Tag Archives: ગીતગોવિંદમ્‌

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૪)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે ગીતગોવિંદમ્‌ના પાંચ સર્ગ (પ્રકરણ) વાંચી ગયા. આજે છઠ્ઠા સર્ગથી શરૂઆત કરીએ. જેમાં બારમા ગીતનો સમાવેશ છે.
अथ ताम् गन्तुमशक्ताम् चिरमनुरक्ताम् लतागृहे दृष्ट्वा ।
तच्चरितम् गोविन्दे मनसिजमन्दे सखी प्राह॥ ६-१
ચિરકાળથી કૃષ્ણમાં અનુરક્ત, અનુરાગ ધરાવતી હોવા છતાં, કૃષ્ણ સુધી જવા અસમર્થ (કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે) રાધાજીને લતાગૃહમાં જોઈ અને સખી કૃષ્ણને કહે છે;

અને અહીં બારમું ગીત પ્રારંભ થાય છે. આ છઠ્ઠા સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ છે.
पश्यति दिशि दिशि रहसि भवन्तम्। तदधरमधुरमधूनि पिबन्तम्।
नाथ हरे हरे जगन्नाथ हरे। सीदति राधा वासगृहे ॥ अ प १२-१
કહે છે, હે નાથ, જગન્નાથ, હે હરે, રાધા પોતાના આવાસગૃહે, આપની પ્રતિક્ષામાં, અત્યંત દુઃખી અવસ્થામાં છે. સ્વઅધરનું જ મધૂર પાન કરતી, સકલ દિશાઓમાં જોતી, આપની રાહ જોઇ રહી છે. બાલબોધિનીમાં ટીકાકારે तदधरमधुरमधूनि पिबन्तम्નો એક અર્થ, આપના ચરિત્રની મધૂર વાતોનું સપ્રેમ શ્રવણ-પાન કરી રહી છે તેમ પણ કર્યો છે.

मुहुरवलोकितमण्डनलीला ।
मधुरिपुरहमिति भावनशीला॥ अ प १२- ४
ગીતમાં આગળ પણ, આપના માટે શૃંગાર સજે છે, કમલપુષ્પોનાં આભૂષણો સજ્યા છે, હું જ સ્વયં મધુરિપુ કૃષ્ણ છું તેવા ભાવમાં રાચતી આપના આભૂષણો અલંકારોને જોતી રહે છે. પોતાના સ્ત્રીસહજ અલંકારો ત્યજી આપના આભૂષણો અલંકારો ધારણ કરે છે. આમ વિરહગ્રસ્ત શ્રીરાધાના મનોભાવનું સુંદર વર્ણન છે. અહીં પ્રેમમય રાધા-કૃષ્ણ એક બની જતા હોવાનો ભાવ છે.

श्लिष्यति चुम्बति जलधरकल्पम् ।
हरिरुपगत इति तिमिरमनल्पम्॥ अ प १२-६
મેઘવાદળ સદ્દશ ઘનઘોર અંધકારને ’હરિ આવ્યા’ એમ સમજી આલિંગન ચુંબન કરવા લાગે છે. કૃષ્ણ ઘનશ્યામ છે એ વાત અહીં દર્શાવાઈ છે.

भवति विलम्बिनि विगलितलज्जा ।
विलपति रोदिति वासकसज्जा॥ अ प १२-७
અને જ્યારે રાધાને બાહ્યજ્ઞાન થાય છે કે તે આપ નથી ત્યારે પોતાના આ કૃત્યથી લજ્જિત થઈને મોટે મોટેથી રુદન કરવા લાગે છે.

અહીં આ ગીતમાં વર્ણન છે તે ’વાસકસજ્જા’ નાયિકાનું વર્ણન ગણાય. ‘વાસકસજ્જા’ નાયિકા એ છે જે મિલનસ્થાનમાં (સંકેતસ્થાનમાં) ઉત્સાહપૂર્વક, કુંજને (સ્થાનને) અને તેમાં શય્યા (અહીં પુષ્પ-શય્યા) અને પોતાને પણ શણગારી આતુરનયને નાયકની પ્રતીક્ષા કરે છે, તથા જરા જેટલો પણ વિલંબ થતાં વારંવાર કોઈ દૂત (કે દૂતી)ને નાયક પાસે મોકલે છે.

ગીત પછીના શ્લોકમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને આ સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ કેમ રખાયું તેનો પણ નિર્દેશ છે. અહીં નાયકને ધૃષ્ટ, શઠ તરીકે સંબોધાયો છે ! કદાચ તે હજુપણ સંકેતસ્થાને જવામાં વિલંબ કરે છે તે કારણે જ ! જુઓ આ શ્લોક;

विपुलपुलकपालिः स्फीतसीत्कारमन्तः
जनितजडिमाकाकुव्याकुलम् व्याहरन्ती।
तव कितव विधत्तेऽमन्दकन्दर्पचिन्ताम्
रसजलधिनिमग्ना ध्यानलग्ना मृगाक्षी॥ ६-२
સખી કહે છે: હે શઠ, અતિરોમાંચયુક્ત, પ્રેમોન્માદ, કન્દર્પોન્માદથી પિડીત મૃગનયની રાધિકા તમારા સ્પર્શ-આલિંગનના રસસાગરમાં ડુબેલી તમારા ધ્યાનમાં મગ્ન થયેલી છે. અતિશય આનંદને કારણે રોમાંચિત અને સિસકારતી, અસ્ફુટ શબ્દોચ્ચાર કરતી, આકુળવ્યાકુળપણે કોઇ પણ રીતે પોતાના પ્રાણ ટકાવી રહી છે. અહીં मृगाक्षी કહેતાં એક અર્થ મૃગલી એટલે કે હરણી જેવા સરળ, ઋજુ ચિત્તવાળી, ગભરુ એવો પણ થાય છે જે રાધાજીના સ્વભાવને દર્શાવે છે. નાયક માટે શઠ, ધૃષ્ટ, ધૂર્ત્ત સંબોધન कितव શબ્દથી મળે છે.  

એક આડવાત, આમે કૃષ્ણ એકમાત્ર એવું વ્યક્તિત્વ છે જેને કદાચ જગતભરનાં સારાં-નઠારાં બધાં જ સંબોધનો થયા હશે ! કદાચ આ દ્વારા એમ સુચવાતું હોય કે પરમાત્માપદ પામનારને પણ આ લોકનિંદાથી મુક્તિ નથી ! અને છતાં એની પરવા ન કરતાં પોતાના ધર્મમાં (ફરજમાં) મગ્ન રહેવું અને સમતા ધારણ કરવી એ મહાપુરુષોનું લક્ષણ છે. કૃષ્ણએ કેટકેટલી ટીકાઓ, ઉપાલંભ, પદવીઓ લોકમુખે મેળવ્યા એ વિષયે ક્યાંક સ્વતંત્ર સંશોધન થઈ શકે છે. આગળ વધીએ.

