુજરાતીઓ પણ છે, અને બ્લોગ મધ્યે અઘરા અઘરા વિષયને શક્ય તેટલા સહેલા કરી જ્ઞાન પીરસનારા સજ્જનો પણ છે, એટલે સાવ કંઈ ધોકો લઈને પાછળ પડવાપણું નથી જ ! છતાં સહુએ શક્ય તેટલો વધુ પ્રયાસ કરવો જોઈએ. તો આ થોડી વાતો હતી જે ડાયરા સમક્ષ પ્રસ્તુત કરી. હવે ડાયરો પણ આમાંના રસ પડે તેવા વિષયે બે શબ્દો બોલે (લખે !) તો જાણો કે ડાયરો જામી જાય ! આભાર.

ડાયરો – શિક્ષણ શ્રાદ્ધ

એ રામ રામ ડાયરાને,
ઘણા દહાડે મળ્યા, હમણાં કેમના ખોવાયા હતા ? સરાદીયા ચાલતા હતા તે ખીર-પૂરીની ઝપટુ લેવામાં પડ્યા હશે કે ! ભાદરવાના તપતા દહાડાઓમાં ખીર ખાવાનું ઘણું મહત્વ છે. સૌએ પોતપોતાની મરજી-માન્યતા મુજબ ખાવી, પણ ખાવી જરૂર (અને બને તો અન્યને પણ ખવડાવવી). આ સરાદીયા આવે એટલે અમને લોકડાયરાના કલાકારોની કેટલીક વાર્તાઓ જરૂર યાદ આવે. એક આડવાત; આ કલાકારો ખરે જ ’કલાકાર’ કહેવડાવવાને લાયક ગણાય ! તેઓ એ દાક્તર છે જે વાઢ્યા વિના પરુ ખેંચી કાઢે છે, અને દર્દી ’ઓઈ…..માં’ ને બદલે ’અ..હા..હા..હા..’ એમ હસતો હસતો ઘરે જાય છે !! તો પ્રથમ એકાદ બે વાતુ આ શ્રાદ્ધ વિશે.

છોકરાઓ કલાકેકથી ખીર-પૂરી લઈને અગાશીએ ઊભા હતા, કાગડાઓ આસપાસ તો ઊડાઊડ કરતા હતા પણ આવડા આની અગાશીએ ફરકતા નહોતા ! અંતે કારણ સમજમાં આવતા મોટાભાઈએ નાનાને કહ્યું: ’બકા, ઝાઝીવાર તડકે ઊભી બા ની તબિયત બગડશે, એને હવે નીચે જઈ આરામ કરવા કહે’ :-)

એક અગાશીએ વળી ડોશીમાં, દીકરાઓ બધા બાપાની પાછળ કાગવાસ નાંખવા ચઢેલા, એક કાગડો કા…કા… કરતો અગાશીની પાળીએ બેસે પણ ખીર-પુરી સામે નજર કરી વળી ઊડે અને બાજુની અગાશીએ ધરેલી ખીર-પૂરી ઝાપટે ! બહુ વાર આવું થયું એટલે ડોશીએ દીકરાઓને કહ્યું : ’ મને ખબર જ હતી, આવડા આ મર્યા પછીએ સુધરવાનાં નથી ! જીવતાં કદી ઘરમાં ધ્યાન નહોતું દીધું, આડોશ પાડોશમાં જ નજર રાખતા !’ :-)

મારે પિતૃઓને ઝાઝા કનડવા નથી ! કાગડાઓને ખીર-પૂરી ખવરાવવામાંએ કશો વાંધો નથી, સાથે હાજરાહજૂર પિતૃઓને પણ પ્રેમભાવે ખવડાવવા ! શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ તો રોજે રોજ કરી શકે, જીવતા જાગતા પિતૃઓને પ્રેમે ધરવવા એ પણ શ્રાદ્ધ જ છે. અને આ સરાદીયાના પંદર દહાડા એ વાતને વર્ષો વર્ષ યાદ કરાવવા અર્થે જ પ્રયોજવામાં આવ્યા છે એવું મારું નમ્ર મંતવ્ય છે.

આગળ આપણે હસતાં હસતાં રસ્તે ચઢાવવા વિશે જોયું તો ધ્યાને આવ્યું કે હમણાં હમણાંનું ઘણા મિત્રોને આ ઠીક માફક આવ્યું છે ! લોકોને પણ ઉગ્રપણે ધોકો પછાડનાર કરતાં હળવાશથી સમજાવનાર વધુ ગમે છે. અમે ભણતા (તમે પણ ભણતા કે ?) ત્યારે કયા માસ્તરો અમારા ફેવરિટ હતા તે યાદ કરીએ તો સમજાય છે કે જેઓ ગમ્મત સાથે જ્ઞાન આપી જાણતા તે વધુ પૉપ્યુલર હતા, દાંત કાઢનાર (થપ્પડ ઝીંકીને !) કરતાં દાંત કઢાવનારનાં વર્ગમાં હોંશે હોંશે જતા ! કયો વિષય એવો છે જે હળવેથી ના સમજાવી શકાય ? પણ આજકાલનાં જ્ઞાની ગુરુજનો આ વાત સમજતા લાગતા નથી ! અરે જ્ઞાનીજનોએ તો મૃત્યુને પણ બહુ મજાથી સમજાવ્યું છે પણ આજકાલનાં આ જ્ઞાનીજનોએ તો તેને સાવ મજાક બનાવી દીધું છે ! હવે એક ગંભીર વાત પણ ડાયરાને વિચારાધિન કરું.

