૧૦/૧૦/૧૦ (દશ નો કસ)


10 of hearts.

Image via Wikipedia

મિત્રો, નમસ્કાર.
આજે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે તારીખ ૧૦/૧૦/૨૦૧૦ છે. આમ તો વર્ષ ૨૦૧૦ ગણાય પરંતુ સામાન્ય રીતે દરેક સદીનું વર્ષ માત્ર બોલવાનો ચાલ હોવાથી આ સદી માટે તો આ ૧૦/૧૦/૧૦નો સંયોગ ગણાય. આવો સંયોગ દરેક ૧૦૦ વર્ષે એક વખત આવતો હોય છે. અન્ય આંકડાઓનો આવો સંયોગ પણ પ્રસિદ્ધ છે, જેમ કે ૧/૧/૦૧ કે ૯/૯/૦૯ કે પછી આવતા વર્ષે આવશે તે ૧૧/૧૧/૧૧ અને તે પછીના વર્ષે ૧૨/૧૨/૧૨ વગેરે. આજે તો આપણે ૧૦/૧૦/૧૦નાં ગાડે બેઠાં છીએ તો ચાલો થોડા તેનાં ગીત ગાઇએ !

એક રસપ્રદ વાત એ છે કે, મુળ લેટિનભાષા અનુસાર ઓક્ટોબર (૧૦મો માસ)નો સાચો અર્થ આઠમો માસ થાય છે ! અને રોમન પંચાંગ મુજબ તે વર્ષનો આઠમો માસ જ ગણાતો, આ કેલેન્ડર ૪૬ ઇ.પૂ. (ઇસા પૂર્વ) સુધી અમલમાં હતું. (અને આ કેલેન્ડરમાં વર્ષનાં પાછા માત્ર દશ મહિના જ હતા !) ૪૬ ઇ.પૂ. માં સમ્રાટ જુલિયસ સિઝર દ્વારા ’જુલિયન પંચાંગ’ અમલમાં મુકાયું ત્યારે સપ્ટેમ્બર (સાતમો માસ)ની આગળ રોમનોએ તેમના નામનો જુલાઇ અને ત્યારબાદ સમ્રાટ ઓગસ્ટ્સનાં નામનો ઓગસ્ટ માસ ઘુસાડ્યા જેને કારણે સપ્ટેમ્બર નવમો અને ઓક્ટોબર દશમો માસ બન્યા. (અર્થાત, સત્તાધિશોની ચાંપલુંસીનો રિવાજ આજકાલનો નથી !!)

આગળ કહ્યું તેમ વર્ષના માત્ર છેલ્લા બે આંકડાઓ ગણતા આ ત્રણ દશડાનો સંયોગ થાય છે. આપણે એ જોઇએ કે સંપૂર્ણ વર્ષના બધા જ આંકડાઓ ગણતા ભુતકાળ અને ભવિષ્યમાં આ સંયોગ કઇ રીતે થયેલો કે થશે. સર્વ પ્રથમ ખરેખર ત્રણ દશડાનો સંયોગ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં, ઈસુની પ્રથમ શતાબ્દીમાં, વર્ષ ૧૦ માં જ થયેલો ગણાય, કે જે ખરેખર ૧૦/૧૦/૧૦ તારીખ હતી. જો કે ગ્રેગોરીયન પંચાંગનું ત્યારે ચલણ હતું નહીં (એ તો ૧૫૮૨માં અમલમાં આવ્યું) અને ઈ.સ.ની ગણતરી ભલે ઈસુના જન્મવર્ષથી મનાતી હોય પરંતુ ખરેખર તે ગણવાની શરૂઆત ઈસુના લગભગ ૫૨૫ વર્ષ પછી થયેલી અને બહુ પ્રચલીત તો ૮૦૦ વર્ષ પછી થયેલી. (સંદર્ભ: વિકિપીડિયા /AD)  આજ રીતે બીજો આવો જ સંયોગ, જે ચાર દશડાનો સંયોગ હતો, તે તા: ૧૦/૧૦/૧૦૧૦ એટલે કે આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં થયેલો. હવે આ ગણતરી આગળ ચલાવીએ તો હવે પછીનો સંયોગ પાંચ દશડાનો જે તા: ૧૦/૧૦/૧૦૧૦૧૦ એટલે કે આજથી ૯૯૦૦૦ વર્ષ પછી સને એક લાખ એક હજાર દશમાં થશે !!    

