Tag Archives: ખેડૂત

ચિત્રકથા – સાતમ આઠમ

મિત્રો, નમસ્કાર.
હમણાં જન્માષ્ટમીનાં તહેવારો ગયા, સૌરાષ્ટ્રમાં આ બહુ મહત્વના તહેવારોમાંનો એક ગણાય. લોકબોલીમાં તેને ’સાતમ-આઠમ’નો તહેવાર કહેવાય. ઘરે ઘરે મીઠાઈ-ફરસાણ બને, ગામે ગામ લોકમેળાઓ ભરાય, એકંદરે નાના-મોટા, સ્ત્રી-પુરુષ-બાળકો, અમીર-ગરીબ, શહેરીજનો-ગ્રામ્યજનો સૌનો માનીતો આ તહેવાર. એક કહેવત છે કે ’ઊંટનું મોં મારવાડ ભણી’ તેમ અમને સાતમ-આઠમ આવે એટલે વતનનું ગામડું યાદ આવે. તો આજે લાંબી કથા નથી કરવી ! આપને ચિત્રોના માધ્યમે અમારી સાતમ-આઠમની સફરના સંભારણાઓમાં સહભાગી બનવા આમંત્રણ જ આપી દઉં.

આ છે પોરબંદરના મેળાની નાનેરી ઝલક. અને હવે ઊપડીએ ગામડે.

રક્ષાબંધન તો ભાઈ-બહેન મળે ત્યારે પણ થાય ! અમે સાતમનાં દિવસે કરી ! મારો વીરો ઘરે આવ્યો લાવ ’બરેવળું’ બાંધી આપું. ખમ્મા મારા વીરા. (અમારા પ.પૂ.પિતાશ્રી અને તેમનાં બહેન એટલે કે અમારા ફઈબા કમ સાસુમાં ! ચોંકશો નહીં, અમારે મામા-ફુઈના મળે તો બહાર ક્યાંય લગ્ન કરે જ નહીં ! વધુ ક્યારેક ડાયરામાં ચર્ચા કરીશું.)

અને આ છે ગામ બહાર નાનકડી ટેકરીની ઓથે આવેલું શીતલામાતાનું મંદિર, જેને લોકો શીતળાઆઈનું ડેરું કહે છે અને સાતમના દિવસે ચોખાના લોટની કુલેરનો પ્રસાદ ધરાવે છે જે અમે બાળક હતા ત્યારે ધરવ કરીને ખાતા ! હવે ’મોટા’ કહેવાઇએને એટલે જરા અમથો ખાઈને મોટપની ’મઝા’ માણીએ છીએ !! લોકો માને કે શીતલામાતાને કુલેર ધરાવીએ તો શીતળાનો રોગ (chickenpox કે smallpox ?) ના થાય, જો કે પછી રસીકરણ શોધાયું અને માતાજી આ જવાબદારીમાંથી નિવૃત થયા ! હવે એમના થકી વર્ષે એકવાર આ આરોગ્યપ્રદ કુલેર ખાવા મળે છે એટલો એમનો અનુગ્રહ રહ્યો.

અહીં બાજુમાં નાનકડી ટેકરી આવેલી છે જે ’હિણાજીયા કોઠા’નાં નામે ઓળખાય છે. તે પર પણ તેન્ઝિંગની અદાથી આરોહણ કર્યું ! (આ તેન્ઝિંગ નોર્ગે સાથે અમારે એક અંગત સંબંધ છે, અમે ’ટીન’ (nineteen) વટાવ્યું તે જ દહાડે આ વીરપુરુષે આ જગત વટાવ્યું) આ ટેકરી પર ગ્રામ્યલોકો દેશી ઊપચારોમાં વાપરે તેવી કેટલીએ વનસ્પતિ છે, બધીને તો અમે પણ નથી ઓળખતા પણ જોડેનાં સાથીદારે કેટલીકની ઓળખ કરાવી, થોડા ચિત્રો એ હર્બલ મેડીસિન્સનાં. (ઓળખ અને ઉપયોગ જાણકાર મિત્રો અહીં જણાવશે તેવી વિનંતી.)

આ ટેકરી પરનો એક પથ્થર જોતાં, વળી એ ’નાના’ હતા ત્યારનાં સંસ્મરણો તાજાં થયા. આ પથ્થર પર કોતરેલું ચિત્ર (હવે ઝાંખું પડી ગયેલું !) ’નવકૂકરી’ નામક એક ટાઈમપાસ દેશી રમતનું છે. બસ ગમે ત્યાં આ ચિત્ર બનાવો, થોડી કાંકરીઓ એકઠ્ઠી કરો અને મંડી પડો. આમ તો શૂન્યચોકડીની રમત જેવા નિયમો હોય છે, હવે પાકેપાયે યાદ નથી રહ્યા, કોઈ વડીલ જાણતા હોય તો થોડું માર્ગદર્શન કરે તેવી વિનંતી. એક દેશી રમત ફરી સજીવન થાય.