किम् विश्राम्यसि कृष्णभोगिभवने भाण्डीरभूमिरुहि
भ्रात र्याहि नदृष्टिगोचरमितस्सानन्दनन्दास्पदम्।
रधायावचनम् तदध्वगमुखान्नंदान्तिकेगोपतो
गोविन्दस्यजयन्ति सायमतिथिप्राशस्त्यगर्भागिरः॥ ६-४
ષષ્ટમ્‌સર્ગનો આ અંતિમ શ્લોક છે. કૃષ્ણ પાસે ગયેલી સખી આવવામાં વિલંબ કરે છે તેથી વ્યાકુળ રાધા એક દૂતીને વટેમાર્ગુના વેશમાં કૃષ્ણના ભવન પર મોકલે છે. સાંજ સમયે વટેમાર્ગુના વેશમાં દૂતી કૃષ્ણભવનમાં આવી અને રાધાજીનાં શિખવ્યા શબ્દોમાં કહે છે કે; રાધાએ મને કહ્યું કે હે ભાઈ, અહીં આ વટવૃક્ષ તળે શા માટે વિશ્રામ લેવા બેઠા છો ? અહીંયા તો કૃષ્ણ રહે છે ! (અહીં મજા જુઓ ! કૃષ્ણ કહેતાં રાધાજીએ અહીં કાળોતરો નાગ એવું સુચન કર્યું છે ! સુચવે છે કે અહીં એક કાળોતરો નાગ રહે છે ! એક વધુ પદવી !!) એ કરતાં સામે આવેલા આનંદદાયક નંદભવનમાં ચાલ્યા જાઓ, ત્યાં તમારો આતિથ્યસત્કાર થશે.  પથિકના મોંએ આવા સંકેતાત્મક શબ્દો સાંભળી અને કૃષ્ણ તો વાત સમજી જાય છે (કે હવે રાધાજી બરાબરનાં ગુસ્સે ભરાયા છે !) પણ પિતા નંદરાજ ક્યાંક વાત જાણી ન જાય તે માટે પથિકને પ્રસંશાયુક્ત વાક્યો કહી, ધન્યવાદ કહે છે. (એટલે કે વાતને આગળ વધતી અટકાવે છે !)

મિત્રો, આ સર્ગ વાંચી મને અદ્‌ભુત વિચારો આવવા લાગ્યા છે. આડેપાટે ચઢતો લાગીશ પણ ધ્યેયચૂક તો નથી જ થતો એટલી ખાત્રી સાથે થોડા વિચારો રજુ કરૂં. અહીં સમયસર સંકેતસ્થાને ન પહોંચેલા નાયક પ્રત્યે નાયિકા, અને તેની સખી પણ, પ્રેમભર્યા છણકાઓ કરે છે તે  દૃષ્ટિગોચર થાય છે. વિચારવંત, બુદ્ધિશાળી, નરપુંગવો! આવા પ્રેમભર્યા છણકાઓમાં, ઉપાલંભમાં, રહેલો પ્રેમ જાણી શકે છે. (અને બાકીનાઓ ’તારાથી મને આમ કહેવાય જ કેમ ?’ એવો હુંકાર કરી દાંપત્યની કે પ્રેમપ્રકરણની પથારીઓ ફેરવે છે :-) ) ખરેખર તો અહીં પુરુષોત્તમ પણ આ ઉપાલંભનથી ન બચી શક્યા તો આપણે કઈ વાડીના મુળા ! એવું જ્ઞાન આ કથામાંથી લાધવું ન જોઈએ ?

સ્ત્રીઓનો સ્વભાવ હોય છે જરા જેટલી વિપરીત સ્થિતિમાં છણકાટ કરવાનો ! કોઈ કોઈ પુરુષોનો પણ હોય છે !! (એથી તેને સ્ત્રૈણ પુરુષ કહેવાતો હશે ?) આ છણકાઓમાં સદા દુર્ભાવ જ નથી હોતો, મહદ્‌અંશે તો પ્રેમ જ હોય છે. અમારે ગામડાની સ્ત્રીઓ વાત વાતમાં ’મારા રોયા’, ’નખ્ખોદિયા’, ’મરી ગ્યા’, ’મારા પીટ્યા’ જેવા સરપાવોથી, માત્ર પતિદેવને જ નહીં, ક્યારેક સંતાનોને પણ, વધાવતી હોય છે. સદા તેનો અર્થ શબ્દશઃ જ નથી હોતો એ લોકવાર્તાકારો કે લોકજીવનના અભ્યાસુઓ (અને માંહે પડેલા, ભોગવનારા બધા તો ખરા જ !!) સુપેરે જાણતા હોય છે. ટુંકમાં આ ભાષાશાસ્ત્રનો ન રહેતાં સમાજશાસ્ત્રનો વિષય બને છે. સુશિક્ષિત બહેનો સાવ આવા ખરબચડા ઉપાલંભો ન આપતા જરા સહ્ય અને અલંકૃત ઉપાલંભો કરતી હશે ! જેની મિઠાશ પણ અનેરી તો હોય જ છે ! આથી હવે, મારી મતિ અનુસાર (એટલે કે માન્ય રાખવું, ન રાખવું એ આપના વિવેકની વાત છે !), આપણી લાયકાત પર વિશ્વાસ કરી અને ગૃહિણીએ ઓફિસથી વળતા શાકભાજી લાવવાનું સોંપ્યું હોઈ, આપણે સદાની ટેવ અનૂસાર ભુલી ગયા હોઈએ અને જમવા ટાણે કઢીનાં દર્શન થતાં ફરી ટેવવશ ’શાક ના બનાવ્યું ?’ એમ પૃચ્છા થઈ જાય તો… ’શાક શેનું બનાવું, તમારા બાપાના કપાળનું ?’ (સન્નારીઓ કદાચ શિષ્ટ ભાષામાં જણાવે કે; શાક શાનું બનાવું, આપના પરમપૂજ્ય પિતાશ્રીના ભાલપ્રદેશનું ? :-) ) તો બાપાના કપાળ પર જોખમ થયાનું ન સમજતાં માત્ર ’પ્રિયે, હવે પછી તારૂં સોંપેલું કામ ભૂલું તો કહેજે ! આ વખતે માફ કરી દે !!’ (જો કે પાછું યાદ રાખવાની ભૂલ ના કરવી :-) ) એટલું કહેતાં બીજા જમણમાં શિરો મળવાનાં ચાન્સ રહેશે ;-) . અન્યથા પડોશીઓનું મફત મનોરંજન તો થશે જ ! સાથે પિતાશ્રીનાં તો નહીં પણ આપણાં ભાલપ્રદેશ પર પુરૂં જોખમ રહેશે !! આ પ.પૂ.ધ.ધૂ. અનંત શ્રીવિભૂષિત અશોકાચાર્યજી મહારાજનું અનૂભવસિદ્ધ કથન છે :-) (પ્રેમવશ ચિંતાતૂર મિત્રોએ અનૂભવસિદ્ધનો ખોટો અર્થ કરી ભાલપ્રદેશ પર મજાનાં ઢિંમણા વાળું અમારૂં ચિત્ર શોધવા વ્યર્થ પ્રયાસ ન કરતાં ’ભલે પરણ્યા ન હોઈએ પરંતુ જાનમાં તો ગયા હોઈએ ને !’ એ ઉક્તિ યાદ રાખવી !) મજા આવી ? મને ખબર છે, પારકા ઝઘડામાં કોને મજા ન આવે ?! પણ, અમ વિત્યુ તમ વિતશે, ધીરી બાપુડીયા !!!!!

