Category Archives: articals

જુ.કા.ના કુકા !

પ્રિય મિત્રો, નમસ્કાર.

મહાત્મા ગાંધીની આત્મકથા પૂર્ણ થઈ અને હવે ભદ્રંભદ્ર પૂર્ણતાને આરે છે.  આ તો થઈ હાલમાં ચાલતી પ્રવૃત્તિની ઝલક ! બાકી આજે આપણે માણવાના છે માન.જુગલકીશોરભાઈનાં આશીર્વાદથી તેમના કેટલાક “કુકા” ! હવે હું આ સમજાવવામાં નાનો પડું, એ કરતાં તો આપ છો અને જુ.ભાઈ છે ! તો માણો, શ્રી.જુ.ભાઈએ જેમ મોકલ્યા તેમનાં તેમ, કાના માતરનાં પણ ફેર વગર ;

જુ.કા.ના કુકા !

ગુજરાતીનો એકડો, મીંડાં પછેં હજાર;

માતૃભાષીને સાનમાં જુભૈ દીયે વચાર.

 

પરદેશે  પહોળા થવા  અંગરેજી હોઠે ધરી;

‘તારી’ તેં આઘી મુકી, જુભૈ ક્હે, ભારે કરી !

 

પરદેશે  તું પાંદડું, ઉડતાં  ન લાગે  વાર;

ઘરનાં નંઈ, નંઈ ઘાટનાં, જુભૈ સમજો સાર.

 

કક્કોબારખડી  બધું ઉંચે  અભેરઈએ ચડ્યું;

અંગરેજીની લા’યમાં જુભૈ ‘શું–શાં’ શું પડ્યું !

 

ભાષા–ભાષા શું  કરો,  ભાષાનું  શું જોર ?

ડોલરીયે ખીસ્સાં ભર્યાં, જુભૈ કરો ન શોર !

 

સાચુ–ખોટું સૌ લખો, ક્યાં  કોઈ પુછનાર ?

જુભૈ, ડસ્ટર ના હવે – બ્લૅકબોર્ડ–ભુલ લુછનાર !

 

જુભૈ બેઠા  એકલા, લમણે  દઈને  હાથ;

ભાષાને વળગી પડ્યું ભુર; ન કોઈ સાથ.

ક્યાં ખોવાયા છો ? (વિકિસ્રોત અને ગાંધીજી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
થોડા દહાડાથી ખોવાઈ ગયેલ તે બદલ ક્ષમાપ્રાર્થી છું ! ખોવાઈ જવાનાં ગળે ઊતરે તેવા અને ન ઊતરે તેવા પણ અનેક કારણો ગણાવી શકું છું ! કિંતુ મુખ્ય મુખ્ય કારણો ગણાવું તો પરીક્ષાઓ (બાળકોની સ્તો !), લગ્નગાળો, તાજી તાજી શરૂ થયેલ ગરમી વગેરે વગેરે ગણાય. ન ગણાવી શકાય તેવા કારણો વિષે માત્ર ખુલાસો કરીશ કે સચિન જેવો સચિન પણ દરેક મેચમાં સદી ના કરી શકે તો આપણે પણ, ભલે ૨૦-૨૨ વર્ષના અનુભવી હોઈએ, દરેક વખતે મસ્તકની સીધમાં આવતો પ્રહાર ન ચૂકવી શકીએ (વેલણનો જ સ્તો !!) :-)