અને આ છે લીલુડી ઓઢણી ઓઢેલી ધરતીનું વિહંગાવલોકન.

અને આ થોર (ક્રેક્ટસ)નો એક પ્રકાર છે, અહીં તેને ’કટારો’ કહે છે. ખેતર ફરતે આની વાડ કરાય છે, કાંટેદાર વાડ બાહ્ય, ઘૂસણખોર પશુઓને ખેતરમાં આવતા રોકે છે, કહો કે ઈકોફ્રેન્ડલી વાડ ! આપણે ત્યાં ભાઈ બહેન પર હાથ ઉગામે (મારામારી કરે) તો વડિલો બીક બતાવે કે બહેનને હેરાન કરીશ તો તારા હાથમાં કટારો ઉગશે ! (હવે જોઈ લ્યો, આવા હાથનું પોસાણ થાય ?) 

 અને સાથે આ સફેદ અને જાંબલી રંગનાં પુષ્પને તો ઓળખી જ ગયા હશો ! બસ એ જ, બજરંગબલીને ચઢાવાતો ’આકડો’. (આપણે ગુજરાતીમાં નબળી, બહુ મજબૂત નહીં એવી રીતે ગોઠવાયેલી કોઈ ચીજ માટે કહેવાય છે ’આકડાનો માંડવો’, આ કહેવત આ બટકણા આકડાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હશે !)

અને આ છે આપણા “જગતના તાત”નું જીવન ! જો કે તેને કશી ફરિયાદ નથી, કેમ કે તેને માટે તો કર્મ છે, ધર્મ છે. પણ લોક બધું મેળામાં મહાલે, અમે દુકાનને થોડા દહાડા તાળા મારી દઈએ, નોકરિયાત બે રજાને બે-ચાર હક્ક રજાનો મેળ પાડી નીકળી પડે પરંતુ માંડવી (મગફળી) સુકાતી હોય તેમાં કંઈ હક્ક રજાની જોગવાઈ ન હોય ! એ તો સાતમ હોય આઠમ હોય કે પછી દિવાળી, કામ પહેલાં. જગતનાં તાતનું બિરુદ કંઈ એમ અમથું જ નથી મળતું ! (અગાઉ અમે એક ’કર્મણ્યે વાધિકારસ્તે’ નામક ચિત્રકથા કરેલી તે પણ સમયાનૂકુલતાએ જોઈ જવા વિનંતી). પણ પછી એય ને ફુવારાઓ ચાલુ થયા અને તેની ઠંડકની શું વાત કરૂં !! પણ મોજ પડી ગઈ (પડે જ ને ! મારે ક્યાં ફુવારાના પાઈપ ફેરવવા પડ્યા હતા ! મારે તો આરામથી ફોટા પાડવાની મહેનત જ હતી !! આમે અમારે ગામડામાં બે દહાડા તો મહેમાન પાસે કામકાજ ન કરાવે ! એટલાં ભલા માણસો ખરા :-) )

અને આ ખેતરને શેઢે ખીજડો. લોકો તેને પવિત્ર વૃક્ષ ગણે, તેમાં ’મામા’ (એક પ્રકારનાં લોકદેવતા)નો વાસ મનાય. ચાલો એ બહાને વૃક્ષોનું રક્ષણ તો થાય !

આ છે મગફળીનો ફાલ, લગભગ પંદરેક દિવસમાં ઓળા ખાવા મળશે. અત્યારે તો આ દૂધે ભરાતી, નરમ નરમ અને મીઠી મીઠી માંડવીનો ધરવ કીધો. અને હા આ નવું મકાન દિવાળીએ તૈયાર થઈ જશે, હવે પછી રજાઓમાં આ બનશે અમારું નવું ઠેકાણું ! (છોકરાંઓનાં મામાનું ઘર છે એટલે આપણને પણ બે દહાડા ઓશરીમાં પડ્યા રહેવા તો દેશે જ ને ?! એમ તો માણસો ભલા છે :-) ) લોક સાહિત્યમાં વિવિધ પ્રકારનાં દુઃખ વર્ણવ્યા છે, એમાનું એક દુઃખ અમે પણ પાળ્યું છે !
’અંધારી રાત ને બળદીયા કાળા,
વઢકણી વહુ ને ગામમાં સાળા.’ :-) આખું કવિત ક્યારેક ડાયરામાં માંડીશું.