આ પછીનો સપ્તમ સર્ગ, સુંદર મજાના ચાર ગીત ધરાવતો, જરા લાંબો છે તેથી તેને હવે પછીના લેખમાં જ ન્યાય આપીશું.
આભાર.

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે બે ભાગમાં (૧) (૨), ગીતગોવિંદનાં ચાર સર્ગનો ટુંક અભ્યાસ કર્યો અને માહિતી મેળવી. અહીં પંચમ સર્ગથી શરૂઆત કરીશું. આ પંચમ સર્ગમાં શ્રી રાધાજી અને તેમની સખી વચ્ચેનો સંવાદ છે.

अहमिह निवसामि याहि राधाम् अनुनय मद्वचनेन चानयेथाः।
इति मधुरिपुणा सखी नियुक्‌ता स्वयमिदमेत्य पुनर्जगाद राधाम्॥ ५-१

સખી પાસેથી રાધાજીનાં વિરહનું વર્ણન સાંભળી કૃષ્ણ સખીને કહે છે કે, હું અહીં રહું છું, તમે રાધા પાસે જઇ મારા વતી અનુનય વિનય કરી રાધાને મનાવી અહીં લાવો. રાધાજી નહીં આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ. આ પ્રકારે મધુરિપુ કૃષ્ણ દ્વારા નિયુક્ત સખી રાધાજી પાસે આવી અને આ પ્રકારે કહેવા લાગી.
અહીં, આ સર્ગમાં શ્રી કૃષ્ણના હૃદયમાં રાધાજીને મળવાની આકાંક્ષા ઉત્પન્ન થઇ છે તેથી આ સર્ગને ’સકાંક્ષ-પુન્ડરીકાક્ષ નામ અપાયું છે. પુન્ડરીકાક્ષનો અર્થ લાલ કમલ સમાન નેત્રો વાળા કૃષ્ણ તેવો થાય છે. અહીંથી હવે દશમું ગીત પ્રારંભ થશે.

वहति मलयसमीरे मदनमुपनिधाय ।
स्फुटति कुसुमनिकरे विरहिहृदयदलनाय।
तव विरहे वनमाली सखि सीदति॥ अ प १०-१

હે સખી, રાધા, જુઓ આ વિરહીજનોને મર્મપીડક કે મદનરસમાં તરબોળ કરતો એવો મલયાનિલ (મલય પર્વત પરથી વાતો પવન) વાઇ રહ્યો છે,પુષ્પસમુહો ખીલી રહ્યા છે. આવા (વસંત) સમયમાં કૃષ્ણ (વનમાળી:વનફૂલોની માળા ધારણ કરેલા) તારા વિરહમાં અવસાદગ્રસ્ત, સંતપ્ત, દુઃખી થઇ રહ્યા છે. આગળના શ્લોકોમાં પણ કૃષ્ણના વિરહનું સખી દ્વારા તાદ્દશ વર્ણન કરાયું છે. હું અહીં બધા જ કવિઓ (અને કવિયત્રીઓ પણ !)ની ખરેખર ઈર્ષા કરીશ ! કારણ આ સુંદર શ્લોકોનું, તેના સુંદર શબ્દાલંકારોનું, ઉત્તમ ગુજરાતી ભાષાંતર કરવા માટેના સમભાવી શબ્દો કોઇ કવિને જ સુઝે. હું તો માત્ર ઉપરછલ્લો ભાવ, ગદ્યમાં, આપને આપવાનો પ્રયત્ન કરૂં છું. તેમાં આ શ્લોકનું માધુર્ય અનૂભવાવું મુશ્કેલ છે. હા, અર્થ સમજાશે ખરો. આગળ ચાલીએ.

दहति शिशिरमयूखे मरणमनुकरोति।
पतति मदनविशिखे विलपति विकलतरोऽति॥ अ प १०-२

શિશિરનાં ચંદ્રમાંના શીતળકિરણોથી બળતાં જાણે મરણાસન્ન કે મૂર્છીત થઇ રહ્યા છે અને વૃક્ષો પરથી ખરતા પુષ્પો જાણે કામબાણ હોય તેમ તેના હૃદયને વિંધી રહ્યા છે. આમ અતિ વિકલ, આકુળવ્યાકુળ, થઇ અને વિલાપ કરી રહ્યા છે. વિરહીનું કેવું અદ્‌ભુત ચિત્રણ કરાયું છે. ચંદ્રની શીતળ ચાંદની એને બાળી શકે છે અને પુષ્પો પણ તેને વિંધી શકે છે.

આગળ પણ સખી દ્વારા કૃષ્ણનાં વિરહનું (યાદ રહે આ વર્ણન રાધાસખી રાધા પાસે કરે છે) વર્ણન છે. જેમાં તે ભમરાઓનો ગુંજારવ સાંભળી પોતાના કાનોને હાથથી ઢાંકી લે છે, મનોહર શયનગૃહ ત્યાગી વનમાં નિવાસ અને ભૂમિશયન કરે છે, કોયલના મધુરા ટહુકા સાંભળી વિહવળ થઇ ઉઠે છે, વગેરે (આપણે અગાઉ રાધાની પણ વિરહમાં આ સ્થિતિ જોઇ છે). અમુકના કહેવા મુજબ આ દશમ ગીત માત્ર પાંચ પદોનું જ છે. ટીકાકારો કહે છે કે સખીને મુખે કૃષ્ણના વિરહનું આટલું વર્ણનમાત્ર સાંભળતા જ રાધાજીને મૂર્છા આવવા લાગી, આથી સખી અહીં રોકાઇ જાય છે. વિરહનું વર્ણન પડતું મુકી અને રાધાને રાજી કરવાના પ્રયત્નો કરવા લાગે છે.