ઓ..હો…હો…હો…! આટલા બધા વર્ષ રાહ જોવી નહીં પરવડે ! માટે ચાલો આજના દિવસને જ દશનો સંયોગદિન ગણી અને દશ (૧૦) પર થોડો વિચાર કરી લઇએ. બન્ને હાથની કુલ આંગળીઓ (અંગુષ્ઠ શાથે) દશ હોવાથી કુદરતી રીતે જ દશના પાયે ગણતરી કરવાનું હાથવગું બન્યું !  ગણિતની દૃષ્ટિએ દશ એ મીશ્ર અંક (composite number) કહેવાય. તે બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા છે,  ભારતની વિશ્વગણિતને ભેટરૂપ દશાંશ પદ્ધત્તિનો પાયો દશ છે… હવે આગળ નથી વધવું… કારણ ગણિતની દૃષ્ટિએ ૧૦ એ આપણી જાણીતી બાબત છે. અહીં આપણે દશની કેટલીક ઓછી જાણીતી બાબતો ચર્ચીશું (હાશ !!!) .  વિજ્ઞાનની ભાષામાં લઇએ તો દશ એ નિઓનનો (neon) આણ્વિક અંક (atomic number) છે.  વાદળ દશ પ્રકારના હોય છે. હિંદુ ધર્મમાં દશાવતાર  મુખ્ય છે, રાવણનું એક નામ  દશાનન છે,  ભગવદ્‌ગીતાનો ૧૦મો અધ્યાય ’વિભૂતિયોગ’ છે. યહુદી અને ખ્રીસ્તી ધર્મમાં દશ આજ્ઞાઓ ( Ten Commandments)  પ્રસિદ્ધ છે. રમત ગમતમાં ગંજીફાનાં પાનાની ઘણી રમતોમાં દશો અને ત્યાર પછીનાં ગુલામ, રાણી, રાજાનાં પાનાની કિંમત દશ જ ગણાય છે. ફૂટબોલ જેવી રમતોમાં દશ નંબરની જર્શી પહેરવાનું મહત્વ અંકાયું છે. ક્રિકેટમાં એક મેચમાં સામેની ટીમની દશ વિકેટ લેવાય જાય એટલે તેઓની બેટિંગ સમાપ્ત ગણાય છે. ઓલિમ્પિક કે તેવા રમતોત્સવોમાં ખેલાડીનો વધુમાં વધુ સ્કોર દશ ગણાય છે. બાસ્કેટબોલમાં ગોલનીં ઊંચાઇ દશ ફીટ અને બંન્ને ટીમના થઇને કુલ ખેલાડીઓની સંખ્યા પણ દશ હોય છે. બેઝબોલમાં પણ કોઇપણ સમયે ઓછામાં ઓછા દશ ખેલાડી મેદાન પર હોવા જરૂરી ગણાય છે. બોલીંગ ગેમમાં (જે ભારતમાં પણ હવે બહુ જાણીતી છે  ten-pin bowling) દશ નાના ઢિંગલા આકારની પીનો ત્રીકોણાકારે ગોઠવવામાં આવે છે, જેને મોટા દડા વડે પાડવાની હોય છે. મુક્કાબાજીમાં ’નોકડાઉન’ પછી દશ સુધીની ગણતરી કરાય છે. આપણા ઇન્ટરનેટની વાત કરીએ તો ૧૦ની શ્રેણીનું IP એડ્ડ્રેસ (10.0.0.0 – 10.255.255.255) ખાનગી નેટવર્ક માટે આરક્ષિત હોય છે. ભારતીય દંડ સંહિતાના સેક્શન ૧૦ (IPC Section 10) પ્રમાણે; ’પુરુષ’ એટલે મનુષ્યજાતિનો કોઇપણ ઉંમરનો નર અને ’સ્ત્રી’ એટલે મનુષ્યજાતિની કોઇપણ ઉંમરની માદા.  