અને અંતે આ ચિત્રો છે જન્માષ્ટમીની રાત્રે, ગામમાં આવેલાં સુંદર મંદિરોનાં સંકુલમાં ભજવાતા ભવાઈવેશનું. અહીં સાતમથી શરૂ કરી નોમની બપોર સુધી ભવાઈ રમાય છે. (લોકભાષામાં ’ભવાયા રમ્યા’ તેમ કહેવાય) આ ભવાઈમાં સ્ત્રીનો વેશ પરિધાન કરી અને ગીત, ગરબા, લોકગીત (અને હવે તો ફિલ્મીગીત પણ)ના તાલે ખાસ પ્રકારનું નૃત્ય કરવામાં આવે. નાના નાના નાટક જેવું પણ કરાય. રંગલા રંગલીનાં ફારસ પણ હોય. જોનારા ખુશ થઈ અને કંઈ કંઈ આપે તેમાંથી તેની આજીવિકા ચાલે. એક પ્રાચીન કલા છે જે હવે બહુ ઓછી જોવા મળે છે. (આપણા યશવંતભાઈએ નેટ પર, લખાણોમાં, આ કલાને જીવંત રાખવાનું સત્કાર્ય કર્યું છે, અહીં યશવંતભાઈને વાંચનારા મિત્રો તો આ ભવાઈ, રંગલો, રંગલી જેવા પાત્રોથી પરિચિત હોય જ.) અને પછી બરાબર મધ્યરાત્રીએ એ પૂર્ણપુરુષ, પુરુષોત્તમ, લોકનાયક, કૃષ્ણ કનૈયાનો જન્મોત્સવ ઊજવાયો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કિ. અમે તો માખણ-મિસરી અને પંજરીનો ધરવ કર્યો. આપણા એકે ભગવાને ભુખ્યા રહેવાનું કે અકારણ દુઃખી થવાનું શીખવ્યું નથી ! નરસિંહનાં શબ્દોમાં કહીએ તો; ’આ જીવન એક અનંત ઉત્સવ છે’.

તો આ હતી અમારી ’સાતમ-આઠમ’. આ ઉપરાંત પણ ઘણું જોવા-જાણવા-માણવા જેવું રસપ્રદ હોય છે. જેમ કે ખાસ સાતમ માટે બનતા ’થેપલાં’ (આ થેપલાં એટલે આપ ગળી પુરી કહી શકો જે ખાસપણે ત્રિકોણ આકારની અને ચાર પડ વાળી હોય છે), ’વાનવા’ (જે ફરસાણ હોય છે, આપે ખાખરા તો ખાધા હશે, આ તેનું દેશી સ્વરૂપ !), અને મોહનથાળ કે ઠોર કે સાટા (ગળી ખાજલી) જેવી મીઠાઈ તો ખરી જ. અમુક શોખીન રજનીભાઈને યાદ કરીને મંડી પડેલા પણ દેખાય !! અને અમુક વળી વિવિધ રંગનાં આલ્હાદક ?? પીણાઓ પર પણ મંડાયા હોય ! (પહેલાં માત્ર પાણીકલરનું પીણું જ દેખાતું, જેને ’દેશી’ એવું નામાભિધાન કરાયું છે, પણ કોઈ કોઈ લોકો ભુપેન્દ્રસિંહજીને વાંચી ગયા હશે તે હવે રંગોની ભાન પણ આવી છે !) જેવો જેનો શોખ અને જેવી જેની સગવડ. અમે તો એક રાત્રે વાડીએ ભજિયા અને એક દા પકોડાની પાર્ટી કરેલી ! પીણાઓ અને પાનાઓ (બાવન જ સ્તો !)બાબતે તો જે શી ક્રિષ્ના !! પચે પણ નહીં અને પરવડે પણ નહીં ! (અહીં ’પરવડે’ શબ્દ મહત્વનો ગણવો ! અર્થાત્ કોઈ સ્વખર્ચે સલાહ કરશે તો પાચનશક્તિ તો અમે કેળવી લેશું :-) ) તો લ્યો સર્વે મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આભાર.