पूर्वम् यत्र समम् त्वया रतिपतेरासादितः सिद्धयः
तस्मिन्नेव निकुङ्जमन्मथमहातीर्थे पुनर्माधवः।
ध्यायंस्त्वामनिशम् जपन्नपि तवैवालापमंत्रावलीम्
भूयस्त्वत्कुचकुंभनिर्भरपरीरंभामृतम् वाङ्छति॥ ५-२

સખી કહે છે, હે રાધે ! માધવે પ્રથમ નિકુંજરૂપી મહાતીર્થમાં તારી સાથે આલિંગન, રતિક્રિડા આદી સુખ પ્રાપ્ત કર્યું હતું. (જે આગળ રાધાએ જ સખીને વર્ણવ્યું હતું તે આપણે વાંચી ગયા છીએ) એ જ મહાતીર્થમાં તે સદૈવ તારું ધ્યાન કરે છે, તારી સાથે થયેલા વાર્તાલાપરૂપી મંત્રોનો જાપ કરે છે, અને તારા કુચકુંભોના ગાઢ આલિંગનરૂપી અમૃતમોક્ષની પુનઃ-પુનઃ અભિલાષા કરે છે.

અને અહીં ૧૧મું ગીત પ્રસ્તુત થાય છે, જેમાં સખી રાધાને કૃષ્ણ પાસે અભિસરણ કરવા, હવે વિલંબ ન કરવા સમજાવે છે.

रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेशम् ।
न कुरु नितम्बिनि गमनविलंबनमनुसर तम् हृदयेशम् ।
गोपी पीनपयोधरमर्दनचंचलकरयुगशाली ।
धीर समीरे यमुना तीरे वसति वने वनमाली – धृवम्॥ अ प ११-१

જ્યાં ધીરો ધીરો મલય સમીર (પવન) વહે છે તેવા યમુના તીરે નિકુંજવનમાં વિરાજમાન, ગોપીઓના પયોધરમંડલને નિપીડિત (મર્દન) કરવા માટે સદા ચંચલ એવા કર યુગલ (હસ્ત)થી સુશોભિત વનમાલી (કૃષ્ણ) તારી રાહ જુએ છે. હે પ્રશસ્ત નિતંબોવાળી, રતિસુખના સારભૂત સંકેતસ્થાનમાં, કામદેવ સમાન મનોહર વેશ ધારણ કરેલા તારા હૃદયવલ્લભ પાસે અભિસરણ કરવામાં હવે વિલંબ ન કર.

नामसमेतम्कृतसंकेतम्वादयतेमृदुवेणुम् ।
बहुमनुतेननुतेतनुसंगतपवनचलितमपिरेणुम्॥ अ प ११-२

આગળ કહે છે કે, હે સખી ! તને મારો વિશ્વાસ ન આવતો હોય તો તેમના દ્વારા થતા આ વેણુનાદ (બંસરીવાદન)ને ધ્યાન દઇ સાંભળ, તેમાં પણ રાધા-રાધા નામનો જ નાદ સંભળાશે. તે તને સ્પર્શ કરી અને આ વાયુ સાથે વહેતા સુક્ષ્મ રજકણોના પોતાને થતા સ્પર્શથી સ્વયંને ભાગ્યશાળી માની, તેને બહુમુલ્યવાન રત્નકણો સમજી તેનો પણ આદર કરે છે.

અહીં આ ગીતના અન્ય શ્લોકોમાં કહે છે કે, પક્ષીઓના બેસવાથી થતા પર્ણના ખડખડાટને પણ જાણે તારા આગમનનો સંકેત સમજી તારા આવવાના માર્ગની દિશામાં જોવા લાગે છે. વગેરે વગેરે. પછી સખી કહે છે,

मुखरमधीरम् त्यज मन्जीरम् रिपुमिव केलिषुलोलम् ।
चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥ अ प ११-४

તારા આ શત્રુસમાન નૂપુર (ઝાંઝર) કાઢી નાખ, કારણ, એ ચાલતી વખતે અને રતિસુખમાં પણ અતિ ચંચલ બની રણકાર કરશે. કુંજના અંધકારમાં ભળી જાય તેવા નીલવસ્ત્ર ધારણ કરી લે જેથી તારો ગૌરવર્ણ એ તિમિર સાથે ભળી જાય અને ચાલ સખી કુંજ તરફ જઇએ!

જો આપે નરસિંહ મહેતાની ’ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’ માં

’પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’  (વિકિસ્ત્રોત:અહીં ચાલ રમીયે સખી હોવું જોઇએ ?)

કે ’ચાલને સખી જોવા જઈએ રે’ રચના સાંભળી હોય તો અહીંના चल सखि નો ભાવ અને એ પદના ભાવની સમાનતા ધ્યાને ચઢશે. ’મોંહે શ્યામ રંગ દઇ દે, મોરા ગોરા રંગ લઇ લે’ કે ’ચલ રી સજની અબ ક્યા સોચે’ જેવા ગીતનો ભાવ પણ અહીંથી નિકળતો લાગશે. અહીં જેટલું ઘુંટશો તેટલો ગાઢ અર્થ પ્રાપ્ત થશે. કેટલાયે જ્ઞાનીઓએ આના અદ્‌ભૂત આધ્યાત્મિક અર્થ કરેલા છે. આ બધું એકસાથે સમજાવવું તે મારી અને આ લેખની ક્ષમતા બહારનું હોય, ક્ષમાયાચના.    

ઘડીક થોડા આડા ફંટાયે ! તો, વિદ્વાનોને લાગે છે કે દરેક પ્રસંગે નાયક-નાયિકા કરતાં સખી (અને મિત્રો)ને વધુ ઉતાવળ હોય છે, પાટે ચઢાવવાની !! જુઓ, જાનપ્રયાણ ટાણે વરરાજા કરતાં જાનૈયાઓ (અને જાનડીઓ) વધુ ઉતાવળા થતા જણાશે ! જો કે આ બધાને પોતપોતાના, અલગ અલગ, સ્વાર્થ હોવા સંભવ છે. જાનડીઓને તાલાવેલી જલ્દી કન્યાનું દર્શન કરવાની હોય શકે, અને દર્શન થયા પછી, કન્યા તો શું કન્યાની માતા પણ ન જાણતી હોય તેવા ખોંચાઓ કન્યામાં શોધવાની ખણસ સંતોષવાની પણ હોય શકે ! જાનૈયાઓ (ખાસ તો પરણેલા !) વરરાજામાં બુદ્ધિનો પાદુર્ભાવ થાય તે પહેલાં તેને નંદવી નાંખી પોતાની જમાતમાં ભેળવી દેવા થનગનતા હોય તેમ બને ! અને મારા જેવા કેટલાક ભોજનવીરોને વળી મોડા પડીશું તો માલ માલ માનૈયાઓ જમી જશે અને જાનૈયાઓના ભાગે વધશે શું ? એવી ચિંતા !! પણ હોઇ શકે. જે હોય તે, આપણે ફરી આપણો માર્ગ પકડીએ !

