Tag Archives: ચિત્રકથા

ચિત્રકથા – આતાની હિમ્મત !

મિત્રો, નમસ્કાર.

મથાળું વાંચીને થયું હશે કે આ “આતા”  કોણ અને તેમણે શું “હિમ્મત” બતાવી ?! તો આ “હિમ્મત આતા” જ છે જેમણે ’અમો’ને મળવાની પરવાનગી આપવાની હિમ્મત બતાવી !  :-) “આતાવાણી” નામક સુંદર બ્લોગ પર આપણે જેમની વાણીનો લાભ લઈએ છીએ તે હિમ્મત આતા. કદાચ ગુજરાતી બ્લોગજગતનાં સૌથી વરિષ્ઠ નાગરિક હોવાનું બહુમાન તેઓને ફાળે જશે. લગભગ ૯૧ વર્ષની આયુ છતાં કૉમ્પ્યુટર અને નેટ સાથે માથાફોડી કરવાની હિમ્મત કરવી એ પણ હિમ્મતનું જ કામ ને ?! (એક આડવાત, કાઠિયાવાડમાં “આતા” શબ્દ વડિલ, દાદા, બાપા, વૃદ્ધ પુરુષ વગેરે માટે સન્માનભર્યા અર્થમાં વપરાય છે. ભગોમંમાં પણ ઘણાં અર્થમાંનો એક અર્થ છે, ’કોઈ પણ વૃદ્ધ પુરુષ, વડીલ પુરુષ’)

શ્રી.સુરેશભાઈની કૃપાથી અમારી આતા સાથે ઓળખ થઈ. બહુ અનુભવી સજ્જન, ખાસ તો વિવિધ ભાષાઓ, ઇતિહાસ અને લોકસાહિત્યનું જ્ઞાન તથા અદ્વિતીય મગજશક્તિ (ખાસ તો આવડી ઉંમરે !)નાં ધણી આતાને અમારી સ્થાનિક બોલી પણ ઘણી જ વ્હાલી તેથી અમને તો જાણે ગોળનુ ગાડુ મળ્યા બરાબર થયું. તેઓશ્રી સાથે થતી અમારી દેશી ગોટપીટ આતાવાણી  પરના કેટલાક પ્રતિભાવોમાં વાંચી શકો છો.  આ એરિઝોનાના સાવજ હમણાં વતનની વહાલપ માણવા ભારત આવ્યા છે. તા: ૨૮-૨-૨૦૧૨ના રોજ આતા ઉપલેટા પધાર્યા છે તેવા સમાચાર મળ્યા એટલે તેઓને અનૂકુળ સમયની પરવાનગી લઈ હું અને એક મિત્ર બપોર પછી ઉપલેટા પહોંચ્યા. ત્યાં આતાનાં યજમાન શ્રી.રાજશીભાઈ કંડોરીયાએ અમે તેમનાં મહેમાનના મહેમાન હોય, કાઠિયાવાડી પરંપરા અનુસાર બહુ પ્રેમથી અમારૂં સ્વાગત કર્યું.  અને આમ ’અમો’ને આતાદર્શનનો, આતા સાથે સત્સંગનો લાભ મળ્યો. તો આપ પણ ચિત્રોનાં માધ્યમે લાભો !

આતા અને અમો

આતા, રાજશીભાઈ અને આતાનાં દોહિત્ર જયદિપભાઈ (ખુરશી પર)

આતા, અમો અને મિત્ર નરેન્દ્રભાઈ જાડેજા

હાદ પર સાત નાળિયેર વાળો કોયડો અમે ઉકેલ્યો હતો તે બદલ વાંહો થાબડતા આતા

 સાત નાળિયેર વાળો કોયડો અને વાંહો થાબડવાનું વચન

ડાબેથી, રાજશીભાઈ, આતા, રાજશીભાઈના સૂપુત્ર અને અમો.

સોહમ કેવલ્યધામ અને અસ્પતાલ, દ્વારકાધીશ સોસાયટી, ભરત પાર્ક પાછળ, ઉપલેટા

સર્વધર્મ સમભાવ (પ્રાર્થનાખંડ પરની કોતરણી)

પ્રાર્થનાગૃહનું નિરીક્ષણ કરતા આતા.

અને અમારા યજમાનના ઘરે રાખેલું બરકંદાજ આતાનું ચિત્ર જોઈ ગયો તે ક્લિક કરી લીધું !