સંસ્કૃતિ (ગ્રામ્ય સંસ્કૃતિની સ્ત્રીઓ)

મિત્રો નમસ્કાર, (આ નમસ્કાર કહેવું તે એક અનોખી સંસ્કૃતિની શરૂઆત કરે છે)
વાત એક નાનકડા ગામની, કયું ગામ તે બહુ મહત્વનું નથી. આ મારૂં ગામ, આપનું ગામ, આપણું ગામ, કોઇપણ ગામ હોઇ શકે. માત્ર વાતની સરળતા માટે હું અહીં કર્તાપદે રહું છું, બને કે આપને આ આપના અનુભવો જ લાગે. તો ચાલો આજે થોડી વાત માંડીએ આપણી એ વખાણવા અને ગૌરવ અનુભવવા લાયક ગ્રામ્ય સંસ્કૃતિની.

વાર-તહેવારે કે કોઇ સારા-માઠા પ્રસંગોએ ગામડે જવાનું તો બનતું જ હોય છે. નિરિક્ષણ અને નોંધ લેવાની આદતવશ આ થોડા અલગ પડતા જીવનની યાદોનો સંગ્રહ થતો રહે. આ યાદોનાં ઘેઘુર વનનાં થોડા ફળ આપના માટે. તો આજે ખાસ ખાસ સ્ત્રી પાત્રોની થોડી યાદ.

પોરબંદરથી આગળ ગ્રામ્ય વિસ્તારમાં થઇને જતી કોઇપણ બસમાં બેસો એટલે ધ્યાનથી બેસવું ! આસપાસ જોઇ લેવું કે કોઇ સ્ત્રી (ખાસ તો નાના બાળકને તેડેલી સ્ત્રી) બેસવાની જગ્યા ન મળવાને કારણે ઉભી તો નથી ને.જો એ ઉભી હોય અને તમે બેઠેલા હોય તો કોઇ ડોશીમાંનું (અમે તેમને “આઇ” કહીએ) ધ્યાન પડે તે પહેલાં ઉભા થઇ અને તેમને બેસવાની જગ્યા કરી આપવી. નહીં તો સમજો કે આપણી સાત પેઢીનો, આપણે માટે પણ અજાણ્યો એવો, ઈતિહાસ એક ખાસ ભાષામાં સાંભળવા મળવાના ચાન્સ પૂરેપૂરા !! આમાં અમારા આ આઇઓ પાછા સમજદાર પણ ખરા, અમારા જેવા સ્થાનિક માણસને જ પકડે, કોઇ બહારગામનાં પ્રવાસીઓ હોય તેમને નહીં ! કહે કે; આ બાર્યનાં લોક તો બચાડા જાત્રાળુ કે‘વાય, છેટા પલ્લેથી આવતા હોય તી થાક્યા પણ હોય પણ તમીં લુંઠીયા લડધાવ જગા રોકેને બેસે ગ્યાતી શરમાતા નેથ ? ઉભા થાવ, બાયુને બેસવા દ્યો !

આ ગામડાઓમાં આજે પણ સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સ્વભાવગત જ કે પરંપરાગત જ કેવી ઠાંસોઠાંસ ભરી હોય છે કે ખેતરાઉ માર્ગે, કોઇ ગાડાકેડામાં કે સાંકડીગારીમાં પુરુષો ચાલીને કે ગાડું કે હવે કોઇ બાઇક જેવું વાહન લઇને જતા હોય પણ સામેથી કોઇપણ બાઇમાણસ આવતું જણાય એટલે એકબાજુ તરીને ઉભી જવાનું, સ્ત્રીઓને પ્રથમ નીકળવા દેવાની અને એ પણ એ રીતે કે તેમને સંકોડાવું ન પડે. મારગે માથેથી મોટલી કે ભારો ઉતારી અને થાક ખાતી સ્ત્રી અજાણ્યા જણને પણ કહી દે કે ભાઇ, માથે ભારો ચઢાવજો તો; અને તેને ભારો ચઢાવવા સહાય કરવી તે પુરુષની ફરજ ગણાય.  ગોંડલના ગામોમાં તો ગોંડલબાપુએ જે તે સમયે આ માટે ખાસ ઓટલાઓ બનાવી બહેન દિકરીઓને સહાયની અદની ભાવના રાખેલી જે માટે આજે પણ જનતા તેમને સંભારે છે. 
(આ ’લેડિઝફર્સ્ટ’નું સૌજન્ય તો આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા ?!  Sorry અંગ્રેજો !!)