ત્યાર પછીના શ્લોકોમાં પણ સખી, રાધાજી કૃષ્ણ પાસેથી કેવું કેવું સુખ પામશે તેનું શૃંગારીક, મનોરમ્ય ચિત્રણ કરે છે. એક જગ્યાએ ઘણી જ કામની (ઉપયોગી ભ‘ઇ !!) વાત કહી છે. શબ્દ વાપરે છે, हरिरभिमानी,

हरिरभिमानीरजनिरिदानीमियमपियातिविरामम् ।
कुरुममवचनम्सत्वररचनम्पूरयमधुरिपुकामम्॥ अ प ११-७

અહીં સખી કહે છે, હરિ (કૃષ્ણ) અભિમાની થઇ રહ્યા છે અને રાત્રી વિતવા પર છે. માટે મારી વાતનો સ્વિકાર કરી, વધુ વિલંબ ન કરતા, જલ્દી ચાલ અને મધુરિપુ (કૃષ્ણ)ની કામના પૂર્ણ કર. અહીં કદાચ હવે તો રતિશાસ્ત્રીઓ પણ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે એ વાત, પુરુષને પહેલ કરવી ગમતી નથી, નું જ્ઞાન છે. પુરુષને કદાચ તેનો સ્વભાવગત અહંકાર આડો આવે છે. જ્ઞાનીઓ પણ કહે છે કે સ્ત્રી પહેલ કરે તે પુરુષ માટે અત્યંત આનંદની ક્ષણ હોય છે. કાશ ! અમુક નાસમજ સ્ત્રીઓ આ વાત સમજી શકે તો ઘણા સંસાર સાવ સામાન્ય વાતે વિખરાતા જ બચી જાય !! (આ સેક્‌સ ઍજ્યુકેશનની કથા તો હજુ ચાલે છે, આપને નથી લાગતું આઠસો વર્ષ પહેલાં આ અદ્‌ભૂત જ્ઞાન આપવાની કેવી સુંદર યોજના હતી ! પણ આપણે જ બધું વિસારી ચૂક્યા તેમાં દોષ કોને આપવો ?) અને પુરુષોનો આ સ્વભાવગત અહંકાર પાછો કંઇ પોલાદી નથી, સાવ માખણ જેવો હોય છે ! જરા અમથી જ્યોતની ગરમી પામ્યો નથી કે ઓગળ્યો નથી. પછી તો શમા-પરવાનાના ન્યાયે તેમાં પડીને સમજો પોતાનું અસ્તિત્વ પણ નષ્ટ કરી દેવા તૈયાર હોય છે. ગની દહીંવાલા નામક શાયરે બહુ સરસ વર્ણન કર્યું છે આ અભિમાનના ઓગળવાનું;
“પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકી ગયો છું”
પણ પાંપણ તો ઢળે !! અહીં તો સામા લીંબુની ફાડ્ય જેવા ડોળા કાઢે છે :-)

આમ આ ગીત અને તે પછીના કેટલાક શ્લોકમાં સખી રાધાને સમજાવવાનો જે પ્રયાસ કરે છે તેનું વર્ણન છે. અંતે પણ રાધાજી, કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે, અભિસાર કરવામાં અસમર્થતા દર્શાવે છે અને સખી ફરી કૃષ્ણ પાસે જાય છે. અહીં આ પંચમસર્ગ સમાપ્ત થાય છે.

અહીં સૌથી વધુ મહેનત તો આ “સખી”ની દેખાય આવે છે, સખીની જેમજ કેટલાક મિત્રો પણ “ચાલ સખી…ચાલ સખી” (એટલે કે આ લેખમાળા આગળ વધારો !)નાં અધિર પોકારો કરે છે !! અરે ભાઇ ! આ જ તો કવિની કલાનું પ્રદર્શન છે ! મેં પ્રથમ વખત ગીતગોવિંદ વાંચેલું ત્યારે આ પંચમસર્ગથી લઇ અને બારમાં સર્ગ સુધી એક જ બેઠકે વાંચી ગયેલો ! હવે શું થશે ? રાધા-કૃષ્ણનું મિલન થશે કે નહીં થાય ? આ ઉત્કંઠાએ મારું એક ટંકનું ભોજન પણ છંડાવી દીધેલું !! એક ટીકાકારે લખ્યું છે કે આ “સખી” એ જીવ અને શિવનાં મિલનને માટે નિઃસ્વાર્થભાવે મથતા ગુરુનું પ્રતિક છે. શૈવત્વ સ્વાભિમાની છે અને જીવત્વ મિલનને આતુર હોવા છતાં અજ્ઞાનરૂપી ક્ષીણતાવશ અભિસરણ કરવા અસમર્થ હોય ’સખી’એ આ કષ્ટ ઉઠાવવું સ્વિકાર્યું છે. મારે પણ મિત્રો ’ચાલ સખી…ચાલ સખી’ કરી ધક્કાવે છે અને મને આવું બધું વિચારવા પ્રેરે છે તે ગુરુસમાન જ થયા ને !! આભાર.     

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૨)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
લેખ – ૧ માં આપણે ગીત ગોવિંદના પ્રથમ બે સર્ગ (પ્રકરણ) વિશે ટૂંકમાં જાણકારી મેળવી. હવે અહીં તૃતિય અને ચતુર્થ સર્ગ સાથે આગળ વધીશું.

कंसारिरपि संसारवासनाबन्धशृङ्खलाम्
राधामाधाय हृदये तत्याज व्रजसुन्दरीः

અહીં कंसारि અર્થાત્ કંસના શત્રુ એવા અથવા કંસારનો અન્ય અર્થ સુખનો સાર થાય તે લેતા સુખનો વિસ્તાર કરનારા, કૃષ્ણ ને પણ રાધાનો પ્રેમ વિહ્વળ બનાવે છે અને તે સર્વ વ્રજસુન્દરીઓને ત્યજી રાધાના વિરહમાં ખોવાય છે. અહીં રજૂ થનાર આ સાતમું ગીત કૃષ્ણનો રાધા પ્રત્યેનો વિરહ અને પશ્ચાતાપ રજૂ કરશે.