પરંતુ માત્ર બહાનાબાજી ન કરવી હોય તો કહીશ કે એક નક્કર, અને વળી આપણે ગુજરાતી ભાષાનાં ચાહકો માટે ગૌરવપ્રદ એવું,  કારણ એ છે કે વિકિપીડિયાનાં ઘણાં મિત્રોની નિષ્ઠા અને ત્રણ ત્રણ વર્ષનાં અથાક પ્રયત્નને કારણે તા:૨૭-૩-૨૦૧૨નાં રોજ આપણું અલાયદું ગુજરાતી વિકિસ્રોત મળ્યું. (વિકિસ્રોત વિષયે માહિતી આપતો એક અગાઉનો લેખ વાંચનયાત્રા પર છે. વિકિસ્રોત (Wikisource) ગુજરાતી” ) હમણાં સુધી સૌ મિત્રોએ વિકિસોર્સનાં બહુભાષી પ્રોજેક્ટનાં એક ભાગરૂપ એવા ગુજરાતી સાહિત્ય સ્રોતનાં વિભાગ પર કામ કરવું પડતું હતું. જે પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં બહુ સાહિત્ય ન ચઢાવાયું હોય કે ન ઉપલબ્ધ હોય તેવી, નાની નાની ભાષાઓ પોતાનું સાહિત્ય સહિયારું ચઢાવે છે. સમૃદ્ધ સાહિત્ય વારસો ધરાવતી ગુજરાતી ભાષાનાં પ્રતિનિધિઓ તરીકે આ વાત સૌ મિત્રોને ખૂંચે તે પણ સ્વાભાવિક છે. હવે ગુજરાતીમાં “વિકિસ્રોત” તરીકે અલાયદી ઓળખ મેળવવી હોય તો વિકિનાં જે નિર્ધારિત નિયમો, શરતો છે તેને પૂર્ણ કરવી પડે. વિકિસ્રોત પર કાર્ય કરતાં મિત્રોએ આંખોમાં તેલ આંજી, માથાની ચોટલી બાંધી, આ કાર્ય સુપેરે પાર પાડ્યું. સૌ મિત્રો ખરે જ અભિનંદનનાં અધિકારી છે. આ એ લોકો છે જે કશી બૂમરાણો કર્યા વગર, પોતાની નામના થાય તેવો કોઈ મોહ રાખ્યા વગર, બસ પોતાનાથી બનતું કાર્ય કર્યે જાય છે. તો હવે મિત્રોનાં વખાણ બહુ થયા ! પણ હજુ આપને હું ક્યાં ખોવાયો હતો એ જાણવા તો ન જ મળ્યું ને ?!!! (લાગે છે કે ૨૦૧૪માં અમારે માટે ઊજળી તક રહેલી છે ! ચલો દિલ્હી ! :-) )

મજાક મસ્તી બહુ થઈ, વધારે જાણકારી માટે મિત્ર ધવલભાઈનો આ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું. જરૂરી બધી જ માહિતી ત્યાં મળી રહેશે.

તો, આપને પણ આ પરિયોજનામાં રસ પડે તો સાદર આમંત્રિત છો. ખાસ તો આમાં કોઈ આગ્રહ નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છીક કાર્ય છે. એક પ્રકરણ, પાંચ પ્રકરણ કે પચાસ પ્રકરણ ! જે પ્રમાણે આપણે અનુકૂળતા હોય તે પ્રમાણે પોતાનું યોગદાન આપી શકાશે. (અને આપણે ગુજરાતીઓ માટે રસપ્રદ ગણાય તેવી વાત કહું તો; સાવ મફત ! :-) અર્થાત આપને ટાઈપિંગ પ્રૅક્ટિસ થશે અને ગાંધીજીની આત્મકથા વાંચવા, વિચારવા મળશે તે લાભનો કશો ચાર્જ લેવામાં નહીં આવે !) છે ને રસપ્રદ વાત ?!

તો ચાલો હવે આટલા દહાડામાં તો અમારા મિતાબહેને, બાપુએ, ગોવિંદભાઈ અને ગોવીંદભાઈએ, કિશોરભાઈ સાહેબે, આતાએ અને હાદ તો ખરું જ ! એમ સૌ મિત્રોએ કેટકેટલી સુંદર રચનાઓ પ્રસિદ્ધ કરી છે તે વાચવા (અને ડહાપણ ડહોળવા !!) પહોંચી જાઉં. આભાર.

તા.ક: હમણાંથી વર્ડપ્રેસનાં લગભગ બધા જ બ્લોગ પર મારા દ્વારા અપાયેલા પ્રતિભાવ “સ્પામ” માં જતા હોવાનું જણાય છે. ’મને એ જ સમજાતું નથી કે આમ શા ને થાય છે ?’ કોઈ સલાહ સૂચન ? અને હા, આગોતરો આભાર !

બોધકથા-ગરીબી રેખા

મિત્રો, નમસ્કાર.
આજે વળી સાવ નાનકડી બોધકથા.