આગળ આપે આતાને એક નિર્માણાધીન પ્રાર્થનાગૃહનું નિરીક્ષણ કરતા જોયા, તે સર્વધર્મ સમભાવ અને સેવાકાર્યને વરેલી પ્રવૃત્તિમાં શ્રી.રાજશીભાઈ અને તેમનું મિત્રમંડળ જોડાયેલું છે. આ સાથે ગરીબો માટે એક દવાખાનું અને રક્તદાન, અન્નદાન, વિદ્યાદાન જેવી સેવાશુશ્રૂષાની પ્રવૃત્તિઓ આ મિત્રો કરે છે. આ બધું પણ જાણવા મળ્યું.

માત્ર દેખાવ જ નહિ, ઋષિ સમો સ્વભાવ પણ  ધરાવતા આતા સાથે ઘણી ઘણી વાતો કરી, આપણે જેને ઇતિહાસ કહેવો પડે કિંતુ આતા માટે તો પોતાની જાણનાં જ પ્રસંગો ગણાય તેવા કેટલાક પ્રસંગો આતાનાં શ્રીમુખે સાંભળ્યા. બ્લોગજગત અને કોમ્પ્યુટરની વાત નિકળી એટલે સુરેશદાદાએ આ પાટે ચઢાવ્યો એમ કહી પ્રશંસાસહ યાદી કરી. અને જે તેમનો ખાસ રસનો વિષય એ લોકવાર્તાઓ અને શેરોશાયરી તથા શાસ્ત્રવચનનો પણ થોડો લાભ આપ્યો. અને ગામઠી બોલીમાં જેને ’વરત નાંખવું’ કહેવાય તેવા, મગજને ધારદાર બનાવતા, કોયડાઓ તો વળી કેમ બાકી રહે ! તે અંતે અમોને એક કોયડો પણ સોંપ્યો !! (જે  હોબીવિશ્વ પર રજુ કરીશું) આતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શતક ફટકારે ત્યારે આપણે સૌ તેમને સાદર અભિનંદન પાઠવીએ તેવી, આપણ સૌ બ્લોગમિત્રો વતી, અભ્યર્થનાસહ હૃદયમાં એક સ્નેહસંભારણું સાચવી અમોએ વિદાય લીધી.  (વાતોની વાતો વળી ડાયરો ભરીને માંડીશું !) આભાર.

ચિત્રકથા – બાજરાનો રોટલો (૨)

મિત્રો નમસ્કાર.
આગળના લેખમાં આપણે રોટલો ઘડવા સુધી પહોંચ્યા હતા, આજે શેકવાનો વારો છે ! સૌ પ્રથમ તો હું સૌ મિત્રોનો આભાર માનું જેમણે ’રોટલા’માં આટલો રસ દાખવી અને અવનવી માહિતીઓ, અનુભવો પણ જણાવ્યા. મને લાગ્યું કે રોટલો એ માત્ર પેટ ભરવાની એક વાનગી જ ન રહેતાં માનવ સભ્યતાનું એક અનન્ય અંગ બની ગયો છે. ભલે પછી આપણે તેને રોટલો કહેતાં હોઈએ અન્ય કોઈ પ્રદેશોમાં તે બ્રેડથી ઓળખાતો હોય પરંતુ આખરે તો તે જીવનના મુખ્ય આધારરૂપે સર્વ સંસ્કૃતિમાં સ્થાપિત થયેલ દેખાય છે. રોટલા સાથે સંકળાયેલી કેટકેટલી કહેવતો, રૂઢિપ્રયોગો જાણવા મળશે. એ જ પ્રમાણે અંગ્રેજી સાહિત્યમાં બ્રેડનું સ્થાન દેખાશે ! કોઈ એમ નહીં કહે કે, બાસુંદી રળી ખાઉ છું કે સેન્ડવીચ રળી ખાઉ છું ! એમ જ સંભળાશે કે રોટલો કે બ્રેડ રળી ખાંઉ  છું ! આ મહત્વ છે રોટલાનું !! અહીં રોટલા વિષયક કેટલાક રૂઢિપ્રયોગો માણીએ, વધારે ભગવદ્‌ગોમંડળમાં.

* રોટલો ખવરાવવો = રોટલો જ ખવરાવવો એવું ફરજીયાત નહિ કિંતુ ભોજન કરાવવું એમ અર્થ થાય. અહીં મહેમાનને કહેવાય કે ’ચાલો રોટલા ખાવા’ પછી ભલેને યજમાન પોતાની સોંજ પ્રમાણે દૂધપાક કે લાડુ ખવરાવે !!