मामियं चलिता विलोक्य वृतं वधूनिचयेन .
सापराधतया मयापि वारितातिभयेन ..
हरिहरि हतादरतया गता सा कुपितेव .. १

કહે છે, તે (રાધા) મને અન્ય સ્ત્રીઓ સાથે પ્રવૃત જોઇ, પોતાનો અનાદર જાણી, રીસ કરી ચાલી ગઈ અને હું અપરાધભાવમાં દબાયેલો તેને રોકી પણ ના શક્યો ! યુવામિત્રો (અને પરણેલા પણ !!) આ સ્થિતિમાં આપને ક્યારેક મુકાવું પડ્યું હશે તો જાણતા હશો કે સ્થિતિ કેવી ગંભીર હોય છે !! આપણા ’ઈવડા ઈ’ અકસ્માત જ આપણને અન્ય ’વ્રજાંગના(ઓ)’ સાથે ક્યાંક રેસ્ટોરાંમાંથી નીકળતા, ક્યાંક પાણીપૂરીના સબડકા મારતા, ક્યાંક ચલચિત્રઘરની અંદર પ્રવેશતા (કે બહાર નીકળતા !) જોઇ ગયા હોય, અને ઈવડા ઈ જોઇ ગયા છે તેની પાછી આપણને જાણ થઈ ગઈ હોય ! ત્યારે શી વલે થાય છે ?! જાણે દુધપાકના તપેલાંમાં લીંબુ પડી ગયું હોય તેવું મન ખાટું ખાટું લાગવા માંડે છે ! બસ આ ભાવ અહીં કલ્પવાનો છે. પણ આ તો કૃષ્ણ છે, અને આપણે તેની પાસેથી તો માર્ગ શોધવાનો છે ! અમસ્તું કંઈ ’કૃષ્ણ વંદે જગદ્‌ગુરુમ્‌’ કહ્યું હશે. આ આખું ગીત આ ગડમથલથી ભરેલું છે. જુઓ આગળ..

किं करिष्यति किं वदिष्यति सा चिरं विरहेण .
किं धनेन जनेन किं मम जीवनेन गृहेण .. २ 

હવે એ શું કરી નાખશે, શું કહી નાખશે, અરે એમના વિરહમાં તો મને ધન, જન, જીવન અને ઘર પણ અસાર લાગશે !! (ભઇલા, આ વિચાર પહેલાં કરવો જોઇએને ! :-) ) આ ગીતમાં કૃષ્ણ રાધાવિરહમાં આવા આવા કંઈ કેટલાયે ઘોડા ઘડે છે ! અહીં વિરહનું બહુ પ્રૅક્ટિકલ ચિત્રણ થયેલું છે, ક્યારેક પોતાનું મન એમ કહીને મનાવવા પ્રયત્ન કરે છે કે; રાધા તો મારા હૃદયમાં વસે જ છે પછી હું શા માટે વિહ્વળ બની તેની શોધમાં ભટકું છું. તો ક્યાંક વિચારે છે કે જો એ મને મળી જાય તો તુરંત તેના પગમાં પડી અને ક્ષમા માંગી લઇશ. (જો કે અહીંના શ્લોકમાં આવું સ્પષ્ટ લખ્યું નથી પરંતુ દશમ સર્ગમાં, ૧૯માં ગીતમાં ’स्मरगरलखण्डनं मम शिरसि मण्डनं देहि पदपल्लवमुदारम्’ એવું સ્પષ્ટ લખ્યું છે. અહીં અધ્યાત્મભાવ પણ છે, શ્રીહરિ પ્રેમે કરીને ભક્તને વશ થતા હોવાનો સંકેત, પરસ્પર શરણાગતભાવ, અહીં સમજાય છે) આ ગુરુજ્ઞાન કૃષ્ણ  આપે છે ! બંધૂઓ, (ક)સમય આવ્યે પગમાં પડવામાં પણ જરીએ હિચકિચાટ ન રાખવો ! સુખી થવાના આવા  માર્ગો સાહિત્યમાંથી મળ્યા છતાં ધરાર દુઃખી થવું હોય તેમને છૂટ છે :-( આપણા એક ચિંતક કહે છે ને કે,  વાવાઝોડું આવે ત્યારે સરુ, આસોપાલવ, નિલગીરી જેવા તરૂવરો નમી જાય છે, અને બચી જાય છે !  વડલા-પીપળાઓ, અમે ન ઝુકીએની, ડંફાસ મારી સામા થાય છે અને મૂળિયા સોતા ઊખડી જાય છે !!  (વાવાઝોડા સમયે સિંહ-વાઘ મટીને સરુ બની જવું ! વાવાઝોડા કલાક બે કલાકના હોય છે !! આવે તેવા ચાલી  જાય !!!)   

क्षम्यतामपरं कदापि तवेदृशं न करोमि .
देहि सुन्दरि दर्शनं मम मन्मथेन दुनोमि .. ७

હે સુંદરી, મને ક્ષમા કરી દો. હવે પછી “તારી સામે” આવો અપરાધ કદી નહીં કરૂં ! (જરા રાજકારણ તો જુઓ ! અને શીખો !!) માટે દર્શન આપો અને મારો સંતાપ દૂર કરો.

हृदि बिसलताहारो नायं भुजङ्गमनायकः
कुवलयदलश्रेणी कण्ठे न सा गरलद्युतिः .
मलयजरजो नेदं भस्म प्रियारहिते मयि
प्रहर न हरभ्रान्त्यानङ्ग क्रुधा किमु धावसि ..

અષ્ટપદી પછીના આ પહેલા શ્લોકમાં કામદેવને પણ એમ કહી વીનવે છે કે હે કામ, (અનંગ) શું તું મને શંકર સમજે છે ? અને આથી ગુસ્સે ભરાઈ મને દુઃખ આપે છે ? અરે ભાઇ, આ મારા હૃદયસ્થળે ફૂલોની માળા છે કંઈ વિષધર સર્પ નથી ! મારી ડોકમાં જે નિલવર્ણ દેખાય છે તે નિલકમલના ફૂલોને લીધે છે કંઈ વિષને કારણે નહીં ! મારા આ પ્રિયાવિહીન દેહ પર ચંદનનો લેપ છે કંઈ ચિતાની ભસ્મ નથી ! માટે હે કામ, તું મારા પર તારા બાણો  ના વર્ષાવ. વગેરે વગેરે. (શંકરે કામદહન કરેલું તે પ્રસંગનો કવિએ અહીં ઉપયોગ કરી અને જાણે કામ હવે  કૃષ્ણને શંકર સમજી વેર લેવા આવ્યો હોય તેવું દૃશ્ય ખડું કરાયું છે.) ટૂંકમાં પ્રિયતમા પાસે નથી ત્યારે કામ પણ  જાણે વેરી બનીને કનડવા આવ્યો હોય તેવો મનોભાવ છે. આગળ પણ કેટલાક શ્લોકમાં આ રીતે જાણે કામદેવને  સમજાવવાનો પ્રયાસ કરાયો છે. એક આડવાત લઇએ તો, કવિએ આ પ્રસંગનો સમય વસંત બતાવ્યો છે, એટલે  કે આંબા પર આમ્રમંજરીઓના ફાલવાફૂલવાનું ટાણું !! (અમારે ગીરમાં આમ્રમંજરીને “મોર” કહે છે, આંબો કોળે  અને જીણા જીણા માંજર બેસે તેને આંબે મોર આવ્યો એમ કહેવાય) કૃષ્ણને આ આમ્રમંજરીઓ જોઇને એમ લાગે  છે કે જાણે કામદેવે પોતાનું ’આમ્ર મુકુલ’ બાણ ચઢાવ્યું છે.