એક ગામની નજીક એક જર્જરિત જળબંધ હતો. ચોમાસામાં જળબંધમાં પાણીની આવક વધી જાય અને બંધની ક્ષમતા કરતાં પાણીનો જથ્થો વધી જાય તો આ જર્જરિત જળબંધ તૂટી પડે તેવી શક્યતા હોવાને કારણે સત્તાવાળાઓએ બંધમાં કેટલું પાણી ભરાય એટલે દરવાજા ખોલી વધારાનું પાણી વહાવી દેવું એ દર્શાવતી એક દર્શકપટ્ટી લગાવી હતી. આ દરવાજા ખોલ બંધ કરવા અને પાણીની સપાટીનું ધ્યાન રાખવા ગામમાં એક કચેરી અને તેમાં એક ઈજનેરબાબુની નિયુક્તિ કરાયેલી હતી. જો કે સામાન્યપણે જોવા મળે છે તેમ, એ બંધ અને તેમાં ભયજનક સપાટી દર્શાવતી પેલી દર્શકપટ્ટીનું ધ્યાન બાબુસાહેબ કરતાં વધારે તો ગામનાં લોકો રાખતા હતા ! કેમ કે, બંધ તૂટવાથી નુકશાન તો આ ગામના લોકોનું જ થવાનું હતું ! બાબુસાહેબને ક્યાં ઈ ગામમાં ખોરડું કે ખેતર હતું કે તણાય જાય !!

એક ચોમાસામાં ભારે વરસાદ થયો, બંધમાં પાણીની આવક વધવા લાગી, ગામ લોકો ભેળા મળી બાબુસાહેબની કચેરીએ આવ્યા,
’સાહેબ હવે બંધનું પાણી ભયજનક સપાટીથી માત્ર પાંચ ફીટ જ છેટું છે, કંઈક કરો’  બાબુસાહેબ કહે: ’અરે હજુ તો પાંચ ફીટ છે ને ? સમય આવ્યે કાર્યવાહી થશે, તમે લોકો જાવ.’
વળી એકાદ દિવસ ગયો ત્યાં ગામલોકો આવ્યા, કહે: ’સાહેબ, હવે પાણી ભયજનક સપાટીથી માત્ર બે ફીટ જ છેટું છે, કંઈક કરો.’
બાબુસાહેબ કહે:’અરે હજુ તો બે ફીટ છે ને ? મારું માથું ન ખાવ ! જાઓ યોગ્ય સમયે કાર્યવાહી થશે.’
સાંજ પડવા આવી ત્યાં વળી ગામજનો કચેરીએ પહોંચ્યા, કહે: સાહેબ હવે તો માંડ અરધો ફીટ બાકી રહ્યું છે, કંઈક તો કરો !’
બાબુસાહેબનાં આરામમાં વારંવાર વિક્ષેપ થતો હોઈ બહુ ગુસ્સે થઈ ગયા અને યોગ્ય સમયે કાર્યવાહી થશે એમ કહી ગામજનોને બહાર ધકેલી મેલાવ્યા. પણ પછી વિચાર કર્યો કે આ માળા મને આમ જ હેરાન કર્યે રાખશે અને રાતભર નીંદર પણ નહિ કરવા દે. તે પોતાનાં પટાવાળાને બોલાવીને હુકમ કર્યો કે, ’તું બંધ પર જા અને પેલી ભયસૂચક પટ્ટીને પાંચ ફીટ ઊંચી કરી આવ !! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી !!!

તો આ બોધકથામાંથી આપ શું શીખ્યા ?
(૧) બુદ્ધિ કોઈના બાપની નહિ.
(૨) અક્કરમીનાં ટાંટિયા અને કર્મીની જીભ.
(૩) કરે કોઈ અને ભરે કોઈ. (કે, મરે કોઈ !)

જો કે મને ખાત્રી છે, આપને આવી શિખામણો યાદ નહિ જ આવી હોય ! આપના મગજમાં આવી હશે “ગરીબી રેખા” !!! (તો આપ ખરે જ બૌદ્ધિક ગરીબ છો, માત્ર લેખનું મથાળું વાંચી એક તરફી વિચાર કરો છો !!) પણ સાચું કહું છું, ગરીબી રેખા અને ગરીબોની ઘટેલી સંખ્યા સાથે આ બોધકથાને કશી લેવાદેવા નથી !!!! હા ગરીબો અને (પોતાની) ગરીબી ઘટાડવામાં આવી બોધકથાઓ ઉપયોગી થઈ શકે ખરી :-)
આભાર.

* ગરીબ (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્ર; રાંક; ઠંડા સ્વભાવનું ભલું; સાલસ; સહનશીલ.
* ગરીબી (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્રતા; અધીનતા; ભલાઈ; સાલસાઈ.