આવું જ એક ખાસ ધ્યાન પાણીકેડાનું પણ આવેલ છે. જે સમયે અને જે મારગે બહેનો પાણી ભરવા જતાં હોય તે મારગે, તે સમયે ભાગ્યે જ કોઇ નવરાધૂપ બેઠાબેઠા ગામગપાટા હાંકતા જોવા મળે. અને કોઇ ભુલ કરી પણ ગયું તો આગળ કહ્યું તેમ કોઇ માથાફરેલ બાઇના મોંએથી સરસ્વતિ સાંભળવા પણ મળી જાય. એ જ રીતે આ મારગે કોઇથી કશું બાધણું વળગણું પણ ન કરાય ! બાધવું જ હોય તો ક્યાંક છેટે જવું પડે ! જોયું તો નથી પણ ગલઢેરાંઓના મોં એ સાંભળ્યું છે કે ગામમાં કે સીમમાં ગમે ત્યાં અને ગમે તેવું ધીંગાણું થયું હોય પણ ગામની કોઇ વહુવારૂ નીકળે અને પોતાની ઓઢણી વચ્ચે નાંખે એટલે એ સમય પુરતું ધીંગાણું બંધ રાખી સૌએ સૌ સૌના મારગે વહેતું પડવાનું રહે. કહે કે બાઇમાણસની ઓઢણી કોઇથી ઉથાપાય નહીં. (આ બધી મરદ માણસોની વાતુ છે; દ્રોપદીના ચીર ખેંચનારા દુઃશાસનોની નહીં !!)

મધ્યપ્રદેશની હદ લગોલગના આદિવાસી પટ્ટામાંથી આવેલા એક મિત્રએ સલાહ આપેલી કે અમારા વિસ્તારમાં આવો અને કોઇના ખેતર-ખોરડે જાવ તો ફળીયામાં કે ઓશરીમાં પડેલા ખાટલે ધબ દઇને બેસી ન પડવું ! નાહક મુશીબતમાં મુકાઇ જશો ! ઘરધણી ચીંધે ત્યાં જ બેસવું. કારણ ? એ વિસ્તારમાં બાઇ કરીયાવરમાં લાવેલ ખાટલા પર બેસવાનો હક્ક માત્ર તેના ધણીનો ! નાનેરાઓ કે બાળકો બેસી શકે પણ મોટેરાઓ અને અજાણ્યાઓથી એ ખાટલે ન બેસાય !! એ બાઇનું અપમાન ગણાય. અમારી બાજુ પણ હજુ આવું ચલણ ખરૂં, વહુવારુના આણાના ઢોલીયા પર આજે પણ વડીલ માણસ ન બેસે. આ કદાચ સ્ત્રીઓનાં સામ્રાજ્યક્ષેત્રને માન્યતાના પ્રતિકરૂપ ગણાતું હોય.

અમારા એક આઇ શહેરમાં આંટો દેવા આવેલાં, નવરાત્રી આસપાસનો સમય હશે, મહિલાવૃંદ બધું તે સમયે બહુ ઇનથીંગ ફેશન ગણાતી બેકલેસ ચોલીના ગુણગાનમાં પડેલું ! તેમાં આઇએ કહ્યું; ’માડી, તમ તો બઉ મોળા સુધર્યા ! અમારે તો બાયુ હજારુ વરહથી વાંહા વનાના કાપડાં જ પેરે છે !!!’(ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ જે બેકલેસ ચોલી પહેરે છે તેને કાપડું કહેવાય). આઇને ઘણું સમજાવ્યા કે આઇ, તમે ગામડાનાં દરજી પાસે સીવડાવીને, સો-સવાસોનું જે પહેરો છો તે કાપડું, એ પછાત લોકોનો પહેરવેશ કહેવાય અને આંયા આ બાયુ હજાર પંદરસોમાં, ડિઝાઇનર શોરૂમમાંથી, લાવીને પહેરે તેને બેકલેસ કહેવાય જે આધૂનિક ગણાવા માટે જરૂરી !!!
આઇ કહે; મરે તમારૂં બેકલેસ !! આટલાં મોંઘા પે‘રો તો તો ભાઇ બચાડો કાપડું કરી કરીને ભુખ ભેગો જ થાય ને !! (આપણે એક રીવાજ કે વાર તહેવારે ભાઇ પોતાની બહેનને કાપડું કરાવી દે, એટલે કે કાપડું લઇ આપે).