કામદેવના પાંચ પ્રકારના પુષ્પબાણ ગણાયા છે. વાત નીકળી જ છે તો ચાલો એ પાંચે બાણનાં નામ પણ જાણી જ લઇએ ! (૧) આમ્ર મુકુલ (૨) અશોક પુષ્પ (૩) મલ્લિકા પુષ્પ (૪) માધવી પુષ્પ (૫) બકુલ પુષ્પ.
(મોટા, હવે ખબર પડી, આ “મલ્લિકા” શેરાવત આટલી ફેમસ કેમ છે :-) ! એમ તો “અશોક” પણ છે હો ;-) )

तानि स्पर्शसुखानि ते च तरलाः स्निग्ध दृशोर्विभ्रम-
स्तद्वक्त्राम्बुजसौरभं स च सुधास्यन्ती गिरां वक्रिमा .
सा बिम्बाधरमाधुरीति विषयासङ्गेऽपि चेन्मानसं
तस्या लग्नसमाधि हन्त विरहव्याधिः कथं वर्धते ..

આગળના આ શ્લોકમાં નાયક કહે છે કે, વિરહ તો ત્યાં હોય જ્યાં વિયોગ હોય. અહીં મારું મન તો રાધા સાથે સંલગ્ન છે છતાં મને કેમ વિરહની વેદના થાય છે ? કદાચ મનઃસંયોગ છતાં ઈન્દ્રિયસંયોગનો અભાવ આ વિરહનું કારણ હશે. મનથી તો હું તેના સુકોમલ સ્પર્શનો અનુભવ કરી શકું છું, પ્રેમાદ્ર નેત્રોમાંથી વહેતા પ્રેમરસને જોઇ શકું છું,  તેના મુખકમલની સુગંધ અનુભવું છું, તેની મધુર વાણી જાણે મારા કાનમાં સંભળાય છે અને તેનાં રક્તવર્ણા ઓષ્ઠનો મધુર સુધારસનું જાણે હું પાન કરી શકું છું. આમ પાંચે પ્રકારના વિષયોને હું માણી શકતો છતાં કેમ વિરહની વ્યાધિ વધતી જ જાય છે ? 

અહીં વિચારકો દરેક શ્લોકના ઘણા ઘણા અર્થ કરી શકે છે. આ ભૌતિક જણાતી ક્રિયાઓના અધ્યાત્મિક અર્થો પણ થયા છે. ઊંડાણમાં ડૂબકીઓ મારવાનો શોખ હોય તેને હાથ બહુમૂલ્ય મોતીઓ લાગે પણ ખરા. મેં તો મારી સાદીસીધી સમજ મુજબ, મેં જે થોડુંઘણું આ વિષયે વાંચ્યું તે મુજબ, અને હાલના સમે વ્યવહારૂ જણાય તેવી સીધીસાદી રીતે આપને આ સર્ગનો ટૂંક પરિચય કરાવવાનો એકદમ નાનકડો પ્રયાસ કર્યો છે. વાત કૃષ્ણની હોય ત્યારે સખ્યભાવ પણ સ્વિકાર્ય છે એ ન્યાયે થોડી હળવી શૈલીનો પ્રયોગ કરવા પ્રયત્ન કર્યો છે, મનમાં કોઈને દુઃભવવાનો દુર્ભાવ નથી. સૌ જ્ઞાનપીપાસુ મિત્રો આ  સ_રસ કૃતિ જાતે વાંચે અને પોતાની રીતે સમજી તેનો આનંદ માણે તેટલું જ ધ્યેય છે. અહીં આ ત્રીજો સર્ગ  સમાપ્ત થાય છે અને હવે પછીના ચતુર્થ સર્ગમાં, જેમાં રાધાજીની એક સખી, યમુનાતટે, નિકુંજમાં, વિષાદમય  ચિત્તે બેઠેલા કૃષ્ણ પાસે આવી, રાધા અને કૃષ્ણનું મિલન કરાવવાની ઇચ્છાથી, કૃષ્ણ વિરહમાં રાધાની શું સ્થિતિ છે તેનું વર્ણન કરશે તે જોઇશું. અહીં આઠમું ગીત શરૂ થાય છે.

निन्दति चन्दनमिन्दुकिरणमनु विन्दति खेदमधीरम् .
व्यालनिलयमिलनेन गरलमिव कलयति मलयसमीरम् ..
सा विरहे तव दीना
माधव मनसिजविशिखभयादिव भावनया त्वयि लीना .. १ 

રાધાજીની સખી આવી અને કૃષ્ણને કહે છે; હે માધવ, આપના વિરહમાં ક્ષીણ થયેલી, કામદેવના બાણોની વર્ષાના ભયે ભયભીત એવી આપનામાં ધ્યાન પરોવી, આપનામાં મગ્ન બની અને આપને શરણે થયેલી છે. શરીર પર કરાયેલો ચંદનનો લેપ તેને ઠંડક આપવાને બદલે દાહક લાગે છે, ચંદ્રનાં કિરણો તેના હૃદયમાં અગ્નિ પ્રગટાવે છે, મલય પવન તેને ઝેર સમાન લાગે છે. કારણ આ બધું કામને પ્રદીપ્ત કરનાર છે.

આ ગીતમાં આગળ પણ રાધાજીની વિરહ વ્યથાનું વર્ણન છે. જેમ કે, તમારી પ્રતીક્ષામાં ફૂલોની સેજ સજાવીને રાખી છે પણ પોતે તો કંટકાચ્છાદિત ભૂમિ પર શયન કરે છે, આંખોમાંથી અવિરત આંસુની ધાર ચાલુ રહે છે, કસ્તૂરીના રસથી આપનું ચિત્ર દોરે છે જેમાં આપના હાથમાં આમ્રમંજરીનાં બાણ અને આપના વાહન તરીકે મકર (ઘડિયાલ-મગરની એક જાતિ, જે કામદેવનું વાહન મનાયું છે)નું ચિત્ર બનાવે છે. ટૂંકમાં આપને જ સ્વયં કામદેવ સ્વરૂપે આલેખે છે.