દશ નંબરી

Image via Wikipedia

ફિલ્મ જગતમાં દશ મનોજ કુમારની “દશ નંબરી”  દ્વ્રારા બહુ પ્રસિદ્ધ થયેલો (દુનિયા એક નંબરી તો મેં દશ નંબરી), અને ઉસ્તાદોના નંબર તરીકે પ્રતિષ્ઠા પામ્યો. (ચલચિત્ર મુજબ રીઢા ગુનેગારે દરરોજ પોલિસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની હોય તેને દશનંબરી કહેવાય છે, કોઇ જાણકાર આ ૧૦ બાબતે વધુ ખાંખાખોળા કરશે ?) ભારતીય રાજકારણમાં ૧૦, જનપથ અને આંતરરાષ્ટ્રિય રાજકારણમાં ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ બહુ જાણીતા છે. અમેરિકામાં કેલિફોર્નિયા અને ફ્લોરીડાને જોડતો ’ઈન્ટરસ્ટેટ ૧૦’ નામક ફ્રી વે (હાઇવે) પણ પ્રસિદ્ધ ગણાય છે.

આ બધી દશને લગતી છુટી છવાઇ માહીતિઓનો નમુનોમાત્ર અહીં આપ્યો, આપ હજુ વધુ, ઢગલોએક બાબતો શોધી શકો છો. હવે આપણે થોડી વર્ષ અને તવારીખને લગતી વાતો જોઇએ (આમે તારીખીયામાં આ તારીખ બતાવે છે એટલે તો આટલી રામાયણ માંડી છે !). વર્ષ ૧૦ (માત્ર ૧૦ !) વિશે જોઇએ તો; તે વર્ષ બુધવારે શરૂ થયેલું, આ વર્ષમાં જ વિશ્વમાં પોતાના ઇજનેરી અને યાંત્રીકી કૌશલ માટે જાણીતા એવા ગ્રીક યંત્રશાસ્ત્રી ’હીરો ઓફ એલેક્ઝાંડ્રિયા’નો જન્મ થયેલો.

The Common Man as drawn by Laxman

Image via Wikipedia

ઓક્ટોબર ૧૦ (૧૦/૧૦, જે ’ડબલ ટેન’ તરીકે ઓળખાય છે) ની થોડી તવારીખ જોઇએ તો; સને ૧૯૬૪માં ટોક્યો, જાપાનમાં યોજાયેલી ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહનું, પ્રથમ વખત, સ્થિર ભ્રમણકક્ષાના ઉપગ્રહ મારફત જીવંત ટેલિવિઝન પ્રસારણ થયું. ૧૯૭૦માં ફીજી સ્વતંત્ર દેશ બન્યો. સને ૧૯૦૬, આજ દિવસ, ભારતીય લેખક અને નવલકથાકાર આર.કે.નારાયણનો જન્મ દિવસ. (એ કોણ ?? ’કોમનમેન’ યાદ છે ? બસ એ જ કાર્ટુનિસ્ટ આર.કે.લક્ષમણનાં વડિલબંધુ અને વધુ યાદ કરાવું તો પ્રસિદ્ધ ટી.વી. ધારાવાહીક ’માલગુડી ડેઝ’   તેમની કથાઓ પરથી બનેલી, હજુ ઓળખ ના પડી હોય તો ’વાંચે ગુજરાત’નું નાહી નાખવું !!). સને ૬૮૦ના આજ દિવસે, મહમદ પયગંબર સાહેબના પૌત્ર ઈમામ હુસેનનો ઈન્તકાલ થયો. સને ૨૦૦૦, સિરીમાવો ભંડારનાયકે, શ્રીલંકાના વડાપ્રધાનનું નિધન પણ આ જ દિવસે થયેલું. સને ૨૦૦૪, સુપરમેન શ્રેણીના હીરો તરીકે જાણીતા એક્ટર ક્રિસ્ટોફર રીવ નું પણ આ દિવસે અવસાન થયું.

અને છેલ્લે આજનો દિવસ “વિશ્વ મનોઆરોગ્ય દિવસ” (World Mental Health Day) તરીકે ઉજવવામાં આવે છે. સારૂં થયું અહીં સુધી પહોંચ્યા ત્યાં આ ખબર પડી ! તો હવે સૌ મિત્રોનું મનોઆરોગ્ય વધુ ન બગાડતાં અહીં અટકું છું. સૌનું મનોઆરોગ્ય અને તનોઆરોગ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થનાસહ: દશ વિશે આટલું બસ !!!