આપણે ત્યાં એક કહેવત છે, ’જર,જમીન અને જો્રૂ, એ ત્રણ કજીયાના છોરૂ’ આમાં જોરૂ કહેતા પત્નિ પણ ગણો તો આ વાત સાવ સાચી લાગે છે. લોકકથાઓમાં વાંચ્યું જ હશે કે અગાઉ સ્ત્રી પોતાના પતિને માથે વેર ગાજતું હોય ત્યાં સુધી ખાવામાં ચપટી ધૂળ નાંખીને જ આપતી. લાગે છે આપણા નમાલા નેતાઓની પત્નિઓ આ વાત જાણતી નથી !! કાઠીયાવાડીમાં કહેવત છે કે ’પુરુષની પાઘડીમાં જેટલા આંટા તેટલા સ્ત્રીના પેટમાં હોય છે’ અર્થાત, પુરુષ તો હજી ક્યારેક નમાલાપણું દાખવી જતું કરે પણ સ્ત્રી કદી ભુલે નહીં. સભ્ય અને સુસંસ્કૃત સમાજને કદાચ ન ગમે પણ આ આપણો જ એક સમાજ છે જ્યાં ’ઈંટનો જવાબ પથ્થરથી’ આપવાનું માતાઓ જ શીખવતી. હવે નહીં શીખવતી હોય એટલે નમાલા નરો પાકે છે !! કહે છે કે અંગ્રેજોએ સમગ્ર ભારત પર રાજ્ય કર્યું, પણ આમ જોવા જાવ તો આ ભારત આઝાદી પછી બન્યું ! ગુજરાતના તો બહુ ઓછા પ્રદેશો હતા જ્યાં અંગ્રેજોએ રાજ કર્યું હોય ! ત્યારે દેશ એટલે પોતાનું રાજ્ય કે રજવાડું ગણાતું, બાકી આઝાદી પછી તુરંત, હવે જુનાગઢ પણ આપણું એમ સમજાયું એટલે તુરંત, કોઇ લશ્કરી પીઠબળ વગર, સ્વબળે, જુનાગઢ ઝબ્બે કરનારાઓની પાછળ પણ આ માતાઓનું શિક્ષણ જ.  હૈદરાબાદની જેમ અહીં લશ્કરે કષ્ટ ન ઉઠાવવું પડ્યું !!  

અહીં મારી જાણકારીની વાતો જ લખી છે, બાકી બે દિવસ પહેલાં જ ખાલી હાથે લડી પોતાના બાળકને દિપડાના મોંમાંથી છોડાવનારી ગીરની વિરાંગનાના સમાચાર હોય કે માત્ર લાકડી લઇ સિંહને હાંકી કાઢનાર મેઘાણીની ચારણ કન્યા હોય, બધી આ ગ્રામ્ય સંસ્કૃતિની દેણ છે. હાથણી જેવી બે બે ભેંસુને કે ઢીંક મારી વંડી પાડી નાખે તેવા બળકટ બળદુની જોડ્યને કાબુમાં કરી પાણી પાવા લઇ જતી બાઇનાં કાંડામાં જોર તો ઝાઝેરૂં હોય જ પણ ધણી હાર્યે વાત એટલી જ કરેલી હોય કે; વાંકમાં આવું તો કટકા કરી ભોંમાં ભંડારી દેજે, ઉંહકારોય નહીં કરૂં, પણ વગરવાંકે કંઇ આડું અવળુંય બોલ્યો છે તો ઢાંઢુ ભાંગી નાખીશ !! મોરલ ઓફ ધ સ્ટોરી; દિકરીને કરિયાવરમાં વૉશિંગમશીન ન આપવું ! ધોકો આપવો !! વૉશિંગમશીન કંઇ ઉપાડીને મારી ન શકાય ! :-)

શહેરની બહેનોએ આ સંસ્કૃતિમાંથી (અને ખાસ તો છેલ્લા ફકરામાંથી !) કંઇક શીખવું જોઇએ તેવું નથી લાગતું ? તુલસીદાસજીએ ’ઢોલ, ગંવાર…’ લખતા પહેલાં કદાચ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં આંટો નહીં માર્યો હોય નહીં તો આવું લખવામાં જરા ચોખવટ રાખત ! (જો કે એ વાત પણ અલગ છે કે આ ચોપાઇનો સાવ એક અર્થ જ નથી થતો, અન્ય અર્થ પણ થાય છે) કોઇ ગમે તેટલા ઢોલ-નગારા વગાડે, અન્યાય સામે લડવામાં અગ્રેસરતા આવી માતૃશક્તિને હાથ આવશે ત્યારે જ લડાઇ આગળ ધપશે. આ તો થોડી ગામડીયા સંસ્કૃતિની વાતો લખી, હજુ મગજમાં થોડો તાવ છે, સાવ ઠંડુ પડી જાય !! ત્યારે આગળ ક્યાંક સારૂંસારૂં પણ લખીશું ! આભાર.