आवासो विपिनायते प्रियसखीमालापि जालायते
तापोऽपि श्वसितेन दावदहनज्वालाकलापायते .
सापि त्वद्विरहेण हन्त हरिणीरूपायते हा कथं
कन्दर्पोऽपि यमायते विरचयञ्शार्दूलविक्रीडितम् ..

હે કૃષ્ણ, આપના વિરહમાં મારી પ્રિયસખી (રાધા) એક હરણી જેવું વર્તન કરવા લાગી છે. પોતાના આવાસને તે અરણ્ય સમજે છે, સખીઓ તેને પારાધીની જાળ જેવી લાગે છે (કારણ મનમાં તો કૃષ્ણ છે પણ શરમનું માર્યું આસપાસ બેઠેલી સખીઓ સાથે વાતચીતમાં પ્રવૃત થવું પડે છે) આ સ્થિતિ કયા પ્રેમી યુગલે નહીં અનુભવી હોય ? કોણ એવું હશે જેણે મન મારીને મિત્રો-સખીઓની વાતોમાં પ્રવૃત નહીં થવું પડ્યું હોય ? અને મને તો એમ પણ લાગે છે કે ક્યારેક તો જાણતા હોવા છતાં, આપણા જીવ બાળીને આનંદ મેળવવાના પિશાચિ હેતુસર જ મિત્રો ક્યારેક આપણા લોહી પીતા હોય છે !! કે ખોટી વાત ? (યુવાઓ માટે મોરલ ઑફ ધ સ્ટોરી; મિત્રોને પણ સ્પેસ આપો !! બાકી ભવિષ્યમાં ભાભીશ્રીના હાથની ખાંડ વિનાની ચા પીવા તૈયાર રહેજો :-) મિત્ર સિનેમાની બે ટિકિટ લાવવાનું કહે તો બે જ લાવવી, ત્રણ નહીં !!! ) તેને પોતાનો શ્વાસ પણ વનમાં લાગેલા દાવાનળ જેવો દાહક લાગે છે અને કામદેવ જાણે શિકાર કરવા નીકળેલો સિંહ હોય તેમ આ હરણી સમાન રાધાજીના પ્રાણ હરવા તત્પર લાગે છે. આમ આ શ્લોકમાં લુપ્તઉપમા તથા વિરોધાભાસ અલંકારનો ઉપયોગ થયો છે, છંદ શાર્દૂલવિક્રીડિત છે. (આ ગીતગોવિંદમ્‌નું કાવ્યશાસ્ત્ર માટે પણ જાણકારો કે ઉત્સુકજનોએ વિશ્લેષણ કરી સૌને આનંદ આપવા જેવું છે. મારો તો આમા કંઇ ટપ્પો ના પડે ! પણ કોઇ જાણકાર મિત્ર ગુજરાતીમાં આવું જ્ઞાન આપવાની મહેનત કરી શકે ખરા. મને તો વળી આ વાંચવા મળેલું તેથી આટલો ઉલ્લેખ કર્યો.)

અહીંથી હવે નવમું ગીત શરૂ થાય છે. જેમાં પણ સખી કૃષ્ણ સમક્ષ શ્રી રાધાજીના વિરહનું વર્ણન કરે છે.

स्तनविनिहितमपि हारमुदारम् .
सा मनुते कृशतनुरतिभारम् ..
राधिका विरहे तव केशव .. १

કેશવ, આપના અતિશય વિરહમાં રાધિકાની કાયા એટલી બધી કૃશ થયેલી છે કે હવે તો તેને પોતાના સ્તન પર રહેલા મનોહર હાર પણ ભારરૂપ લાગે છે.  આગળના શ્લોકોમાં કહેવાયું છે કે તેને પોતાના શરીર પર કરાયેલો  ચંદનનો લેપ વિષ સમાન લાગે છે. તેના કમલ સમાન નેત્રોમાંથી ચારે તરફ અશ્રુબિંદુઓનો છંટકાવ થઈ રહ્યો  છે. (કારણ તમે કઈ દિશામાંથી આવશો તે જોવા વારંવાર ચારે દિશામાં સજળ નયન ફેરવ્યે રાખે છે) સામે જ  બીછાયેલી લાલ લાલ તાજાં ફૂલોની શય્યાને પણ તે જાણે સળગતી આગ હોય તેમ જોયા કરે છે. વિરહને કારણે  હવે તેનો પ્રાણત્યાગ જાણે નિશ્ચિત જ છે બસ નિરંતર શ્રીહરિ શ્રીહરિનો જાપ કર્યા કરે છે.

स्मरातुरां दैवतवैद्यहृद्य
त्वदङ्गसङ्गामृतमात्रसाध्याम् .
विमुक्तबाधां कुरुषे न राधा-
मुपेन्द्र वज्रादपि दारुणोऽसि ..

હે દેવોના વૈદ્ય (અશ્વિનીકુમાર) કરતાં પણ સુનિપુણ, સુચિકિત્સક શ્રી કૃષ્ણ, હે ઉપેન્દ્ર, અનંગતાપ (કામજ્વર)થી પીડિતા રાધા એકમાત્ર આપના અંગસંગરૂપી ઔષધામૃત વડે જ જીવનદાન પામી શકે તેમ છે. જો આપ આ દુઃસાધ્ય રોગવાળી કામાતુર રાધાને બાધા રહિત નહીં બનાવો તો આપ વજ્રથી પણ કઠોર (હૃદય વાળા) ગણાશો.  અહીં આ પ્રકારે અન્ય શ્લોકમાં પણ સખી દ્વારા રાધાજીના વિરહ અને કૃષ્ણને સમજાવવાની વાતો આવે છે. અંતે શ્રીરાધાની વિકળતાનું વર્ણન સાંભળી શ્રી કૃષ્ણ અવાચક – સ્નિગ્ધ – ચેષ્ટાશૂન્ય બની જાય છે. અને આપણો આ ચતુર્થ સર્ગ અહીં સમાપ્ત થાય છે. હું પણ હવે અહીં આ વિરહગાન વાંચતો વાંચતો ચેષ્ટાશૂન્ય બનું છું ! અમે પણ वज्रादपि दारुणोऽसि સમજાવા લાગીએ તે પહેલાં !! જય શ્રીકૃષ્ણ, ફરી મળવાના વચનસહઃ આભાર.