* રોટલો અભડાવવો = ના ! ના ! આમાં ક્યાંય આભડછેટ સાથે છેટે છેટેનુંએ સ્નાનસૂતક નથી !! રોટલો અભડાવવો એટલે કોઈની કમાણી કે ધંધો રોજગાર બંધ કરાવવો. (નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવો !)

* અડધો રોટલો ખાવો = અડધો ભાંગીને ખાવો એમ નહિ પરંતુ કરકસરથી રહેવું, સગવડ પ્રમાણે ખર્ચ કરવો એવો અર્થ થાય છે.

* રોટલા ચોર = રોટલાની ચોરી કરનાર નહિ, કોઇને ખવરાવે નહીં તેવો !!

કોઈ વિદેશી ફરતો ફરતો ગામડે પહોંચ્યો અને રોટલાનું ભોજન લાભ્યો તે આ ગાડાના પૈડા જેવો રોટલો જોઈ નવાઈ પામ્યો, કહે, ’વૉટ ઈઝ ધીઝ ?’ તો પેલો ગામડિયો કહે, ’ધીઝ ઈઝ રોટલા, ગ્રાન્ડપા ઑફ બ્રેડ !!’ જો કે હમણાં TLC બહુ જોવું છું ! તે તેમાં વિશ્વભરની વાનગીઓ જોવા, જાણવા મળે છે. તેમાં જોયેલું કે ક્યાંક ક્યાંક આપણાં રોટલાને બચોળિયું સાબિત કરે તેવડી મોટી બ્રેડ (આપણે બ્રેડ એટલે ચોરસ, સ્લાઈઝ કરેલી એમ જ સમજીએ પરંતુ બ્રેડ પણ જાતજાત અને ભાતભાતની થાય છે !) પણ બને છે.

તો હવે ઝાઝી વાતનાં ગાડા ભરાય ! આવો આપણે રોટલાને તાવડીએ ચઢાવીએ ! ઘડાઈને તૈયાર થયેલા રોટલાને તાવડીમાં નાખવો એ પણ અઘરું કામ છે ! (ઓ..હો..હો.. ભાઈ, તો પછી સહેલું કામ છે શું ? જવાબ: ખાવું તે ! :-) ) ગત લેખનાં પ્રતિભાવમાં અમારા હિંમતઆતાએ જે “ભમરા”ની વાત કરેલ તે ભમરો અહીં આવે છે ! રોટલો તાવડીમાં યોગ્ય બળપૂર્વક પછાડીને જ નાંખવાનો રહે, જો ઢીલો ઢીલો મુકાય જાય તો તાવડીની સપાટી અને રોટલાની સપાટી વચ્ચે હવા રહી જશે અને એ હવા ગરમ થઈ વિસ્તાર પામશે તે કારણે રોટલાની હજુ નરમ રહેલી સપાટી પર ફોડલા જેવું ચકરડું થશે તેને “ભમરો પડ્યો” કહેવાય. (છે ને આપણાં લેખમાં પણ વિજ્ઞાન :-) ) આ ભમરો પડે તે રોટલો ઘડનારીની અણઆવડત ગણાય અને કોઈ કડવી સાસુ હોય તો વળી વહુને ’ભમરાળી’નુ મહેણું પણ મારે !!

ઉપલું પડ બે વખત અને નીચલું એક વખત એમ ચોડવતાતો આપણને આવડતું જ હોય ! તો આ રોટલો પાકી ગયો જાણે, હવે તો બસ ગત પ્રતિભાવમાં દીપકભાઈએ કહ્યું હતું તેમ તેનાં દડા જેવા ફૂલેલા ઉપલા પડમાં પાંચે આંગળાંથી ઘમ્મ દઈને ખાડા કરી દેવાનાં જેથી ભપ્પ દઈને ગરમા ગરમ વરાળ નીકળશે !! (આંગળાંને સ્ટીમબાથનો લાભ પણ મળશે !! જો કે મારા ભાગમાં આ પ્રક્રિયા આવે ત્યારે હું તો ચમચીથી ખાડા કરું છું ! નાહકનું જોખમ કોણ લે !!) પછી માખણનો લોંદો લઈ તે પર બરાબર લગાડી દેવાનો.