** ગોંડલીયું મરચું **

સાંભળ્યું છે કે અફઘાનિસ્તાનમાં પણ હવે સ્ત્રીઓનું સન્માન વધ્યું છે, હવે ત્યાં રસ્તે જતાં પત્નિ આગળ આગળ ચાલે છે અને પતિ પાછળ પાછળ !  જ્યાં જમીનમાં સુરંગ જ સુરંગ ભરી પડી હોય ત્યાં સ્ત્રીઓને આગળ કરવી જ પડે ને !!!

કર્મણ્યે વાધીકારસ્તે…એક ચિત્રકથા

“कर्मण्ये वाधीकारस्ते मा फलेषु कदाचन” સંસારમાં આ શ્ર્લોક સંપૂર્ણપણે જો કોઇને લાગુ પડતો હોય તો તે છે “જગતતાત”, “ધરતિપુત્ર”, “કૃષિકાર”, “ખેડુત”.  એવું નથી કે તેમને ફળની આશા નથી ! બલ્કે, ફળ માટે જ તો તેઓ આ કૃષિકર્મ કરે છે. પરંતુ છતાં અનાયાસે જ આ શ્ર્લોકનો ભાવાર્થ તેમને સચોટપણે લાગુ પડી જાય છે. કારણ કે ખેડ થી માંડી અને પાક તૈયાર થવા સુધીનો સમગ્ર વ્યવહાર મહદાંશે કુદરતને આધિન છે. છતાં હૈયામાં હામ અને મનમાં શ્રધ્ધા રાખી તેઓ વર્ષોવર્ષ તેમનું કર્મ કરે જાય છે. વરસ ક્યારેક સારું તો ક્યારેક માઠું પણ હોય, છતાં ખેડુનો દીકરો કદી મહેનત કરવામાં પાછી પાની કરતો નથી. કદાચ ન તો તેમણે ગીતા વાંચી છે, કે ન તો તે મોટાંમોટાં શાસ્ત્રો ભણ્યો છે,  છતાં તે એક ઉત્તમ કર્મયોગી છે. ટાઢ, તડકો અને વરસાદ પણ તેમને આ કર્મયોગમાંથી ચ્યુત કરી શકતા નથી. 

હમણાં વતનમાં ગયો ત્યારે મારા કેમેરાની આંખે આ કર્મયોગના થોડા સુંદર દૃષ્યો યાદ રાખી લીધા! મારી અલ્પ સમજણ પ્રમાણે હું એ આપની શાથે માણવાની કોશિશ કરૂં છું. વધુ કશું જણાવવા જેવું લાગે તો આપ પણ સહર્ષ આમંત્રીત છો. આ ચિત્રોમાં આપને માટીની ભીની સુગંધ આવે તો મહેનત સફળ ગણાશે! બાકી જણાવજો, આપણે તો ફરી ખભે ખડિયો (અહીં કેમેરો !!) નાખી અને વધુ સારૂં કામ કરવા માટે નિકળી પડીશું :-)  

  Farmar 02

આ ફોટોગ્રાફ પાંચ વર્ષ પહેલાંનો હોત તો દુ..ર પાછળ દેખાતો મોબાઇલ ટાવર આમાં ન હોત, કદાચ દશ વર્ષ પહેલાંનો હોત તો પાછળ દેખાતું ટ્રેક્ટર વડે ચાલિત આધુનિક મશીન પણ ન હોત, અને માનો કે આ ફોટો વિશેક વર્ષ પહેલાંનો હોત તો ખેતરનાં શેઢે દેખાતો વિજળીનો થાંભલો પણ ન હોત !

બાકી ખેડુત, જે માથું ફાડી નાખે તેવા તાપમાં (સમય બપોરે ૩:૩૦, તાપમાન- ૪૩ સે.) પણ બેઠોબેઠો ગાજર ગોડે છે, તે ત્યારે પણ એમજ કામ કરતો દેખાતો હોત. હજુ થોડી વધુ માહીતિ આપું તો આ ખેડુત શા માટે આટલા તાપમાં પણ મહેનત કરે છે ? શું ગાજર ગોડી (ખોદી) અને બજારમાં વેંચવાના છે ? નહીં ! આ ગાજર વેંચવા માટે નથી. (જો કે હોય તો પણ તે તેને માટે સ્વતંત્ર છે) અત્યારે ખેડુત એટલા માટે મહેનત કરે છે કે જેથી હમણાં રોંઢે (સાંજ પહેલાના સમયે) તેના વ્હાલા, પુત્રસમા, બળદો ભુખ્યા થશે. પાછા લાડકા રાખેલા બળદો વાસી ગાજર તો ખાશે નહીં !! આથી ગમે તેવો તાપ ભલે હોય પણ બળદો માટે તાજા તાજા ગાજર ઉપલબ્ધ કરાવવા તેને તે પોતાની ફરજ સમજે છે. (શોપિંગ અને પાર્ટીઓમાં જવાની લ્હાયમાં ખુદ પોતાના બાળકો માટે ભેગું થી રાંધી અને ફ્રિજ ભરી ભાગતી માતાઓ કંઇ ધડો  લેશે ??)Farm 01                           