(માહિતી સ્રોત= વેબ: Wikipedia, google, પુસ્તક : The book of numbers, અને અન્ય વાંચન)

12 responses to “૧૦/૧૦/૧૦ (દશ નો કસ)

  1. અશોક ભાઈ, સરસ આંકડા બાજી . કેટલીક પુરક માહિતી, ભારતીય ગણિત નો નંબર સીસ્ટમ માં મુખ્ય ફાળો શૂન્ય ની શોધ ને આપી શકાય, ને તેના આધારે દશાંશ પદ્ધતિને ( નહિ કે નમ્બર ૧૦, ૧૦ નંબર નો કોન્સેપ્ટ પણ કેટલીક નંબર સીસ્ટમમાં પહેલા હતો). બીજું નમ્બર સીસ્ટમ માં લોકો ને આકર્ષતો ને જેની સાથે પણ ઘણી વાતો જોડાઈ છે તેવો નમ્બર એટલે ૨૭. ક્રિકેટ માં સામેની ટીમની ૧૦ વિકેટ લેવાય જાય એટલે તેમની બેટિંગ સમાપ્ત થઇ -આ વાત ટેકનીકલ રીતે સંપૂર્ણ સાચી ના કહી શકાય. શ્રી આર. કે . નારાયણ ની બીજી પ્રસિદ્ધ ઓળખાણ એટલે હિન્દી સિનેમામાંની એક યશકલગી સમી ફિલ્મ ‘ગાઈડ’ ની વાર્તા ના લેખક તરીકે ની !

    Like

  2. શ્રી સુર્યાજી, પુરક માહિતી બદલ આભાર. આપની વિકેટ વાળી વાતમાં તો ખાસ કુતૂહલ થયું. શક્ય હોય તો એ વિષયે થોડી વધુ ટેક્નિકલ માહિતી આપવા વિનંતી છે. આભાર.

    Like

    • અશોક ભાઈ, મેચ માં ટીમ ની બેટિંગ ની સમાપ્તિ ફક્ત ૧૦ વિકેટો પરજ આધાર નથી રાખતી બીજા પણ ઘણા પરિબળો ને લીધે બેટિંગ ની સમાપ્તિ થઇ શકે છે. ઉદાહરણ તરીકે , બેટિંગ નો દાવ ડીકલેર કરવાથી, અનુકુળ હવામાન/વાતાવરણ ન હોવાને લીધે, પુરતી ઓવરોનો લક્ષ્યાંક પૂરો થવાથી, ખિલાડી/ખિલાડીઓ ના ઘાયલ થાવથી વગેરે કારણોથી .

      Like

  3. શ્રી દશોક મોઢવાડીયા ખૂબ સરસ માહિતી વાઇરસ તે દ્શ નો સરસ કસ કાઢયો

    Like

  4. સરસ માહિતી અશોકભાઈ…
    (૧૦-૧૦-૧૦)આજના દિવસે ભારતના લોકતંત્રમાં ઈ-વોટિંગની શરુઆત થઈ.આ પણ ઉમેરી દેજો.મેં પણ ઈ-વોટિંગનો લાભ લિધો.ઈતિહાસ આપણને પણ યાદ જરુર કરશે.ભલે ૯૯૦૦૦ વર્ષ પછી પણ યાદ તો કરશે ! 🙂 મારા આ કોમેન્ટની તિથી પણ ૧૦ તારીખ ,૧૦મો મહિનો, ‘૧૦મું વર્ષ, ૧૦ વાગ્યે અને ૧૦ મિનિટે 😉

    Like

  5. શ્રી અશોકભાઈ,
    સરસ માહિતિ.
    વ્યવહારીક જગતમાં જોઈએ તો આ બધી માહિતિ, જાણકારી મનોરંજન પુરુ પાડી શકે અને હજુ આમાં ઢગલો એક માહિતિ ઉમેરી શકાય.

    પણ કાળની દૃષ્ટીએ જોઈએ તો કાળ એક અનંત વહી જતી ઘટના છે. કોઈ પણ ગણતરી ને ક્યાંક શરુઆત હોય અને તેને એક કહો અથવા તો અથ કહો તો જ્યાં થાકો અથવા તો અનાયાસે થાકવું પડે ત્યાં તેની ઈતિ થાય. આ ઈતિ નો આંક કોઈ નિશ્ચિત નથી હોતો. હા એટલું ખરુ કે જ્યાં અથ છે ત્યાં ઈતી છે છે અને છે જ .