ભાર વિનાના ભણતરના આ દોરમાં માત્ર પંદર દહાડાના સમયગાળામાં જ રાજકોટમાં સાત સહિત સૌરાષ્ટ્રનાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો.  એકાદ બેને કોઈ અંગત કારણ હોઈ શકે પણ મહદંશે તો ભણતરનો ભાર જ કારણરૂપ નિવડ્યાનું સમજાય છે. સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદ્દો (રાજકારણીઓનું તો નામ લેવું પણ નકામું છે ! તેઓને તો પોતાના રોટલા શેકવામાંથી કે પોતાની ભાટાઈઓ કરાવવામાંથી જ ક્યાં નવરાશ મળે છે !!) કેમ કંઈ વિચારતા નથી ? બોલતા નથી ? આ વિદ્યાર્થીઓના, વિકરાળ સમયમાંથી પસાર થઈ રહેલા સૌ સ્નેહીજનોના, દુઃખમાં અમે પણ ભાગીદાર છીએ. પાકી ગયેલા પર્ણનું ખરવું એ તો પ્રકૃતિનો નિયમ છે પણ કૂણી કૂંપળ અકાળે કરમાઈને ડાળીએથી વિખુટી પડી જાય છે તેનું દુઃખ અમે અંગતપણે પણ અનુભવ્યું છે, તેની સાંત્વના કેમ અપાય તે સમજાતું નથી. કોઈ યુવામિત્રને, કોઈ નબળી ક્ષણે, આવો નબળો વિચાર આવે તો એક શેર યાદ કર્યા જેવો છે;

અબ તો ઘબરાકે યે કહતે હૈ કી મર જાયેંગે,
મરકે ભી ચૈન ન પાયા તો કીધર જાયેંગે. — (ઈબ્રાહિમ ઝૌક)

એક અમેરિકન જનરલ હતો જેના નામે પેટન ટૅન્ક બનાવવામાં આવેલી. આ જનરલ પેટન તેના સૈનિકોને યુદ્ધમોરચે મોકલતા કહેતો કે, ’જવાનો, શહીદીનો લાભ દુઃશ્મનોને લેવા દેજો, તમે તો જીવતા જ પરત આવજો !’ આપણે તો ’જય રણછોડ’નો નારો લગાવીએ છીએ પણ તેનું હાર્દ સમજતા નથી. આજે જીવતો રહેનાર કાલે ફરી લડી અને જીત મેળવશે, મૃત્યુ આવે ત્યારે હસતાં હસતાં ગળે વળગાડવું એ વીરતા છે પણ સામેથી દોડીને મૃત્યુને ગળે વળગવું એ કાયરતા છે ! યુવાઓને અન્યાય સામે લડવા માટે સૌ પ્રથમ ટેકો ઘરેથી મળવો જોઈએ, અમુક વાતો સાંભળવામાં સારી લાગે અને સજ્જનતાનાં ધોરણ તરીકે બહુ રૂઢ પણ થઈ ચૂકી છે છતાં જરૂરી સમયે તેને અતિક્રમી જવી એ જીવનવ્યાપન માટે ઘણું જરૂરી છે. શરમ, લોકલાજ, સજ્જનતા, શાંત હોવું, ડાહ્યાં હોવું, વગેરે વગેરેની વ્યાખ્યા કરવામાં સમાજે ચૂક કરી છે. વિદ્વાનો માનશે નહીં પરંતુ આ હકીકત છે. અહીં મૂંગે મોંએ અન્યાય સહન કરનારી દીકરી ડાહી ગણાય છે અને અન્યાય સામે માથું ઊંચકનાર બેશર્મ કે મોંફાટ ગણાય છે. મને યાદ છે, ભણતો ત્યારે મારા બા કહેતા કે ક્યાંય પણ અન્યાય જણાય તો મારીને આવજે, માર ખાઈને આવતો નહીં ! યુવાઓ કે વિદ્યાર્થીઓ પોતાની નાનીમોટી, સારીનરસી, સમસ્યાઓ કાં તો સગાં મા-બાપને જણાવતા ડરશે અથવા તો તેને મા-બાપની સમજદારી, પ્રૉબ્લેમ સોલ્વ કરવાની શક્તિ, પર વિશ્વાસ રહ્યો નથી. કોઈક કોઈક ભાગ્યશાળીઓને વળી સારા સલાહકારની ગરજ સારે તેવા મિત્રો મળી રહે છે અને ખડી પડેલી ગાડી ફરી પાટે ચઢી જાય છે પણ બધા આવા ભાગ્યશાળી નથી હોતા. ક્યાંક ખાટલે જ મોટી ખોટ રહી છે.

મરવું તો કોને ગમતું હોય ? અને છતાં કોઈક એવી સ્થિતિ આવતી હશે ને જ્યાં માણસને મૃત્યુ વધુ વહાલું લાગતું હશે. આત્મહત્યાનાં પક્ષ-પ્રતિપક્ષમાં ઘણી દલીલ આપી શકાશે, પણ અફસોસ કે ટાણે એકે કામ આવતી નથી. અને એ જ દર્શાવે છે કે હજુ આપણે કંઈક ભૂલીએ છીએ, ચૂકી ગયા છીએ. વાંક કોઈ એકનો નથી, બહુ બધાના વાંકે આ સ્થિતિ આવી ઊભી છે. હવે મારે એકલાએ જ વધુ વાંકદેખુ નથી થવું, ડાયરો પણ થોડો સાથ પુરાવશે એવી આશા.

આગળ આમ તો હસતાં હસતાં રસ્તે ચઢાવનારાઓ વિશે લખવું હતું પણ હવે આજે એ શક્ય નથી, પછીના લેખમાં લેશું. આજે તો આટલું જ.