આ માખણ લગાડવાની ક્રિયાને ’રોટલો માખવો’ તેમ કહેવાય છે. ઘણાં લોકોને ઘી-માખણ ન ફાવતું હોય તો માખ્યા વિનાનો, કોરો રોટલો પણ ખાય પરંતુ મહેમાન સામે તો માખેલો રોટલો જ મૂકવો તેવી પ્રથા છે. માખણ ઓગળીને ખાડાઓ મારફત રોટલાનાં નીચલાં પડ (ઉપલા આછાં પડને ’પૂડિયો’ કહે છે અને નીચેનાં જાડા ભાગને ’ગરભ’ (ગર્ભ !) કહે છે) સુધી પહોંચી જાય એટલે પછી ઓળા (ભડથું) સાથે ખાવ, શાક સાથે ખાવ, કઢી સાથે ખાવ, ગોળ-ઘી સાથે ખાવ કે પછી મોજ આવે તો બે-ચાર બટકા એમને એમ જ દાબી જાવ. દરેક સ્થિતિમાં યાદ આવશે !
اگرفردوس روی زمین است همین است و همین است و همین است
“ગર ફિરદોસ બર રૂએ ઝમીં અસ્ત,
હમીં અસ્તો,હમીં અસ્તો,હમીં અસ્ત.” (– અમીર ખુશરો ?)
(પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો, અહીં છે, અહીં છે, અહીં જ છે.)

અને અંતે આ ચિત્ર પણ જુઓ. શું ધાર્યું ? પિત્ઝા ? આ તો ખૂબી છે આપણાં ગુજરાતીઓની (કે ગુજરાતણોની !!!) આપણે સોનિયાજીને સાડી પહેરાવી દીધી તો પિત્ઝાને પોટલો કેમ ન બનાવી શકીએ ?! (પિત્ઝા+રોટલો=પોટલો !!!)

ઇતિ શ્રીબ્લૉગ મહાપૂરાણે, વાંચનયાત્રાખંડે, “અમો” વિરચિત રોટલાધ્યાયઃ !
જે ભક્તજન આ કથાનું ભાવપૂર્વક સેવન કરશે તે આજીવન રોટલો પામશે. તેટલું જ નહિ તેની સાત પેઢીનાં રોટલાની ચિંતા ભગવાન બ્લૉગનારાયણ ટાળશે. અસ્તુ.

ચિત્રકથા – બાજરાનો રોટલો (૧)

પ્રિય મિત્રો, નમસ્કાર.

ફૂલગુલાબી ઠંડીએ કેડો મેલ્યો નથી ! ખાણીપીણીની મજા છે ! (અહીં ’પીણી’ કહેતાં ગાજર, પાલક, સંતરાનો રસ, વિવિધ સૂપ, કાવા, ઉકાળા વગેરે સમજવું :-) ) તો આજે કશી લાંબી કથા ન કરતાં, બહુ વખણાતો કાઠિયાવાડી રોટલો, ચિત્રકથાનાં માધ્યમથી માણીએ !

સામગ્રી :

* બાજરાનો લોટ (આ લોટ જો ઘરે, હવે જે પથ્થર રહિત ઘંટીઓ આવે છે તે, ઘરઘંટીમાં દળો તો જાડો ન રહી જાય તે ધ્યાન રાખવું. એક રસ્તો એ છે કે એકાદ કીલો બાજરો દળતાં તેમાં એક મુઠી જુવાર કે ઘઉં ભેળવવા. આથી ઘરઘંટીમાં લોટ જરૂર પ્રમાણે જીણો આવશે. જો કે પથ્થરવાળી ઘંટીમાં દળાયેલા બાજરાનો લોટ સૌથી ઉત્તમ !),

* મીઠું (નમક, લવણ),

* પાણી. 

જો કે બાજરાને બદલે મકાઈ, જુવાર, કોદરા, બંટી જેવા ધાન્યનો રોટલો પણ બહુ પ્રચલિત છે પરંતુ કાઠિયાવાડનો રોટલો એટલે બાજરાનો જ, એમ સમજાય છે.