    અને એટલે આપણા મનિષિઓએ પ્રયાસ કર્યો કે કેવી રીતે આ આદિ અને અંતની ધમાચકડીમાં થી છૂટીને પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થીત થવું

    આ અથ થી ઈતિ વિશે વધારે ચર્ચા કરીએ તો નવરાત્રી ની શરૂઆત થઈ તો તેનો અંત જરૂર આવશે. વર્ષની શરૂઆત થઈ તો તેનો અંત જરૂર આવશે. બાળક જન્મ્યું તો તે જરૂર મૃત્યું પામશે. વળી આ આંકડાઓ ખરેખર શું છે? તો તેનો જવાબ કાઈક આવો આપી શકાય કે એક ને એક પરિમાણ ઉમેરાયા કરવું અને દરેક પરિમાણનું અલગ અસ્તિત્વ હોવું તે આ આંકડાનો વધારો અને એક એક પરિમાણ દુર થતું જવું તે આંકડાનો ઘટાડો.

    જેમ કે એક લખોટી માં એક ઉમેરાય તો બે થાય અને બેમાંથી એક લખોટી ઓછી થાય તો એક થાય. એક વ્યક્તિને બીજી વ્યક્તિ મળે અને તેનામાં આત્મિયતા બંધાય તો મિત્રો થાય અને તે બંનેમાં દ્વેષ વધે તો દુશ્મની બંધાય. વ્યક્તિ વ્યક્તિ જ રહે છે પણ તેમનો પરસ્પરનો વ્યવહાર કેવો છે તેના આધારે નવા સરવાળાને નામ અપાય છે.

    થોડુંક અથવા તો ઘણું વિષયાંતર થયું છે, પણ મારો કહેવાનો આશય એટલો જ છે કે અંકગણિત એ સાપેક્ષ વાત છે, નિરપેક્ષ બાબત નથી. અને છેવટે શૂન્યમાંથી ઉત્પન્ન થયેલું બધું જ શૂન્યમાં મળી જાય ત્યારે બધા જ અંકગણિતોનો અંત આવે છે, અને તેને જ આપણા ઋષિઓએ નીચેના શ્લોક દ્વારા વર્ણવ્યું:

    ઓમ
    પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે
    પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે

    જ્યાં સુધી મન છે ત્યાં સુધી આપણાં ઋષીઓની વાતો પંડિતોના દોઢ ડહાપણ જેવી લાગે છે પણ માણસ જ્યારે ધ્યાન દ્વારા મનની પણ પેલે પાર જાય છે ત્યારે આ અંકશાસ્ત્ર અને આપણો અહમ બંને વિલિન થઈ જાય છે અને સમગ્ર સમષ્ટિ સાથે એકાત્મકતા સધાય જાય છે અને તેને જ “શૂન્ય” કહેવામાં આવે છે. આ શૂન્યમાં દ્વૈત નથી હોતું, જગત નથી હોતું માત્ર ને માત્ર આપણું અસ્તિત્વ હોય છે.

    Like

  6. અશોકભાઈ, છેક આજે વાંચ્યું પણ મઝા આવી ગઈ. તમે ગજબ છો. છેલ્લે મનોઆરોગ્યની ચિંતા થવા લાગી ત્યાં જ તમે અટક્યા!

    Like

  7. આભાર, શ્રી અતુલભાઇ, હિરેનભાઇ, દિપકભાઇ.
    ક્યાં અટકવું એ આવડી જાય એટલે અકસ્માતની સંભાવના ઘટી જાય ! ખરૂં ને દિપકભાઇ ? મને લાગે છે હું પણ ધીરે ધીરે શીખતો જઉં છું. સૌ મિત્રોનો ફરી ફરી આભાર. (હમણાં કાર્યબોજને કારણે ક્યારેક પ્રતિભાવનો પ્રત્યુત્તર આપવામાં વિલંબ થાય છે તો ક્ષમ્ય ગણવા વિનંતી)

    Like

Leave a comment