           અહીં પાસેના ફોટામાં આપ પણ ઉનાળાની ગરમી અનુભવી શકશો.  જો કે આ બધા જ ફોટોગ્રાફ ખેંચતી વખતે  ફોટોગ્રાફર સાહેબ :-D છાંયામાં જ ઉભા રહેલા છે !!!

Coconut tree 02

અને લો હવે મે‘માન આવ્યા છે તો તેની મે‘માનગતી કરીએ !

શહેરોની વાત જવા દઇએ, ત્યાં તો અનુકુળતા મુજબ વર્તવું પડતું પણ હોય, પરંતુ મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે આગતાસ્વાગતા માટે ચા એકમાત્ર ચીજ બની ગયેલી છે. જો કે ચા ના શોખીનો સામે મારો કોઇ વિરોધ નથી ! પરંતુ જ્યાં અન્ય પૌષ્ટિક કુદરતી પીણાઓ ઉપલબ્ધ છે, (અને પાછા અલ્પખર્ચમાં પતે તેમ છે !) ત્યાં પણ શા માટે ચા કે અન્ય કાર્બોનેટેડ ઠંડાપીણાઓનો આગ્રહ રખાતો હશે ? કદાચ સુધરેલા દેખાવા માટે !!!

ગ્રામ્ય જગતમાં ખાસ તો છાસ, નાળિયેરપાણી, લીંબુશરબત કે અન્ય સ્થાનીક ઉપલબ્ધ પીણાઓનો (એ ’દેશી’ નું નામ કોણે લીધું ? :-) ) આગ્રહ રાખવામાં આવે તો કેવું સરસ ! જો કે અહીં મારા યજમાન સમજદાર છે, લીલા નાળિયેરનું પાણી આ ગરમીમાં તો અમૃત સમાન લાગ્યું.  અને લાગે પણ કેમ નહીં ? અહીં તો ખુદ યજમાન, જાતમહેનતથી ઉછેરેલી નાળિયેરીમાંથી, જાતમહેનતે નાળિયેર ઉતારી, ફોડી અને પોતાનો રૂડો સ્નેહ ભેળવેલું પીણું પ્રેમપૂર્વક પાય છે. અમથું કહ્યું હશે કે:

’કાઠિયાવાડમાં કોક દી, તું ભુલો પડ ભગવાન |

અને થાજે મારો મે‘માન, તને સ્વર્ગ ભુલાવું શામળા’ ||

અને હવે કર્મશીલતાને કારણે ઉત્પન્ન થયેલા થોડા મીઠા ફ્ળોનો પણ આસ્વાદ માણીએ, માણસ ખોટો જ ઉદાસ થાય છે. ન તો તેને જાત પર ભરોસો છે કે ન તો કુદરતની વિવેકબુદ્ધિ પર. બાકી કરેલું કદી નિષ્ફળ જતું નથી. હા, ક્યારેક આપણને સમજાતું નથી ! ક્યાંક એવા અર્થનું વાંચેલું કે ’કોઇને ઓછું કદી મળતું જ નથી, ફક્ત આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.’

Nature 22 Gadab flower Gundi fruit Carrot seed plant 02

તો મિત્રો અહીં મારા પ્રવાસની ફક્ત થોડી ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે. આમ તો  ક્યાંક ફરી આવ્યા પછી, ઘરે કોઇ મહેમાન મળવા માટે આવે તેને, હરખપદુડા થઇ અને, આપણા ફોટાઓનું આલ્બમ બતાવવાનો કેવો અદમ્ય ઉત્સાહ આપણને હોય છે ! બસ એવોજ આ ઉત્સાહ છે !! આપ ખોટાખોટા વખાણ પણ કરશો તો બીજું આલ્બમ બતાવવા માટે તૈયાર જ છે. :-D !  બાકી આપને વધુ રસ પડે તો મારા ’ફ્લિકર’ ફોટો આલ્બમ પર સાદર આમંત્રીત છો. આભાર.

(આ લેખ તા:૧/૪/૨૦૧૦ નાં “મહેર એકતા”  પાક્ષિકમાં પ્રસિદ્ધ થયો)