રીત :

રોટલો બનાવવાનીં પહેલી ખૂબી લોટ મસળવામાં છે ! એટલે કે બહુ કંઈ મગજ વાપરવાની વાત નથી ! કાંડું બળૂકું જોઇએ !! હાથમાં ’ત્રાજવાં’ (છૂંદણાં, ટેટૂસ યાર !) હોય તો તો બળૂકું હોવામાં સંદેહ જ નહિ ! અને ત્રાજવાં ત્રોફાવેલા ન હોય તોયે રોટલો ઘડનારીનાં હાથનો એકાદ ઢીંકો (ધબ્બો; ગડદો; ઠોંસો યાર !) ખાઈને ખાત્રી કરી શકાય છે :-) મને જોગમાયાઓ પર ભરોસો છે (અનુભવ છે એમ કોણ બોલ્યું ?!) બે દહાડો વાંસો ન ચચરે તો ફટ કે‘જો યાર ! તો, પ્રથમ થોડા પાણીમાં મીઠું ઓગાળી લઈ તેમાં લોટ ભેળવી જરૂર પ્રમાણે વધારાનું પાણી ઉમેરતાં જવાનું અને કાંડાને કસરત આપતા રહેવાનું ! અને હા રોટલીની જેમ આમાં બધો લોટ એકસાથે બાંધી લેવાનો નહિ ! એક એક રોટલા માટે જ આ પિંડો તૈયાર કરતું જવાનું !

તો મસળી મસળી અને કૂણો માખણ જેવો થયેલો એ લોટનો પિંડો હવે થોડો અભ્યાસ અને કલાદૃષ્ટિ માંગી લેશે ! તેને બે હાથ વડે જરા ચપટો કરી અને પછી બતાવ્યા પ્રમાણે બરાબર આંગળી-અંગુષ્ઠ (અંગુઠો યાર ! ખાઈએ ભલે રોટલા પણ પાંડિત્ય ડહોળવાનો હરખ તો અમનેય હોય ને ?) વડે દબાવતા જવાનું અને આમ વાટકા જેવો આકાર આપવાનો. આ કામ કરતી વખતે વારેવારે હાથ ભીંજવતા રહેવાનું, નહીં તો લોટમાં તીરાડો પડશે.

જુઓ, થયોને મસ્ત મજાનો અશોકચક્ર જેવો (કે ગાડાના પૈડા જેવો !) દેખાવ ?! આવું કળાકૌશલ્ય દર્શાવવાનું હોય તેથી તો ’રોટલો ઘડવો’ એમ કહેવાય ! (’રોટલી વણવી’ કહેવાય પરંતુ ’રોટલો વણવો’ એમ ન કહેવાય ) અને ત્યાર પછી તેને બે હાથ વચ્ચે ’ટપાક’, ’ટપાક’ જે ઘડવામાં આવે તે ખરે જ તાલ અને લયનું સુંદર સંયોજન હોય છે. માટે તો અમે તેને કળાનાં વર્ગમાં સામેલ કર્યો છે ! આ માતૃશક્તિને સંતાન, સમાજ, ભવિષ્યનાં ઘડતરની આવડત હાથવગી જ હોય તેમાં શી નવાઈ ?! (કોઈ શક ?) જો કે આમ હાથથી ઘડેલા રોટલાને  ’ઘડેલો રોટલો’ (ભ.ગો.મં. તેને ’ટીપેલ રોટલો’ પણ કહે છે) કહેવાય અને પાટલા પર લોટનો પિંડો મેલી અને પછી થાબડી થાબડી તેને આકાર અપાય તેને ’થાબડેલ રોટલો’ કહેવાય. જાત અનુભવ એમ કહે છે કે આ ઘડવાનું (કે ટીપવાનું !!) કામ બહેનોએ શીખી લેવું ! તેથી ગૃહજીવનમાં મીઠાશ વધારે રહેશે ;-) કારણ થાબડભાણાં કરવાંથી તો સસલું પણ સિંહ બની જાય છે !!! :-)

આ લેખના ભાગ-૨ માં આપણે રોટલો શેકવાની કળા વિશે વધારે જાણશું, (આ ’રોટલા શેકવા’ શબ્દ આવતા સમયમાં વારંવાર સાંભળવા મળશે ! ચૂંટણીની મોસમ છે ને !!!)  રોટલાની સાથે સંકળાયેલા થોડા રૂઢિપ્રયોગો પણ જાણીશું અને હા, આ ઘડ્યો છે તે રોટલો હજુ ચૂલે ચઢાવવાનું કામ તો છે જ ! પરંતુ એ માટે બે‘ક દિવસ ખમવા વિનંતી. આમે ધીમે તાપે શેકાય તે રોટલો મીઠો થાય, ઉતાવળે તો બળી જાય !! આભાર.